Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Utsav
 

જે અવાજ ન ઉઠાવી શકે એમનો અવાજ બનવું

 
Source: Brahmkumar Bhatt   |   Last Updated 12:27 PM [IST](14/06/2010)
 
 
 
 
 

આમ તો કોઈ વ્યક્તિ આખાબોલી અને જક્કી હોય તો રાજકારણમાં ઝાઝી ચાલે નહીં, પણ બ્રહ્મકુમાર ભટ્ટ આમાં અપવાદ છે.


આ એક દુર્લભ પ્રકારના રાજકારણી છે. એમને મૂળ દુ:ખ એ વાતનું છે કે એક જ દેશ, રાજ્ય, શહેર, મહોલ્લામાં કે ઇવન ગલીના એક છેડે રહેતો માણસ અત્યંત ગરીબ અને બીજા છેડે રહેતો માણસ ધનના ઢગલામાં આળોટતો હોય એવું કેમ? ઓક્ટોબર ૧૯૨૧માં જન્મેલા બ્રહ્મકુમારભાઈએ ગુજરાતને એની સ્થાપના પહેલાનાં ૪૦ વર્ષ અને પછીનાં ૪૫ વર્ષ દરમિયાન એકદમ ધારીને જોયું છે.


હજુ ૨૦૦૨ની સાલ સુધી એ રાજ્યસભાના સાંસદ હતા. આજે પણ એમનો જુસ્સો બરકરાર છે. રાજકારણીઓમાં સામાન્ય રીતે જોવા મળતી ઠંડક, ગણતરીખોર સ્વભાવ એમનામાં નથી. આ તડ અને આ ફડના એમના સ્વભાવને કારણે એમને પોતાના જેવા મોરારજી દેસાઈ સાથે સારું બનતું. ઘણાં વર્ષ સુધી એ જયપ્રકાશ નારાયણની સમાજવાદી ચળવળમાં પણ જોડાયેલા રહ્યા.


જાહેર જીવન અને અંગત જીવનમાં ઘણી તડકીછાંયડી જોઇ ચૂકેલા આ બુઝુર્ગે જીવનને સમતાથી પચાવી લીધું છે. પુત્રનું નાની વયે મૃત્યુ થયું પછી બાળકો માટે કંઇક કરી છૂટવું એવો નિર્ધાર કર્યો. સદભાવના ટ્રસ્ટ બનાવ્યું. આ ટ્રસ્ટ વર્ષોથી અમદાવાદની વી.એસ. હોસ્પિટલના ચિલ્ડ્રન વોર્ડનાં ગરીબ બાળકોને મહિને ૭૦-૮૦ હજારની દવા મફત આપે છે. ચૂપચાપ. અડધી જિંદગી તેમણે વકીલાત કરી છે. કારકિર્દીની શરૂઆતમાં પત્રકાર રહી ચૂકેલા બ્રહ્મકુમારભાઇ મૂળ જીવ વકીલનો, એટલે જ્યારે પણ સંજોગો ઊભા થયા છે ત્યારે તેમણે કોઇના વતી બોલવાનું કામ કર્યું છે. અહા! જિંદગી સાથે તેમણે કરેલી વાતચીતના અંશો:


ગુજરાત રાજ્યના જન્મના તમે નિકટના સાક્ષી છો. એ ઘટના વિશે લોકો ઝાઝું ન જાણતા હોય એવું કંઈક કહેશો?


એ જ કે ગુજરાત આપણને મળ્યું નહોતું, આપણે ઝડપી લીધેલું. હકીકતે કહું તો અલગ ગુજરાતની ચળવળ એ મુંબઇના પૈસાદાર લોકો અને ગુજરાતના પૈસાદાર લોકો વચ્ચેનો ઝઘડો હતો.


