Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Utsav
 

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને બધા જ મારવા માગે છે, પણ જિવાડે છે પ્રેક્ષક

 
Source: Utsav, Kartikeya Bhatt   |   Last Updated 3:28 AM [IST](03/02/2012)
 
 
 
 
 
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ આ વર્ષે તેનાં એંસી વર્ષ પૂરાં કરશે. આટલાં વર્ષોમાં તેણે ફિલ્મ નિર્માણની રીતે ૧૦૦૦નો આંકડો વટાવી દીધો છે. એ વિશે વધુ વાત.

શું ગુજરાતી ફિલ્મો હજુ બને છે? શું ગુજરાતી ફિલ્મો હજુ જોવાય છે? આવા પ્રશ્નો શહેરી મધ્યમવર્ગીય ગુજરાતીને થતા હોય છે અને આ જ પ્રશ્નોમાં આગળ શું આજે પણ ગુજરાતી ફિલ્મોમાં ગામ-ગોકીરો અને ગરબો જ હોય છે? પહેરવેશમાં પાઘડી-ફિળયા-કેડિયાં જ હોય છે? ધાર્મિક અને લોકકથાનકવાળી જ ફિલ્મો હોય છે? ગુજરાતી ફિલ્મોનાં નામ વાળા-વાળી પરથી જ હોય છે?...

આવા પ્રશ્નો પુછાવાનું કારણ છે; ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની માહિતી અને સરેરાશ શહેરી મધ્યમવર્ગીય ગુજરાતી વચ્ચે છેલ્લા વીસ વર્ષથી એક ઊંડી ખાઇ પડી ગઇ છે. છેલ્લાં વીસ વર્ષથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ મરી રહ્યો છે. મરી ગયો છે. ગુજરાતના મીડિયામાં, ચેનલમાં કે છાપાંમાં ક્યાંય પણ ગુજરાતી ફિલ્મો વિશે કશું પણ લખાય છે, બોલાય છે તો તેમાં ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, અનુપમા, સ્નેહલતા, રાજીવ, કિરણકુમાર, રમેશ મહેતા કે પી.ખરસાણીવાળી ગુજરાતી ફિલ્મોની જ વાત થાય છે. ‘માંગડાવાળો’, ‘રામવાળો’, ‘જેસલ-તોરલ’, ‘સોનબાઇની ચૂંદડી’ કે બહુ બહુ તો નરેશ કનોડિયાના અભિનયવાળી ફિલ્મોનો જ ઉલ્લેખ થાય છે. જોકે ૧૯૯૧થી ૨૦૧૧ના બે દસકા વિશે ક્યાંય કશું લખાયું નથી, એટલે જ અહીં છેલ્લા બે દાયકા વિશેની વાત કરીએ. ગુજરાતી ફિલ્મોની આજ અને આવતીકાલની વાત કરીએ.

૯મી એપ્રિલ, ૧૯૩૨ના દિવસે પૂરા કદની પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘નરસિંહ મહેતા’ રજુ થઇ ત્યારથી શરૂ થયેલો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ આ વર્ષે તેનાં એંસી વર્ષ પૂરાં કરશે અને આ એંસીમા વર્ષે જ તેણે ફિલ્મ નિર્માણની રીતે ૧૦૦૦નો આંકડો વટાવી દીધો છે. જોકે દર વર્ષે ૧૨૫થી ૧૫૦ ફિલ્મ બનાવતા હિન્દી ફિલ્મ ઉદ્યોગ કે સાઉથનો ફિલ્મ ઉદ્યોગ જે રીતે ફિલ્મો બનાવે છે તે દ્રષ્ટિએ એંસી વર્ષે હજાર ફિલ્મો બહુ મોટી વાત નથી.

