Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Kalash
 

સરકાર શું જમીન દલાલ છે?

 
Source: Vihar, Kana Batava   |   Last Updated 12:37 AM [IST](01/09/2010)
 
 
 
 
 
એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરી રહેલી સરકારો ગરીબ ખેડૂતોના રોટલા અભડાવતા અચકાતી નથી. ત્યારે જમીન સંપાદન ધારામાં સુધારાથી શું પરિસ્થિતિ બદલાશે ખરી?

જમીન સંપાદનની વાત આવે એટલે તરત કહેવાય છે કે, અંગ્રેજોના જમાનાનો આ કાયદો છે પણ અંગ્રેજોના જમાનામાં લેન્ડ એક્વિઝિશન લો આટલો ખરાબ નહોતો. તે વખતે પણ સરકાર મનફાવે તે રીતે વર્તી શકતી ન હતી. અત્યારે જમીન સંપાદન ધારો છે તેમાં બંધારણ ઘડતી વખતે અને મોરારજી દેસાઇ વડાપ્રધાન હતા ત્યારે થયેલા મોટા સુધારાઓએ સરકારોને બેફામ સત્તા આપી દીધી છે. મહુવાથી માંડીને નિયમગિરિ સુધી જે આંદોલનો ચાલી રહ્યાં છે તે આ સત્તાના દુરુપયોગના કારણે છે.

બ્રિટિશરોએ જમીન સંપાદનના નિયમો ભારતમાં સૌપ્રથમ ૧૮૨૪માં ઘડ્યા હતા. ૧૮૯૪માં લેન્ડ એક્વિઝિશન એક્ટ દ્વારા જમીન સંપાદનનું માળખું તૈયાર કરાયું, જેમાં જાહેર ઉદ્દેશ માટે નાગરિકની જમીન અથવા મિલકત જપ્ત કરવાની સત્તા શાસનને હતી. ૧૯૩૫માં અંગ્રેજોએ ઘડેલા ગવન્ર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટમાં સ્પષ્ટ લખાયું છે, ‘કોઇ વ્યક્તિને જાહેર ઉદ્દેશ માટે, વળતર સાથે પણ, તેની મિલકતથી વંચિત કરવાનો શાસનને હક્ક નથી.’ મિલકત ધરાવવાનો આ મૂળભૂત અને અબાધિત અધિકાર આઝાદી પછી ઘસાઇ ગયો છે.

જ્યારે ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર થઇ રહ્યો હતો ત્યારે કનૈયાલાલ મુનશીએ જમીન સંપાદન ધારાના પ્રથમ ડ્રાફ્ટમાં લખ્યું હતું, ‘કોઇ પણ જમીન માત્ર ઉપયોગ (ઉદ્દેશ નહીં, પર્પઝ નહીં, યુઝ) માટે ન્યાયી વળતર આપીને જ સંપાદિત કરી શકાય.’ પણ મુનશીનો આ મુદ્દો ભારતના નવા નવા શાસકો બનેલા નેતાઓના ગળે ઉતર્યો નહીં.’ જવાહરલાલ નેહરુ, પંડિત જી. બી. પંત, ડૉ.. આંબેડકર વગેરેની દલીલ હતી કે, દેશમાંથી જમીનદારી પ્રથા નાબૂદ કરવા માટે જમીન સંપાદન ધારો અત્યંત કડક અને સંપાદનની પ્રક્રિયા એકદમ સરળ હોવાં જોઇએ.

એટલે તેમણે જાહેર ઉપયોગ (પબ્લિક યુઝ) શબ્દના સ્થાને જાહેર ઉદ્દેશ (પબ્લિક પર્પઝ) શબ્દ રાખ્યા. ન્યાયી વળતરનું માત્ર વળતર કરી નાખ્યું. આ નાનકડા લાગતા સુધારાની દુરગામી અસરો કેવી હશે તે આ નેતાઓ જોઇ શક્યા નહીં. જમીનદારી પ્રથા લગભગ ગઇ. પણ પછી? જમીનદારો રહ્યા નહીં પણ કાયદો રહ્યો અને સરકારો તેનો ઉપયોગ ખેડૂતોની જમીનો ઉદ્યોગોને આપવા માટે કરવા માંડી. તેમાં અડચણ એ હતી કે જમીન કે અન્ય મિલકત ધરાવવી તે નાગરિકનો મૂળભૂત અધિકાર ગણાતો હતો. જમીન સંપાદનને અદાલતમાં પડકારાય એટલે પ્રક્રિયા ધીમી થઇ જતી હતી.

