ટાઇટલ્સ
સ્ત્રી હોવું એ બહુ અઘરું કામ છે કારણ કે એમાં
તમારે પુરુષ જોડે પનારો પાડવો પડે છે! (જોસેફ કોન્રાડ)
‘સ્ત્રીની સ્માર્ટનેસ બગડેલા પેરેશૂટ જેવી હોય છે, જે કરેકટ ટાઇમે જ ખૂલતી નથી... સ્ત્રીને ખબર હોય છે કે ક્યારે સહી કદમ ઉઠાવવું પણ કયો પગ પહેલો ઉપાડવો એ વિચારવામાં બિચારીને ટાઇમ લાગી જાય છે.... સ્ત્રીની જીભ એટલી લાંબી હોય છે કે એ પત્રને પરબીડિયાને પોસ્ટ બોક્સમાં નાખ્યાં પછી પણ જીભ લંબાવીને સીલ કરી શકે... સ્ત્રી, ગ્લાસમાં આંગળી નાખીને ડ્રિંકને ચેક કરે કે એ સોફ્ટ ડ્રિંક છે કે હાર્ડ ડ્રિંક!’ નરાધમ નરજાતિ, આવી બધી મજાકો, નમણી નારીઓ માટે ફેલાવે છે. અરરર, અમારાથી જોઈ નથી શકાતું. પણ કેમ? શા માટે? વ્હાય ધીસ, કાળીકાળી કૂથલીઓ કામિનીઓ માટે (રાગ : કોલાવેરી - ડી) ચાલાક ચતુર ચિત્તહારિણી ચંચલાઓ માટે કેમ એમ કહેવાય છે કે એમનામાં પુરુષો જેવી રમૂજવૃત્તિ ના હોતી?
ગયા હપ્તે, આ પોઇગ્નન્ટ પ્રાણપ્રશ્ન અમે પૂછેલો... ક્રિસ્ટોફર હિત્ચેન્સ જેવા લેખકો ‘આગ્યુંએબલ’ કિતાબમાં કહે છે કે થોડીક પણ સેન્સ ઓફ હ્યુમર, હોવા માટે માણસે બેઝિકલી બુદ્ધિશાળી વ્યક્તિ હોવું પડે. અને ‘સેન્સ ઓફ હ્યુમર’ માટે ‘સેન્સ ઓફ કોન્ફિડન્સ’ કે આત્મવિશ્વાસ અતિ આવશ્યક ચીજ છે, જે કુદરતી રીતે આમ નારીઓમાં ઓછો હોય છે. મોટાભાગની સ્ત્રીઓ નાનપણથી માનતી હોય છે કે અથવા તો એમની મમ્મીઓએ એમને જાણેઅજાણે એવો પાઠ ભણાવ્યો હોય છે કે પુરુષો સામે, બહુ હોશિયારી ના દેખાડવી, પોતે બહુ સ્માર્ટ છે એવું ભાઇડાઓ સામે છતું ના કરવું! કારણ કે સ્ત્રીઓ પોતાનાથી વધુ ઇન્ટેલજિન્ટ હોઇ શકે, એ વાત સામાન્ય રીતે સામાન્ય પુરુષો પચાવી શકતા નથી.
એવરેજ મર્દને, સ્ત્રી-એક મૂંગા પ્રેક્ષક તરીકે માન્ય હોય છે, પણ એક હરીફ કે પડકાર તરીકે નથી પરવડતી. આવા ‘કોમ્પ્લેક્સિઝ’થી પીડાતી પુરુષજાતની સામે જરાક બેવકૂફની એક્ટિંગ કરીને એમનો ગેરલાભ ઉઠાવામાં સ્ત્રીઓ બહુ એક્સપર્ટ હોય છે. અથૉત્ અમુક સ્ત્રીઓ ખરેખર ‘સ્માર્ટ’ નથી હોતી અને મોટાભાગની સ્ત્રીઓ ‘હાય, હાય, હું જરાયે સ્માર્ટ નથી, હોં’ એવી એક્ટિંગ કરીને સ્માર્ટ બને છે. શાણી લલનાઓ, પુરુષને કોમ્પિટિશન આપીને બિદકાવવામાં નહીં પણ બિરદાવવામાં માને છે.
