Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Utsav
 

હિન્દી ફિલ્મ સંગીત ઉપર રવીન્દ્ર સંગીતનો પ્રભાવ

 
Source: Utsav, Dr Padmanabh joshi   |   Last Updated 3:05 AM [IST](03/02/2012)
 
 
 
 
 
ટાગોર મૌલિક સંગીતકાર હતા. વિવિધ વિષયોને કેન્દ્રમાં રાખીને કવિવરે સંગીત તૈયાર કર્યું હતું. તેમણે ૨૫૦૦થી પણ વધુ રચનાઓ લખીને સ્વરબદ્ધ કરી હતી.

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે સજેઁલા રવીન્દ્ર સંગીતનો પ્રભાવ બંગાળની દરેક કલાત્મક અભિવ્યક્તિ ઉપર અનુભવાય છે. શાંતિ બોઝના શબ્દોમાં ‘ટાગોર બંગાળની સંસ્કૃતિનું પ્રતીક છે. ટાગોરનાં ગીતો તથા નૃત્યનાટિકાઓ આજે પણ બંગાળની પ્રજાને આકર્ષે છે.’ બીજા શબ્દોમાં, ટાગોર બંગાળની પ્રજાના જીવન સાથે ઓતપ્રોત થયેલા છે. વિશ્વભારતી સિવાય પણ હેમંત મુખર્જી, દેવવૃત બિશ્વાસ, કનિકા બેનર્જી, સુચિત્ર મિત્રા અને તેમની સંસ્થા રવિ તીર્થ, સંતોષ સેનગુપ્તા અને તેમનું સૂરમંદિર અને સૌમેન્દ્રનાથ ટાગોરની બેઠક વગેરેએ રવીન્દ્ર સંગીત અને નૃત્યનાટિકાઓ બંગાળની પ્રજા સુધી અને બંગાળ બહાર પહોંચાડવામાં મહત્વનો ફાળો આપ્યો છે.

પંકજ મિલ્લકે ટાગોરનાં ગીતોને ફિલ્મ, રેડિયો અને ગ્રામોફોન રેકોર્ડ્ઝ દ્વારા લોકો સુધી પહોંચાડવામાં તેમનું સમગ્ર જીવન અર્પણ કરી દીધું. તેમણે કહ્યું હતું કે, ‘રવીન્દ્ર સંગીત એ મારું જીવન છે.’ ન્યૂ થિયેટર્સની ૧૯૩૭ની બંગાળી ફિલ્મ ‘મુક્તિ’માં પંકજદાએ કાનન દેવીના અવાજમાં આ ફિલ્મમાં ટાગોરનાં ગીતો ગવડાવ્યાં હતાં. જ્યારે ટાગોરના કાવ્ય ‘દિનેર શેશે’ને પંકજદાએ ટાગોરની સંમતિ લઇને બંદશિ તૈયાર કરી પોતે ગાયું હતું.

બંગાળના ઘણા ફિલ્મ નિર્દેશકો જેવા કે દેવકી બોઝ, નીતિન બોઝ, તપન સિંહા, અજય કાર અને પાર્થ પ્રતિમ ચૌધરીએ ટાગોરની વાર્તા, નવલિકા, નાટકો અને કવિતાનો ફિલ્મોમાં ઉપયોગ કર્યો હતો. સત્યજિત રે તો સંપૂર્ણપણે ટાગોરના પ્રભાવ હેઠળ હતા. તેમના શબ્દોમાં, ‘મેં શાંતિનિકેતનમાં ત્રણ વર્ષ ગાળ્યાં. શાંતિનિકેતને મને પૂર્વ અને પશ્ચિમના સમન્વયથી માહિતગાર કર્યો. એક ફિલ્મ નિર્માતા તરીકે હું જેટલું યુરોપ અને અમેરિકાની ફિલ્મોમાંથી શીખ્યો છું તેટલું જ શાંતિનિકેતને મને શીખવ્યું છે.’

બોલતી ફિલ્મની શરૂઆત બાદ તો અનેક ફિલ્મ નિર્માતાઓએ ટાગોરનાં ગીત-સંગીત, કાવ્યો અને કથાનો તેમની ફિલ્મોમાં ઉપયોગ કર્યો. સત્યજિત રેએ ‘તીન કન્યા’ અને ‘ચારુલતા’માં ટાગોરના સર્જનનો ઉપયોગ કર્યો. તેવી જ રીતે તપન સિંહાએ ‘અતિથિ’ અને ‘કાબુલીવાલા’માં ટાગોરના માનવીય અભિગમને રૂપેરી પડદા પર સફળતાપૂર્વક રજૂ કર્યા. સત્યજિત રેએ ફિલ્મ ‘ઘરે બાહિરે’માં ટાગોરની જાણીતી કથાનો આધાર લીધો હતો.