ખેડૂતોને મૂળભૂત અધિકારનો જે નાનકડો બંધારણીય હક્ક મળતો હતો તે પણ ખતમ કરી નાખ્યો. ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઇની સરકારે ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી તેવું પગલું બીજા કોઇ વડાપ્રધાન ન ભરે તે માટે બંધારણમાં અતિ મહત્વનો કહેવાતો ૪૪મો સુધારો કર્યો. નાગરિકોને મળતો મિલકત ધરાવવાનો મૂળભૂત હક્ક રદ્દ કરાયો, મિલકત માત્ર કાનૂની અધિકાર રહ્યો. તત્કાલીન કાયદા અને ન્યાયમંત્રી શાંતિ ભૂષણે ૧૯૭૮ની ૯મી મેના રોજ પ્રકાશિત કરેલા બંધારણ સુધારવા પાછળનાં ૧૨ કારણોમાં લખ્યું છે, ‘હવે મિલકત ધરાવવાનો અધિકાર મૂળભૂત નથી, ન્યાયિક છે.

જેમની મિલકત સંપાદિત કરવામાં આવે તેમને બજારભાવ પ્રમાણે વળતર ચૂકવાશે!’ એટલે સરકારો માટે જમીન સંપાદન સરળ બન્યું, પણ બજારભાવ મુજબ વળતર ચૂકવવાની વાતને ભૂલી જવાઇ. ઔદ્યોગિક વિકાસ સાધવા ખેડૂતો અને આદિવાસીઓ પાસેથી લઇને જમીનોની લહાણી કરવાનું અને ઉદ્યોગગૃહોને પોતાના રાજ્યમાં રોકાણ કરવા માટે લલચાવવાનું શરૂ થયું. ગરીબોના અને મજૂરોના મસીહા ગણાતા ડાબેરીઓએ પ. બંગાળમાં સ્પેશિયલ ઇકોનોમિ ઝોન સ્થાપ્યા. તાતા જેવી કંપનીઓને હજારો હેકટર જમીનો આપી દીધી.

ગુજરાતમાં ભાવનગર નજીકના મહુવામાં નિરમા કંપનીને સિમેન્ટ ફેક્ટરી માટે જમીન અપાઇ તેનો વિરોધ ખુદ ભાજપના ધારાસભ્ય ડૉ.. કનુભાઇ કળસરિયા કરી રહ્યા છે. નિયમગિરિ અને મહુવા ભૌગોલિક રીતે ભલે દૂર છે, સમસ્યા બેઉની સરખી જ છે. નિયમગિરિમાં વેદાંતા કંપનીને બોક્સાઇટના ઉત્ખનનની મંજૂરી કેન્દ્ર સરકારે ન આપી એટલે આદિવાસીઓ હાલ પૂરતા બચી ગયા છે. બધાં રાજ્યોના મુખ્ય પ્રધાનો કોર્પોરેટ કંપનીઓને પોતાને ત્યાં લાવવાની દોડ લગાવી રહ્યા છે. તેમાં જમીનોનું કોર્પોરેટકરણ થઇ ગયું છે. મહુવામાં નિકોલ બંધારા તરીકે ઓળખાતા આઠ ડેમથી બનતા જળાશયની ૨૬૮ હેકટર જમીન નિરમાને આપી દેવાઇ. તેમાંથી ૧૧૦ હેકટર ખેડૂતોને પાછી આપવાના આદેશો હાઇકોર્ટ અને શેલત કમિટિ દ્વારા થયા છે, લડત હજુ ચાલુ છે, પણ ખેડૂતોને સફળતા મળવાના ચાન્સ ઓછા છે.

