સ્વસ્થતાપૂર્વક નિર્ણય કરવાની અને કરેલા નિર્ણય અનુસાર મહેનત કરવાની તારી સુટેવને કારણે આજે તું માસ્ટર્સ ડિગ્રી મેળવવા અમારાથી દૂર હોસ્ટેલમાં રહેવા ગઇ છો ત્યારે તને કેટલુંક ભાથું આ પત્ર દ્વારા બંધાવું છું. અલબત્ત, આવું ભાથું બંધાવનારને કશુંક આપ્યાનો સંતોષ થતો હોય છે, પણ તે લેનાર તેનો ઉપયોગ કરે છે કે નહીં તેની ચિંતા તેણે કરવાની હોતી નથી. એટલે સાવ નિરપેક્ષ ભાવે થોડી વાતો અહીં ઉતારું છું. હોસ્ટેલમાં રહેવાના, તારા દિવસો દરમિયાન તેનો અમલ કરીશ તો સુખી થવાની શક્યતા વધી જશે. જો કે અત્યારે તમારી પેઢી કશુંય સાંભળવા, સ્વીકારવાના મૂડમાં નથી તેની ખબર છે. પણ માતા કે પિતાનો પ્રેમ હંમેશાં બિનશરતી હોય છે. તેથી હોસ્ટેલમાં રહેતી વખતે શું શું કરવું કે ન કરવું જોઇએ તે તને જણાવું છું:
- તને હવે સૂવા અને ઊઠવાના સમય માટે પૂરતી સ્વતંત્રતા મળી છે પણ તેનો અતિરેક ન થાય તે જોજે. અત્યારે તને દરેક ‘ઉજાગરો’ ‘જાગરણ’ જ લાગશે પણ લાંબે ગાળે તે તને નુકસાનકારક નીવડશે તે અચૂક સ્મરણમાં રાખજે. મોડે સુધી વાંચવાનું ટાળજે.
- હોસ્ટેલમાં રહેવું એ વાસ્તવિક જીવનની શ્રેષ્ઠ તાલીમ છે અને એ તને મળી રહી છે તો તે ભરપૂર રીતે માણી લેજે. થોડીક અવ્યવસ્થિત પણ થજે. સવારમાં ઊઠીને તરત તારું ઓઢણ સંકેલી લેવાની તારી ટેવ સમયની ખેંચ હોય ત્યારે છોડી દેજે. આવું માત્ર હોસ્ટેલમાં જ થઇ શકશે.
- હોસ્ટેલના વહીવટકારો સાથે નમ્રતાથી વ્યવહાર કરજે. કેમ કે, તું લાગણીશીલ છો. તેથી નજીવી બાબતમાં પણ તને અન્યાયની ગંધ આવશે. તમારી ઉંમરે આ સહજ છે પણ કોઇ વિરોધની આગેવાની ન લેતી કારણ કે સંચાલકો તારી પાછળ કે તારી સાથે ઊભેલા લોકોને કદાચ માફ કરશે પણ તને નહીં કરે. તેથી ઉતાવળાપણું કાબૂમાં રાખજે.
- ઘરમાં જીવવું અને હોસ્ટેલમાં જીવવું એ બંને વચ્ચે ખૂબ મોટો તફાવત છે. ઘરમાં પડેલી કેટલીક સુટેવો ભુલાઇ ન જાય તે જોજે. દા.ત. અખબાર નિયમિત વાંચવું, બ્રશ ખૂબ નિરાંતે કરવું, ટી.વી.ની એકાદ હળવી શ્રેણી જોવી, તારા શ્રદ્ધાના કેન્દ્રસમા દેવના દર્શને અઠવાડિયામાં એકવાર અચૂક જવું વગેરે તારા જે નિત્યકર્મો હતા તે જળવાઇ રહે તે સ્મરણમાં રાખજે.
- આપણા કુટુંબના પાંચ સભ્યો ઉપરાંત તારા કાકાઓ, કઝીન, જૂની સખીઓ વગેરેના સંપર્કમાં રહેજે અને તેમને તારા આ નવજીવનની વાતો વહેંચજે. તેને કારણે તને માનસિક હળવાશ રહેશે અને તે લોકોને તારી નવી પ્રાપ્તિથી આનંદ થશે.
‘અભ્યાસમય રહેવું એ સારી ટેવ છે. પણ, મા-બાપથી વિખુટા પડ્યા પછી મળતી કેટલીક સ્વતંત્રતાઓ માણી લેજે, હોં બેટા. દા.ત. બપોરનું ખાણું ૧૦-૩૦ વાગે લેવાને બદલે સાંજે ૪-૦૦ વાગે પણ લેવાય. સહધ્યાયી જોડે સમય મજાની ફિલ્મો જોવા જજે અને પછી તેની ચર્ચા કરજે. રોડ પરની કીટલીએ સખીઓ સાથે ચા પીજે (મેં તને તેનો અનુભવ કરાવ્યો જ છે). આ બધું તને બગાડવા માટે નથી લખતો. પણ, જીવનનો આ પણ એક વળાંક છે. તેના પર ચાલી જોવા માટે (અને તારી પરિપક્વતામાં અપરિમિત શ્રદ્ધા છે એટલે) લખું છું.
