Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Sunday Bhaskar
 

ઈશ્વરે બનાવેલો રમણીય દેશ સ્વિટ્ઝર્લેન્ડ

 
Source: Yatra, Dr Rajal Thakar   |   Last Updated 12:37 AM [IST](09/09/2010)
 
 
 
 
 
જ્યારે સ્વિટ્ઝર્લેન્ડ જવાનું નક્કી કર્યું ત્યારે, સ્વિસ ચોકલેટ, સ્વિસ ઘડિયાળો, સ્વિસ ચીઝ, સ્વિસ બેંક, સ્વિસ ગોલ્ડ આ તમામ વસ્તુઓ ઉપરાંત, યશ ચોપરાની ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેગે’ અને ‘ધ હીરો’નાં દ્રશ્યો કે જેનું સ્વિટ્ઝર્લેન્ડમાં ફિલ્માંકન થયું હતું તે તમામની ઝાંખી આંખ સામે આવી ગઇ.

વિમાનમાં હું હંમેશાં બારી પાસેની જ સીટનો આગ્રહ રાખું છું કારણ કે, મને વહિંગાવલોકનની બહુ મજા પડે છે. દોહાથી અમારી ફ્લાઇટ ઊપડી ત્યારે દોહા શહેરને નિહાળ્યું અને પછી તો નીચે દરિયો અને અફાટ રણ. સાડા પાંચ કલાકના ઉડ્ડયન બાદ જિનિવા શહેર હવે આવવામાં હતું. વાદળોના ઢગલામાંથી વિમાન ધીરે ધીરે નીચે ઊતરી રહ્યું હતું. વચ્ચે ક્યાંક આલ્પ્સના હિમાચ્છાદિત શિખરો દેખાઇ રહ્યા હતા અને અમે સૌ દુનિયાના અત્યંત રમણીય દેશોમાંના એક એવા સ્વિટ્ઝર્લેન્ડમાં ધીરે ધીરે ઊતરી રહ્યાં હતાં. વિમાનમાંથી રહોન નદી દેખાઇ અને તેમાં તરતી નૌકાઓ પણ. નદી તો એકદમ સ્વચ્છ અને નદીને કિનારે ચારેકોર હરિયાળી જ હરિયાળી અને ટેકરીઓ પર ઢળતા છાપરવાળાં મકાનો. જાણે કોઇ ચિત્રકારે સુંદર ચિત્ર બનાવ્યું હોય તેવા ઇશ્વરે બનાવેલા આ રમણીય દેશના શહેર જિનિવા એટલે કે ‘જહીનીવ’ના રન-વે પર અમારા વિમાને ઉતરાણ કર્યું.

વિશ્વમાં બનતી ઘડિયાળોમાં અડધા ઉપરાંતની ઘડિયાળો સ્વિટ્ઝર્લેન્ડમાં બને છે. એપોલો ચંદ્ર મશિન વખતે વપરાયેલી ઓમેગા સ્પીડમાસ્ટર અહીં જ બની હતી. સ્વિટ્ઝર્લેન્ડમાં બનતી તમામ વિશ્વવખિ્્યાત ઘડિયાળોની જાહેરખબરો જોતાં જોતાં અમે ઇમિગ્રેશનના કાઉન્ટર સુધી પહોંચ્યાં જ્યાં રોલેક્ષની ઘડિયાળ ટિંગાડેલી હતી. માર્ગદર્શન માટેની સૂચનાઓ ફ્રેન્ચ અને અંગ્રેજીમાં હતી. સ્વિટ્ઝર્લેન્ડના આ પશ્ચિમ ભાગમાં ફ્રેન્ચ ભાષા વધારે વપરાય છે. જ્યારે ઉત્તરે જર્મન અને દક્ષિણે ઇટાલિયન ભાષા પ્રચલિત છે. આ ત્રણ ભાષા ઉપરાંત અંગ્રેજી પણ વપરાશમાં છે. સ્વિટ્ઝર્લેન્ડની પોતાની કોઇ આગવી ભાષા છે નહીં.

સામાન મૂકવા માટે ટ્રોલી લેવા ગઇ તો ખબર પડી કે બે સ્વિસ ફ્રેંક મશીનમાં નાખીએ તો જ ટ્રોલીનું લોક ખૂલે. છુટા ફ્રેંક હતા નહીં એટલે સામાન જાતે જ ઊંચકીને બસમાં ચડાવ્યો અને અમે સૌ બસમાં ગોઠવાયા.

