ઘણી છોકરીઓને મસ્ત સીટી વગાડતા આવડતી હોય છે, પણ યોગ્ય વાતાવરણમાં એમને ખાસ આગ્રહ કરાય, તો જ એ તમને (કે મને) ધન્ય કરે!
ડોહાઓને આ વિષય નહીં ગમે. માટે તો હું ખાસ આ વિષય પર લખીશ. ડોહાઓને દાઝે બાળવા - એ માત્ર મારી હોબી જ નથી, પણ એ પુણ્યનું કામ છે, એટલે કે મારી નૈતિક ફરજ છે. જો તમે મારી કબર પર ‘આઈ હેટ બુઢ્ઢાઝ’ - એટલું કોતરાવશો, તો હું કબરમાંથી ચોવીસ કેરેટની શુદ્ધ સીટી મારીશ, આઈ પ્રોમિસ! ડોહાઓ ચોકઠું ડિસલોકેટ થઈ જવાની ચિંતામાં કદાચ સીટી નથી મારતા. તમારે જલદી ડોહા થઈ જવું હોય તો સભ્યતા અને સંસ્કૃતિની ચિંતા કરજો (સમાજના બગડેલ નિમ્મેસભૈઓ તો યથાશક્તિ પોતાનું કાર્ય કરશે જ). અને મારી કોલમ કદી ન વાંચતા, શિસ્તની ચિંતા કરનાર કોઈપણ પાંચ ડોહાઓને ‘શિસ્ત’ શબ્દ બોલાવશો, તો ત્રણેકને મુખેથી સીટી વાગી જ જશે.
એમની એ અશિસ્ત બદલ શું હું તમારી માફી માગું?લફરાંખોરીમાં સીટી મારવી (અને આંખ પણ!) અતિ આવશ્યક છે. છોકરીઓને સીટી ગમતી હોય છે - એની કૂકરને પણ ખબર હોય છે. કોઈ સ્ત્રી ગુસ્સે થઈ કૂકરને કેમ નથી કહેતી કે... સાલા, તારી મા-બહેન છે કે નહીં? (નર્કમાં સ્થાન પામવા લેખકે પર્યાપ્ત પાપ કર્યું છે કે નહીં, એનો ક્યાસ કાઢવા, ડોહાઓ છાનેમાને આ લેખ વાંચશે અને પછી કહેશે.... હે પ્રભુ, આટલું ગંદું તો લખાય? અલ્યા પ્રભુ જ આ લખાવે છે, બાકી હું તો નિમિત્તમાત્ર છું!)
અમુક પંખીઓ પણ રોમેન્ટિક ભાવે સેક્સી સીટી મારતા હોય છે એમને શું મેં બનાવ્યાં છે? ‘શામ ઢલે ખિડકી તલે તુમ સીટી બજાના છોડ દો’ એમ જો કોઈ યુવતી ગાય, તો ડોહાઓ એનો શબ્દાર્થ પકડી પેલીને ‘ડાહી દીકરી’ માને છે, પણ પ્રેમના અસલ મરમી એવા પ્રત્યેક યુવકને ખબર હોય છે કે આ તો કાયમનું આમંત્રણ છે, બાકી પેલી કરાંજવાને બદલે ગાય ખરી?ડોહાઓનું હાર્ટ બેસી જાય, એવી એક વાત કહું? ઘણી ઘણી છોકરીઓને મસ્ત સીટી વગાડતા આવડતી હોય છે, પણ યોગ્ય વાતાવરણમાં એમને ખાસ આગ્રહ કરાય, તો જ એ તમને (અથવા મને) ધન્ય કરે!
ઘણા ડોહાઓ જેને ‘શિશોટી’ કહે છે, તે વ્હિસલ પણ આ લેખનો વિષય છે જ. મોટાભાગે સિસોટી એ ‘શિસ્ત’ પળાવવાનું સાધન છે. એનો અવાજ પણ શિસ્ત જેટલો જ કર્કશ અને બેસૂરો હોય છે. જીવનને યાંત્રિક, રસહીન તથા બેસૂરું બનાવવા શિસ્ત પાળવી અને એ માટે ‘સસ્તી’ સિસોટી લઈ આવવી.
અમુક બુદ્ધિના બળદ સમા વ્યાયામ શિક્ષકો સમૂહ કવાયતમાં બાળકોને રોબોટ બનાવવા સિસોટી વગાડતા હોય છે. એક શનિવાર છોકરાંને શિસ્તપૂર્વક કૂદાડ્યાં એટલે કોર્સ પૂરો, ખરું ને? સિસોટીની વાત ચાલતી હોય ને પોલીસવાળાઓને યાદ ન કરીએ, એ ચાલે? કોણ જાણે, ઝનૂનપૂર્વક કોઈ પોલીસ સિસોટી વગાડે, ત્યારે ને એમ લાગે છે જાણે કે સિસોટીમાં એણે ઉઘાડી ગાળ વગાડી! પોલીસવાળાઓને શિસ્તમાં રાખવા, એમના મોઢામાં સિસોટીઓ હોવી જ જોઈએ જેથી ગાળો બોલી ન શકે! (સીટી અને સિસોટી સમાનાર્થી હોવા છતાં મારા શબ્દકોશમાં એ એક નથી, ઓકે?)
હું સિસોટી અંગે વધુ વાત નહીં કરી શકું. બિકોઝ આઈ હેટ ડિસિપ્લિન ઓલ્સો! (ગનપટ હુરટી આ સાંભળે તો તરત કહે કે નિમ્મેસભૈ ટમે ડફોર જેવી વાટ નીં કરો, બસ વાટ પૂરી! ટમને બઢી ચીજો ભિઠયાલેસ લાગહે, કારન કે ટમારા ખુડમાં જ ભિઠયો છે નઠી. ઉં ટમને આ વાટ ઉપર કારી પિસ્ટોલઠી ગોરી મારી ડેવા...)
કોઈ છોકરાની રેશમી સીટીના ઝૂલા પર જો કોઈ છોકરી ઝૂલતી દેખાય, તો સમજવું કે એ યુવાન હૈયાંના એવરગ્રીન કવિ રમેશ પારેખનો વિસ્તાર છે. (એમાં ડોહાઓ એલાઉડ છે નહીં!) રમેશ-શૈલીનું પ્રત્યેક ગીત તમને આડકતરી રીતે એ જ સંદેશ આપે છે કે ડોહા થવું કે ન થવું - એ તમારા હાથમાં છે. જ્યાં લગી ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ રહેશે, ત્યાં લગી ડોહા નહીં થાવ. જ્યારે એ ભૂલ્યા, ત્યારે તમારા એક પગે લંગડી રમવી પડશે. (બીજો પગ તો કબરમાં હશે ને!)તમને શું ગમે છે ? સિસોટીઓ કે સીટી? (એ ઉપરથી હું તમારી અવસ્થા નક્કી કરીશ... આઈ મિન યુવાવસ્થા કે વૃદ્ધાવસ્થા! બાય ધ વે, મારા લેખોની અવ્યવસ્થા ગમી?)
જયારથી કેટવોકની બોલ્ડ એન્ડ બ્યુટિફુલ પ્રથા આપણે ત્યાં આરંભાઈ છે, ત્યારથી મને બિલ્લીઓ બહુ ગમવા માંડી છે. ગુજરાતીની જેમ હિન્દીને પણ ભ્રષ્ટ કરતા, નિમ્મેસભૈએ આ ભિઠયાલેસ શે’ર લખ્યો છે, તે માણો...’ RAT ભી મારતે હૈં સીટી તબ...જબ ભી તુમ CAT-WALK કરતી હો!