શું ૧૯૯૧ પછી ગુજરાતી ફિલ્મો બને છે? અને બને છે તો જોવાય છે? તેવા પ્રશ્નો કરનારા માટે આ વાત ખૂબ મોટી છે કે ગુજરાતી ફિલ્મો બને છે. અને છેલ્લાં પાંચ વર્ષમાં વરસે સરેરાશ પંચાવનથી સાઠ ફિલ્મોના નિર્માણ સાથે તેણે ૩૦૦ જેટલી ફિલ્મો આપી છે. ૧૯૬૦માં બિપીન ગજજર નિર્મિત ‘મેંદી રંગ લાગ્યો’માં હિન્દી ફિલ્મના સુપરસ્ટાર જયુબિલી સ્ટાર રાજેન્દ્રકુમાર ગુજરાતી પડદે આવ્યા તો ૧૯૬૧માં આશા પારેખે ‘અખંડ સૌભાગ્યવતી’માં અભિનય આપ્યો.

બંને ફિલ્મનાં ગીતો અત્યંત લોકપ્રિય થયાં. પછી તો સંજીવકુમાર પણ ‘કલાપી’, ‘રમત રમાડે રામ’, ‘મારે જાવું પેલે પાર’ દ્વારા ગુજરાતી પડદે ચમક્યા. ૧૯૬૮માં ‘લીલુડી ધરતી’ પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ બની. ૧૯૭૧માં રંગીન પિકચર ‘જેસલ-તોરલ’ દિવાળીના તહેવારોમાં રજુ થયું અને એવી વ્યાવસાયિક સફળતાને વર્યું કે તેણે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની દશા અને દિશા બંને બદલી નાખ્યાં.

‘શેતલને કાંઠે’, ‘ભાદર તારાં વહેતાં પાણી’, ‘સોન કંસારી’, ‘રાજા ભરથરી’, ‘વીર માંગડાવાળો’ ‘રાણકદેવી’ એમ એક પછી એક લોકથાનકો રૂપેરી પડદે આવ્યાં અને ટિકિટબારીને ટંકશાળમાં ફેરવવા લાગ્યા. શરૂઆતમાં અનુપમા પણ પછી તો ઉપેન્દ્ર ત્રિવેદી-સ્નેહલતાની જોડી ચાલી. અરવિંદ ત્રિવેદી ‘કુંવરબાઇનું મામેરું’માં નરસિંહ મહેતા બન્યા અને ફિલ્મ ચાલી. ૧૯૭૧થી ૧૯૮૧નો સમયગાળો ગુજરાતી ફિલ્મોનો સુવર્ણયુગ કહેવાય છે. અવિનાશ વ્યાસનું સંગીત, રમેશ મહેતા-પી.ખરસાણીનું હાસ્ય ઉપેન્દ્ર ત્રિવેદી- સ્નેહલતા કે રાજીવ-રીટા ભાદુરી નરેશ-જયશ્રીની અભિનય બેલડી અને કોઇપણ એક લોકકથા એ સફળતાનો પર્યાય બન્યો.

લોકકથા, દંતકથા કે ધાર્મિક કથાનકવાળી ફિલ્મોથી દસ વર્ષ ચાલેલા ફિલ્મ ઉદ્યોગમાં હવે પરિવર્તનની જરૂર છે. થોડાં નવાં સાહસો થવાં જોઇએ એમ માનીને ૧૯૮૧માં સહકાર મંડળી સ્થાપીને ફિલ્મનિર્માણનો પ્રયોગ થયો. કેતન મહેતા દિગ્દર્શિત ‘ભવની ભવાઇ’ રજુ થઇ. એવોર્ડ અને પ્રશંસા ખૂબ મળ્યાં, પણ રૂપિયા ન મળ્યા. આવો જ અનુભવ ૧૯૭૯માં કાંતિ મડિયા ‘કાશીનો દીકરો’ રજુ કરીને લઇ ચૂક્યા હતા.

રાજ્ય સરકારના ખૂબ બધા એવોર્ડ મેળવનારી આ ફિલ્મને પ્રેક્ષક જ ન મળ્યા. આજે પણ જેઓ ‘કાશીનો દીકરો’ યાદ કરે છે તે લોકો પણ જ્યારે એ ફિલ્મ રજુ થઇ ત્યારે રૂપિયા ખર્ચીને જોવા નો’તા ગયા. ગુજરાતી ફિલ્મોની આજે જે હાલત છે તેનાં મૂળ આ ઘટનામાં છે. ‘કાશીનો દીકરો’ કે ‘ભવની ભવાઇ’ને જોનારો ન મળ્યો. ‘પારકી થાપણ’, ‘જોગ-સંજોગ’, ‘લોહીની સગાઇ’, ‘પૂજાનાં ફૂલ’ દ્વારા વાર્તા બદલવાનો પ્રયત્ન થયો, પણ આ ફિલ્મો પેલી લોકકથા જેટલી ન ચાલી; એટલે જ પોતાના ફિકસ ઓડિયન્સ માટે ફિલ્મ બનાવવાનું ચલણ શરૂ થયું.

