ડાયુરેટિક્સ શું છે?: ડાયુરેટિક્સ એટલે એ પ્રકારની દવાઓ કે જે કિડનીને પેશાબનો વધુ નિકાલ કરવા દબાણ કરે. ડાયુરેટિક્સના વિવિધ પ્રકારો છે. સામાન્ય પદાર્થો જેવા કે આલ્કોહોલિક પીણાં, કોફી અથવા ચામાં પણ ડાયુરેટિક્સ હોય છે.બીમારીઓમાં વપરાતાં ડાયુરેટિક્સ પેશાબ કરાવતી ભારે દવાઓ હોય છે. એ માત્ર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનથી જ મળે છે.
કયારે વપરાય છે?: શરીરમાં જ્યારે પાણીની માત્ર ખૂબ જ વધી જાય છે ત્યારે ડાયુરેટિક્સની જરૂર પડે છે. જ્યારે બીમાર હૃદય યોગ્ય રીતે પંપ ના કરી શકે અને શરીરની માંસપેશીઓમાં પાણી એકઠું થાય ત્યારે આમ બને છે. આ સ્થિતિને ‘કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યોર’ કહે છે. કેટલાંક ડાયુરેટિક્સ રક્તના ઊંચા દબાણ (હાઇ બ્લડપ્રેશર)ની સારવાર કરવા અપાય છે.
તે કેવી રીતે કાર્ય કરે છે?: બધા જ ડાયુરેટિક્સ કિડનીના કોષો પર સીધી અથવા આડકતરી રીતે કાર્ય કરે છે. કોફી અને ચામાં જે રસાયણ હોય છે તે કિડની પર સીધી રીતે કાર્ય કરી પેશાબની માત્ર વધારે છે. ડાયુરેટિક્સ કિડનીના કોષો પર સીધી રીતે કાર્ય કરી સોડિયમ અને પાણીનો નિકાલ કરે છે. ઘણા પ્રકારનાં ડાયુરેટિક્સ ઉપલબ્ધ છે. દરેક સહેજ અલગ રીતે કાર્ય કરે છે. ડોક્ટર્સને દર્દી માટે જે શ્રેષ્ઠ લાગશે તે સૂચવશે. ‘લેસિકસ’ એ જાણીતું ડાયુરેટિક્સ છે.
ડિજિટાલિસ શું છે?: છોડવાઓ ઘણી દવાઓના સ્ત્રોત છે. સામાન્ય ફોકસ ગ્લોવ પ્લાન્ટ, ડિજિટાલિસ પરપૂરિયા (Purpura)નો ઉપયોગ છેક ૧૭૮૫થી હૃદયરોગ નિવારવા થતો આવ્યો છે. સૌપ્રથમ આ છોડાનાં પાંદડાં વાટીને તેના પાઉડરનો હાર્ટફેલ્યોર (નબળા હૃદય માટે)ની સારવાર માટે ઉપયોગ થતો હતો.
કેવી રીતે કાર્ય કરે છે?: ડિજિટાલિસ શરીરમાં વધારાના પ્રવાહી સાફ કરી શ્વસન ક્રિયાને વધુ સરળ બનાવવામાં મદદ કરે છે. તે હૃદયના કાર્યને વધુ સારું બનાવે છે. તે દિવસમાં એક વખત લઇ શકાય અને તેની કિંમત ઓછી હોય છે. હૃદયના સ્નાયુ જ્યારે યોગ્ય માત્રામાં રક્ત શરીરને પંપ ન કરે તો હાર્ટ ફેલ્યોર થાય છે. ડિજિટાલિસ દરેક હૃદયના સ્નાયુના કોષની સંકોચનની ક્રિયા વધુ શક્તિશાળી બનાવે છે. ડિજિટાલિસ હૃદયના દરને ધીમા પણ કરી શકે છે.
કેવી રીતે વપરાય છે?: ડિજિટાલિસ મોં વાટે અથવા નસ દ્વારા આપી શકાય છે. જ્યારે ખૂબ જ ઝડપી પરિણામ મેળવવા તે નસ દ્વારા અપાય છે. ડિજિટાલિસ મોટેભાગે ગોળીના રૂપમાં લેવાય છે.