Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Kalash
 

વાતે વાતે ખોટું લાગવાનું રહસ્ય!

 
Source: Classic, Dipak Soliya   |   Last Updated 12:27 AM [IST](28/08/2010)
 
 
 
 
 
ગામડાંની મહિલાઓમાં વળગાડની ઘટનાઓ શા માટે જોવા મળે છે? સંતો આવી સ્ત્રીઓને ‘સાજી’ કઈ રીતે કરે છે?

ધ બ્રધર્સ કારામાઝોવ-૯

એક ચેતવણી: દોસ્તોયેવસ્કી ક્યારેક મૂળ વાર્તાથી દૂર સરકીને સાવ જ ભળતી વાતો પર ઉતરી આવતા. આવા વિષયાંતરોને શક્ય તેટલી હદે કાપી-ટૂંકાવીને આપણે આગળ વધીશું, પણ એને પૂરેપૂરા કાપી શકાય તેમ નથી, કારણ કે છેવટે તો મૂળ વાર્તા સાથે એનું સૂક્ષ્મ જોડાણ હોય જ છે. ટૂંકમાં, માંહે પડવાનું મહાસુખ માણવા માટે થોડું વિષયાંતર વેઠી લેવું અને ગાડી પાટેથી ઉતરીને વગડામાં વહિરે ત્યારે એ યાત્રાને પણ માણવાનો પ્રયત્ન કરવો. તો, દોસ્તોયેવસ્કી હવે વાચકોને લઈ જાય છે મઠની દુનિયામાં, જ્યાં વેદનાની મુલાકાત થાય છે
કરુણા સાથે.

***

બાપ-દીકરાનો દુન્યવી ઝઘડો ઉકેલવા આધ્યાત્મિક સંત ઝોસિમાની હાજરીમાં બેઠક યોજવાનું નક્કી થયું. નક્કી થયેલા સમયે બાકી સૌ તો ગુરુસ્વામી ઝોસિમાની કુટિરમાં ભેગા થયા, પણ જેની સાથે ઝઘડો ઉકેલવાનો હતો એ મોટા દીકરા મિત્યાનો કોઈ પતો નહોતો. પરિણામે, મૂળ મુદ્દાની વાત તો થઈ શકે તમે નહોતી. આવામાં બાપ ફ્યોદોર પોતાની ટેવ મુજબ વિદૂષકવેડા કરવા લાગ્યો. ખાસ તો દેશી ફ્યોદોરને ભદ્ર પીટર (મિત્યાના મામા)ની ટાંગ ખેંચવામાં ભારે રસ હતો. પીટર હતો મોટો જાગીરદાર જ્યારે ફ્યોદોર અમારા પંથકમાં દારૂનાં અનેક પીઠાં ચલાવતો. એટલે, પોતે કેટલો અણઘડ-દેશી-ગામડિયો છે અને પીટર કેટલો ભદ્ર છે એ મામલે ફ્યોદોર મજાક-મસ્તી પર ઊતરી આવ્યો. આખા રશિયામાં જેનું ઘણું માન હતું એવા ગુરુસ્વામી ઝોસિમાની હાજરીમાં પણ ફ્યોદોર સાવ જ મોંમાંથા વિનાની વાતો દ્વારા ઉપસ્થિત લોકોને હસાવવાની કોશિશો કરવા લાગ્યો.

એ બેઠકમાં નાનો દીકરો અલ્યોશા (ઝોસિમાનો શિષ્ય) ઝોસિમાની પાછળ જ હાજર હતો. પોતાના ગુરુ સમક્ષ પોતાના પિતા સાવ જ વાહિયાત વાણીવિલાસ કરી રહ્યા હતા એ જોઈને અલ્યોશાની હાલત તો કાપો તો લોહી ન નીકળે એવી થઈ. વચલો દીકરો ઇવાન પણ ત્યાં હાજર હતો, પણ એને જાણે કશો ફરક ન પડતો હોય તેમ એ ચૂપચાપ ખેલ જોતો રહ્યો.

છેવટે ઝોસિમાએ ફ્યોદોરને કહ્યું: ‘મારી હાજરીને લીધે કોઈ સંકોચ ન રાખશો. તમે જેવા છો તેવા બની રહો. ખાસ તો, તમારી જાત વિશે શરમ ન અનુભવો. તમે પોતાના વિશે શરમાઓ છો તેને લીધે સમસ્યા સર્જાય છે.’