૧૯૮૧થી ૧૯૮૫ના ગાળામાં પણ ગુજરાતી ફિલ્મોએ કમાણી કરી, પણ શહેરી મધ્યમવર્ગ તેનાથી દૂર થવા લાગ્યો. અને ૧૯૯૧ સુધીમાં તો ફિલ્મ ઉદ્યોગ સાવ જ નબળો પડી ગયો. ૧૯૯૧માં ભારતે તેની આર્થિક નીતિ બદલી અને અર્થકારણ તથા સમાજકારણમાં તેની વ્યાપક અસર પડી. શહેરીકરણ વધતું જતું હતું. ઔધ્યોગિકીકરણ વધવા લાગ્યું, શિક્ષણનું પ્રમાણ પણ વધવા લાગ્યું અને ‘ગુજરાતીઓ અંગ્રેજીમાં નબળા રહેશે તો ગ્લોબલાઇઝેશન અને પ્રાઇવેટાઇઝેશનના લાભ નહીં લઇ શકે ’ની ભાવનાએ અંગ્રેજી માધ્યમનું ઘેલું લગાડ્યું.

આ જ સમયગાળામાં નાનાંનાનાં નગરો-તાલુકા અને સેન્ટરોમાં થિયેટરો નબળાં પડવા લાગ્યાં. પહેલા ટીવી આવ્યું અને પછી ચેનલો આવી. વીસીઆર અને પછી ડીવીડીની ક્રાંતિએ થિયેટરોનો મનોરંજન આપવાનો ઇજારો ધરાશાયી કરી નાખ્યો. લોકો ઘેરબેઠાં મનોરંજન મેળવવા લાગ્યા અને હિન્દી ફિલ્મોને પણ ટોકિઝમાં પ્રેક્ષક મેળવવાની તકલીફ પડવા લાગી, ત્યાં ગુજરાતી ફિલ્મની તો વાત ક્યાં કરવી? પરિણામે ૧૯૯૧ પછી તો ગુજરાતી ફિલ્મોનું નિર્માણ લગભગ બંધ જ થઇ ગયું. વરસે ચારથી સાત ફિલ્મો બનતી. ૧૯૯૩માં ઉપેન્દ્ર ત્રિવેદી ‘માનવીની ભવાઇ’ને રૂપેરી પડદે લાવ્યા પણ પ્રેક્ષકો થિયેટરમાં ન આવ્યા.

૧૯૯૮માં ગોવિંદભાઇ પટેલની ફિલ્મ ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ને અદ્ભુત સફળતા મળી. રોમા માણેક-હિતેનકુમાર અભિનીત આ ફિલ્મ ભાવનગરમાં ૫૦ અઠવાડિયાંથી વધુ ચાલી. તે પછી તો તે પરદેશમાં પણ દર્શાવાઇ અને ફિલ્મ નિર્માતાઓ ફરી જાગ્યા કે ગુજરાતી ફિલ્મ જોવાય પણ છે અને તેનો દર્શક પણ છે. એટલે ૧૯૯૮ પછી ફરી ગુજરાતી ફિલ્મ નિર્માણમાં વેગ આવ્યો. ૧૯૯૯માં ‘સનેડા’ દ્વારા પ્રખ્યાત થયેલા મણિરાજ બારોટ અભિનીત ‘ઢોલો મારા મલકનો’ પણ ચાલી. વર્ષ ૧૯૯૯-૨૦૦૦માં થોડાક પ્રયોગો ગુજરાતી પડદે થયા.

