પ્રામાણિકતા મોટો સદગુણ છે, પણ આપણી પ્રામાણિકતા બીજાને શરમાવે, તકલીફમાં મૂકી દે, ત્યારે એનો શું અર્થ? અને એમાંય જ્યારે સામેવાળા પાસે પોતાની વાત રજુ કરવા માટે કોઈ માધ્યમ ન હોય? પ્રામાણિકતાના નામે ગામની વચ્ચોવચ પોતાના અંગત જીવનનો ખાડો ખોદનારા પોતે એમાં પડે કે ન પડે, પણ બીજા અનેકને તો ચોક્કસ તેમાં પાડે છે. મનીષા કોઇરાલાથી લઇને ઓમપુરી જેવી વ્યક્તિઓના કિસ્સામાં આ મુદ્દો ચર્ચામાં આવે છે.
મૂળ નેપાળી, પણ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધૂમકેતુની જેમ જરાક ઝળહળીને ખોવાઈ ગયેલી એક્ટ્રેસ મનીષા કોઈરાલા પછી તો ધામધૂમથી પરણી ગઈ. પરંતુ થોડા સમય પહેલાં એણે સોશિયલ માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર કંઈક એવું ટમકું મૂક્યું કે, ‘માય મેરેજ ઈઝ ઈન ટ્રબલ...’મનીષા જેટલી ફેમસ તો નહીં, પણ પોતાના કાર્યક્ષેત્રમાં જાણીતી બીજી એક વ્યક્તિનો ઈન્ટરવ્યૂ હમણાં વાંચ્યો. પૂછાયું નહોતું તોયે એણે ખુદના લગ્નજીવન વિશે સામેથી વાત માંડીને કહ્યું કે મારા ડિવોર્સ થયા નથી, પણ મારા પાર્ટનર સાથે મને બનતું નથી. એ બહુ સારી વ્યક્તિ છે પણ મને સમજી શકતી નથી... વગેરે.
આ બંને જણે જે કહ્યું એને નિખાલસતા, પ્રામાણિકતા, બોલ્ડનેસ જેવાં વખાણ-વિશેષણ મળ્યા પણ જરાક વિચારો કે એમણે જેના વિશે કહ્યું એ લોકોનું શું?આ બંનેના જીવનસાથી નોન સેલિબ્રિટી, ઓછા જાણીતા છે. ભલે એ ગમે તેટલા સારા કે ખરાબ હોય, પણ એ પછી પોતાની બાજુ રજુ કરવા માગે તો કોણ એમનો ઈન્ટરવ્યૂ લઇને છાપશે? એ ટ્વિટર પર ખુદની સફાઈ આપે તો કેટલા જણ એને ફોલો કરવાના કે પબ્લિસિટી આપવાના?અને પછી એમના પોતાના પર્સનલ કે પ્રોફેશનલ સર્કલમાં આ ટ્વિટર કે ઈન્ટરવ્યૂ વિશે ચર્ચા કે ગુસપુસ ચાલે ત્યારે આ લોકો કેવી સંકોચજનક પરિસ્થિતિમાં મુકાતા હશે?પ્રામાણિકતા મોટો સદગુણ છે, પણ આપણી પ્રામાણિકતા બીજાને શરમાવે, તકલીફમાં મૂકી દે, ત્યારે એનો શું અર્થ? અને એમાંય જ્યારે સામેવાળા પાસે પોતાની વાત રજુ કરવા માટે કોઈ માધ્યમ ન હોય?
