આપણી ભુલાતી જતી વિરાસતના વારસા સમાન લોકગીતોનો આ સંગ્રહ છે. ઈન્દુબહેનને માવતર પાસેથી મળેલો આ વારસો તેમણે લોહીના લયમાં જીવ્યો છે. બાકી શુષ્ક સંશોધકનું આ ગજું નથી.
આપણા સમાજમાં લગ્નપ્રસંગે ગવાતાં લોકગીતોનું હૃદય ઠારે એવું એક સંકલન હમણાં જ મળ્યું, જેનું નામ છે - ‘વિવા-વાજન’. તેના સંપાદક છે ડૉ. ઇન્દુ રામબાબુ પટેલ. ઇન્દુબહેને લોકગીતોનું સંશોધન કરીને ડોક્ટરની ઉપાધિ નથી મેળવી, તેઓ ગાઇનેક-ડોક્ટર છે, એટલું જ નહીં એમણે એ દાકતરી અભ્યાસમાં જર્મની જેવા દેશમાં અગિયાર વર્ષ વિતાવ્યાં છે. અત્યારે તેઓ રાજસ્થાનના કોટામાં દાકતર તરીકે કામ પણ કરે છે. રામબાબુ અગ્રવાલ સાથે પ્રેમલગ્ન કર્યા છે એટલે ડૉ. ઇન્દુ રામબાબુ અગ્રવાલ. મૂળે ખેડુકન્યા અને બચપણ તરુણાવસ્થા ભાલ-નળકાંઠાના ભડિયાદ ગામમાં પસાર કરેલી.
પણ બચપણમાં ઘરનાં બા, મામી અને અન્ય સ્ત્રીસમાજ પાસે સાંભળેલાં લોકગીતો કે વ્રતકથાઓ કે ભજન કીર્તન, રાસ-ગરબા, ધોળ, પ્રભાતિયાં એમણે પોતાની સ્મૃતિમંજૂષામાં એનાં રાગ ઢાળ સાથે સંઘરી રાખ્યાં, જીવંત રાખ્યાં. કેવી રીતે એવો પ્રશ્ન થાય? પહેલાં વર્ષો વિદેશમાં અને પછી રાજસ્થાનમાં વિતાવ્યાં. આ સરવાણી ક્યાંથી ફૂટી? એ જ માતા-મામી પિતાના સંસ્કાર અને એમણે જાણી સોંપેલી વિરાસત-વારસો જતન કરી સાચવીને હવે સમગ્ર ગુજરાતી સમાજને ઇન્દુબહેન વ્યવસ્થિત ગ્રંથો તરીકે સંપાદિત કરીને આપે છે.
આ ‘વિવા-વાજન’ પહેલાં ઇન્દુબહેને ઇ.સ. ૧૯૦૫માં ‘વરઘોડિયાં’ નામે લોકગીતોનો સંગ્રહ સંપાદિત કરીને આપ્યો હતો. એને બીજે વરસે એમણે ‘પ્રભાતિયાં અને ધોળ’નો સમૃદ્ધ સંચય સંપાદિત કરીને આપ્યો, અને હવે આ ‘વિવા-વાજન’. પરંતુ અહીં આ છેલ્લા સંપાદનની વાત કરીએ એ પહેલાં અગાઉના બે વિશિષ્ટ સંપાદનોની પણ અહીં નોંધ લેવી પડે એમ છે.
‘વરઘોડિયાં’માં દાદીમા (વિજયાબહેન માધવજી પટેલ-બા) પોતાની પૌત્રીઓને નાનપણના યાદગાર પ્રસંગો તાજા કરતા જઇ અસલ લોકગીતોમાં ભાતીગળ ઢાળે આખીય રામકથા પીરસી દે છે. ગણેશપૂજાથી માંડીને રાજા જનકની વ્યથા, સ્વયંવર, સામૈયા, વરરાજાનાં વખાણ, ચોરી અવધ (અયોધ્યામાં) વરઘોડિયાંનાં પોખણાં અને એમ પછી કૈકેયીનાં કડવાં વચન, વનવાસ, મૃગલ મોહ, સીતાજીનું હરણ, લંકામાં સીતા મંદોદરી સંવાદ, વિરહી પતિ રામની સીતા માટેની ઝંખના, લંકામાં દહન, અયોધ્યામાં આગમન, સીતાને ફરી વનવાસ-આમ વરઘોડિયાંમાં એક બાજુએ જોઇએ તો લગ્નગીતો છે, પણ સંપાદકે ગીતો એવી રીતે સંકલિત કરીને મૂક્યાં કે રામાયણ કથા પણ ગૂંથાતી જાય. આ માટે ઇન્દુબહેનની સંપાદનદ્રષ્ટિને અભિનંદન ઘટે છે.