આ ફિલ્મોને ‘દેશ રે...’ની સફળતા પછી થોડી આશા બંધાઇ હતી, પણ તેમને ધાર્યા પ્રેક્ષકો અને યોગ્ય રૂપિયા ટિકિટબારી પરથી ન મળ્યા. બાકી ‘મોક્ષ’, સંદીપ પટેલની વર્ષા અડાલજાની નવલકથા પરથી બનેલી ફિલ્મ ‘મોતીના ચોક રે સપનાંમાં દીઠા’ અને શૈલેશ પ્રજાપતિની ‘દીકરી મારી વ્હાલનો દરિયો’ જોવા જેવી ફિલ્મો હતી. હિન્દી ફિલ્મના દિગ્દર્શક વિપુલ શાહ અત્યારે ‘ખીચડી’ દ્વારા પ્રખ્યાત જે. ડી. મજીઠિયાને લઇ ‘દરિયા છોરુ’ લઇ આવ્યા. ફિલ્મ નિર્માણ હિન્દી ફિલ્મની કક્ષાનું છતાં ફિલ્મ ન ચાલી. તેમને સૌથી મોટો આઘાત લાગ્યો. સામે પક્ષે ‘ગામમાં પિયરિયું ને ગામમાં સાસરિયું’ કે ‘મા-બાપને ભૂલશો નહીં’ ચાલી.

અહીં નવીનતાને સ્થાન નથી તથા ગમે તે કરો પણ શહેરી વર્ગ ફિલ્મ જોવા નથી જ આવવાનો તે વાત ફરી સાબિત થઇ. માટે શહેરી વર્ગ માટે ફિલ્મ બનાવો તો ગુજરાતી ફિલ્મનો ગ્રામીણ વર્ગ પણ ગુમાવો તેવો ઘાટ થાય! તે વાત સાચી પડતી લાગી. ‘મન મોતી ને કાચ’ને પણ આ જ વાત નડી.

વર્ષ ૨૦૦૧-૦૨માં જશવંત ગાંગણીની ‘મહિયરમાં મનડું નથી લાગતું’ ફિલ્મે સૌનું ધ્યાન ખેંચ્યું. તે વખાણાઇ પણ ખરી અને કમાણી પણ કરી, પણ ભૂકંપને કારણે જે. ડી. મજીઠિયા અભિનીત ‘રંગાઇ જાને રંગમાં’ સારી હોવા છતાં લોકો સુધી ન પહોંચી. વળી, નર્મદાની વાત કરતી ફિલ્મ ‘નર્મદા તારાં વહી જતાં પાણી’ પણ સારી બની હોવા છતાં નોધ ન લેવાઇ.

‘ધૂળકી તારી માયા લાગી’ આ ફિલ્મે સાબિત કર્યું કે દરેક પ્રજાનું પોતાનું મનોરંજન હોય છે. ડેડિયાપાડાના લક્ષ્મણભાઈ દ્વારા નિર્મિત આ ફિલ્મ તેના ‘ધૂળકી...’નાં લોકગીત અને આદિવાસી કથાને કારણે સુરતથી માંડીને ડાંગના આખા પટ્ટામાં ખૂબ ચાલી અને ડીવીડી સ્વરૂપે છેક અમદાવાદ સુધી તે પહોંચી. સામે પક્ષે શહેરી કથાનકવાળી ‘પાંખ વગરનાં પારેવાં’ બહુ ન ચાલી.

મરાઠી માણસ સચિન ખેડેકરે પણ ‘પૈસો મારો પરમેશ્વર’ જેવી ગુજરાતી ફિલ્મ કરી છે તેવી કેટલાને ખબર હશે? ઉત્પલ મોદીએ પિતા ચિનુ મોદીના નાટક ‘જાલકા’ પરથી ‘રાજમાતા’ ફિલ્મ બનાવી તે ન ચાલી, પણ લોકગાયિકા ફરીદા મીરના અભિનયવાળી ‘દુખડા હરો મા દશામા’ ચાલી.

વર્ષ ૨૦૦૫-૦૬માં મલ્ટિપ્લેક્સનો નવો વર્ગ ઊભો થયો. તેમને ધ્યાનમાં રાખીને વિપુલ શર્મા દિગ્દર્શિત ‘લવ ઇઝ બ્લાઇન્ડ’ રજુ થઇ. અંગ્રેજી ટાઇટલવાળી આ ફિલ્મ માત્ર મલ્ટિપ્લેક્સમાં લાગી એટલે નગરના યુવાનોને આ પ્રેમકથા જોવા જ ન મળી. આવું જ ગયા વર્ષે ચર્ચાસ્પદ બનેલી આશિષ કક્કડની ફિલ્મ ‘બેટર હાફ’નું થયું. તેને જોવી ક્યાં?

