Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Utsav
 

લ્યો...! રાવણને પણ થઇ ગઇ શરદી!

 
Source: Ashwin Kumar, Utsav   |   Last Updated 5:07 AM [IST](23/12/2011)
 
 
 
 
 
હનુમાનજીએ પૂંછના (પ્ર)તાપે લંકાદહન કર્યું ત્યારે રાવણનાં મોઢાંઓ ગુસ્સાથી જેટલાં લાલ થઇ ગયાં હતાં તેનાથી વધારે લાલ મોઢાંઓ તો આ વખતની શરદીમાં થઇ ગયાં હતાં. તેનાં બધા નાક ખતરનાક લાગતાં હતાં. જોકે, તેના કુટુંબચિકિત્સક (ફેમિલી ડોક્ટરનું ગુજરાતી!)એ નક્કી નહોતા કરી શક્યા કે રાવણના કયા ક્રમના નાકને શરદી-જંતુઓએ ચેપ લગાડ્યો છે. રોજિંદી જિંદગીમાં તો લંકાનો લાલો દસ-દસ માથાંના ભારથી ટેવાઇ ગયો હતો, પણ શરદીના કારણે માથા ભારે થવાથી જે દુખાવાઓ થયા તે અસહ્ય હતા.

રાવણનાં દશે ભોડાંને બામો ઘસીઘસીને મંદોદરીની વીસે આંગળીઓ ઘસાઇ ગઇ. લંકાપતિની પત્ની પતિવ્રતા (અને આમ જુઓ તો પતિતવ્રતા!) સ્ત્રી હતી. આથી રાવણ-કપાળ-મર્દન વેળાએ મંદોદરીએ પોતાની નાજુક આંગળીમાં થયેલા કેશરેખીય-અસ્થિભંગ (હેર-લાઇન ફ્રેકચર)ની ફરિયાદ કર્ણસરવા નામની પોતાની કામવાળી બાઇ સિવાય કોઇને પણ નહોતી કરી! આ જ કારણે આ વાત ઘણી વ્યક્તિ અને મોટા વિસ્તાર સુધી વિસ્તરી ગઇ એમાં આજના શહેરી મધ્યમવર્ગને તો નવાઇ ન જ લાગવી જોઇએ.

પગના ઘૂંટણ બદલવાની શસ્રક્રિયા (ની રિપ્લેસમેન્ટ સર્જરી) કરાવવાના કારણે ફરજિયાત આરામની દાકતરી સૂચના છતાં, મંદોદરીના પિતા મયદાનવ તેમની પત્ની (તેનું નામ ખબર ન હોય તો લાડમાં મયલી કહેશો તો ચાલશે) સાથે જમાઇરાજની ખબર પૂછવા દોડી આવ્યા. હાથરૂમાલનો જથ્થો અને પનો ઓછો પડતો હોવાથી, મંદોદરીની જુની સાડીઓથી રાવણો વીસ વીસ હાથોથી નાકો લૂછી રહ્યો હતો. લંકેશ વચ્ચે વચ્ચે ખાંસી પણ ખાઇ રહ્યો હતો; કારણ કે શરદીએ પોતાની પ્રિય સખી એવી ઉધરસને પણ ભાવભીનું અને સાવભીનું આમંત્રણ આપી દીધું હતું. પોતાના જમાઇની આવી હાલત જોઇને મંદોદરીની મમ્મીથી ન જ રહેવાયું. કોઇએ પૂછ્યું નહોતું છતાં મયલીએ એક ઉપચાર સૂચવ્યો: અરડૂસીના ઉકાળાનો.

અરડૂસીનું નામ સાંભળતાંની સાથે જ રાવણનાં દસેદસ મોઢાં જાણે લંકા લૂંટાઇ ગઇ હોય તેમ વિલાઇ ગયાં. લંકામાં સીતાની ચોકી કરવાની જવાબદારી ત્રજિટાના માથે હતી. જ્યારે ત્રજિટા રજા ઉપર હોય ત્યારે તે પોતાની વધારે પડતી પાકી બહેનપણી એવી છળમંછા નામનીરાક્ષસણીને સીતાચોકીનો હવાલો સોંપતી હતી. છળમંછાએ આપેલી બાતમી મુજબ આખી લંકામાં અરડૂસીના શ્રેષ્ઠ રોપા અશોકવાટિકામાં લગાવેલા હતા ત્યાંથી અરડૂસીનાં પાંદડાં લાવીને ઉકાળો કરીને ટંકે દસદસ પ્યાલા પીવા છતાં તેની સહેજ પણ અસર ન થઇ; કારણ કે સીતામાતાના રુદનથી સ્તબ્ધ થયેલી અરડૂસીએ રાવણની શરદીને મટાડવામાં પાપ જોયું હતું.

