Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Sunday Bhaskar
 

ગીરની આત્મ-કથા ‘અકૂપાર’

 
Source: Vishesh, Raghuvir Chaudari   |   Last Updated 4:28 AM [IST](24/08/2010)
 
 
 
 
 
‘અકૂપાર’માં વર્ણનરીતિ પ્રવાસીનાં નિરીક્ષણો જેવી છે, પણ પાત્ર મળે ત્યાં કથારસ જાગે છે. અહીં પાત્રોમાં માણસો તો છે જ, પણ માણસોની જેમ સિંહ-સિંહણ, હરણ, પર્વત, નદી, વૃક્ષ બધાં જ પાત્રત્વ પામે છે.

ધ્રુવ ભટ્ટ એમની નિરીક્ષણ-કથાઓ ‘સમુદ્રાન્તિકે’ અને ‘તત્વમસિ’ દ્વારા ભાવકો અને વિવેચકોનો સમાદર પામ્યા છે. એમની આત્મીય દ્રષ્ટિ સહુથી પહેલાં છેલ્લા માણસને જુએ છે, પણ એમનું લેખન પ્રશિષ્ટ કૃતિ રૂપે સિદ્ધ થાય છે. લોકની કથા શ્લોક નીવડે છે! એમની ઉપયુંકત કથાઓએ અન્ય ભાષાઓના ભાવકોના હૃદયમાં પણ ગુજરાતી કથાસાહિત્ય માટે આશાભર્યો પ્રેમ જગવ્યો છે.

‘અકૂપાર’ કાચબાનું નામ છે. મહાભારતના અભ્યાસી, નવી પેઢીના સર્જન ડૉ. રાજેશ પંડ્યાએ નવનીત-સમર્પણના સપ્ટેમ્બર ૨૦૦૯ના અંકમાં અકૂપારનો પૌરાણિક સંદર્ભ સમજાવ્યો છે. એ લેખનો આવશ્યક ભાગ ધ્રુવ ભટ્ટે કથાને અંતે આપ્યો છે.
દીઘાયું અકૂપાર કાચબા જેવું જ ગીર છે. સને ૧૯૮૨ના વાવાઝોડામાં ધરાશાયી થઇ ગયેલું ગીર ફરીથી જીવંત થઇ ઊઠે છે. એક ભાભાએ ધ્રુવભાઇ અને દિવ્યાબહેનને એમના ગીર-વાસ દરમિયાન કહેલું : ‘વડવા કેતા’તા ઇ ખોટું નથ્ય. ગીર તો મારી મા, અજરામર છે.’

મહાકવિ કાલિદાસના નાટક અભિજ્ઞાન શાકુન્તલના ચોથા અંકમાં પ્રકૃતિ એક પાત્રરૂપે અનુભવાય છે. આઠમા દાયકામાં તૈયાર થયેલી અરવિંદનની મલાયલય ફિલ્મ ‘કાંચનસીતા’માં સીતાનું અસ્તિત્વ પ્રકૃતિરૂપે પ્રત્યક્ષ થયું છે. એ જ રીતે ‘અકૂપાર’માં ગીર પોતે એક જીવંત અસ્તિત્વરૂપે-બધાં પાત્રોની મા રૂપે અનુભવાય છે. પશુપંખીનો ભયસૂચક અવાજ સાંભળીને આઇમા બોલી ઊઠે છે : ખમા ગીરને.

ભારતીય નવલકથાઓમાં ‘આરણ્યક’ જેવી અનેક આંચલિક-જાનપદી નવલકથાઓ રચાઇ છે અને દાયકાઓથી વંચાતી રહી છે. એમાં પાત્રો સાથે લેખકોએ સમજપૂર્વક જગવેલો કથારસ છે. ‘અકૂપાર’ એ પ્રકારની નવલકથા નથી. ધ્રુવભાઇ અહીં પણ ‘લખાણ’ શબ્દ વાપરે છે. જોકે દીપક દોશીનો આભાર માનતાં એ કથા શબ્દનો ઉપયોગ કરી બેઠા છે. ‘સમુદ્રાન્તિકે’ને પ્રવાસકથા અને નવલકથા બેઉ સાહિત્ય પ્રકારનાં પારિતોષિક મળેલાં. તો ‘અકૂપાર’ને ક્યા ખાનામાં મૂકીશું? લેખકની વર્ણનરીતિ પ્રવાસીનાં નિરીક્ષણોના સંયોજન જેવી છે. પણ પાત્ર મળે છે ત્યાં કથારસ જાગે છે. અહીં પાત્રોમાં માણસો તો છે જ. અગાઉ જે ગૌણ જણાતાં હતાં એ બધાં જ અહીં અગત્યનાં છે. માણસોની જેમ સિંહ-સિંહણ, હરણ, પર્વત, નદી, વૃક્ષ બધાં જ પાત્રત્વ પામે છે.

