પોર્ટ ઓફ સ્પેઈનના બધા રસ્તા સમાંતર, એકદમ ચોખ્ખા અને દરેકનાં નામ ભારતનાં શહેરો પરથી-દિલ્હી, આગ્રા, મથુરા, મદ્રાસ, લખનૌ, કાનપુર, બનારસ, બંગાળ, બોમ્બે વગેરે. કેવી મજા પડી ગઇ. બંને બાજુ નાનાં ઘર, ને શાંત પરિસર. છેડા તરફ પર્વતો હતા, અને સામે લીલા ઘાસથી છવાયેલાં ખુલ્લાં મેદાન. એમાં મોટાં મોટાં ઝાડ. ગુલમહોર તો પૂરબહારમાં.
પોર્ટ ઓફ સ્પેઇનને બહારના લોકો પી.ઓ.એસ. કહેતા હોય છે, પણ મેં જોયું કે નાગરિકો આ ટૂંકા નામથી ખાસ પરિચિત નહોતા. ત્યાંનું વિમાનમથક નાનું પણ સરસ હતું. બહાર જતાં જ આખો રસ્તો પહોળો, ગાડીઓ સડસડાટ જાય, ને મેં તરત નોંધ્યું કે કોઇ હોર્ન નહોતું મારતું તથા બધે ખૂબ ચોખ્ખાઇ હતી. શહેરને રસ્તે ઝૂંપડપટ્ટી નહીં, પણ કેટલીક ઇન્ડસ્ટ્રીઝ, શો રૂમ, થોડાં વિશાળ નિવાસ-સ્થાનો, બેએક શોપિંગ-સેન્ટર.
ગરમી સહન થાય તેવી હતી, પણ સૂરજ શું આકરો લાગે. હું છાંયડાના ટુકડા પકડતી ચાલતી-દરરોજ. માથે ટોપી, હાથમાં પંખો, ખભા-થેલામાં પાણીની બાટલી ને મક્કમ મને હું ભર-તડકામાં નીકળી પડતી. સવારથી જ જાણે તેજ તેજ, ને આગ આગ. ગરમીથી હું હાંફી જતી, પણ ટેવ જ એવી કે ચાલવાનું, અને જાહેર વાહનો લેવાનાં. પી.ઓ.એસ.માં રૂટ પ્રમાણે જુદા રંગની મેકઝી કહેવાતી મિની-બસ ફરતી હોય છે. લાલ, લીલી, કાળી, પીળી. પૂછતાં પૂછતાં હું શીખી ગઇ કઇ ક્યાં જાય છે.
વળી, સમૂહ-ટેક્સીની તો ઘણી સગવડ લાગી. શહેર તરફ જતાં તો મને હોટલની સામેથી જ મળી જાય, પણ નાગરિકો ઘરની ગાડીઓમાં જ વધારે ફરતાં હોય ને. મેં સાંભળ્યું કે ઘણાં કુટુંબમાં સદસ્ય દીઠ એક ગાડી થઇ ગઇ છે. કારણ એ કે ટિ. એન્ડ ટિ. પાસે ખનિજ તેલનો મોટો જથ્થો છે ને નાગરિકોને પેટ્રોલ મોંઘું નથી પડતું. જોકે દેશ નાનો, ને અંતર ઓછાં પણ ખરાં.
એ પહેલી બપોરે નકશા સાથે દિશા મેળવીને હું સેન્ટ જેમ્સ નામના પાડોશમાં આવી, ને વાહ, બધા રસ્તા સમાંતર, એકદમ ચોખ્ખા અને દરેકનાં નામ ભારતનાં શહેરો પરથી-દિલ્હી, આગ્રા, મથુરા, મદ્રાસ, લખનૌ, કાનપુર, બનારસ, બંગાળ, બોમ્બે વગેરે. કેવી મજા પડી ગઇ. બંને બાજુ નાનાં ઘર, ને શાંત પરિસર. છેડા તરફ પર્વતો હતા, અને સામે લીલા ઘાસથી છવાયેલાં ખુલ્લાં મેદાન. એમાં મોટાં મોટાં ઝાડ. ગુલમહોર તો પૂરબહારમાં, અને લાલ, કેસરી ને હળદરિયા પીળા રંગનાં ફૂલ. ગુલમહોરનો એવો પીળો તો પહેલાં ક્યાંયે જોયો નથી. હું તો શું હરખાઇ ગઇ. સાવ સાદી વાત, ને શું સુંદરતા.