આ સાંભળીને બેશરમ ફ્યોદોરની બેશરમી અટકવાને બદલે જાણે વધુ વકરી. એ ઊભો થઈને, છત તરફ હાથ લંબાવીને, ઝોસિમાને સંબોધીને બોલ્યો: ‘ધન્ય છે તમારી માતાની કોખને જેણે તમને જન્મ આપ્યો અને ધન્ય છે તમારી માતાના સ્તનની ડીંટડીને, જેને ધાવીને તમે પોષાયા. ખાસ ધન્ય છે, એ ડીંટડીને. વાહ ફાધર, તમે મને આરપાર જોઈ શક્યા છો. તમારી વાત સાચી છે. હું બહુ સંવેદનશીલ છું. લોકો મને માનથી નથી જોતા. એટલે હું એમને હસાવવાની કોશિશો કરવામાં વિદૂષકવેડા પર ઊતરી આવું છું.’ પછી અચાનક ઝોસિમા સામે ઘૂંટણિયે ઝૂકીને ફ્યોદોરે પૂછ્યું: ‘ઓ પથદર્શક, અમર જીવન મેળવવા મારે શું કરવું જોઈએ?’

ઝોસિમાએ શાંતિથી, કહ્યું: ‘તમે બુદ્ધિશાળી છો. તમારે શું કરવું જોઈએ તેની તમને પહેલેથી જ ખબર છે. બેફામ દારૂ પીવાનું બંધ કરો. બોલવામાં અતિરેક કરવાનું ટાળો. વિષયવાસનાને લીધે આંધળા ન થાવ. ધનલાલસાને કાબૂમાં રાખો. તમારાં પીઠાં બંધ કરો. બધાં પીઠાં બંધ ન કરી શકો તો કમસે કમ બે-ત્રણ બંધ કરી દો. અને સૌથી મહત્વની વાત: જુઠ્ઠું બોલવાનું બંધ કરો. બીજા સમક્ષ તો ઠીક, તમારી જાત સાથે જુઠ્ઠું ન બોલો. જે માણસ પોતાની જાત સાથે પણ ખોટું બોલે છે તે પછી પોતાના જુઠાણાંને જ સાચું માની લે છે. પરિણામે એ બીજાની તેમ જ પોતાની નજરમાંથી પણ ઊતરી જાય છે.

એ કોઈને આદર નથી આપી શકતો. એને લીધે એ કોઈને ચાહી નથી શકતો. પછી, કોઈ પ્રત્યે પ્રેમ ન હોવાને લીધે એ જીવતરનો ખાલીપો ભરવા પોતાની વૃત્તિઓ અને વાસનાને સંતોષવામાં ડૂબી જાય છે અને જાનવર જેવું જીવન જીવવા લાગે છે. આ બધાના મૂળમાં છે જુઠ, અસત્ય. અને હા, જે માણસ પોતાની જાત સાથે ખોટું બોલે છે એને વાતે વાતે માઠું બહુ લાગી શકે. એ ધારે ત્યારે ખોટેખોટું ખોટું લગાડી બેસે. કારણ કે ખોટું લગાડવાની પણ એક મજા હોય છે. એને અંદરખાને ખબર હોય છે કે સામેના માણસે એવું કોઈ મોટું અપમાન નથી કરી નાખ્યું, છતાં એ ‘અપમાન’ શોધી કાઢે છે, રાઈનો પહાડ કરે છે. શા માટે? કારણ કે એમાં એક પ્રકારની મજા છે. આમ ને આમ પછી એ માણસ કાલ્પનિક અપમાનકર્તા પ્રત્યે અસલી ધિક્કાર અનુભવવા લાગે છે.’

ફ્યોદોર જાણે ફિદા થઈ ગયો એમ બોલ્યો: ‘લાવો, ફાધર, તમારો હાથ લાવો. મારે તમારો હાથ ચૂમવો છે. મને આટલી સારી રીતે કોઈ નથી સમજી શક્યું... માઠું લગાડવામાં મજા આવતી હોય છે! ઓહ, તમે કેટલી સારી રીતે વાત સમજાવી!’

ફાધર ઝોસિમા ઊભા થયા: ‘મને થોડી મિનિટો આપો. કેટલાક લોકો તમારાથી પણ પહેલાં આવેલાં છે. એ મારી રાહ જોઈ રહ્યા છે.’
ફ્યોદોરે ફરી પોતાનું ‘નાટક’ શરૂ કર્યું: ‘ફાધર, હવે બસ, એક છેલ્લી વાત... મેં સાંભળ્યું છે કે ‘સંતોનાં જીવન’ નામના પુસ્તકમાં એક એવો કિસ્સો છે, જેમાં એક સંત ધર્મ ખાતર શહીદ થયેલા. એમનું માથું વાઢી લેવામાં આવેલું. પછી ધડે પેલું વઢાયેલું માથું ઊંચકી લીધું અને એને ‘પ્રેમથી ચૂમી લીધું’. માથા વિનાના ધડે માથાને ઉપાડીને ચૂમ્યું... શું આ સાચું છે?’
‘ના, આ વાત સાચી નથી,’ ઝોસિમાએ કહ્યું.

