વૃક્ષ કે વંશવૃક્ષ સમય સાથે તાલ મિલાવતાં બેહાલ અને ચિંથરેહાલ થઈ ગયાં છે. ડાળી પરનાં પંખીઓ પણ ઘડિયાળના ગુલામવંશના પ્રતીક જેવા લાગે છે.
શબના હાથ જેવી
વૃક્ષની ડાળીઓ પર
ઘડિયાળો ટાંગો
જેથી સમયને જોઈ જોઈને
ફૂલોએ ક્યારે ખીલવું
કેટલો સમય મહેકવું
અને ક્યારે ખરવું
એની એમને પાકી ખબર પડે
પંખીઓ પણ
હવે મુકરર કરેલા સમય પ્રમાણે
ગાશે અને ચૂપ થઈ જશે
વૃક્ષને
એની કુંડળીમાં
એની રીતે રોપી દો
કે એ પણ
કેલેન્ડરની તારીખ પ્રમાણે જ જીવે
ક્યારે લંચ અવર્સ લેવા
ક્યારે રજા પાડવી
ક્યારે હડતાળ પર ઊતરવું
આ બધું-
અગાઉથી નક્કી થઈ જવું જોઈએ
વૃક્ષને
રસ્તાની વચ્ચે રોપો
જેથી એ પણ
ટ્રાફિકમાં અટવાયા કરે!
નગર અને સંસ્કૃતિ આ બે શબ્દોની ક્યારેક સૂગ ચઢે છે. સંસ્કૃતિ હવે વિકૃતિનું રૂપાળું નામ છે. નગરનો માણસ ટાઈમટેબલના ખાનામાં, એને ગોઠતું હોય કે ન ગોઠતું હોય તો પણ ગોઠવાયેલો છે. એ સમયનો માલિક નથી, પણ સમયનો ગુલામ છે. નગરમાં વૃક્ષો નથી હોતાં એમ નહીં પણ એ શ્રીમંતની પાર્ટીમાં અટવાતા ઓશિયાળા મધ્યમવર્ગના માણસ જેવા વધારે લાગે છે. વૃક્ષો અહીં ઊભાં છે ખરાં, પણ પરાણે ઊભાં હોય એવાં લાગે છે. કોઈએ જંજીર બાંધી દીધી હોય એવાં લાગે છે. વૃક્ષની ડાળીઓ શબ્દના હાથ જેવી લાગે છે. કવિ કહે છે કે આવી ડાળી પર ઘડિયાળને ટાંગો.
મુંબઈ જેવા શહેરમાં બોલબાલા એકમાત્ર રાજાબાઈ ટાવરની છે. ૮.૫૫ કે ૯.૫૫ની ટ્રેન છે. જો ડાળી પર ઘડિયાળ બાંધીએ તો અહીંનાં ફૂલોને ક્યારે ખીલવું, ક્યા સમયે મહેકવું, ક્યારે ખરવું એની કોઈ ગતાગમ તો પડે. પ્રકૃતિ અને મનુષ્યની પ્રકૃતિ ઘડિયાળના ગોળ ગોળ ફરતા કાંટાઓમાં અટવાયેલી છે. વૃક્ષ કે વંશવૃક્ષ સમય સાથે તાલ મિલાવતાં બેહાલ અને ચિંથરેહાલ થઈ ગયાં છે. ડાળી પરનાં પંખીઓ પણ ઘડિયાળના ગુલામવંશના પ્રતીક જેવા લાગે છે. અહીં કટાક્ષ છે એ ઉઘાડીને કહેવાની જરૂર નથી. પંખીઓ પણ નિયત સમયે ગાશે અને ચૂપ થઈ જશે. ગાવાનું માફકસર નહીં હોય, પણ માપસર હશે.વૃક્ષ પણ જાણે કે પોતાની કુંડળીનું મોહતાજ થઈ ગયું છે.
વૃક્ષનો પગ પણ કુંડળીના કુંડાળામાં પડી ગયો છે. એને પણ મોસમની કોઈ કોઠાસૂઝ નથી. કોષ્ટકમાં અને કષ્ટ વેઠી રહ્યું છે. શિયાળો, ઉનાળો, ચોમાસુ, ગ્રીષ્મ, વસંત અને પાનખર-કશાની સમજ પડતી નથી. એનાં પાંદડાં કેલેન્ડરની તારીખનાં પાનાં થઈ ગયાં છે. એ જાણે કે ઓફિસના કલાર્કની જેમ નોકરી કરે છે. એ વતેg છે કોઈ ગુમાસ્તાની જેમ. એને એટલી જ ખબર પડે કે ક્યારે કામ કરવું, ક્યારે લંચ અવર્સ લેવા, ક્યારે રજા પાડવી, ક્યારે હડતાળ ઉપર ઊતરવું. એ પણ ગણતરીબાજ થઈ ગયું છે.રસ્તાની વચ્ચે રોપાઈ ગયેલું વૃક્ષ ટ્રાફિકમાં અટવાયા કરે છે. આ સાથે લગભગ આવા જ મિજાજનું બીજું કાવ્ય જોઈએ:
સંસ્કૃતિ શબ્દની હવે સૂગ આવે છે
સડી ગઈ છે સંસ્કૃતિ
જંગલી નગરોની વચ્ચે જીવવાનું
નગરનાં નામ બદલાતાં રહે એટલું જ
બાકી માણસ તો રોજ ને રોજ
વધુ ને વધુ વિકૃત થતો જાય છે
કામ કરતા હાથ હવે હથિયાર થઈ ગયા છે
પગ એના પાશવી
આંખમાં વિકરાળ અગ્નિની જવાળા
અને કાન જાણે યુગોથી બહેરા
શ્વાસમાં શબની દુર્ગંધ
રાજકારણીઓ પ્રવચનોમાં
શબ્દો ઓક્યા કરે છે
મામૂલી માણસોના હૃદયમાં
કાટ ખાધેલા ખીલાઓ ઠોક્યા કરે છે
હવામાં હોય છે હાડપિંજરનાં પગલાં
સંસ્કૃતિના સુવર્ણમૃગને
કોઈ ઉઠાવી ગયું છે
અને એને દાટી દીધું છે
પાનખરના વૃક્ષની નીચે