દ્વિભાષી રાજ્યની ફોર્મ્યુલાને કારણે વિવાદ વઘ્યો. મુંબઇ અલગ રાજ્ય બને એવી ફોર્મ્યુલા હતી. અમદાવાદમાં આના વિરોધમાં આંદોલન શરૂ થયું. ભદ્રમાં કોન્ગ્રેસ હાઉસ પાસે ફાયરિંગ થયું, તેમાં હિન્દુ-મુસ્લિમ યુવાનો માર્યા ગયા. અમે ખાડિયામાં મહાગુજરાત પક્ષની કોન્ફરન્સ બોલાવી. ઇન્દુલાલ તેમાં જોડાયા. ગુજરાત જનતા પરિષદની રચના થઇ અને એક ચળવળનું સ્વરૂપ અપાયું.


તમારો તડફડનો સ્વભાવ રાજકારણમાં નડ્યો નહીં?


ખોટું કોઇનું ચલાવવું નહિ અને સાંભળવું નહીં. મને એક વખત એક નેતાજીએ કહ્યું હતું કે તમે કેટલાને દુશ્મન બનાવશો? પણ મેં હંમેશાં નિયમ રાખ્યો છે સામેવાળી વ્યક્તિમાં જે સારું એલિમેન્ટ હોય તેને સપોર્ટ કરવો. બાકી બધું ભૂલી જવું.


એવી કોઇ વસ્તુ, જે તમને જીવનભર ન ભુલાતી હોય કે ખૂંચતી રહી હોય?


સમાજની વિસંગતતા. આપણે ત્યાં લોકો-લોકો વચ્ચે અને રાજ્ય-રાજ્ય વચ્ચે કેટલી અસમાનતા છે?


તો સુખ વિશે શું માનો છો?


આ સાપેક્ષ પરિભાષા છે. ગરીબ માણસ માટે બે ટંકનો રોટલો અને ઓટલો સુખ છે. તો કોઇ અત્યંત અમીર માણસના એક ટંકના ભોજનનો ખર્ચ કોઇ મઘ્યમ વર્ગના નોકરિયાતના એક મહિનાના પગાર જેટલો હોય છે. છતાં, શક્ય છે કે પેલો અમીર સુખી ન પણ હોય.


તમારો જીવન જીવવાનો અભિગમ કેવો રહ્યો?


જેમને અન્યાય થયો છે અને જેઓ પોતાનો અવાજ રજૂ નથી કરી શકતા તેમને અવાજ આપવો. જેમનું કોઇ છે જ નહિ, તેમના માટે જેટલું થાય તેટલું કરવું. મેં હંમેશાં આ રીતે જીવવાનો પ્રયત્ન કર્યો છે.


સમાજમાં નૈતિકતા ઘટતી જાય છે?


હા, પહેલાનો જમાનો જુદો હતો. જાહેર જીવનમાં આવનારા લોકો શહેરના પ્રતિષ્ઠિત લોકો હતા. તેમના લોહીમાં ઓનેસ્ટી હતી. કોઇ તેમના પર શંકા કરી શકે તેમ નહોતું. એ બધા સીધા માણસો હતા અને લોકોની સેવા એ જ તેમનો ઉદ્દેશ હતો. મુંબઇ વિધાનસભામાં હું ૧૯૫૭માં ચૂંટાયો હતો. એ વખતે મુંબઇની કેન્ટીનમાં દોઢ રૂપિયામાં જમવાનું મળતું.


જીવરાજ મહેતા એ વખતે ફાઇનાન્સ મિનિસ્ટર હતા (જે પછીથી ગુજરાતના પ્રથમ મુખ્ય મંત્રી બન્યા) હું, રતુભાઇ અદાણી, રસિકભાઇ બધા મિત્રો ટેબલ પર જમવા બેઠા હતા. એ વખતે જીવરાજભાઇ આવ્યા એટલે મેં જોક કરી કે લો હવે ફાઇનાન્સ મિનિસ્ટર આવી ગયા છે એટલે આપણે કોઇએ દોઢ-દોઢ રૂપિયો કાઢવાની જરૂર નહિ પડે પણ જીવરાજભાઇએ પોતાના ખિસ્સામાંથી દોઢ રૂપિયો કાઢીને કહ્યું કે આપણે સૌ સોલ્જરી કરીએ.