ગાંધીજીની આત્મકથા, મારા સત્યના પ્રયોગોમાં એમણે એક જગ્યાએ વર્ષોથી મનને ડંખતી વાત કહી નાખી કે પિતાજીને મરણ પથારીએ છોડીને એ બીજા રૂમમાં પત્ની સાથે શયનસુખ માણવા જતા રહેલા. હવે પહેલાં તો એ વિચાર આવે છે કે ઘરમાં કોઈ લાંબો સમય બીમાર રહે તો કુટુંબમાં બીજા બધાએ દિવસો, મહિનાઓ સુધી ફરજિયાત વૈરાગી થઈ જવું જોઈએ? અને માણસ એની પત્ની સાથે હોય ત્યારે જ એના પિતા જીવ છોડે તો બધો દોષ કામેચ્છા પર નાખી દેવાનો? પણ આ સવાલો બાજુએ મૂકીને અહીં તો એટલું જ પૂછવાનું કે આવું લખતાં પહેલાં બાપુએ કસ્તુરબાને પૂછ્યું હશે? પૂછ્યું હોત તો બા ખુશીખુશી આ લખવાની મંજુરી આપત? અને આખી દુનિયામાં આ વંચાયું-ચચાર્યું ત્યારે એક સ્ત્રી તરીકે કસ્તુરબાએ કેવી લાગણી અનુભવી હશે?અહીં ગાંધીજીની ટીકા કરવાનો હેતુ નથી અને એવી મારી લાયકાત પણ નથી. એ મહામાનવે જે પણ લખ્યું એ શુદ્ધભાવે, ખાસ હેતુસર જ લખ્યું હશે. પરંતુ મને જે નથી સમજાયું એ આજે પૂછી લીધું.
બીજા સામાન્ય જનોની વાત કરીએ તો એકથી વધુ પુરુષોને મેં જાહેરમાં પત્નીનાં વખાણ કરવાનાં નામે એવું બોલતા સાંભળ્યા છે કે ‘મેં તો લગ્ન પછીએ ઘણાં લફરાં કરી નાખ્યાં. હજીયે સાવ સુધરી નથી ગયો, પણ મારી વાઈફ બહુ સારી છે. ઘરસંસાર સાચવી લે છે...’આવું બોલનારા નહીં જાણતા હોય કે સાંભળ્યા બાદ લોકો પેલી સ્ત્રીની ઉદારતાના વખાણ નથી કરતાં, પણ બાપડીની મજબૂરીની દયા ખાય છે? ઘરમાં અને બહાર પણ એ ગૃહિણીની કિંમત કોડીની થઈ જાય છે.પ્રામાણિકતાના નામે ગામની વચ્ચોવચ પોતાના અંગત જીવનનો ખાડો ખોદનારા પોતે એમાં પડે કે ન પડે, પણ બીજા અનેકને તો ચોક્કસ તેમાં પાડે છે.
જાણીતા ફિલ્મ એક્ટર ઓમ પુરીની આત્મકથા એની જ પત્નીએ લખી અને એમાં ઘરની કામવાળીથી માંડીને બીજી સ્ત્રીઓ સાથેનાં ઓમભાઈનાં લફરાંનું વર્ણન કર્યું. આવું કરીને એમણે સનસનાટી મચાવી, પણ પેલી ગરીબ કામવાળી બાઈનું શું થયું હશે? એને તો કોઈ પૂછવા નથી ગયું કે મામલો શું હતો! પરંતુ એ સ્ત્રીનાં માબાપ, પતિ, બાળકો, ભાઈ બહેન, એવા કોઈક સગાંવહાલાં તો હશે ને! અહીં એ સ્ત્રીનો બચાવ નથી કરવો, પણ બે વ્યક્તિ જ્યારે સાથે મળીને ભૂલ કે ખોટું ગણાય એવું કામ કરે અને પછી એમાંથી એક જ જણ પોતાના કોઈ સ્વાથેg જાહેરમાં ઢંઢેરો પીટવાની તક લઈ લે એ ક્યાંનો ન્યાય?
અને આવું કરવા પાછળ નર્યો અંગત સ્વાર્થ હોય છે. એક તો આવું જાહેર કરીને મન પરનો બોજ હળવો થઈ જાય, આવી હિંમત દાખવવા બદલ લોકો પ્રશંસા કરે. કદાચ ગામ વચ્ચે આવું થયા પછી જીવનસાથીએ પણ માફી આપવાની ફરજ પડે. કબૂલાતનામામાં જે બીજાઓનાં નામ ખરડાયાં હોય એ ભલે બરબાદ થઈ જાય. કદાચ એવુંયે બને કે પતિ, પત્ની કે બીજાને શરમમાં નાખવા માટે જાહેરમાં ખુન્નસ કાઢવા માટે આવા લોકો જાહેરમાં, રિયલ લાઈફમાં ‘સચ કા સામના’ જેવો ખેલ કરતા હશે ?