એક દિવસ વાતવાતમાં બીરબલે અકબરને કહ્યું કે,‘જમીને સૂઇ જવું અને મારીને ભાગી જવું’ એ સમજદાર લોકોની ઓળખ છે. જે લોકો આ કહેવતને અનુસરે છે, તેમને જીવનમાં કોઇપણ પ્રકારના દુ:ખનો સામનો કરવો પડતો નથી. આવા સમજદાર લોકો જ સફળતાની ઊંચાઇને આંબી શકતા હોય છે. બીરબલ અને બાદશાહ વચ્ચે હંમેશાં આવી જાતજાતની અને ભાતભાતની ચર્ચા થતી રહેતી. કેમકે, તેઓ વચ્ચે માલિક-નોકરના સંબંધ કરતાં વધારે બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી.
તેથી બાદશાહે પણ તેમને કંઇપણ કહેવાની છુટ આપી હતી. આખા દરબારમાં એક બીરબલ જ તો હતો, જે એમની સાથે મજાક કરવાની હિંમત કરી શકતો અને અકબર પણ તેમની સાથે હસીમજાક કરી શકતા હતા. એક દિવસ અચાનક અકબરને બીરબલની પેલી કહેવત યાદ આવી ગઇ.
બપોરનો સમય હતો. બાદશાહે વિચાયું બીરબલ ચોકકસ જમ્યા પછી સૂતા હશે. આજે હું તેની આ કહેવતને ખોટી સાબિત કરીને જ રહીશ. તેમણે એક નોકરને પોતાની પાસે બોલાવી આખી વાત સમજાવી અને બીરબલ પાસે મોકલી દીધો.
નોકરે અકબરનો આદેશ લઈ બીરબલના ઘરે ગયો અને બીરબલને સંભળાવી દીધો. બીરબલ બુદ્ધિશાળી તો હતા જ, તેઓ સમજી ગયા કે, શા માટે બાદશાહે તેમને તાબડતોબ બોલાવ્યા છે. તેથી બીરબલે ભોજન કર્યા પછી નોકરને કહ્યું,‘ઊભો રહે, હું કપડાં બદલીને તારી સાથે જ આવી રહ્યો છું.’
એ દિવસે બીરબલે પહેરવા માટે ફિટ પાયજામાની પસંદગી કરી. પાયજામો ફિટ હોવાથી તેને પહેરવા તેઓ થોડીવાર પથારીમાં સૂઇ ગયા. પાયજામો પહેરવાના બહાને બીરબલ ઘણીવાર સુધી સૂતા જ રહ્યા. પછી નોકર સાથે રાજાના દરબારમાં હાજરી આપવા ગયાં. જ્યારે બીરબલ દરબારમાં પહોંચ્યા, ત્યારે અકબરે કહ્યું,‘શું બીરબલ, જમ્યા પછી તમે આજે ઊંઘ્યા કે નહીં?
‘હા, ઊંઘી ગયો હતો. જહાંપનાહ.’ બીરબલની વાત સાંભળી અકબર ક્રોધે ભરાયા અને કહ્યું,‘એનો અર્થ એ કે, તમે મારા હુકમની અવહેલના કરી છે. જેની હું તમને સજા આપીશ. મેં તમને જમીને તરત આવવા જણાવ્યું હતું તો પછી તમે સૂતા કેમ?
બાદશાહ સલામત. મેં તમારા હુકમની અવહેલના ક્યાં કરી છે? હું તો જમ્યા બાદ કપડાં બદલીને તરત તમારી પાસે આવ્યો છું. વિશ્વાસ ન હોય તો, સંદેશો લઇને આવનાર નોકરને તમે પૂછી શકો છો. એ વાત જુદી છે કે, આ ફિટ પાયજામો પહેરવા મારે સૂવું પડ્યું હતું.’ બીરબલે એકદમ સહજતાથી જવાબ આપ્યો. અકબર બાદશાહ બીરબલની ચતુરાઇને સમજી ગયા અને ખડખડાટ હસવા લાગ્યા.