પ્રોફેસર ધૂર્જટિ પ્રસાદ મુખર્જીના શબ્દોમાં ‘સંગીતનો તાલ ટાગોરની ફિલોસોફીને પુષ્ટિ આપે છે, સંગીતની મેલડી ટાગોરના સાહિત્યને પ્રસારે છે અને ઓરકેસ્ટ્રા ટાગોરના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં રજૂ કરે છે. સંગીત તેમના વ્યક્તિત્વને સંપૂર્ણતા બક્ષે છે અને તેમની કલાશૈલીને પરિપૂર્ણ બનાવે છે.’ શીતાંશુ રેના શબ્દોમાં, ‘ટાગોર ભારતીય અને પશ્ચિમી સંગીત પરનું સાહિત્ય ખૂબ વાંચતા. તેમના સમકાલીન મિત્રો જેવા કે, રોમેઇન રોલેન્ડ, આલ્બર્ટ આઇનસ્ટાઇન અને એચ. જી. વેલ્સ સાથેની વાત, પત્રવ્યવહાર તેમના ભારતીય સંગીત અને પશ્ચિમી સંગીત વિશેનાં જ્ઞાન ઉપર પ્રકાશ ફેંકે છે.’

ભારત અને બાંગ્લાદેશનાં રાષ્ટ્રગીત ટાગોરે લખેલાં છે. ટાગોરે ૨૫૦૦થી પણ વધુ રચનાઓ લખી, તેમને સ્વરબદ્ધ કરીને તેની સ્વરલિપી (નોટેશન્સ) લખીને પ્રકાશિત કરી છે. રવીન્દ્ર સંગીતનું મૂલ્ય સમજી અને જાણીને સૌપ્રથમ વાર ફિલ્મમાં ઉપયોગ કરવાનું શ્રેય પંકજ મિલ્લકને જાય છે. ૧૯૨૯નો આ એક ઐતિહાસિક પ્રસંગ હતો, પણ ભાગ્યે જ કોઇ સમજી શક્યું. ટાગોરની કથા-વાર્તા અને ગીત-સંગીત ફકત બંગાળ સુધી જ મર્યાદિત નહોતાં. મુંબઇસ્થિત હિન્દી ફિલ્મ ઉદ્યોગના સર્જકોએ પણ ટાગોરનાં વિવિધ સર્જનોમાંથી પ્રેરણા લીધી હતી.

૧૯૪૫માં બોમ્બે ટોકીઝ હેઠળ નીતિન બોઝે ફિલ્મ ‘મિલન’નું નિર્માણ કર્યું હતું. તે બંગાળી ફિલ્મ ‘નૌકાડૂબી’ની હિન્દી આવૃત્તિ હતી. પ્રફુલ રોયે ફિલ્મ ‘ફુલવારી’, પા‹લ ઝીલ્સે ટાગોરની કથા ‘ચાર અધ્યાય’ આધારિત ફિલ્મ ‘ઝલઝલા’નું નિર્માણ કર્યું. હેમેન ગુપ્તાએ ફિલ્મ ‘કાબુલીવાલા’ની હિન્દી આવૃત્તિ તૈયાર કરી. રાજશ્રી પ્રોડક્શને ટાગોરની નવલિકા ‘સમાપ્તિ’ પરથી ફિલ્મ ‘ઉપહાર’નું નિર્માણ કર્યું. ટાગોરની કથા ‘ખુદિતો પાશાન’ ઉપરથી લતા મંગેશકર અને ગુલઝારે હિન્દી ફિલ્મ ‘લેકિન’નું નિર્માણ કર્યું હતું.

પંકજ મિલ્લક સિવાય અન્ય સંગીતકારો જેવા કે અનિલ બિશ્વાસ, સચિન દેવ બર્મન, સલીલ ચૌધરી, હેમંત કુમાર, રાહુલ દેવ બર્મન, રાજેશ રોશન, બપ્પી લાહિરી વગેરેએ પણ રવીન્દ્ર સંગીતમાંથી અને તેમની બંદશિોમાંથી પ્રેરણા લઇને તેનો ઉપયોગ પોતાની બંદિશોમાં કર્યો હતો. બોમ્બે ટોકીઝની ફિલ્મ ‘કિસ્મત’ (૧૯૪૩)માં સંગીતકાર અનિલ બિશ્વાસે ‘અબ તેરે સિવા કૌન મેરા’ જે ટાગોરના ગીત ‘જખન પોડ્બે’ ઉપરથી તૈયાર કર્યું હતું.