વર્ષ ૨૦૦૬-૦૭માં હિન્દી ફિલ્મ ‘ફના’ જેવી જ વાર્તા પર ‘કર્મભૂમિ ગુજરાતની’ રજુ થઇ. તે નિર્માણની રીતે સારી હતી. મૌલિન મહેતાની ‘પ્રેમ એક પૂજા’ પણ ધ્યાનાકર્ષક બની, પણ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ તેની સ્થાપનાનાં ૭૫ વર્ષ પૂરાં કરી રહ્યો છે ત્યારે જ પૂરો થઇ જશે તેવું માનનારા બધાને ખોટા પાડતી હરસુખ પટેલ દિગ્દર્શિત અને આલબમના ગાયક વિક્રમ ઠાકોરને ચમકાવતી ફિલ્મ ‘એકવાર પિયુને મળવા આવજે’ સુપરડુપર હિટ થઇ. એટલું જ નહીં વિક્રમ સંવતનું નવું વર્ષ જાણે વિક્રમના નામે નવા રેકર્ડ લઇને આવ્યું હતું. ફિલ્મ જ્યાં રિલીઝ થઇ ત્યાં હાઉસફૂલ થઇ. ‘એકવાર...’ બે ટોકીઝમાં ૨૫ અઠવાડિયાં પૂરાં કર્યા. વિક્રમની પ્રથમ ફિલ્મની સફળતાને અકસ્માત ગણનારા ખોટા પડ્યા. તેણે સળંગ સાત ફિલ્મો હિટ આપી.

‘બેવફા પરદેશી’, ‘અમદાવાદ પાલનપુર વાયા કડી કલોલ’, ‘રાધા તારા વિના મને ગમતું નથી’, ‘પ્રીત જનમોજનમની ભૂલાશે નહીં’, ‘વાગી કાળજે કટારી તારા પ્રેમની...’વિક્રમના આગમનથી ગુજરાતી ફિલ્મોમાં બદલાવ આવ્યો છે. ‘દેશ રે જોયા...’ પછી દીકરીની વાર્તાઓ, સ્ત્રીપ્રધાન ફિલ્મો બનતી હતી, પણ હવે મારધાડવાળી એકશન ફિલ્મો બનવા લાગી છે. જેમાં ટીનએજર લવસ્ટોરી વણી લેવામાં આવે છે. વળી, ગ્રામીણ યુવા પ્રેક્ષકવર્ગ વિક્રમનો ચાહક છે તેની ફિલ્મોના બજેટ પણ કરોડને પહોંચવા લાગ્યા છે અને જ્યાં એક તરફ એમ કહેવાય છે કે ગુજરાતી ફિલ્મો પંદર-વીસ લાખમાં બને છે ત્યાં વિક્રમની ફી જ વીસ લાખથી વધુ થઇ ગઇ છે.

૨૦૦૭ પછી પ્રેક્ષકો ગુજરાતી ફિલ્મ જુએ છે તે ફરી સાબિત થયું છે. વરસે ૫૦થી વધુ ફિલ્મો બને છે. અહીંયાં ‘મોહનના મંકી’, ‘ પ્રેમી નં. ૧’ જેવી ફિલ્મો પણ બને છે. જોકે, પ્રેક્ષકવર્ગ હજુ પરંપરાગત જ છે. અહીંયાં પંદર-વીસ લાખમાં પણ ગુજરાતી ફિલ્મ બને છે અને દોઢ-બે કરોડમાં પણ ફિલ્મ બને છે. ફિલ્મ રજુ થાય ત્યારે પૂરા પચ્ચીસ દર્શક પણ નથી મળતા અને વિક્રમની ફિલ્મને પહેલું અઠવાડિયું હાઉસફુલ મળે છે. ગુજરાતી પચાસ ફિલ્મોમાંથી ૪૫ને પૂરી પાંચ લાખની કમાણી નથી થતી જ્યારે પહેલા અઠવાડિયે ત્રણ લાખનો વકરો કરનારી પણ ફિલ્મ છે અને તે પણ ટિકિટનો દર ૨૦ રૂપિયા હોય ત્યારે!