આથી તેણે પોતાના ઔષધીય ગુણોને તાત્કાલિક અસરથી પાછા ખેંચી લીધા હતા. રાવણની શરદીઓ અને તેનાં કારણો ખાનગી ચર્ચાઓ અને જાહેર સમાચારોનો વિષય બનવા લાગી. આથી લંકાની ગુપ્તચર શાખા અને નિશાચર પ્રશાખા દોડતી-હાંફતી થઇ ગઇ. એક રાજવૈધ્યે નામ ન આપવાની શરતે ‘શ્રીલંકા સમાચાર’ના (પા)ખંડ સમયના સંવાદદાતા કુમાર વૃત્તદૂત્તને જણાવ્યું કે ‘પવન સાથે ઊડતી પુષ્પોની પરાગરજ રાવણનાં અંકે પૂરા વીસ નાસિકા દ્વારમાં પ્રવેશે છે.

જે મહાબલિ માટે મહાબલા સાબિત થયેલી શરદીનું મુખ્ય કારણ છે. શરદીના મામલે રાવણિયો મરણિયો બન્યો, પરંતુ અનેક ઉપચાર કરવા છતાં રાવણની શરદી મટી જ નહીં. લંકાની લોકવાયકા એવી છે કે દશમુખની ધાક કરતાં છીંક વધારે ભયાનક હતી. એક વખત તેણે દસેદસ નાકોનાં વીસેવીસ નાસિકાદ્વારો દ્વારા એક સંયુક્ત છીંક ખાધી હતી. જીવંત પ્રસારણની વ્યવસ્થા નહોતી તો પણ રાવણના અટ્ટહાસ્યની જેમ આ અટ્ટછીંકય અંકે પૂરા ત્રણ લોકમાં સંભળાયું હતું. આવા અચાનક ત્રિભુવનકંપથી વાનર-માનવ જ નહીં, દેવ-દાનવ પણ ગભરાઇ ગયા હતા.

બરાબર આ જ સમયે, લંકાથી જોજનો દૂર આવેલા ધોળકામાં, દુર્વાસાના સૌથી મોટા મામાનો સૌથી નાનો દીકરો ગવૉસા તપ કરતો હતો. રાવણની ...પ્ર...ચં...ડ... છીંકથી ગવૉસાનો તપ-ભંગ થયો. તે અતિ ક્રોધથી પહેલા લાલ અને પછી કાળો પડવા લાગ્યો. ગવૉસાએ ૧૯૦/૧૪૦ના ઊંચા રક્તચાપ (હાઇ બ્લડપ્રેશર) આંક સાથે પણ રાવણને શાપથી ફટકાર્યો, ‘હે શ્રેષ્ઠ દુષ્ટ! તારી છીંકથી વર્ષોનું તપ ફોક થવાથી હું રાંક થયો છું. આજ મધરાતથી જ અમલી બને એ રીતે હું તને સહેજ પણ પાછો ન ખેંચી શકાય તેવો શાપ આપું છું કે તને ક્યારેય શરદી મટશે નહીં. તારી શરદીનાં જંતુ કળિયુગમાં પણ લોકોને ચેપ લગાડતાં રહેશે.

આ તમામને જે વ્યથા પહોંચશે તેનું પાપ તારા ખાતામાં ભવોભવ જમા થતું જ રહેશે.’ રાવણિયો વગર વીમાએ નાભિમાં કસ્તૂરીને લઇને ફરતો હોવા છતાં નાકમાં કાયમ માટે શરદુડી ઘૂસી જતાં,બાપડો-બિચારો લાગતો હતો. દશાનનને શરદી ઉપરાંત હવે શાપ પણ લાગ્યો હતો. વળી, તેણે ખાધેલી ખતર’નાક’ છીંકો થકી શરદીનાં જંતુઓ સમગ્ર બ્રહ્નાંડમાં ફેલાઇ ગયાં હતાં.આથી આજે પણ દુનિયામાં દરેક વ્યક્તિએ બે વ્યક્તિઓ શરદીથી પીડાય છે. કારણ કે એકની શરદીનો ચેપ તરત જ બીજાને પણ શરદીનો દરદી બનાવે છે!

અશ્વિનકુમાર
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.