મુદ્દો હવે એ છે કે, આવું થતું રોકવાના કોઇ સર્વસંમત ઉપાય ખરા? જમીન સંપાદન ધારાનો જે નવો મુસદ્દો સરકાર લાવી રહી છે તેમાં આવા પ્રશ્નોના કાયમી ઉકેલ માટેની વ્યવસ્થા હશે ખરી? કેન્દ્ર સરકાર, દેખીતી રીતે, ઉદ્યોગગૃહો તરફી છે અને વડાપ્રધાન પોતે અર્થશાસ્ત્રી છે એટલે કોથળામાંથી બિલાડું નીકળે તો બહુ આશ્ચર્ય નહીં થાય. ચૌધરી ચરણસિંહના પુત્ર અને કિશાન નેતા અજિતસિંહે જે વ્યક્તિગત સુધારા સૂચવ્યા છે, તેમાં બહુ આત્યંતિક ઉપાયો છે. તે પ્રમાણે જો ધારામાં સુધારા કરાય તો ઔદ્યોગિકરણને ફટકો પડે. તેથી કંપનીઓ ઉચાળા ભરે, તો દેશની આર્થિક કરોડરજજુ તૂટી જાય. લેન્ડ માફિયાઓ પેદા થશે. કંપનીઓએ ખુલ્લા બજારમાંથી જ જમીનો ખરીદવાની રહે, તો લોકો મનમાની કિંમત જાણીને તેમને હળાવશે પણ ખરા. તેની સામે હાઇહેન્ડ ટેક્નિક, મસલ પાવરનો વપરાય તો સરવાળે ભાગાકાર થાય. એટલે મધ્યમ માર્ગ જરૂરી છે.

વચલા રસ્તામાં પહેલો મુદ્દો એ હોય કે જમીનના માલિકોને સરકાર જ પૂરું વળતર આપે. કંપની આવવાથી જમીનના ભાવ જેટલા ઊંચકાવાની શક્યતા હોય તેની ગણતરી વળતરમાં કરવી જરૂરી બને. જેમની જમીનનું અધગિ્રહણ કરવામાં આવ્યું હોય તેમને એક્સામટું વળતર આપવાને બદલે તેના બે ભાગ પાડીને એક ભાગ પેન્શન તરીકે અપાય તેવી વ્યવસ્થા પણ કરી શકાય. ‘પબ્લિક પર્પઝ’ શબ્દોની વ્યાખ્યા સ્પષ્ટ કરાય, જેથી જમીન માલિકોને પણ સમાન તક અને હક મળે. કંપનીઓને જમીન આપવાની હોય તો તેના અમુક શેર જમીન ગુમાવનારાઓને આપવાની પણ વ્યવસ્થા કરી શકાય, જેથી બાંધી આવક રહે. જમીન સંપાદન માટે ન્યાયિક બોડી બનાવાય, પણ તેમાં ન્યાયતંત્ર અને શાસનના જ સભ્યોને બદલે અન્ય તજ્જ્ઞોને પણ સ્થાન મળે. સરકાર બળજબરી ન કરે અથવા સરકારનો ડર આદિવાસીઓ અને ખેડૂતોને ન લાગે તે માટે સિસ્ટમને પારદર્શક બનાવાય.

આમાંથી થોડા મુદ્દાનો પણ જો સૂચિત ધારામાં સમાવેશ થાય તો સ્થિતિ સુધરી શકે. સિંગુર અને નંદગ્રામનાં જનઆંદોલનથી ત્યાંના ખેડૂતો, સરકાર કે ઉદ્યોગો કોઇને મોટો ફાયદો નથી થયો, મમતા બેનરજી જેવા રાજકારણીઓને થયો છે. એટલે, નવા સુધારાઓથી જો આંદોલનો ઓછાં થાય અને ભૂમિપુત્રો, સરકાર, કંપનીઓ વચ્ચે સમજૂતી થાય તો ભારતમાં અરુણું પરભાત ઊગશે.

વિહાર,કાના બાંટવા

kana@guj.bhaskarnet.com
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 2


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.