Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Utsav
 

ભદ્ર લોકોના ફરેબની કહાણી

 
Source: Hasmukh Gandhi   |   Last Updated 6:08 PM [IST](23/06/2010)
 
 
 
 
 

આદિવાસીઓ એકંદરે ઉદાર, આનંદી, સંતોષી, મળતાવડા, આકર્ષક, નફિકરા અને ખુલ્લા દિલના હોય છે. લોભ અને ટ્રેચરી જેવા શહેરી અવગુણો હજી સુધી આદિવાસી સમાજોમાં ઝમ્યા નથી.


લૂંટફાટ જ ચલાવી છે ભદ્ર લોકોએ. ભારતમાં જે આઝાદી આવી તેનો કશો જ લાભ આદિવાસીઓને મળ્યો નથી. સન્સ ઓફ ધ સોઇલની અને ધરતીનાં છોરુની ફિલોસોફી ડહોળનારાઓ ભારતના એબોરિજનલ્સને ભૂલી ગયા છે. વર્ગીકૃત કે અનુસૂચિત જાતિનું (શિડયુલ્ડ ટ્રાઇબનું) લેબલ આ બાપડા લોકોને કપાળે આપણા શાસકોએ ફટકારી દીધું છે. પંચમહાલના ભીલથી માંડીને ડાંગના દૂબળાઓ અને આંદામાનના આદિ વતનીઓ સુધીના લોકોનું હજીય શોષણ થાય છે. આ આદિવાસીઓને આપણા શાસકો બેળે બેળે ભારતના નાગરિકો ગણે છે. આદિવાસીઓની હાલત કફોડી છે. તેઓ નથી પોતાનું અસલી સ્વરૂપ જાળવી શકયા કે નથી તેઓ પૂર્ણપણે સંસ્કૃત બન્યા.


તેઓ સંસ્કૃત કે સિવિલાઇઝ્ડ ન બને એમાં જ તેમનો ભલીવાર અને જયવારો છે. જગતઆખામાં આદિવાસીઓને ચાલાક ભદ્ર લોકોએ ત્રાસ આપ્યો છે. અમેરિકાની વાઇલ્ડ વેસ્ટની કેન્ક્વેસ્ટ એટલે ઇંગલેન્ડથી અમેરિકા ખાતે આવેલા ભાગેડુ અંગ્રેજોની ગુંડાગીરી. રેડ ઇન્ડિયનોની કરોડરજજુ સામદામભેદદંડથી અંગ્રેજોએ તોડી નાખી. કપટ વડે અને ભાગલા પડાવીને તેમણે આદિવાસીઓની જમીનો પડાવી લીધી. ઓસ્ટ્રેલિયામાં તો દાયકાઓ સુધી બાપડા આદિવાસીઓનું, બોસ્નિયા - હર્ઝેગોવિનાના સર્બ લોકોનો પ્રયોગ ઉછીનો લઇએ તો, એથ્નિક ક્લીન્સિંગ ચાલ્યું હતું. આજે પણ હજારો આદિવાસીઓ ખોટા આરોપો નીચે ઓસ્ટ્રેલિયાની જેલોમાં સબડે છે. મહારાષ્ટ્રનું ગઢચિરોળી હોય કે ગુજરાતનો ડાંગ જિલ્લો હોય, સર્વત્ર શાસનો નાની છાબ પાથરીને મોટાં ઢોલનગારાં બજાવે છે.


આદિવાસીઓના કલ્યાણ માટેનાં નાણાં અધવચ્ચે જ બરફની જેમ પીગળી જાય છે. રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી ઊંટ ઉપર બેસીને આદિવાસીઓની ઝૂંપડીમાં જતાં અને ત્યાં તેઓ પતરાળીમાં રોટલો અને મરચું ખાતાં હતાં. આમાં નિષ્ઠા કરતાં ગિમિક્રી કે સ્ટંટબાજી વિશેષ હતી. ભારતના આદિવાસીઓની હાલત તો સેકન્ડ કલાસ સિટિઝન્સથીય બેદ છે. એની સરખામણીએ તો ભારતમાં રહેતા વિદેશીઓ (એલિયન્સ) અને નોન - રેસિડેન્ટ ઇન્ડિયનો અને ગેરકાયદે રીતે પ્રવેશેલા ઘૂસણખોરો (નેપાળીઓ, બંગલા દેશીઓ, શ્રીલંકન તમિળો તથા પાકિસ્તાનીઓ) વધુ સુખી છે.


જગતમાં છ હજાર જેટલાં ઇન્ડિજિનસ (આદિવાસી) કલ્ચર છે. આજે સંદેશવ્યવહારને ક્ષેત્રે જબરદસ્ત ક્રાંતિ થઇ છે. આધુનિકતાનું અને કહેવાતા વિકાસનું (ડેવેલપમેન્ટનું) પ્રચંડ આક્રમણ ચાલી રહ્યું છે. શિક્ષિત શહેરી માનવી આજે પર્યાવરણની મોટી મોટી વાતો કરે છે. આ જગતની સુવર્ણ જેવી ઉત્તમ અસંખ્ય આદિવાસી જાતિઓ (ટ્રાઇબ્ઝ)નું નિકંદન નીકળી ગયું છે. બ્રાઝિલમાંથી ૮૭ ટોળીઓ છેક જ નેસ્તનાબૂદ થઇ ગઇ. ઓસ્ટ્રેલિયાની અને (ભૌગોલિક) ઉત્તર અમેરિકાની બે - તૃતીયાંશ ભાષાઓ લુપ્ત થઇ ગઇ છે.