બીજી સવારે મેં પી.ઓ.એસ. શહેર તરફ ચાલવાનું શરૂ કર્યું. દોઢ-બે માઇલ દૂર હતું. પણ મને એની ચિંતા નહોતી. હોટેલથી સહેજ નીચે આવતાં જ બંને બાજુ ખુલ્લાં મેદાન અને ગાર્ડન હતાં. બધાં કેટલાં વિશાળ. ગલીમાં પ્રાણીગૃહ, બોટાનિકલ ગાર્ડન અને ચાર માઇલના પરિઘવાળો ક્વીન્સ પાર્ક સવાનાહ. હું એની બહારની પહોળી ફૂટપાથ પર અને પછી અંદર ચાલી. ઘેઘૂર વૃક્ષોની નીચે ઘણી બેન્ચ હતી. ક્યારેક બેસું. સામે દેશના પ્રેસિડન્ટનું નિવાસ-સ્થાન દેખાયું. સરસ ગાર્ડન અને મોટા બંગલા જેવો આવાસ. એક દિવસ એ જ ઘડીએ એમની ગાડી કમ્પાઉન્ડમાંથી નીકળી, ને પ્રોફ. ડૉ. જ્યોર્જ મેકઝવેલ રિચાડ્ર્સ મને જોવા પણ મળ્યા.
સવાનાહ પૂરો થયા પછી સમાંતર ને સ્વચ્છ એવી ગલીઓમાં ઘર દેખાવા માંડ્યાં. છેક બજારના રસ્તાઓમાં પહોંચી ત્યારે લોકો દેખાયા. અહીં બધે નામો અંગ્રેજી અને રાજા-રાણી પરથી ફ્રેડરિક, શાલોટ, પ્રિન્સ કહેવાતા રસ્તામાં સળંગ દુકાનો છે. તેથી ભીડ ખરી, પણ ઘોંઘાટ નહીં. ગાડીઓ પસાર થાય તે પણ ધીરે ધીરે, ને હોર્ન તો ક્યાંયે નહીં. વાહ, કેવું સભ્ય વર્તન. દુકાનોનાં બારણાં પાસેથી જઇએ ત્યારે વાતાનુકૂલની સરસ ઠંડક સ્પર્શી જાય. ફૂટપાથ બજારના ભાગમાં તો સાંકડી. એમના પર તેમજ રસ્તા પર માર્કેટ બેઠી હતી. કપડાં અને શાકભાજીથી ભરચક સ્ટોલ પર મોટી મોટી રંગરંગીન છત્રીઓ ખોલી મૂકેલી હતી. ઉત્સવ જેવું લાગે.
કેન્દ્રમાં રોજ આમથી તેમ ચાલતી રહેલી, ને જુદી જુદી ઇમારતો જોવા મળેલી. રાષ્ટ્રીય પુસ્તકાલય તો બહારથી જ ધ્યાન ખેંચે છે અને અંદરથી તો આભા જ કરી દે. સાત માળનું પિરામિડ આકારનું મકાન સાતેક વર્ષ પહેલાં જ બંધાયું છે. એના વાંચન-ખંડોમાં પુસ્તકો તેમજ છાપાં ને સામિયકો સરસ વ્યવસ્થિત ગોઠવેલાં. ઉપરાંત સારી ખુરશીઓ, ટેબલો, કમ્પ્યૂટરની સગવડ. બાળકો માટે જુદા ખંડ. મિટિંગો માટે કક્ષો, અને સભાગૃહ પણ ખરાં.
શહેરમાં બીજાં ત્રણેક સારાં દેખાતાં દેવળ છે, જે મને ખુલ્લાં નહોતાં જણાયાં. કેટલાંક સરકારી મકાનો પણ બહારથી સરસ લાગે છે. જેમ કે, મુખ્ય કોર્ટ, નગરપાલિકા, યુનિયન બિલ્ડિંગ, પાલૉમેન્ટ હાઉસ પણ શહેરની વચમાં છે. રાણી વિક્ટોરિયાની ડાયમંડ જયુબિલીના માનમાં એને લાલ રંગવામાં આવેલું. ત્યારથી એ સરસ સિંદૂરિયા લાલ રંગનું જ છે, અને ઓળખાય છે પણ રેડ હાઉસ તરીકે જ.ચાલુ દિવસે જાહેર વાહન લઇને બીજી કેટલીક જગ્યાએ ગયેલી.
