Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Kalash
 

આવો માણસ કોઇ દી’ થ્યો નથી!

 
Source: Khulli Vat Kholine, Manoj Shukla   |   Last Updated 3:27 AM [IST](28/08/2010)
 
 
 
 
 
મેઘાણીના જન્મદિવસના ટાણે જાણીએ કે એમને લોકસાહિત્યનો ‘ચેપ’ કોણે લગાડ્યો?!

તા. ૨૮ ઓગસ્ટના રોજ ઝવેરચંદ મેઘાણીનો જન્મદિવસ છે. ઝવેરચંદ મેઘાણીએ લોકસાહિત્ય માટે અથાક પરિશ્રમ કર્યો છે. આ લોકસાહિત્યના બે ભાગ લોકકથાસાહિત્ય અને લોકગીતસાહિત્ય આ પૈકી લોકગીતોની લગની મેઘાણીને કોણે લગાડી તેની ખબર છે? જવાબ ખુદ મેઘાણીના શબ્દોમાં જ વાંચીએ:

‘લોકગીતોની લગની પોરબંદરના બરડા મહાલના બગવદર ગામની એક મેરાણી બહેન હેલીએ લગાડી. ગયેલો કથાસાહિત્ય માટે પણ આંટો નિષ્ફળ લાગ્યો. મેરાણીઓના રાસડા પ્રત્યક્ષ સાંભળવા મન કર્યું. ઘણી મહેનત કરી તેમાં કેટલો નાસીપાસ થયો પછી એક બહેન એવી મળી કે જેણે પોણી રાત જાગીને એ સંભળાવ્યા. એ રાત નહીં ભૂલું.

અંધારી રાત હતી એક મેર ઘરની ઓસરીમાં ગ્યાસલેટના દીવાની જયોતે બેસી મેં લોકગીતોના મારા સંશોધનનું મંગળાચરણ કર્યું હતું. એ શુકન કરાવનાર ઢેલીબહેન બહેન ઢેલી અને એના પતિ આખો દિવસ ખેતરનું કરીને થાકીએ લોથ થયેલી, સૂસવતે શિયાળે મારી પાસે પરોઢ સુધી બેસી રહ્યા ને બહેન ઢેલીએ એક પછી એક ગીતો ગળામાંથી ઠાલવ્યા ને હું ટપકાવતો ગયો. એ ગીતોએ લોકગીતોની સૃષ્ટિ પ્રત્યેનું મારું વલણ નક્કી કરી નાખ્યું. એ ગીતો માંહેલું ‘વહુએ વગોવ્યા મોટા ખોરડા’ આજે પણ ઘેર ઘેર જાણીતું છે. ‘મોરલાની માયા’ મારા પ્રિયમાં પ્રિય લોકગીતમાંનું એક છે. જીવનસંસાર પરની કાતિલ અને કરુણ વિવેચના આપતાં એ ગીતો મને ઢેલીબાઇ પાસેથી જડ્યાં એ બેનને ફરી કદી મેં દીઠી નથી.’

ઝવેરચંદ મેઘાણીને વંદન કરવા પડે કારણ કે પોતે જે કંઇ પ્રાપ્ત કર્યું છે. તેનો યશ છડે ચોક અભણ-મજૂર મહિલાને બાઅદબ આપે છે. હવે ઝવેરચંદ મેઘાણી વિશે ઢેલીબહેનની શું છાપ છે તે પણ જાણી લઇએ. પોરબંદરના બરડા મહાલના બગવદર ગામની એક મેરાણી ઢેલીબહેનના ૧૯૭૭માં ૧૦૦ વર્ષની ઉંમરે અવસાન પામનાર આ પૂર્ણ સંસ્કારી સન્નારીએ ૧૯૬૭માં ૪૦ વર્ષની ઉંમરે નરોત્તમભાઇ પલાણને આપેલ ઇન્ટરવ્યૂમાં જે કહ્યું હતું તે આ લખનારે યથાતથ નીચે ઉતાર્યું છે:

‘મને બધા ગીતો બહુ યાદ છે એવું સાંભળીને મેઘાણીભાઇ એક દિવસ મારી પાસે આવ્યા. ધોળા ધોળા લુગડાંમાં, મોટી મોટી આંખો નીચે ઢાળીને મારે આંગણે ઇ ઊભા’તા જોતાં જ આવકાર દેવાનું મન થાય એવો માણસ મેં તો ઓટલીએ ગોદડું પાથરી દીધું ને બેસાડ્યા. હું હેઠે બેસવા જતી’તી ત્યાં પગે પડીને ‘હું...હું...હું... તમે અહીં ઉપર બેસો નહીંતર હુંય નીચે બેસું છું. એમ કહી મનેય ઉપર બેસાડી. પછી તો એમને જે ગીતો જોતા’તા તેની અડધી અડધી કડીઓ પોતે બોલે ને હું આખું ગીત પૂરું કરી દઉં. નીચી મૂંડકી રાખીને ઝીણા ઝીણા અક્ષરમાં ટપકાવ્યે જાય મને ગીત ગાયા વિના બોલતા નો આવડે એટલે પોતે હસે. અને હું તો જેના જેવા રાગ તેમ મન મૂકીને હલકો કાઢીને ગાઉ! આજુબાજુનાય ભેળાં થઇ ગ્યાં અને છેક બપોર સુધી ગીતો ગાયાં.’

