ઈ.સ. ૧૭૭૬ની ૪થી જુલાઇએ અમેરિકાના તે વખતના ૧૩ સભ્યોએ જાહેર કર્યું કે We hold these truths to be self-evident, that all men are created equal, that they are endowed by creator with certain inalienable rights, that among these are life, liberty and the pursuit of happiness. અમેરિકાના પ્રત્યેક નાગરિકની જેમ વિશ્વના પ્રત્યેક જીવને સુખ મેળવવાનો અબાધિત અધિકાર છે. પરંતુ ભગવાન વગર સુખ મેળવવાની વાતો એક કલ્પનાથી વિશેષ કંઇ જ નથી. આ હકીકત શાશ્વતી સુધી અફર છે. તેમ છતાં ઘણા લોકો સુખની કલ્પનાઓના નવા રાગ છેડ્યા કરે છે. તેમના પ્રયત્નો સાચા છે પણ લાગે છે કે દિશા ખોટી છે.
માનસશાસ્ત્રીઓએ સુખની એક વ્યાખ્યા કરી છે. તેમના જણાવ્યા મુજબ હેપીનેસ એટલે H=F/D. એચ એટલે હેપીનેસ (સુખ), એફ એટલે ફુલફિલ્મેન્ટ (પૂર્ણતા) ડી એટલે ડિઝાયર (ઇચ્છા). આ પણ શોપનહોવરના H=O/D જેવું સૂત્ર છે. જેટલી ઇચ્છા વધારે તેટલી પૂર્ણતા ઓછી જેટલી પૂર્ણતા ઓછી તેટલું સુખ ઓછું. માર્ટિન સોલગિમેન તેના ‘ઓથેન્ટિક હેપીનેસ’ પુસ્તકમાં લખે છે કે સુખ માટે H=S+C+VyWY ની ફોર્મ્યુલા છે. અહીં એચ એટલે હેપીનેસ, એસ એટલે સેટ રેન્જ (વ્યક્તિનું પોતાના સુખનું કાયમી સ્તર.
જેમાં તે સારી-નરસી ઘટના પછી પાછો આવે છે.) સી એટલે લાઇફ સરકમસ્ટેન્સિસ (જીવનની પરિસ્થિતિ) વી એટલે વોલન્ટરી કંટ્રોલ (સ્વૈચ્છિક સંયમ)માનસશાસ્ત્રી કારોલ રોથવેલ અને પેટ કોહેનના કહેવા મુજબ H=P+(5 X E) + (3 X ++) એચ એટલે હેપીનેસ, પી એટલે પર્સનલ કેરેક્ટરિસ્ટિક (વ્યક્તિગત લાક્ષણિકતા) ઇ એટલે એક્ઝિસ્ટન્ટ (અસ્તિત્વ. તે સ્વાસ્થ્ય, આર્થિક સ્થિરતા અને મૈત્રી પર આધારિત છે.) એચ એટલે હાયર ઓર્ડર નીડ્સ (ઉચ્ચ સ્તરની જરૂરિયાતો).
આવી બીજી ઘણી સુખની સમજૂતીઓ હશે. ટૂંકમાં લોકોને સુખ જોઇએ છે. એક જળાશયના કાંઠે યક્ષે યુધિષ્ઠિરને આ જ સંદર્ભે પ્રશ્ન પૂછ્યો હતો કે આ જગતમાં સાચો સુખી કોણ? યુધિષ્ઠિરે કહ્યું: જે તૃષ્ણારહિત હોય તે જ સાચો સુખી છે. શ્રીજી મહારાજે પણ કહ્યું છે કે સમજુ હોય તે સુખી. વાત બરાબર છે. કારણ કે ધનવાન હોય અને બીજી બધી રીતે વ્યવસ્થિત હોય પણ જો તે અણસમજુ હોય તો તે દુ:ખી દુ:ખી થઇ જાય છે.
એક સર્વેમાં એવું નોંધાયેલું કે ગરીબ ધનવાન કરતાં સુખી હોઇ શકે છે. આ સંદર્ભે એક પ્રસંગ આવો પણ સાંભળ્યો છે. એક રાજા બીમાર પડ્યો. તેનો રોગ કોઇ રીતે મટે નહીં. કોઇએ તેનો ઇલાજ બતાવતા કહ્યું કે જો કોઇ સુખી માણસનું પહેરણ તમે પહેરો તો રોગ મટી જશે. તેના સૈનિકોએ તેવા માણસની શોધ કરી. બહુ બહુ શોધ કરતાં એક માણસ મળ્યો. તે બેઠો બેઠો ભજન કરતો હતો. સૈનિકોએ તેને પૂછ્યું, ‘તું સુખી છે?’ પેલાએ કહ્યું, ‘હા.’ સૈનિકો ખુશ થયા. તેને બરાબર પકડયો અને કહ્યું, ‘તારું પહેરણ લાવ.’ પેલો અલગારી કહે, ‘મારી પાસે પહેરણ જ નથી.’
સુખ તો ફક્ત ધોતિયું અને ગાતરિયું પહેર્યું હોય તો પણ મળી જાય. બસ જીવન ભગવાનમય હોવું જોઇએ. સુખનું આ સાચું બંધારણ છે.