Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Kalash
 

માંડવે માંડવે સ્ટોરી ભિન્ન!

 
Source: Laughter, Vinay Dave   |   Last Updated 12:21 AM [IST](09/09/2010)
 
 
 
 
 
છુટાછેડાનું મુખ્ય કારણ?’

‘લગ્ન!’

યસ્સ, જો લગન જ ના કરો તો છુટાછેડા લેવાની જરૂર જ ના પડે. આ વાતને બાણું લાખ ટકા સમર્થન આપશે મારો વાલીડો ટાઇગર વૂડ્સ... કેમ કે એ ‘બકા’ને એના છુટાછેડા ૩૮૦૦ કરોડમાં પડ્યા છે! એટલે કે આડત્રીસની પાછળ નવ મીંડા! જી હા, ગોલ્ફની રમતનો સુપર સ્ટાર ટાઇગર વૂડ્ઝ અને એની પત્ની એલિન નોર્ડેગીન ‘ઓફિશિયલી’ એકબીજાથી અલગ થઈ રહ્યાં છે અને એના માટે ટાઇગર ભાઈ વૂડ્સ ભાઈ, એલિનબેનને ૫૦ કરોડ પાઉન્ડ એટલે કે ૩૮૦૦ કરોડ રૂપિયા (ના)રાજી-ખુશીથી આપવાના છે. ટાઇગરભા’ય ગોલ્ફ રમતાં રમતાં પત્ની સિવાય બીજી ઘણી ઘણી કન્યાઓ સાથે રાસ રમવા માંડ્યા’તા. એ જ્યાં જ્યાં ગોલ્ફ રમવા જતાં ત્યાં ‘લંગશિયાં’ લડાવી આવતા. ‘ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા...’ની જેમ ટુર્નામેન્ટે-ટુર્નામેન્ટે ટાઇગર સુંદરીઓ સાથે ડાયરા જમાવવા માંડ્યો’તો.

પછી તો જેમ ‘ઘાયલ ને પાયલ બેય છુપ્યા છુપાય નહીં...’ એમ ટાઇગરના ‘લફરાં ને નખરાં’ પણ છાનાં ના રહ્યાં. એનું પાપ છાપરે ચડી પોકારવા માંડ્યું. ટાઇગરભ’ઈ ઝલઈ ગ્યા. એમની ઘરવાળી એલિનને એમનાં બધાં જ ‘કાંડ’ની ખબર પડી ગઈ. જે જે ‘બાઈયું હાયેg’ વૂડ્સે ‘ઈલુ ઈલુ’ કર્યું’તું, એ બધીયે જાહેરમાં એનો ‘ભંડાફોડ’ કર્યો. ભાયડાને એની ભવાઈ ભારે પડી. બાપડીએ જોરદાર બબાલ કરી અને એનું પરિણામ એ આવ્યું કે ‘ટાયગર’- ‘મીંદડી’ બની ગયો અને અધાઁગિની એલિનને ‘ખાધા-ખોરાકી’ માટે છુટાછેડામાં ૩૮૦૦ કરોડ ચૂકવવા પડ્યા. એવું જાણવા મળ્યું છે કે ટાઇગર ખૂબ લફરાંબાજ હતો. જો એણે ૩૮૦૦ લફરાં કર્યા હોય ને તો પણ એને દરેક લફરું એક કરોડમાં પડ્યું.

ટાઇગરને થતું હશે કે દરેક લફરું જો આટલું મોંઘું પડ્યું હોય તો લગન કરવાના બદલે માત્ર લફરાં જ કર્યા હોત તો? મારું બેટું, એ વધારે સસ્તું પડ્યું હોત!