બધાના પૈસા હું ન આપી શકું. વાત આજથી અંદાજે પચાસ વર્ષ પહેલાંની છે અને દોઢ રૂપિયાની છે અને એ વખતના નાણામંત્રીની છે. એ વખતે ગાંધીનગરનો જન્મ નહોતો થયો. આજે હું કહી શકું કે ગાંધીનગરમાં નન ઇઝ અબોવ કરપ્શન. આજની વાત કરવા જેવી નથી. આ જે છે તે પાવર પાછળની દોટ છે.


હું ગુજરાત ઇલેકટ્રિસિટી બોર્ડનો ચેરમેન હતો. પાવર પ્લાન્ટ માટે રોજ જે ટ્રેન આવે તેમાં આશરે દસ ટન કોલસો ઓછો આવતો. મેં તપાસ કરી. કોન્ટ્રાક્ટરોને બોલાવ્યા. સમજાવ્યા કે અમે વધુ કોલસાના પૈસા આપીએ છીએ, અને રેલવેને ભાડું પણ આપીએ છીએ. તો પછી દસ ટનની ઘટ કેમ આવે છે? થોડો સમય બરાબર વોચ રાખી. જીઇબીને મહિને ૩૦ કરોડનો ફાયદો થયો. એ વખતના મુખ્ય મંત્રી ચીમનભાઇ પટેલે મંત્રીમંડળની બેઠકમાં કહ્યું હતું કે જો શીખો, વહીવટ આમ કરાય. ખેર, આજની મને ખબર નથી.


શું ગાંધી-સરદાર-નહેરુ જેવી નેતાગીરીની ખોટ પડી છે?


તમામ પક્ષોમાં લીડરશિપનું કોઇ લેવલ રહ્યું નથી-કોન્ગ્રેસ સહિત.


જાહેર જીવનમાં તમને સૌથી વધુ આનંદ આવ્યો હોય એવું કામ કયું?


૧૯૪૨ની લડતમાં અનેક મજૂરોએ બંધ પાળીને વિરોધ કર્યો હતો. વિચાર કરો કે જે લોકો એક એક ટંકનું ખાતા હોય એ મજૂરોએ મહિનાઓ સુધી કેવી રીતે ઘર ચલાવ્યું હશે? છતાં તેમણે આઝાદીની ચળવળમાં બલિદાન આપ્યું. હમણાં થોડા સમય પહેલાં એ લોકોના પરિવારનું સન્માન મારા હસ્તે કરાયું. મને લાગે છે કે મારી જિંદગીનો એ શ્રેષ્ઠ આનંદ હતો. સુખી માણસનો ભોગ, ભોગ હશે, પણ જેમની પાસે કંઇ નથી તેવા લોકો સમાજ માટે કંઇક કામ કરે તે બહુ મોટો ભોગ છે.


સમાજવાદી વિચાર સતત તમારા જીવન પર ધેરાયેલા રહ્યા છે


એ તો ક્યારેય જાય તેમ નથી. મારા સમગ્ર જીવનનો એક મુખ્ય થ્રેડ ગણો તો એ જ છે. સૌ માટે થાય તેટલું કરવું. કુટુંબ કે સમાજ. એક કિસ્સો કહું. હું કોર્ટમાં વકીલાત કરતો ત્યારે આવા કોઇક જાહેર હિતના કામ માટે મેજિસ્ટ્રેટ સમક્ષ તારીખ માગતો.


એકવાર મને મેજિસ્ટ્રેટે કહ્યું કે મિસ્ટર ભટ્ટ તમે કાં વકીલાત કરો અને કાં તો ફુલટાઇમ જાહેર જીવનમાં જ રહો. મેં તેમને કહ્યું હતું કે યોર ઓનર, એ શક્ય નહિ બને. હું બંને કરીશ. કારણ કે બંને મારા માટે એટલા જ અગત્યના છે. એના સંતુલનની ફિકર તમે નહિ કરતા, એ હું જાળવી લઇશ.


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 6


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.