ફૂટબોલની ચેમ્પિયન ટીમ સ્પેનને ૧૪૫ કરોડ રૂપિયા મળ્યા, ક્રિકેટની વિજેતા ટીમને ૧૮ કરોડ ૬૬ લાખ રૂપિયા મળશે
સાઉથ આફ્રિકા ખાતે રમાયેલા ફિફા વર્લ્ડ કપ ફૂટબોલમાં નબળામાં નબળી ટીમો પણ માલામાલ બની ગઇ છે. નોર્થ કોરિયા અને કેમરૂન ભલે યાદીમાં સૌથી નીચલા ક્રમે રહી હોય પરંતુ તેના ફૂટબોલરો કમાણીના મામલે આગામી વર્ષે ૨૦૧૧માં ભારતીય ઉપખંડમાં રમાનારા ક્રિકેટ વિશ્વ કપમાં ચેમ્પિયન બનનારી ટીમના ખેલાડીઓ કરતાં જોજનો આગળ છે. સ્પેનના ખેલાડીઓએ વર્લ્ડ ચેમ્પિયન બનીને અઢળક કમાણી કરી છે.
વર્લ્ડ કપ ફૂટબોલમાં કુલ ૪૨ કરોડ ડોલર એટલે કે લગભગ ૨૦ અબજ રૂપિયા પુરસ્કારરૂપે આપવામાં આવ્યા છે. આ રકમ વર્લ્ડ કપ ૨૦૧૧ કરતાં લગભગ ૪૨ ગણી વધારે છે. આઇસીસીએ તાજેતરમાં જ વર્લ્ડ કપની ઇનામી રકમ વધારવાનો નિર્ણય કરીને તેને એક કરોડ રૂપિયાની કરી દીધી છે. ભારતીય ટીમ જો પોતાના ઘરઆંગણે રમાનારા વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનશે તો તેને ૪૦ લાખ ડોલર એટલે કે લગભગ ૧૮ કરોડ, ૬૬ લાખ રૂપિયા મળશે જેની સામે ફૂટબોલની નવી ચેમ્પિયન સ્પેનને સાઉથ આફ્રિકામાં ફૂટબોલ વર્લ્ડ કપ જીતવા બદલ ફિફા દ્વારા ત્રણ કરોડ દસ લાખ ડોલર (લગભગ ૧૪૫ કરોડ રૂપિયા)ની ઇનામી રકમ આપી છે. જે ટીમો પ્રથમ રાઉન્ડમાં જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગઇ હતી તેમને પણ ૮૦ લાખ ડોલર (લગભગ ૩૭ કરોડ રૂપિયા) આપવામાં આવ્યા છે જેમાં કેમરૂન અને નોર્થ કોરિયાનો પણ સમાવેશ થાય છે.
ફિફાએ ૧૯મા વર્લ્ડ કપ માટે ઇનામી રકમમાં ધરખમ વધારો કર્યો હતો. ઉપવિજેતા બનેલી નેધરલેન્ડ્સને બે કરોડ ૪૦ લાખ ડોલર (લગભગ ૧૧૧ કરોડ રૂપિયા), ત્રીજા સ્થાને રહેલી જર્મન ટીમને બે કરોડ ડોલર (લગભગ ૯૩ કરોડ, ૩૧ લાખ રૂપિયા), ચોથા સ્થાને રહેલી ઉરૂગ્વેની ટીમને એક કરોડ ૮૦ લાખ ડોલર (લગભગ ૮૪ કરોડ રૂપિયા), ક્વાર્ટર ફાઇનલમાં પરાજિત થયેલી ટીમોને એક કરોડ અને ૪૦ લાખ ડોલર (લગભગ ૬૫ કરોડ ૩૨ લાખ રૂપિયા) તથા નોકઆઉટ તબક્કામાં પહોંચ્યા બાદ હારનાર ટીમને ૯૦ લાખ ડોલર (લગભગ ૪૨ કરોડ રૂપિયા) આપવામાં આવ્યા છે.
સ્પેનની ટીમનો પ્રત્યેક ખેલાડી વર્લ્ડ કપ જીત્યા બાદ માલામાલ થઇ ગયો છે. તેના ખેલાડીઓને વિજેતા તરીકેના મળેલા ઇનામમાંથી ભાગ તો મળશે પરંતુ સ્પેનના ફૂટબોલ ફેડરેશને અગાઉથી જાહેરાત કરી દીધી હતી કે જો તેની ટીમ ચેમ્પિયન બનશે તો તે પ્રત્યેક ખેલાડીને છ લાખ યુરો ડોલર (લગભગ સાડા ત્રણ કરોડ રૂપિયા) ઇનામ તરીકે આપશે. જો ક્રિકેટ વર્લ્ડ કપની વાત કરીએ તો તેમાં ભાગ લેનારી ટીમની તમામ ૧૪ ટીમોને મળનારી રકમનો સરવાળો કરીએ તો સ્પેનના ખેલાડીઓને જેટલી રકમ મળી છે તેટલી પણ થતી નથી.
ક્રિકેટ વર્લ્ડ કપમાં આઇસીસીએ હવે ઇનામી રકમ વધારી છે કારણ કે ૨૦૦૭ની વિજેતા ટીમને માત્ર ૨૨ લાખ ૪૦ હજાર ડોલર (લગભગ દસ કરોડ રૂપિયા) અને રનર્સ-અપ શ્રીલંકાને દસ લાખ ડોલર મળ્યા હતા. ઓસ્ટ્રેલિયા જ્યારે ૨૦૦૩માં ચેમ્પિયન બન્યું હતું ત્યારે તેને ૨૦ લાખ ડોલર તથા ભારતને આઠ લાખ ડોલરની ઇનામી રકમ મળી હતી.