આપણો ભ’ઈલો ટાઇગર જેમ ‘છાનગપતિયાં’ કરતો ઝડપાઈ ગયો એમ આંધ્રમાં કેટલાંક પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ચોરી કરતા રંગેહાથ ઝડપાઈ ગયા. તમને થશે આમાં શું નવી વાત છે? તો સુજ્ઞ વાચકો, આમાં નવી વાત એ છે કે આ પરીક્ષા આપનારા ‘માસૂમો’ કોઈ લબરમૂિછયા યુવાનો નહોતા. એ બધા એલ.એલ.એમ.ની એકઝામ આપનારા મેજિસ્ટ્રેટ, જજ અને વકીલો હતા, અને એમાંથી પાંચ જજ અને ચાર વકીલો ચોપડીઓ, કાપલીઓ લઈ પેપર લખતા’તા અને એ ‘ઓન કેમેરા’ ઝડપાઈ ગયા. જેના દ્રશ્યો આખી દુનિયાએ જોયાં. ખોટું કરનારાને સજા કરનારા ખુદ ખોટું કરતાં પકડાઈ ગયા ને સસ્પેન્ડ થયા. એ બધાય હવે ગુલામઅલીએ ગાયેલી વિખ્યાત ગઝલને ટ્વીસ્ટ કરીને ગાતા હશે-

‘હંગામા હૈ કર્યું બરપા... કોપી હી તો કી હૈ...
ડાકા તો નહીં ડાલા... રોબરી તો નહીં કી હૈ...’

વચેટીયું:

‘પરણેલા યુગલોમાંથી ૫૬.૬૭ ટકા પતિ-પત્નીઓ ઘરમાં એકબીજાને છેતરતાં હોય છે...’
‘અને બાકીના ૪૩.૩૩ ટકા ઘરની બહાર છેતરતાં હોય છે!’

‘કુત્તે-કમીને, મા કસમ... મેં તેરા ખૂન પી જાઉંગા...’ આ ડાયલોગ પર જેનો રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક છે, કોપી રાઇટ છે તેવા ધરમપા’જી એટલે કે ગરમેન્દ્ર-ધર્મેન્દ્રના પુત્રને રૂપિયા ૩૦૦ કરોડની લોટરી લાગી છે. અરે યાર, આ કિસ્સામાં ડંકી ઉખાડવામાં એક્સપર્ટ- ઢાઈ કિલોના હાથવાળા સન્નીને કે ઇમોશનલ અત્યાચાર કરનારા અભયને કોઈ જ લેવા દેવા નથી. આ સ્ટોરીનો મેઇન હીરો તો અઘોરી બાવા જેવા લાંબા ઝટીયાં રાખનારો બોબી દેઓલ છે. બોબીના સસરા દેવેન્દ્ર આહુજા થોડા દિવસ પહેલાં ગુજરી ગયા, પણ જતાં જતાં બોબીના આત્માને શાંતિ આપતા ગયા.

કેમ કે આહુજાજી પોતાની ૩૦૦ કરોડની મિલકત એમની દીકરી તાન્યાના નામે કરતા ગયા. બોબીના સદ્નસીબે અને બોબીના સાળા વિક્રમ આહુજાના બદનસીબે આ તાન્યા, બોબીના સહધર્મચારિણી, અધાઁગિની, પત્ની, વાઇફ છે. એટલે બોબીભાઈ એ લગનનું બગાસું ખાધું એમાં એમના મોઢામાં ૩૦૦ કરોડનું પતાસું પડ્યું. કૌન કહેતા હૈ શાદી તો બરબાદી હૈ? તો હવે આપણેય ભગવાનને પ્રાર્થના કરીએ કે જેમ ટાયગરની વહુને છુટાછેડા ફળ્યા- ધરમપુત્ર બોબીને લગન ફળ્યાં એમ અમનેય ફળજો...

ટોપિક-એ-કરંટ:

યુવરાજસિંઘ: ‘મને ભગવાને ધરતી પર માત્ર ક્રિકેટ રમવા માટે જ મોકલ્યો છે.’
સચિન: ‘મેં તો કોઈને ક્યારેય મોકલ્યો જ નથી.’

kalash@guj.bhaskarnet.com.

La -ફ્ટર, વિનય દવે
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 1


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.