ભાવનગર યુનિ.ના પરીક્ષા વિભાગને આધુનિકતાનો ઓપ આપનાર, પૂર્વ પરીક્ષા નિયામક શ્રી ગિરીશભાઇ શેઠના હોનહાર પુત્ર અપૂર્વભાઇ શેઠે પોતાની વ્યવસાયી કારકિર્દીની શરૂઆત ભુતાન દેશમાં, બ્રિટિશ સરકારના ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા યોજિત R ૭ કરોડના ડુગ્રેઇલ હાઇસ્કૂલ પ્રોજેક્ટના પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે કરી હતી.
ભાવનગરના મધ્યમવર્ગીઓને, ૧૦૦ ટકા રકમ ચેકથી સ્વીકારી ઘરનો આશરો આપી શકે તેવી બ્રાન્ડ ઇમેજવાળી બિલ્ડર્સ કંપની ઊભી કરવાના વિચારને મૂર્તિમંત કરવા શહેરના તળાજા રોડ ખાતે ૨૧૩ મકાનોની સ્વપ્નસૃષ્ટિ ટાઉનશિપ, ચિત્રા રોડ ખાતે ૧૩૫ મકાનોની સ્વપ્નસૃષ્ટિ ટાઉનશિપ, અધેવાડા ખાતે ૧૬૮ મકાનોની સ્વપ્નશિલ્પ ટાઉનશિપ, તરસમિયા ખાતે ૧૭૮ મકાનોની સ્વપ્નશિલ્પ ટાઉનશિપ અને પાલીતાણા ખાતે ૩૧૩ મકાનોની સ્વપ્નસૃષ્ટિ ટાઉનશિપ ઊભી કરી પૂરબહારમાં વિકાસની હરણફાળ ભરી રહ્યા છે.
જીવનમંત્ર: સ્વપ્નાં સેવવાંને સાચાં ઠેરવવા એ જ જીવનમંત્ર છે. પ્રગતિના પંથે અપૂર્વભાઇએ ૧૯૯૩માં શેઠ કન્ટ્રક્શન કું.ની સ્થાપના કરી, ભાવેણાના રાજરોડ સમા વાઘાવાડી રોડ પર સર્વપ્રથમ ‘‘સ્વપ્નલોક ફ્લેટસ’’ તેમજ ‘‘સેતુબંધ ફલેટ્સ’’ની યોજના પાર પાડી, મધ્યમવર્ગનાં લોકોને પરવડે તેવી સોમનાથનગર ૧-૨-૩-૪ની નાના પ્લોટ્સની યોજના પૂરી કરેલ. દરમિયાનમાં અન્ય ક્ષેત્રોમાં પણ ઝંપલાવી સફળ ઉદ્યોગપતિ બનવાની હામ સાથે ભાવનગર, રાણપુર અને વાપી ખાતે જી.ઇ.બી.ના સિમેન્ટ પોલ બનાવવાના ત્રણ ઉદ્યોગો સ્થાપી પોતાની ઉદ્યોગ સાહસિકતા કાયમ કરી.
પ્રેરણાસ્ત્રોત: પિતા ગિરીશભાઇ શેઠ કાયમ તેમનું પ્રેરણાસ્ત્રોત રહ્યા છે.
વિકાસ માટેના વિચારો: ભાવનગરને દક્ષિણ ગુજરાત સાથે જોડવા સત્વરે સેતુ (પુલ) બંધાય, ઉપરાંત વિદ્યાર્થીથી માંડી વડીલ સુધીના, સામાન્ય થડાથી માંડી મોલ સુધીના, ગૃહથી માંડી મોટા ઉદ્યોગગૃહો સુધીના અને પુરોહિતથી માંડી પોલિટિશિયન સુધીના દરેકે ભાવનગરનું માર્કેટિંગ કરવું જોઇએ એટલે કે વિકાસ માટેની નકારાત્મકતા દૂર કરી વિકાસનાં પરિબળોને વખાણવાં જોઇએ.
મહત્વાકાંક્ષા : મધ્યમવર્ગનાં લોકોને અત્યંત વ્યાજબી કિંમતે ઘરનો આશરો મળે અને તેમાં સુખરૂપ રહી શકે તેવી હજારો મકાનોની ટાઉનશિપ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઊભી કારવાની એક માત્ર મહત્વાકાંક્ષા છે.
આજની પેઢીને સંદેશો: સ્વપ્નની ખેતી કરો અને સફળતાનો પાક મેળવવા તનતોડ મહેનત કરો.