‘જમવા બેઠા પાટલો ઢાળ્યો’તો પણ પોતે પાટલે નો’ બેઠા. હું નીચે બેઠી-બેઠી રોટલા ઘડતી’તી તે પોતેય નીચે બેઠા. ઘણું કહ્યું તો કહે, રોટલા ઘડનારી નીચે બેસે અને ખાનરો ઊંચે બેસે એ ક્યાંનો ન્યાય?’ મને તો અમારા ગાર્યવાળા ઘરમાં એનાં લુગડાં બગડે એનો જ ભે હતો. પણ પોતે એક ના બે ન થ્યા, અને હજી તો પૂરા જમી નો’ લે એની મોર્ય તો આખું ગામ ઓસરીમાં ભેળું થઇ ગ્યું. અમારી કોમનાં ગીતો ગાવાં-સાંભળવાં બઉ ગમે. જમીને એમણે એક ગીત ગાયું-અસલ અમે ગાઇએ એજ ઢાળમાં. અમે તો બધા એના મોઢા સામું જોઇ જ રિયાં! ને પછે તો એક પછે એક રોંઢો ઢળ્યા સુધી એની પાસે ગવડાવ્યે રાખ્યું.

પછી અમારો વારો આવ્યો. અમે આઠ-દસ બાયુંએ ગીત ગાવા માંડ્યાં પણ બધી બાયું ભેળી થાય એટલે બેસીને કેમ ગવાય? થયા ઊભાં અને ફિળયામાં જ રાસડા માંડ્યા. પોતે તો હમણાં એક ઢગલોએક હસી નાખશે એવા થતાં થતાં કાગિળયામાં ટપકાવ્યે જાય. જોણાંને ને રોણાંને તેડું થોડું હોય? ઢગ બાયું ભેળી થઇ અને અંધારું થયા સુધી રાસડા હાલ્યા. વાળું કરીને પાછાં ભેળાં થ્યાં તે એક પછે એક નવાં ગીત મધરાત સુધી ગાયાં. છેલ્લે પોતે થોડાક મરકડા કીધાં અને સઉને હસાવ્યાં.’

‘થોડાંક રહી જતાં’તાં તે ગીત સવારે પણ મેં ગાયાં અને પોતે તો મારા વખાણ કરતાં કરતાં નીચે મુંડકી રાખીને લખ્યે જાય. મનેય ગીત બહુ મોઢે. સવારો-સવાર ગાઉં પણ એકેય ગીત બીજી વાર નો આવે. અહીંથી પોતાને બખરલા જવું’તું એટલે શિરામણ કરીને ગાડું જોડ્યું. પણ પોતે કહે, હું ગાડામાં નો બેસું. એક જીવ તાણે અને બીજા જીવથી અમથું અમથું નો બેસાય. અમારી સંધાયની આંખમાં પાણી આવી ગ્યાં. પોતેય જાણે કોઇને ભાર નો લગાડવો હોય એમ લુઘડાં સંકોરતાં સંકોરતાં સૌને હાથ જોડીને ચાલતા થ્યા. ઓહોહો! આવો માણસ મેં કોઇ દી’ જોયો નથી! એની હાજરીનો કોઇ કરતાં કોઇને ભાર જ ન લાગે.’

આ બંને વિગતો વાંચતા ઝવેરચંદ કાળીદાસ મેઘાણી કેવા ભવ્ય, સંસ્કારી, નિર્મોહી, નિરાભિમાની, નમ્ર અને સરળ હશે તેનો પરિચય મળી જાય છે. નવી પેઢીને આ વિગતથી વાકેફ કરવી પડશે કારણ કે, નવરા કે બેકાર હોવાને કારણે આ માણસે લોકસાહિત્યની સેવા નથી કરી. હકીકત તો એ છે કે ૧૯૧૩માં અંગ્રેજી સાહિત્ય અને સંસ્કૃત સાથે ભાવનગરની શામળદાસ કોલેજમાંથી સ્નાતક થયેલા ઝવેરચંદ મેઘાણી ભાવનગરની સનાતન હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે પણ સેવા આપતા હતા. ૧૯૧૩માં કલકત્તા ખાતે સ્થાયી થયેલા મોટાભાઇની બીમારીને કારણે બધું જેમનું તેમ છોડીને કલકત્તા ગયા. ૧૯૨૨થી લેખનકાર્યનો પ્રારંભ કર્યો અને માત્ર ૩૩ વર્ષની ભર યુવાન ઉંમરે લોકસાહિત્યના મૌલિક સંશોધન બદલ ૧૯૨૮નો પહેલવહેલો રણજીતરામ સુવર્ણચંદ્રક અમદાવાદ ખાતે તેમને એનાયત થયો.

