‘દીવાર’ પિકચરનો એ સીન લબ્ઝ-બ-લબ્ઝ અને લમ્હા-બ-લમ્હા યાદ છે. શશી કપૂર અને ફિલ્મી મમ્મી નિરૂપા રોય મંદિરમાંથી બહાર આવે છે. ‘ફેંકેલા પૈસા ન ઉઠાવવાની’ ટેવ ધરાવતો ડોક્યાર્ડનો મજૂર વિજય બ્લ્યૂ શર્ટ-ખાખી પેન્ટ પહેરીને મંદિરની બહાર જ ઊભો હોય છે અને તેને વાંધો છે ઇશ્વર સામે, તેની સિસ્ટમ સામે. પરંતુ જ્યારે મા બીમાર પડે છે ત્યારે એ વિજય મંદિરના ઘંટોને તોડવા માગતો હોય તેમ પછાડે છે અને કહે છે, મૈંને આજ તક તુમ્હારે પાસ કુછ નહીં માંગા... ફિલ્મોમાં ઇશ્વર સામે પણ બળવો કરનાર આ સુપરસ્ટાર હમણાં ફરી સૌરાષ્ટ્રના ભ્રમણે હતો અને તીર્થસ્થાને માથું ટેકવી ગયો.
વેન્ટિલેટર પર રહેલા ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને બચાવવા હવે અમિતાભ બચ્ચન નામનો ઓક્સિજન અપાઇ રહ્યો છે. ભુજ આવેલા બચ્ચને જેમ આપણી ધરાને તેની વિશેષ દ્રષ્ટિથી એક નોખો દરજજો બક્ષ્યો હતો તેવી જ રીતે આ વખતે પણ દ્વારકા, પોરબંદરમાં તેઓ ફર્યા છે. ફિલ્મોમાં ઇશ્વરથી નારાજ અમિતાભ અંગત જીવનમાં તો આસ્થાળુ છે, શ્રધ્ધાળુ છે. તેથી જ દ્વારકા-સોમનાથના દર્શન વખતે તેમના ચહેરા પર આવતા ભાવ નેચરલ હોય છે અને ફરી એકવાર આ મહામાનવ એક શ્રેષ્ઠ અવલોકક પ્રૂવ થાય છે. કારણ કે તેમને ગાંધીની જન્મભૂમિમાં પણ સ્મરે છે હિટલર.
પોરબંદરના કીર્તિ મંદિરમાં ગાંધીજીના જન્મસ્થાન પર એક સાથિયો દોરેલો છે અને બચ્ચનને તે જોઇને સ્મરણ થયું કે આપણી સંસ્કૃતિના પવિત્ર નિશાનને હિટલરે કેવું ટિ્વસ્ટ કર્યું હતું? સી, ધ રેન્જ ઓફ હીઝ થોટ્સ-તેને ગાંધીના જન્મસ્થાને પણ હિટલર સ્મર્યા. ભાષાનો વૈભવ, તેનું વૈવિધ્ય શું છે તે પણ તેમનાં લખાણો કે મુલાકાતમાં સતત જોવા મળે. તો વધુ એકવાર એ પ્રતીતિ પણ થઇ કે જ્યાં તેઓ જાય છે તેના વિશે જાણવાની તેમની જિજ્ઞાસાવૃત્તિ બાળસહજ છે. અમિતજીએ કહ્યું, પોરબંદર પછી દ્વારિકામાં શૂટિંગ કર્યું, ત્યાં નજીક મીઠાપુર છે. આમ તો મીઠું એટલે હિન્દીમાં સ્વીટ-ગળ્યું. પરંતુ ગુજરાતીમાં મીઠું એટલે નમક! મીઠાંના મલકમાં જ તેમનો ઉતારો હતો.
પોરબંદરમાં શૂટિંગનો સમય વહેલી સવારનો હતો, તેમની વેનિટી વાન પોણી કલાક પહેલાં ચાલુ થઇ ગઇ. કેમ કે એસીની અસર તો થઇ જવી જોઇએ ને! થોડીવારમાં બે ડ્રેસ ડિઝાઈનર છોકરી આવી, બચ્ચનના સાતેક ઝભ્ભા અંદર-વિલા સિર્કટ હાઉસમાં લઇ ગઇ. થોડીવાર પછી ‘શહેનશાહ’, ‘જાદુગર’ વ્હાઇટ ઝભ્ભો પહેરીને આવ્યા. શુટિંગ પર ગયા. ગાંધીજીની જન્મભૂમિએ જઇ શ્રદ્ધાથી માથું નમાવ્યું અને પેશનથી શૂટિંગ કર્યું. કીર્તિ મંદિરના ઓરડાઓમાં એરકન્ડિશન હતાં પરંતુ અમિતાભે કહ્યું, ‘મૈં યહીં ઠીક હું’ અને તેઓ વચ્ચે જ પરસાળમાં બેઠા!