બીજું ડૉ. ઇન્દુબહેન સંપાદિત પુસ્તક તે ‘પ્રભાતિયાં અને ધોળ’, ‘બે વેણ’ નામે પ્રાસ્તાવિકમાં અંગ્રેજી પરિભાષા વાપરીને ઇન્દુબહેન પૂછે છે કે કંઠસ્થ પરંપરાનાં દેશજ ગીતોમાં ‘ધોળ’ તથા ‘પ્રભાતિયાં’ આપણી આધ્યાત્મિક ‘કોન્સર્ટ’ લેખાય કે નહીં? આવડાં આ ગીતોમાં આપણી માતાઓએ પેઢી દર પેઢી વેદ ઉપનિષદો, મહાભારત, ભાગવતના પ્રસંગો સાથે સામાજિક અને કરુણ કૌટુંબિક તાણાવાણા સરસ રીતે ગાયા છે. તેમના શબ્દોમાં આ સંકલનનો હેતુ તો છે વિસરાતી જતી વિરાસત માંયલાં હાથવગાં એટલાં ‘ધોળ’, ‘પ્રભાતિયાં’ વીણી વીણીને ગાંઠે બાંધવાનો...’
હવે છેલ્લે થોડી વાત તાજેતરમાં સંપાદન ‘વિવા-વાજન’ની કરી લઇએ. અહીં પણ અત્યંત રસપ્રદ ભૂમિકા સાથે જુદા જુદા વિષયો-વિભાગોમાં વહેંચીને ૪૩૬ જેટલાં ગીતો, દરેકના ઢાળના બોલ સાથે આપી આપણા સૌની-પ્રશંસા માગી લે એવો પ્રયાસ કર્યો છે. ખરેખર તો જે માવતરે એમને આ વારસો આપ્યો, તેઓને ધન્ય છે. ઇન્દુબહેને સાચે જ આ વારસો લોહીના લયમાં જીવ્યો છે. આવું કોઇ શુષ્ક સંશોધનનું ગજુ નથી.
‘ઓરડા લીંપાવો ઓશરિયું લીંપાવો/પરથમ ગણેશર પધરાવો/રે મારા ગણસર દુંદાળા-’ (ગોહિલવાડ-વિસ્તારની બોલીનો સંસ્પર્શ છે.)-થી માંડી ગોળ ખાવો, મંડપ મુહૂર્ત, મામેરંુ મોસાળું, ગક્ષેત્રજ પૂજા, લગન વધાવવાનાં ગીત, રાંદલ તેડવા, ઉકરડી નોતરવી, જાન ઉઘલાવવી, વરરાજા અને જાનનાં સામૈયાં, વરઘોડો, મંગળ ફેરા... એમ વિવાવાજનના દરેક પ્રસંગે ગવાતાં ગીતો (એ ગીત ગાનારના સૌજન્ય સાથે) અહીં રજૂ થયાં છે. એક સમય હતો કે મારા જેવા અ-ગાયકને કંઠે પણ લગ્નોત્સવના બધા પ્રસંગોનાં ગીતો કે ગીતોની કડીઓ યાદ હતી. મારી જેમ ઘણા બધાને હવે આ ગીતો યાદ નહીં આવતાં હોય, એ તો ઠીક પણ જે બહેનોની આ સંપત્તિ છે, તેમાંથી (વ્યાવસાયિક લગ્નગીતો ગાનાર બહેનો સિવાય) કેટલાને યાદ હશે.
હજી ગ્રામભૂમિકાના પરિવારોમાં થોડાં ગીતો ગવાય છે, પણ હવેના લગ્નપ્રસંગોએ આપણી આ જીવંત પરંપરાની ધારા સુકાઇ ગયેલી જોઇ શકાય છે. માંગલિક લગ્નગીતોનું સ્થાન ફિલ્મી ધૂનોએ કે વરઘોડા જેવા પ્રસંગોએ હર્ષઘેલાં જાનૈયાઓનાં વરવાં લાગતાં ન્úત્યો(!) એ લીધું છે. લોકગીતો કે લગ્નગીતોનો શાસ્ત્રીય અભ્યાસ એ મારો વિષય નથી ભલે, પણ એ લોકગીતોને લયઢાળમાં ગવાતાં સાંભળી તેમાં ખોવાઇ જવાય છે. ડૉ. ઇન્દુબહેને ગુજરાત બહાર રહી ગુજરાતની આ સંપત્તિ સાચવી આપણને ભેટ આપી એ માટે એ આપણા સન્માનનાં અધિકારી છે. સંસ્કાર સાહિત્ય મંદિર (પાંજરાપોળ પાસે અમદાવાદ-૧૫) ને પણ આ પુસ્તક પ્રસિદ્ધ કરવા માટે ધન્યવાદ ઘટે છે.