મેઘાણી શાળા શિક્ષણ રાજકોટ ખાતે શરૂ કર્યું અને પછી દાદા પાળિયાદ, ઝીંઝુવાડા, વઢવાણ કેમ્પ લાખાપાદર, બગસરા વગેરે સ્થળે અભ્યાસ કરી છેલ્લે અમરેલીથી મેટ્રીક થયા. કલકત્તામાં ૧૯૧૮થી ૧૯૨૧ સુધી રહ્યા ત્યાં સુધી વતનઝૂરાપો તેમને સતત કનડતો હતો. પણ ૧૯૨૨માં જીવનનો ટર્નિંગ પોઇન્ટ આવી ગયું. રાણપુરથી પ્રકાશિત થતાં અમૃતલાલ શેઠના નવા સાપ્તાહિક ‘સૌરાષ્ટ્ર’ ને ‘મોતીની ઢગલી’ અને ‘ચોરાનો પોકાર’ નામના લેખ મોકલાવ્યા કે તરત જ અમૃતલાલ શેઠે તેમને તંત્રીમંડળમાં સ્થાન આપી દીધું. આ દરમિયાન અઠવાડિયાના સોમવારથી ગુરુવાર ‘સૌરાષ્ટ્ર’ના સંપાદનના કામમાં વ્યસ્ત રહેતા. પછી શુક્ર-શનિ-રવિ લોકસાહિત્યના સંશોધન અર્થે નીકળી પડતા.

મેઘાણીના જીવનમાં યાદગાર કિસ્સો એટલે રાજદ્રોહના આરોપસર પકડાયા ત્યારે ધંધુકાની ભરી અદાલતમાં ન્યાયમૂર્તિની અનુમતિથી ગાયેલા સ્વરચિત ‘છેલ્લી પ્રાર્થના’ ગીતે ત્યાં ઉપસ્થિત મેદની અને ખુદ મેજિસ્ટ્રેટ સહિત સહુની આંખમાં આંસુ આણ્યાં’તાં. બે વર્ષની સાદી કેદની સજા થયેલી અને સાબરમતી જેલમાં રખાયા હતા.

આજે આ લેખમાં જે કંઇ લખ્યું છે તે એક વેબ-સાઇટ પરથી વાંચ્યું છે. મેઘાણી વળી વેબ-સાઇટ ઉપર કેવી રીતે? તેનો જવાબ એ છે કે ઝવેરચંદભાઇના સુપૌત્ર પિનાકી નાનકભાઇ મેઘાણીએ ઝવેરચંદ મેઘાણીના જીવન અને કવનને આવરી લેતી વિગતપૂર્ણ વેબ-સાઇટ તૈયાર કરીને ઇન્ટરનેટ પર મૂકી છે. જે www.jhaverchandmeghani.com પર જોઇ શકાય છે. ભાઇ પિનાકીએ આ એક અદ્ભુત કામ કર્યુંછે.

લોકસાહિત્ય એકઠું કરીને પ્રજા સમક્ષ ઝવેરચંદભાઇ લઇ આવ્યા. તેમના અવસાન પછી તેમનું સાહિત્ય ઘરે-ઘરે પહોંચાડવાનો પ્રયત્ન મહેન્દ્ર મેઘાણી અને જયંત મેઘાણીએ સુપેરે કરેલો. હવે યુગ બદલાયો છે ત્યારે ઝવેરચંદ મેઘાણીને લોકો સુધી પહોંચાડવા માટે ઇલેકટ્રોનિક મીડિયાના માધ્યમથી પિનાકીભાઇએ કરેલો પ્રયોગ સલામીને પાત્ર છે. વળી, પિનાકીભાઇ આ માટે સંપૂર્ણ પાત્રતા ધરાવતા માણસ છે.

કમ્પ્યૂટર સોફ્ટવેર ડેવલપમેન્ટ ક્ષેત્રે કાર્યરત ઇન્ફોટેક કન્સ્લટન્ટ પિનાકીભાઇ જણાવે છે કે આ વેબ-સાઇટનું લગભગ ૮૦ ટકા કામ પૂરું થયું છે પણ હા, હજી તેઓ ઝંખે છે કે તમારી પાસે મેઘાણી વિશે કોઇપણ પ્રકારની માહિતી કે તસવીરો હોય તો પિનાકી મેઘાણીનો (૯૮૨૫૦૨૧૨૭૯) પર જરૂરથી સંપર્ક કરજો જેથી ભવિષ્યમાં વધુ માહિતીથી વેબ-સાઇટને અપડેટ કરી શકાય.

ઇતિ સિદ્ધમ્: ‘ગમતું હોય એને ગુંજે ન ઘાલીએ,ગમતાનો કરીએ ગુલાલ.’- કવિ મકરંદ દવે

ખુલ્લી વાતખુલીને, મનોજ શુક્લ

kalash@guj.bhaskarnet.com
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 1


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.