બાપુની જન્મભૂમિમાં બચ્ચન ખુલ્લા પગે ફર્યા! રાત્રે સૂચના હતી, બટેટાંનું રસાવાળું શાક, રોટલો કે જે હોય તે પણ ભોજન તેમને રૂમમાં જ આપી દેવામાં આવે. એકલા જ તેઓ જમ્યા. વિલામાંથી થોડી થોડી વારે બે ફોટોગ્રાફર બહાર આવી ફોટા પાડી જતા હતા અને ધારણા એવી છે કે બહાર કેટલી ભીડ છે તે રિપોર્ટ તેઓ ફોટા સાથે અંદર આપતા હતા! જો કે એક ફરિયાદ બધાએ કરી કે કારમાંથી જ તેઓ લોકોને હાથ ઊંચા કરતા હતા. બાકી કોઇની સામે પણ જોતા નહોતા. ઇટ્સ નોટ ફેર અંકલ!
પોરબંદરથી દ્વારિકા પહોંચ્યા ત્યારે પણ એજ અનુભવ. જગતમંદિર જોઇને અમિત પ્રભાવિત થયા, ગોમતીઘાટ પરનું આપણું ‘આધ્યાત્મિક લોકજીવન’ તેમને સ્પર્શી ગયું. વિરાટ આરતી વખતે કે દર્શન વખતે તેમના ચહેરાના ભાવ સાચા હતા. ત્યાં પ્રોફેશનાલિઝ્મ નહીં, સ્પિરિચ્યુઆલિઝ્મ હતું. અને હોય જ ને! આજે નહીં વર્ષોથી તેમને શ્રદ્ધા છે પરમાત્મા પર. સંસ્કાર આપ્યા છે માતા-પિતાએ. દેશની ધરોહર સમાન સોમનાથ તે ભાલકા કે દ્વારિકા તો એવાં સ્થળ છે કે ઇશ્વરને ન માનનારાની આંખો પણ છલકાઇ જાય. તો બચ્ચન તો એ પરમશક્તિના અસ્તિત્વને સ્વીકારીને જ ચાલ્યા છે. ચાલ્યા છે એટલે અભિષેકના લગ્ન થઇ જાય તેવી માનતા લઇને સિદ્ધિ વિનાયક ગયા એમ નહીં, તેમના ઘરે પણ મંદિર છે.
જીવનના નિર્ણાયક અને થોડા સંઘર્ષના તબક્કામાં તેમને ‘બાબુજી’ હરિવંશરાયે કહ્યું હતું, ‘અમિત, તું રોજ સવારે ગીતાનો પાઠ કરવાનો નિયમ રાખ. રામચરિતમાનસ પણ વાંચ. ગીતા અને રામચરિતમાનસ આપણા મન અને જ્ઞાનનો સતત વિસ્તાર કરે છે.’ બચ્ચન પરિવારના દિલ્હીના ‘સોપાન’ મકાનમાં મંદિર છે. ત્યાં રોજ ધૂપદીપ થાય છે, આરતી થાય છે. જ્યાં પણ તે રહે છે તે ઘરે મંદિરમાં માથું નમાવીને જ નીકળે છે.
અરે, એકવાર પોતે ‘અગ્નિપથ’ના ડબિંગમાં જતા હતા અને ઘરના લોકો ક્યાંક બહાર. તરત અભિષેક-શ્વેતાને અટકાવ્યા અને મંદિરે પગે લાગીને પછી જ કારમાં બેસવાનું કહ્યું. દિલ્હીનું ‘સોપાન’ મકાન કે પછી મુંબઇનો બંગલો ‘પ્રતીક્ષા’. બંનેમાં મંદિરો છે. ‘પ્રતીક્ષા’માં જે મંદિર છે ત્યાં મા દુગૉ અને ભૈરવની મૂર્તિ છે. ઉપર રામ-સીતા, રાધા-કૃષ્ણ,ગણપતિ, શિવજીની મૂર્તિઓ છે. જે શિવલિંગ છે તે અગાઉ તેમના અન્ય મકાન ‘મંગલ’માં રખાયું હતું. આજેય અમિતાભ રોજ રામાયણ-ગીતાનો પાઠ કરે છે. જયા બચ્ચન સોમવારનાં એક્ટાણાં, શિવપૂજા કરે છે, સંતાનોના સુખ માટે. અને ઐશ્વર્યાને જોઇને લાગે ને કે વ્રત ફળ્યાં! (હજુ વધારે પૂજા કરી હોત તો અભિષેકને ખંજનિકા દીપિકા પડુકોણે મળત!)
આ તો આભાર ટુરિઝમ કોર્પોરેશનનો કે બચ્ચનને ગુજરાત લાવ્યા. આ મહાન ધરતીને પિછાણવાની તક મહાન માણસને પણ મળી! અહીંના કોમનમેનની લાઇફ તેમણે જોઇ. અને બ્લોગમાં તેની નોંધ કરી. અમિતાભ ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર છે, પરંતુ સ્વયં એક બ્રાન્ડ છે-અનબિટન, એવરિગ્લટરિંગ.‘