અડધા આદિવાસીઓ ગરીબીને લીધે મૃત્યુ પામે છે. અડધા ધીરે ધીરે આધુનિક સમાજની કિનારી ઉપર પહોંચીને ત્યાં પડાવ નાખે છે. ધરતી ઉપરનું ડોમિનન્ટ પ્રાણી નામે મનુષ્ય જેમ જેમ આગેકૂચ કરતું જાય છે તેમ તેમ અનેકાનેક પ્રાણીઓ, પક્ષીઓ અને છોડવાઓનું જાતિનિકંદન નીકળતું જાય છે. ડેડ એઝ ડોડો એવો પ્રયોગ મોરિશિયસમાં જે એક જમાનામાં હતું અને આજે નથી એવા ડોડો પક્ષીના સંદર્ભમાં કરવામાં આવે છે, પરંતુ ડોડોને સ્થાને મૂકી શકાય એવાં અનેક નામ છે.


આ જગતના અસ્તિત્વનો આધાર જેની ઉપર છે એવાં સ્થળોનું જતન કાયમ આદિવાસીઓ દ્વારા કરવામાં આવતું હોય છે. છતાં તેમને સુસંસ્કૃત સમાજ દ્વારા લગભગ અછૂત ગણવામાં આવતાં હોય છે આદિવાસીઓના અધિકારો વિશેના યુનોના ઢંઢેરાનો ભારતમાં કાગળ ઉપર અમલ થાય છે. પરંપરાગત રીતે આદિવાસીઓ જે પ્રદેશોનો ઉપયોગ કરતા આવ્યા છે તેમની ઉપર તેમનો (એ આદિવાસીઓનો) અંકુશ અને માલિકીહક હોવા જ જોઇએ. સરકારોએ આદિવાસીઓના રિવાજો, કાનૂનો અને જમીન વિશેના નિયમોનો સંપૂર્ણપણે આદર કરવો જોઇએ.


યુનોનો ઢંઢેરો કહે છે કે શાસકોએ આદિવાસીઓના અધિકારો અને પ્રદેશો ઉપરનું અતિક્રમણ અટકાવવું જોઇએ. ૯૫ ટકા આદિવાસીઓ ગરીબીની રેખાથી નીચે જીવે છે. પોતે કેટલાં નાણાં ખરર્યા એના આંકડા સરકાર આપ્યા કરે છે પણ શી પ્રગતિ થઇ એ આપણી સરકાર કદી કહેતી નથી. જો કશો વિકાસ થયો ન હોય તો પેલા અબજો રૂપિયા ક્યાં ગયા? સિમ્પલ. સુજ્ઞ વાચકો અત્યાર સુધીમાં સંધુંય જાણે છે. શિક્ષણ, આરોગ્ય, રોજગારી, પોષણ વગેરે ક્ષેત્રે આદિવાસીઓ માટે જે કાંઇ અલ્પ રકમો ફાળવવામાં આવે છે એમાંથી દસ ટકા રકમ પણ છેક ગ્રાસરૂટ સ્તર સુધી પહોંચતી નથી.


આદિવાસીઓ હજીય તેમનાં ગંદાં ઘોલકાંમાં સબડે છે અને પીલુડાં તથા મહુડાં ખાઇને તેઓ પેટ ભરે છે. આદિવાસી વિસ્તારોની કિનારી ઉપરના બિનઆદિવાસી ગરીબોનાં ઘર આદિવાસીઓની સરખામણીએ સમૃદ્ધ હોય છે. ઘણી વાર આદિવાસીઓએ મજૂરી કે રોજીનાં નિહાશિયાં નાણાં મેળવવા કાજે ૧૫ કિલોમીટરનું અંતર પગપાળા કાપવું પડે છે. શહેરોમાં શાસક પક્ષના કાર્યકરો જ્યારે રિક્ષા કે ટેક્સી ચલાવવા માટે લોન માગે છે ત્યારે રાષ્ટ્રીયકૃત બેન્કો અડધી અડધી થઇને તેમને લોન આપે છે, પરંતુ આદિવાસીઓને કોઇ બેન્ક ઝટ લોન આપતી નથી. છતાં આદિવાસીઓ એકંદરે ઉદાર, આનંદી, સંતોષી, મળતાવડા, આકર્ષક, નફિકરા અને ખુલ્લા દિલના હોય છે. લોભ અને ટ્રેચરી જેવા શહેરી અવગુણો હજી સુધી આદિવાસી સમાજોમાં ઝમ્યા નથી.


(યાદગાર હસમુખ ગાંધીના શાનદાર લખાણોમાંથી સાભાર)


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 8


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.