- હોસ્ટેલમાં તને નિયમિત અને અનિયમિત એમ બંને પ્રકારની દીકરીઓ જોવા મળશે. એ બંનેમાંથી કોઇને પણ સન્માનવાની કે ધિક્કારવાની ભાવના રાખ્યા વગર માત્ર તેમનું નિરીક્ષણ કરજે અને મનોવૈજ્ઞાનિક રીતે તેમને જોજે અને પછી તેમાંથી સારું-સારું શોધીને વચલે રસ્તે ચાલજે.
- હોસ્ટેલમાં તને કોઇકવાર ભયંકર એકલવાયાપણું લાગશે. ખાસ કરીને માત્ર એક દિવસની રજા હોવાથી તું ઘરે નહીં આવી હો અને ફેકલ્ટીમાં પણ જવાનું નહીં હોય ત્યારે આ લાગણી વિશેષ થશે. તેના બે-ત્રણ ઉપાય સૂચવું છું: ઘરના બધા સાથે ફોન પર લાંબી વાત કરજે. ત્યાં રહેતા આપણા કોઇક સગાંવહાલાંના ઘરે બે-ચાર કલાક ગાળી આવજે. આ બધા તને સાચવશે તો ખરા જ પણ એ બધા સાથે તને વાતો કરવાની પણ બહુ મજા આવશે, જે તારી એકલતા માટે વેન્ટિલેશનનું કામ કરશે.
- હોસ્ટેલમાં તું જે પલંગ ઉપર સૂતી હો તે પલંગની ચાદર અઠવાડિયે એકવાર અચૂક તારા ખર્ચે ધોવડાવી નાખજે, કારણ કે નીંદર લેતી વખતે તેને કારણે તાજગી લાગશે.
‘હોસ્ટેલના મુખ્ય સંચાલિકા એટલે કે વા‹ર્ડન (જે મોટેભાગે સિનિયર પ્રાધ્યાપિકા હશે) તથા સહસંચાલિકા (જે યુનિવર્સિટીના કલર્ક હશે)ની જોડે જીવંત સંપર્ક રાખજે. એ તને હોસ્ટેલ જીવન કેવી રીતે જીવવું તે માટે પ્રત્યક્ષ કે પરોક્ષ માર્ગદર્શન આપશે.
- હોસ્ટેલના રસોડાનું ખાણું કો’કવાર તને ભાવતું ન બન્યું હોય ત્યારે ફાસ્ટફુડનો આશરો ન લેતી, પણ તેને બદલે ફ્રુટ જયુસ, ફ્રુટ શેઇક, તાજાં ફળો કે કશુંક નક્કર ખાજે.
- હોસ્ટેલમાં રહેતી કોઇ કન્યાને વ્યસન હોય અને કોઇ કારણોસર તારે તેના સંપર્કમાં રહેવાનું બને તો પણ તે વ્યસનથી દૂર રહેજે. અરે, માત્ર એકવાર સ્વાદ ચાખવા કે ચકાસી લેવા માટે પણ કોઇ જોખમ ન લેતી. આપણી તળપદી કહેવતમાં એટલે જ કહેવાયું છે કે ‘ઝેરના પારખાં ન હોય.’
- તારી પાસે હવે પૂરતો સમય છે. તું ઘરે હતી ત્યારે મમ્મીને રસોઇથી માંડી કચરા-પોતાં કરવામાં, કપડાં સંકેલવામાં મદદરૂપ થતી. એ બધો સમય હવે સામટો તારી પાસે છે. તો બેટા, હવે તેનો સદ્ઉપયોગ કરો. મોડર્ન ટેક્નોલોજી, નેટ સફિઁગ વગેરેથી જ્ઞાત થજે. આ બધું તને ભવિષ્યમાં સરસ રીતે જીવવામાં ઉપયોગી બનશે.
‘અને હા દીકરી, તારા આ સોનેરી દિવસો ફરીવાર ક્યારેય પાછા નહીં આવે. એની ખટમીઠી યાદોને જીવનભર સાચવી રાખવા માટે દરરોજ ડાયરી-રોજનીશી લખવાની ટેવ પાડજે.
ઉપર જે બધું લખ્યું છે તે તને એક જુદા પ્રકારની જિંદગીમાં કેવી રીતે જીવવું તે સૂચવવા માટે લખ્યું છે. અલબત્ત, તેમાંથી શું સ્વીકારવું, શું ન સ્વીકારવું કે કશું જ ન સ્વીકારવું તે નિર્ણય તારે જ કરવાનો છે.
તને હોસ્ટેલમાં મૂકતાં જરાય આનંદ નથી થયો પણ તને ત્યાં રહેવાનો જે આનંદ છે તે જોઇને રાજી થવાય છે. આ રાજીપો આજે આ પત્ર સ્વરૂપે તને મોકલું છું.