ચાગ્વાનાસ અને સાન ફનૉન્ડો જેવાં શહેરો ઇન્ડિયન કેન્દ્રો ગણાય, તેથી જોવા જવામાં રસ હતો. બંનેમાં બજાર ભરચક, ને એ સિવાય રહેઠાણો. ચાગ્વાનાસ તરફ પહાડો ના લાગ્યા, પણ સાન ફનૉન્ડો ઢોળાવ પર વસેલું છે. અહીં બધી પ્રજા ભેગી હતી. બજારમાં બેન્ક ઓફ બરોડાનું મોટું પાટિયું જોયું. મને જાણ હતી કે ટિ. એન્ડ ટિ.માં કેટલીક શાખા થયેલી છે.
લાલ મેકઝી (ટેક્સી) લઇને વેસ્ટ ઇન્ડઝિ યુનિવર્સિટી જોવા ખાસ ગઇ. સેન્ટ ઓગસ્ટીન નામના ગામે આવેલું કેમ્પસ આટલું સરસ હશે તેની કલ્પના પણ કરી નહોતી. ખૂબ વિશાળ એસ્ટેટ. એમાં ખુલ્લાં મેદાન, ઘણાં ઝાડ-પાન, અને ફેકલ્ટી પ્રમાણે છૂટાં છુટાં કેટલાંયે બે-માળી મકાનો. પુસ્તકાલય ચાર માળનું. વચમાં છતવાળી, દીવાલો વિનાની મોટી જગ્યા. ત્યાં બેઠકો હતી. હું બેઠી, તો તકડાથી બચી અને ખૂબ સરસ પવન પામીને થોડી તાજગી પામી.
કલાસ ચાલુ હતા તેથી અવરજવર ઓછી હતી. મને આ મોકળાશ બહુ ગમી. આટસe, સાયન્સ, લો, બિઝનેસ, એન્જિનિયરિંગ, એજ્યુકેશન, એગ્રિકલ્ચર જેવા વિષયોમાં અહીં બી.એ. તેમજ એમ.એ. કરી શકાય છે. હિન્દી તથા ભારતીય શાસ્ત્રીય સંગતી પણ અહીં શિખવાડાય છે, તે મેં સાદર નોંધ્યું. શહેરના કેન્દ્રમાં આવેલા ભારતીય દૂતાવાસમાં પણ હવે હિન્દીના કલાસ શરૂ કર્યા છે.ટ્રિનિદાદમાં દરરોજ છથી આઠ કલાક હું ચાલી, ને ફરાયું તેટલું ફરી.
જાહેર વાહનો અને ક્યાંક ટેક્સી લઇ લઇને જવાયું ત્યાં ગઇ. ઉત્તર તરફના દરિયા-કિનારે જવું હતું, પણ એ સવારે ટેક્સી મળે તે પહેલાં જોરથી વરસાદ પડવાનો શરૂ થયો ને મેં એ પર્યટન માંડી વાળ્યું. મનમાં જરાક અફસોસ રહી ગયો અને કશુંક બાકી રહી ગયું એવો ભાવ, પણ એ ય સારું કારણ કે ફરી ત્યાં જવા માટેનું કારણ પણ તૈયાર થઇ ગયુંને.
જાણવા જેવું...
- પી.ઓ.એસ. (પોર્ટ ઓફ સ્પેઈન)માં રૂટ પ્રમાણે જુદા રંગની મેકઝી કહેવાતી મિની-બસ ફરતી હોય છે.
- ટિ. એન્ડ ટિ. પાસે ખનિજ તેલનો મોટો જથ્થો છે એટલે નાગરિકોને પેટ્રોલ મોંઘું નથી પડતું.
- રાષ્ટ્રીય પુસ્તકાલય તો બહારથી જ ધ્યાન ખેંચે છે અને અંદરથી તો આભા જ કરી દે. સાત માળનું પિરામિડ આકારનું પુસ્તકાલયનું મકાન સાતેક વર્ષ પહેલાં જ બંધાયું છે.
- ટિ એન્ડ ટિ.માં આપણી બેંક ઓફ બરોડાની પણ કેટલીક શાખાઓ છે.
- વેસ્ટ ઇન્ડિઝ યુનિવર્સિટી જોવા જેવી છે. બહુ જ સુંદર કેમ્પસ, ખૂબ વિશાળ એસ્ટેટ. એમાં ખુલ્લાં મેદાન, ઘણાં ઝાડ-પાન, અને ફેકલ્ટી પ્રમાણે છૂટાં છુટાં કેટલાંયે બે-માળી મકાનો ધ્યાનાકર્ષક છે.