ચાર લાખ ઉપરાંત ફુલ-છોડ સહિતના રોપાનો ઉછેર : વનીકરણ અને નરેગા યોજના અંતર્ગત રોપા ઉછેર કામગીરી
પાટણ-ડીસા હાઇવે પર વદાણી નજીક વનવિભાગ દ્વારા નર્સરી બનાવવામાં આવતાં અને ફુલછોડ-વૃક્ષનો ઉછેર કરવામાં આવતાં આ વિસ્તારમાં લોકોમાં આનંદની લાગણી ફેલાઇ છે. નર્સરીમાંથી છોડવા-રોપા ઘરઆંગણે ઉપલબ્ધ થશે. જ્યારે કેટલાય લોકોને રોજગારી પણ મળતી થઇ છે.સરકારના વનવિભાગ દ્વારા આ વિસ્તારમાં હાઇવે ટચ ચાર હેક્ટર જેટલી સરકારી જમીનમાં નર્સરી પ્લાન્ટ નાખવામાં આવ્યો છે.
જેમાં નરેગા હેઠળ રોજગારી આપવામાં આવે છે અને વનીકરણની પ્રવૃત્તિ હાથ ધરાઇ છે તેમાં અંદાજેચાર લાખ વીસ હજાર જેટલા ફુલઝાડના રોપાઓનો ઉછેર કરવામાં આવી રહ્યો છે.નર્સરીના વનરક્ષક એસ.સી. ભીલે જણાવ્યું હતું કે, સેતુરના ૧૦૦૦૦, અરડુસાના ૬૦૦૦ તેમજ ગુલમહોરના ૨૦૦૦ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે. કુલ મળી ૪,૨૦,૦૦૦ રોપાનો ઉછેર થશે.
સરકારની નરેગા યોજના હેઠળ અંદાજે દોઢ લાખ રોપાનું વાવેતર કરાનાર છે. જ્યારે વનીકરણ યોજના અંતર્ગત ૨ લાખ ૭૦ હજાર જેટલા રોપા ઉછેર કરવામાં આવી રહ્યો છે. નરેગા યોજના હેઠળ ૧૫ મજૂરો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. નર્સરીમાં તૈયાર થતા ફુલછોડ લોકોને ઘરઆંગણે મળતા થશે જેથી ખેડૂતો પણ સરળતાથી મેળવી શકશે.