આમ, શરૂ થઇ જિનિવાની મુલાકાત. અહીં ટ્રાફિક રાઇટ હેન્ડ ડ્રાઇવ મુજબનો છે. રસ્તા પર ગાડીઓ, ટ્રામ અને ગણ્યાંગાંઠ્યાં દ્વિચક્રી વાહનોની સાથે સાથે કેટલાય સાઇકલસવારો પણ ખરા જ. અહીં સાઇકલ માટે જુદા ટ્રેક છે. ટ્રાફિક સિગ્નલ માં અન્ય વાહનોનાં સિગ્નલ ની સાથે સાથે સાઇકલસવારો માટે સાઇકલની નિશાનીવાળાં સિગ્નલ પણ છે. જેનું પાલન તમામ સાઇકલસવારો કરે છે. દરેક વાહન પોતાની નિધૉરિત લેઇનમાં જ ચલાવે અને ક્યાંય હોર્ન કે અરાજકતા નહીં. આપણે ત્યાં ક્યારે આવી વ્યવસ્થા થશે? આપણે ત્યાં તો પોલીસ ઊભેલ હોય તો પણ, માંડ માંડ ટ્રાફિકના નિયમ પળાય કારણ કે, આપણે ત્યાં સ્વયં શિસ્તનો સદંતર અભાવ છે.

અહીંના લોકો શિસ્તબદ્ધ છે કારણ કે, અહીં દરેક છોકરાએ ૨૦ વર્ષની ઉંમરે લશ્કરમાં ૧૦૦ દિવસની ફરજિયાત તાલીમ લેવી પડે છે. ત્યાર બાદ, દર વર્ષે બે અઠવાડિયાની તાલીમ લેવાની હોય છે અને આ રીતે કુલ ૩૦૦ દિવસની તાલીમ હોય છે. દરેક સૈનિક તેનો ગણવેશ, હથિયાર અને દારૂગોળો પોતાના ઘરે રાખી શકે છે. દર વર્ષે તેણે ફરજિયાત શૂટિંગ કવાયત કરવી પડે છે. ૪૨મા વર્ષ પછી ગણવેશ, હથિયાર અને દારૂગોળો પાછાં આપવાનાં હોય છે. છોકરીઓ માટે લશ્કરની તાલીમ મરજિયાત છે.

સ્વિટ્ઝર્લેન્ડનું મૂળ નામ કોન્ફેદેરાશિઓ હેલ્વેટિકા છે અને એટલે એના પ્રથમ અક્ષર લઇએ તો સી.એચ. તરીકે પણ લખી શકાય છે. વહીવટી સરળતા માટે સમગ્ર સ્વિટ્ઝર્લેન્ડને ૨૬ કેન્ટોનમાં વહેંચવામાં આવેલ છે. દરેક કેન્ટોનનો પોતાનો ધ્વજ પણ છે. શહેરમાં ઠેકઠેકાણે સ્વિટ્ઝર્લેન્ડનો રાષ્ટ્રધ્વજ લહેરાતો જોવા મળે અને સાથે સાથે જિનિવા કેન્ટોનનો ધ્વજ પણ ખરો જ. સામાન્ય રીતે મોટાભાગના દેશોના રાષ્ટ્રધ્વજ લંબચોરસ હોય છે પરંતુ સ્વિસ રાષ્ટ્રધ્વજ ચોરસ આકારનો છે. જેમાં લાલ બેકગ્રાઉન્ડમાં સફેદ ક્રોસ છે.

વાહનોની નંબર પ્લેટ પર જે તે કેન્ટોનનું નામ અને સ્વિસ તેમજ જે તે કોન્ટોનની ધ્વજની સંજ્ઞા અને નીચે નંબર લખ્યો હોય.રસ્તા પરની લાઇટો માટે થાંભલાઓ નથી પણ તે વાયર દ્વારા લટકાવેલી હતી અને સાથેસાથે ટ્રામના પાવર સપ્લાય માટેના વાયરો તો ખરા જ. ટ્રાફિક ન હોય અને કોઇ રાહદારીને રસ્તો ઓળંગવો હોય તો જાતે સ્વિચ દબાવીને ટ્રાફિકનાં સિગ્નલ બંધ કરી અને રસ્તો ઓળંગી શકાય તેવી વ્યવસ્થા પણ છે. અન્ય વિકસિત દેશોમાં પણ આ પ્રકારની વ્યવસ્થા હોય છે.

અહીંની ચોખ્ખાઇ તો, આંખે ઊડીને બાઝે તેવી છે. રસ્તા પર તેમજ ટ્રામના સ્ટેશન પર કચરો નાખવા માટે ખાસ ડબ્બાઓ હોય છે અને રિસાઇકલ થઇ શકે તેવો કચરો અલગ ભેગો કરવામાં આવે છે.

રસ્તા પર અત્યાધુનિક મકાનોની સાથે સાથે અહીંની લાક્ષણિકતા ધરાવતાં મકાનો પણ ખરાં જ. બે કે ત્રણ માળના ઢળતા છાપરાવાળાં મકાનો અને બહારની બાજુએ બે નાનકડા કમાડ ધરાવતી ખાસ બારીઓ હોય છે, જેનાં કમાડ હંમેશાં ખુલ્લાં જ હોય. તે પછી કાચ હોય અને સુંદર મજાના કલાત્મક પડદા તો ખરા જ. દરેક બારીની બહાર ફૂલોનાં આકર્ષક કુંડાઓ પણ ખરાં. મકાનના રસ્તા તરફ દેખાતા ભાગને ‘ફસાદ’ તરીકે ઓળખવામાં આવે છે અને દરેક ઘરની એક આગવી ઓળખ સમો આ ‘ફસાદ’ તરીકે ઓળખવામાં આવે છે અને દરેક ઘરની એક આગવી ઓળખ સમો આ ‘ફસાદ’ હોય છે.