અત્યારે હિતેનકુમાર, હિતુ કનોડિયા, ચંદન રાઠોડ અને વિક્રમ ઠાકોર ગુજરાતી ફિલ્મોના સ્ટાર છે તો મોના થીબા, મમતા સોની, આનંદી ત્રિપાઠી, રોમા માણેક, (હવે ફિલ્મો નથી કરતાં) છેલ્લા બે દાયકાની અભિનેત્રીઓ છે; તો ફિરોઝ ઇરાની, દેવેન્દ્ર પંડિત, ભાવિની જાની, જયશ્રી પરીખ લાંબા સમયથી ગુજરાતી પડદે ચરિત્ર અભિનેતા-અભિનેત્રી છે. જયેન્દ્ર મહેતા અને જૈમિની ત્રિવેદી અઢળક ફિલ્મોમાં અભિનય આપી ચૂક્યા છે.

ટૂંકમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ચાલી તો રહ્યો છે પણ ગુજરાતી ફિલ્મોને પ્રદર્શિત થવા માટે ટોકીઝ જોઇએ. વસ્તુને વેચવા માટે બજાર જોઇએ, આપણાં નાનાં ગામો આજે પણ થિયેટર વગરનાં જ છે. ટાઉન પ્લેસમાં થિયેટરો કાં તો તૂટી ગયાં છે અથવા એવી ખરાબ હાલતમાં છે કે મધ્યમવર્ગીય માણસ પોતાના કુટુંબ સાથે ત્યાં ફિલ્મ જોવા જવા માગતો નથી. મલ્ટિપ્લેક્સ માત્ર શહેરોમાં છે અને ગુજરાતી ફિલ્મોનો સરેરાશ પ્રેક્ષક મલ્ટિપ્લેક્સની મોંઘીદાટ ટિકિટ ખરીદી શકવાનો નથી.

બીજું ગુજરાતી ફિલ્મો પ્રેક્ષક પાસેથી ૨૦ રૂપિયાથી વધુ લઇ શકે તેમ નથી અને ૨૦ રૂપિયા લેવાના હોય ત્યારે તેમાંથી ટોકીઝનાં ભાડાં, સર્વિસ ચાર્જ જેવા ખર્ચ બાદ કરીને નિર્માણ ને તો દસ બાર માંડ મળે તો તે ચાળીસ-પચાસ લાખનો ખર્ચો કેવી રીતે કાઢી શકે? કેટલા લોકો ફિલ્મ જુએ ત્યારે આ રકમ મળે! વળી,ગુજરાત સરકારે હિન્દી ફિલ્મો પરનો ટેક્સ ૧૦૦ ટકાથી ઘટાડીને ૨૦ ટકા કરી નાખ્યો છે અને હવે ગુજરાતી ફિલ્મો ટેક્સ ફ્રી ૧૦૦ ટકા નહીં, પણ ૨૦ ટકા જ છે તે કેટલાને ખબર છે!

ટોકીઝોનાં ભાડાં, સરકારની નીતિ, ભાણિયા-ભત્રીજાને હીરો બનાવવા મેદાને પડેલા નિર્માતાઓ પંદર-વીસ લાખમાં ફિલ્મ બનાવી સફળ થાય તો અધધ કમાઇ જવાની વૃત્તિવાળા લોકો જ ગુજરાતી ફિલ્મને મારવા માગે છે. ગુજરાતી છાપાં ફિલ્મોની દર અઠવાડિયે પૂર્તિ બહાર પાડે છે, પણ ગુજરાતી ફિલ્મો માટે તેમને કશું જ લખવું નથી. છતાં ગુજરાતી ફિલ્મો ચાલી છે. ૧૦૦૦નો આંક વટાવી ગઇ છે. કારણ?કારણ ગુજરાતી ફિલ્મોનો પ્રેક્ષક તેને જિવાડવા માગે છે.

કાર્તિકેય ભટ્ટ
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.