ત્યાર પછી પણ ફ્યોદોરનું બોલવાનું તો અવિરત ચાલતું જ રહ્યું. પણ ફ્યોદોર આણી મંડળીને થોડી વાર એકલી મુકીને ઝોસિમા કુટિરમાંથી બહાર નીકળ્યા. તેમના સહાયક તરીકે અલ્યોશા પણ તેમની પાછળ પાછળ બહાર આવ્યો. પગથિયાં ઊતરીને ઝોસિમા મઠના ચોગાનમાં આવ્યા એ સાથે જ, એમના દર્શનની લાંબા સમયથી રાહ જોઈને બેઠેલી મહિલાઓ એમની પાસે ધસી આવી. કોઈ રડવા લાગી, કોઇ ફાધરના વસ્ત્રના છેડાને ચૂમવા લાગી. એક ગ્રામીણ છોકરી તો ચીસો પાડવા લાગી, ધૂણવા લાગી. ઝોસિમાએ એની પાસે જઈને, પોતાના ખેસ વડે તેને ઢાંકી અને એના માટે પ્રાર્થના કરી. છોકરી તરત શાંત થઈ ગઈ.

આવી મહિલાઓના મનમાં શું ચાલતું હશે એની તો મને ખબર નથી, પણ હું નાનો હતો ત્યારે જોતો કે કેટલીક ગરીબ, ગ્રામીણ મહિલાઓ ચર્ચમાં અચાનક ચીસો પાડવા લાગતી, કૂતરા જેમ ભસવા લાગતી, ધ્રૂજવા-ધુણવા લાગતી. આ વિશે, મારા શહેરી શિક્ષકોનું કહેવું હતું કે એ બધી આળસુ બાઈઓ છે. કામ ન કરવું પડે એટલે તેઓ આવાં નાટક કરે છે. પણ પછી નિષ્ણાતોએ મને સમજાવ્યું કે આ મહિલાઓ નાટક નથી કરતી. વળગાડ વાસ્તવમાં એક રોગ છે, જે રશિયામાં વધુ જોવા મળે છે, કારણ કે રશિયાની ગરીબ મજુરણોનું જીવન અત્યંત કપરું છે. આ રોગ એવી સ્ત્રીઓને થાય છે જેને ખૂબ જ મજુરી કરવી પડે છે અને જેમના જીવનમાં કોઈ એટલે કોઈ જ સુખ નથી હોતું. પછી જ્યારે વેદના હદ વટાવે ત્યારે ભાંગી પડેલી સ્ત્રીને વળગાડ લાગુ પડે છે.

અહીં સવાલ એ થાય કે ધર્મપુરુષો પળવારમાં, ભલે થોડી વાર માટે, એ વળગાડ દૂર કઈ રીતે કરી શકે છે? ખેર, ‘ધર્મપુરુષોની ટ્રિક’ની સ્પષ્ટતા સાદી છે. થાય છે એવું કે શ્રદ્ધાળુ મહિલાઓ ભેગી થઈને આવી દુખિયારી શ્રદ્ધાળુ બાઈને કોઈ મહાત્મા પાસે લઈ આવે છે. પછી એ મનોરોગી શ્રદ્ધાળુ બાઈ જ્યારે મહાત્મા પાસે ઝૂકે છે ત્યારે આખા શરીરમાં એક મોટો આંચકો અનુભવે છે. આંચકો રોકવા બાબતે એ કશું કરી શકતી નથી, કારણ કે એને પૂરી શ્રદ્ધા હોય છે કે એ જ્યારે સંત પાસે ઝુકશે ત્યારે તેની અંદરથી ભૂત-પ્રેત-શેતાન જે કંઈ છે તે બહાર નીકળશે. ચમત્કારિક રીતે વળગાડ શરીરમાંથી આંચકાભેર નીકળશે એ વાતે મનોરોગી મહિલાની શ્રદ્ધા એટલી પ્રચંડ હોય છે કે સંતની હાજરીમાં એ એક મોટી ધ્રુજારી અનુભવીને છેવટે શાંત થઈ જાય છે. આખી વાતમાં મૂળ જોર શ્રદ્ધાનું હોય છે. ઝોસિમાએ પેલી છોકરીને પોતાના ખેસ વડે ઢાંકીને પ્રાર્થના કરી ત્યારે આવું જ કંઈક બન્યું.

***

પણ એ તો કંઈ નહોતું. શ્રદ્ધાળુઓને તેમની પોતાની શ્રદ્ધાના જોરે મુશ્કેલીઓમાંથી કઈ રીતે બહાર લાવવા તેની કળાના વધુ સૂક્ષ્મ ‘પરચા’ ઝોસિમાએ ત્યાર પછી દેખાડ્યા.‘

કલાસિક,દીપક સોલિયા

dipaksoliya@yahoo.com
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 8


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.