શરૂઆતથી જ એક છોકરી એના વિલક્ષણ વ્યક્તિત્વને કારણે ધ્યાન ખેંચે છે. પછીનાં પ્રકરણોમાં એનું નામ જાણવા મળે છે : ‘સાંસાઇ’ ગીરના સિંહ પર પીએચ.ડી. કરવા આવેલી વિદેશી યુવતી ડોરોથીનો માર્ગદર્શક-રખેવાળ ધાનુ પૃષ્ઠ ૫૭ પર જણાવે છે તે મુજબ સિંહણ રમજાનાનું નામ પાડેલું આ સાંસાઇએ. આ સિંહણ બચ્ચું હતી ત્યારથી સાંસાઇ સાથે રમીને મોટી થઇ છે. ‘કો’ને કે રમજાના સું કે ઇની મા સું, સાંસાઇ સિંહણ્યું હાર્યે મોટી થઇ.’

સાંસાઇ અગાઉ અજાણી છોકરી તરીકે કથાનાયકને ભૂતિયા વડ સુધી લઇ જાય છે. આ વાર્તાકથક ચિત્રકાર છે, લેખકનાં નિરીક્ષણો અને અનુભવોને રજૂ કરનાર અધિકૃત પ્રવકતા છે. સાંસાઇ એને પોતાની પાછળ રાખીને બે સિંહણ અને એમનાં બચ્ચાં નજીક લઇ જાય છે.
‘કરમદાંની ઝાડી તરફ જોતાં જ મને એવી સ્થિતિ અને અવસ્થાઓ તેના તમામ સ્વરૂપે સમજાઇ ગઇ. મારી સામે અચાનક ખૂલેલા આ દર્શનને રમ્ય કહેવું હોય તો મારા મન પર છવાઇ જઇ સમગ્ર દેહમાં વ્યાપેલા ભયને શું કહેવું તે હું સમજી ન શક્યો. મારા હૃદયના ધબકારા ગતિશીલ હોવા છતાં જાણે મૌન થઇ ગયા હોય તેમ હું સાવ અવાક્, મૂઢ, પથ્થર સમો ઊભો રહીને માત્ર જોયે ગયો. જોયે જ ગયો.

સામે જ, વોંકળાના સામેના ઢોળાવ પર, રસ્તા વચ્ચે, માંડ દસેક મીટર જેટલે દૂર, ભૂખરી, ચમકતી, માંસલ દેહલતા, ચમકતી આંખો અને ભવ્ય અસ્તિત્વની સ્વામિની પૂંછડું લંબાવીને સૂતી હતી. સામે બીજી એક સિંહણ બેઠી હતી. કેટલી ક્ષણો આમ ગઇ તે ખબર ન પડી. પેલી છોકરીએ પાછળ જોયા વગર કહ્યું, ‘બેઠી સે ઇ સરયુ ને આડી પડી ઇ રમજાના.’ (પૃ. ૧૯)

ગીર સાથે આત્મીયતા કેળવાય એ હેતુની ગોપાળ અને રવિ દ્વારા યોજાયેલી શિબિરનો પણ એક સંયોજક સૂત્ર તરીકે સફળ ઉપયોગ થયો છે. એ બાલિકાઓનું વર્તન, એમના લહેકા, સ્વરવ્યંજનના ઉચ્ચારો બધું જ સભાનપણે ચિત્રકાર એવા કથકની નજરે નોંધાયું છે. સાંસાઇ ‘સ’નો જે ઉચ્ચાર કરે છે એને લિપિના ક્યા અક્ષરમાં વ્યક્ત કરવો? આ મુદ્દાની રસપ્રદ ચર્ચા શિબિરના સંચાલકો સાથે થાય છે ત્યારે સાંસાઇ હસીને બોલી ઊઠે છે : ‘ઇને કયો કે મલક આખો બોલે છે ઇ અકસર ઇને લખતાં ના આવડે તો ભોગ લાગ્યા. મને સું લેવા કેય સે? તમતમારે પોતપોતાનું લખવાનું સરખું કરો. બીજાની બોલીનું કાંય કરવું રેવા દીયો.’ (પૃ. ૫૨)
દરેક સર્જકે ગાંઠે બાંધી લેવા જેવું છે આ વાક્ય- ‘પોતપોતાનું લખવાનું સરખું કરો.’ આમ લખવાનો ધ્રુવભાઇને હક છે. આ કૃતિને ગીરનું ગાન પણ કહી શકાય.

(પ્રકાશન ગૂર્જરનું છે.)

વિશેષ, રઘુવીર ચૌધરી
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 6


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.