ફિલ્મ ‘મિલન’ (૧૯૪૬)માં પણ અનિલદાએ ટાગોરની બંદિશોનો ઉપયોગ કર્યો હતો. ફિલ્મ ‘તરાના’નું જાણીતું ગીત ‘સીને મેં સુલગતે હૈ’ ટાગોરના ગીત ‘ચિનીલેના અમારે’ ઉપર આધારિત હતું. મન્ના ડેએ ગાયેલું ફિલ્મ ‘હમદર્દ’નું ‘મેરે મનકી ધડકન’ એ ટાગોરના ગીત ‘મામા ચિત્તે નિતિ ન્રિતે’ પર આધારિત હતું. તેવી જ રીતે અનિલ બશિ્ર્વાસે ‘રાહી મતવાલે’ (ફિલ્મ ‘વારીસ’) ગીત ટાગોરના ગીત ‘ઓ એ ગ્રીહબશી’ ઉપરથી તૈયાર કર્યું હતું. સંગીતકાર નૌશાદની ફિલ્મ ‘દીદાર’નું ગીત ‘બચપન કે દિન ભુલા ન દેના’ ટાગોરની નૃત્યનાટિકા ‘શ્યામા’નાં ગીત ‘ચૂરી હોયે ગેચી રાજ કોશે’ પરથી તૈયાર થયું.

સચિન દેવ બર્મને ફિલ્મ ‘સુજાતા’નું ગીત ‘જલતે હૈ જિસ કે લિયે’ ટાગોરના ગીત ‘એકાડા તુમી પ્રિયે’ની સંપૂર્ણ નકલ કરી છે. ફિલ્મ ‘ટેક્સી ડ્રાઇવર’નું ગીત ‘જાયે તો જાયે કહાં’ ટાગોરના ગીત ‘હેય ખાનીકર અતિથિ’ પરથી તૈયાર કરવામાં આવ્યું. ફિલ્મ ‘શર્મિલી’નું ગીત ‘મેઘા છાયે આધી રાત’ ટાગોરના ગીત ‘લાહો લાહો તુલે લાહો’ પર આધારિત છે. ફિલ્મ ‘અભિમાન’નું જાણીતું ગીત ‘તેરે મેરે મિલન કી યે રૈના’ ટાગોરના બંગાળી ગીત ‘જાડી તારે નાઇ ચિની ગો શેકી ’ ઉપરથી, ‘મેરા સુંદર સપના બીત ગયા’ ટાગોરના ગીત ‘રોદોં ભરા એ બાસોનોતો’ ઉપરથી, ‘નૈન દીવાને’ (ફિલ્મ ‘અફસર’) ટાગોરના ગીત ‘શે દિન દુ જાને’ ઉપરથી, રાહુલ દેવ બર્મને ‘છોટી સી ઇક કલી ખિલી થી’ (ફિલ્મ ‘જુમૉના’) ગીત ટાગોરના ‘બસંતે ફૂલ ગાનથોલો’ ઉપરથી, ફિલ્મ ‘યાદોં કી બારાત’નું ‘આપ કે કમરે મેં કોઇ રહતા હૈ’ ગીત એ ટાગોરની નૃત્યનાટિકા ‘ચિત્રાંગદા’ના ગીત ‘ઓરે ઝોડ નેમે આઇ’ પર આધારિત છે.

પંકજ મિલ્લકે રવીન્દ્ર સંગીતને સામાન્યજન સુધી પહોંચાડવાનું બીડું ઝડપ્યું હતું. તેમણે ગુરુદેવની સંમતિ લઇને ફિલ્મ ‘મુક્તિ’માં ટાગોરનાં ગીતોથી ફિલ્મોમાં રવીન્દ્ર સંગીતની શરૂઆત કરી હતી. તે રાજેશ રોશનની ફિલ્મ ‘યારાના’ સુધી અનુભવાય છે. ગુજરાતના જાણીતા સંગીતકાર સ્વ. અજિત શેઠ અને નિરુપમા શેઠ પંકજ મિલ્લકના સહવાસમાં રહીને રવીન્દ્ર સંગીતનો ઊંડો અભ્યાસ કરી રવીન્દ્ર સંગીત ગુજરાતની પ્રજા સમક્ષ લાવ્યા.

ડૉ. પદ્મનાભ જોષી
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 7


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.