આ બારીઓના આકર્ષક રંગો તેમ કુંડાઓની ગોઠવણી એટલી તો નયનરમ્ય હતી કે એક ઘર જોઇએ ત્યાં તો બીજું એનાથી પણ સુંદર ઘર દેખાય. સ્વિટ્ઝર્લેન્ડમાં યુવાનો ભણવા પર અને કારકિર્દી પર વધુ ધ્યાન આપતા હોઇ તેઓ લગ્ન લગભગ ૩૦-૩૧ વર્ષની આસપાસ કરે છે. પ્રથમ બાળક વખતે સ્ત્રીની ઉંમર લગભગ ૩૦ વર્ષની હોય છે જે યુરોપમાં સૌથી વધારે છે. દરેક દંપતીને ૧ કે ૨ જ બાળક હોય છે. સાક્ષરતાનું પ્રમાણ ૯૯ ટકા છે અને સરેરાશ આયુષ્ય ૮૦ વર્ષનું છે.

છેલ્લાં થોડાંક વર્ષોથી ઘણા બધા ભારતીયો સ્વિટ્ઝર્લેન્ડમાં ધંધાથેg કે ભણવા માટે જઇ રહ્યા છે. અહીંના હોટેલ મેનેજમેન્ટના કોર્સ જાણીતા છે. અહીં રહેતા ભારતીયોમાં ૮૦ ટકા જેટલા ઉચ્ચ શિક્ષિત વર્ગના છે. રસ્તા પર એક જગ્યાએ સ્વિસકોમની જાહેરખબર જોઇને અચરજ થયું. ગાંધીજી અને જાહેરખબરમાં? સ્વિસકોમ એ સ્વિટ્ઝર્લેન્ડની ટેલિકોમ્યુનિકેશનની કંપની છે, જેણે ગાંધીબાપુનો ઉપયોગ બ્લેકબેરી ફોન વેચવા માટે કર્યો છે. જાહેરખબર ફ્રેન્ચ ભાષામાં છે.

જાહેરખબરમાં ગાંધીજીના ફોટા સાથે બ્લેકબેરી ફોન દર્શાવાયેલ છે અને લખાણ આ મુજબનું છે, ‘સારી વસ્તુનો પ્રસાર અને પ્રચાર કરવો સહેલો નથી પણ હવે આખી દુનિયા તમારા બ્લેકબેરી પર મળશે!’ ગાંધીજીનો ઉપયોગ ફોન વેચવા માટે? ભારતમાં કોઇ આવી હિંમત તો શું, વિચાર પણ ન કરી શકે. શું સ્વિટ્ઝર્લેન્ડમાંની આપણી એલચી કચેરી એ આ જાહેરખબર જોઇ જ નહીં હોય? (ક્રમશ:)

થોડી જાણકારી

પાટનગર-બર્ન

વસ્તી આશરે : ૭૬ લાખ
મુખ્ય શહેરો : જિનિવા, લોસાન, જયુરિક, બર્ન, બાસેલ, લ્યુસર્ન, સેંટ ગાલેન
કરન્સી : સ્વિસ ફ્રાંક (૧ સ્વિસ ફ્રાંક=૪૨ રૂપિયા, યુરો
ભાષા : ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન, અંગ્રેજી
કઇ રીતે પહોંચાય? : વિમાન માર્ગે તેમજ યુરોપના અન્ય દેશમાંથી રેલ અને રોડ દ્વારા.
રાષ્ટ્રધ્વજ : ચોરસ આકારનો જેમાં લાલ બેકગ્રાઉન્ડમાં સફેદ ક્રોસ.
ક્યારે જશો? : એપ્રિલ-ઓક્ટોબર (ફરવા માટે) નવેમ્બર-ફેબ્રુઆરી (શિયાળુ રમતો માટે)
શું કરશો? : ફરવા ઉપરાંત ઇચ્છા હોય તો સાઇકિલંગ, ટ્રેકિંગ, પર્વતારોહણ, બોટિંગ, સ્કીઇંગ.
ખાસ યાદ રાખો : તમારાં ઇલેકટ્રોનિક સાધનો જેમ કે મોબાઇલ, કેમેરા વગેરેને ચાર્જ કરવા માટે યોગ્ય કન્વર્ટર સાથે રાખવા.

Email:rajalthaker@gmail.com

યાત્રા, ડો. રાજલ ઠાકર
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 4


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.