આવતે ભવ મારે લંડનનો કૂતરો થવું છે. ત્યાં હિરોઇન જેવી સ્ત્રીઓ કૂતરાને પ્રેમથી નવડાવે છે.સાંજ પડે એટલે કૂતરાને ફરવા લઇ જાય.
એરેન્જ મેરેજ અને લવમેરેજમાં બહુ તફાવત નથી. માણસ ચાલતો જતો હોય અને અચાનક કૂતરું આવીને પગથી પિંડીને જુદી પાડી આપે તો એ એરેન્જ મેરેજ છે પણ માણસ સામે ચાલીને શાંતિથી બેઠેલા કૂતરા પાસે જાય, એના મોઢામાં પિંડી ભરાવીને કહે કે મને બટકું ભર એ લવમેરેજ છે. પહેલા પ્રકારમાં પતિ-પત્ની પહેલાં પરણે છે અને પરણ્યા છીએ એટલે પ્રેમ કરવો જોઇએ એવા ગણિતથી પરણ્યાં પછી પ્રેમ કરે છે, જ્યારે બીજા પ્રકારમાં પહેલાં પ્રેમ કરે છે અને પ્રેમ કર્યો છે એટલે પરણવું જોઇએ એવી ખોટી માન્યતાથી પરણે છે અને પરણ્યાં પછી પ્રેમને બદલે વહેમ કરે છે. તેથી પ્રેમલગ્ન બટકી જતાં વાર લાગતી નથી.
હું ઘણાં ઘરડાંઘરમાં ગયો છું, ત્યાં મેં સવર્ણનાં મા-બાપ જોયાં તેટલાં પછાતનાં મા-બાપ જોયાં નથી. મારા મિત્ર ભગા ભરવાડે મને કહ્યું કે અમે વસૂકી ગયેલા ઢોરને પાલવીએ છીએ તો ઘરડાં થયેલાં માવતરને સાચવીએ એમાં અચરજ નથી, પરંતુ મારા સવણોg મને ડ્યુઅલ પર્સનાલિટીવાળા લાગ્યા. એ લોકો જીવનસાથી સાથે છુટાછેડા લઇને કૂતરાને પ્રેમ કરી શકે છે. મારા મિત્ર વસંત પરેશ બંધુ લંડન જઇ આવ્યા પછી મને મજાકમાં કહેતા હતા કે આવતે ભવ મારે લંડનનો કૂતરો થવું છે. ત્યાં હિરોઇન જેવી સ્ત્રીઓ કૂતરાને પ્રેમથી નવડાવે છે. હું તો મારી જાતે જ નહાતો હતો. સાંજ પડે એટલે કૂતરાને ફરવા લઇ જાય. હું એકલો એકલો ફરતો હતો. કૂતરાને કંઇ થયું ન હોય છતાં દર મહિને મેડિકલ ચેકઅપ કરાવે અને હું માંદો પડ્યો છતાં કોઇ તબિયત પૂછવા આવતું નહોતું. ભારતમાં પણ માણસ કરતાં પશુને વધુ ચાહનારા પશુઓની કમી નથી.
એક બાળકે પિતાને પૂછ્યું કે તમને સિંહની બીક લાગે? પિતાએ પુત્ર પાસે વટ પાડવા જવાબ આપ્યો કે સિંહને મારી બીક લાગે. ત્યારબાદ બાળકે બીજો સવાલ કર્યો કે તમને ભૂતની બીક લાગે વળી પિતાએ ઇમ્પ્રેશન જમાવવા જવાબ આપ્યો કે ભૂત મને જુએ એટલે સંતાઇ જાય. પણ તું આવા સવાલો શા માટે કરે છે? ત્યારે બાળક બોલ્યું કે મારે જાણવું છે કે મમ્મી સિવાય તમને કોની બીક લાગે. ત્યારબાદ પિતાએ બાજી ઓપન કરતાં કહ્યું કે મને તારી મમ્મીની બીક લાગે છે પણ તારી મમ્મીને મારી બીક લાગતી નથી. મારે આવતાં જન્મમાં કોક્રોચ થવું છે કારણ એને કોક્રોચ સિવાય કોઇની બીક લાગતી નથી.
અત્યારે બધા એકબીજાથી ડરે છે. ઉંદર બિલાડીથી ડરે છે. બિલાડી કૂતરાથી ડરે છે. કૂતરો આદમીથી ડરે છે. આદમી એની ઔરતથી ડરે છે અને ઔરત પેલા ઉંદરથી ડરે છે. દુનિયા ગોળ છે ભાઇ.
પતિ-પત્ની વચ્ચે પ્રેમ હોય તો ગમે તેટલી અગવડ વચ્ચે પણ જીવન જીવવાની મઝા આવે બાકી જો પ્રેમ ન હોય તો અધ્યતન સગવડ વચ્ચે પણ જામતું નથી. આજનો માણસ લાઇફલેસ લાઇફ જીવે છે કારણ ટેલિફોન કોર્ડલેસ છે, કુકિંગ ફાયરલેસ છે, ફૂડ ફેટલેસ છે, ખાંડ સુગરલેસ છે, ડ્રેસ ટોપલેસ છે અને નેતા હોપલેસ છે. યુવાનો જોબલેસ છે. જોબ હોય તો થેંકલેસ છે. સંબંધો કેરલેસ છે. જિંદગી મીનિંગલેસ છે અને તેથી લવમેરેજ લવલેસ છે. પ્રેમલગ્ન લવલેસ હોય તો પણ લવલેસ ચિંતા કરશો નહીં કારણ લાઇફ ભલે હોપલેસ હોય પણ હોપ એન્ડલેસ છે.