સ્ત્રીઓ ફટાફટ ખુદ પર જોક નથી મારતી એનું એક કારણ એ પણ છે કે એક નોર્મલ સ્ત્રી ખુદને ખૂબ ખૂબ ચાહે છે. એને માટે ‘I know’ કરતાં ‘આયનો’ વધારે મહત્વનો છે. સ્ત્રીઓ ક્યારેય પોતાનાં શરીરની બદસૂરતી કે ફેલાયેલાં ફગિર વિષે વાહિયાત ‘જોકસો’ પિરસવામાં માનતી નથી. માટે જ ચેનચાળા કરતી કોઈપણ સ્ત્રી, સ્ટેજ પરથી પબ્લિકને ખડખડાટ હસાવે એ એટલી જ ઇમ્પોસિબલ વાત છે જેટલી કે એક કૂતરો, પોતાના પાછલા બે પગ પર ચાલી બતાડે! સ્ત્રી-સાઇકોલોજીનો અભ્યાસુ Fran Lebotiz કહે છે કે પુરુષો એટલા બાલિશ હોય છે કે અર્થહીન ટુચકાઓ પુરુષો જ માણી શકે. અરે, પુરુષો તો પોતાની બેડરૂમની નિષ્ફળતા કે શીઘ્રપતન પર પણ મજાક કરી લે છે.
સ્ત્રીઓ એવું ક્યારેય નહીં કરે! કારણ કે એક બાળકને જન્મ આપવો એ સ્ત્રીનાં જીવનનું એ એક મહત્વનું કામ છે. એટલે સેક્સ અને શરીરનાં અમુક અવયવો તરફ સ્ત્રીઓ બહુ શરમિંદગી નથી અનુભવતી... સ્ત્રીઓ પોતાનાં શરીરની મહાનતાને સમજે છે એટલે પોતાના શરીરની મજાક ક્યારેય નહીં ઉડાવે... એક ધર્મગુરુને કોઈએ ‘સ્ત્રી અને પુરુષ’માં તફાવત સમજાવવા કહ્યું, તો ધર્મગુરુએ ફકત એટલું જ કહ્યું કે, ‘હું સગભૉ થઈ શકતો નથી!’ બસ! સ્ત્રીઓની આ જ ક્ષમતાને લીધે, પુરુષ અંદરખાનેથી સ્ત્રીને એક આદર-ડરથી જુએ છે, એને પાવરફુલ ગણે છે, ખુદને ખૂબ પાંગળો અનુભવે છે.
કોઈપણ શક્તિશાળી સરમુખત્યાર કે કામયાબ માણસ કે કોમની મખૌલ ઉડાવવી, એ હાસ્યકલાકારનો પ્રિય વિષય રહ્યો છે. હાસ્ય-વ્યંગ-મશ્કરી એ પીડિતો કે કમજોરોનાં હથિયાર છે... એ ગુલામોનાં શિરનો તાજ ગણાય છે. બિચારા પુરુષોનુંયે એવું જ છે, એટલે જ બૈરાં પર જોક મારે... Saturnalia, નામનો એક પ્રાચીન રોમન ઉત્સવ છે, જેમાં ગુલામો સેટર્ન એટલે કે શનિદેવને પૂજે છે. જેમાં ગુલામ-માલિકનું પાત્ર ભજવે છે અને માલિક-ગુલામનું! આથી એક દિવસ માટે, થોડી પળો માટે ગુલામ, આ મુક્તિની પળો માણે છે. પુરુષોની રમૂજો પાછળ પણ ડિટ્ટો, આ જ વાત છે.
મદોઁ, ગમે તે રીતે જાત સામે પુરવાર કરવા મથે છે કે સ્ત્રીઓ તો નિર્જીવ નાચીઝ ચીજ છે અને જેનો ભોગ ત્યારે, ગમે તે રીતે કરી લેવાનો અને હક્ક છે. વગેરે. બસ, બિચારા ભાઇડાઓ આવાં બધાં દિવાસ્વપ્નોમાં રાચી ખુશ રહે છે, પણ પુરુષો બાળક પેદા નથી કરી શકતા એટલે એ પોતાનાં શરીર વિશે બાલિશ મજાકો કરી મૂખૉની જેમ હસે છે. સ્ત્રીનાં શરીર પર મજાક કરીને પલ દો પલ પથેટિક આનંદ માણે છે!
ઇન્ટરવલ
શાયરી હૈ, કોઇ નૌશાદા કા મ્યુઝિક તો નહીં!
શેર મેં દમ હૈ તો ગા કે સુનાતા ક્યા હૈ?
(ઇર્તઝા નિશાત)
બીજું એક કારણ, ‘જંગલ બુક’ના લેખક રૂડયાર્ડ કપિલિંગ મુજબ એ છે કે પુરુષો માટે લડવું એ બાળક જણવા જેવું જ કામ છે. એટલે પુરુષની અંદરના પાશવી શિકારીને કે ધરબી રાખેલા ક્રોધને ઠંડો પાડવામાં પેલી સારી ખરાબ, શ્લીલ-અશ્લીલ રમૂજ, સેફટી વાલ્વ જેમ મદદ કરે છે. પણ શાંત-સ્વસ્થ સ્ત્રી માટે, આદિમ આવેશને ઠંડો પાડવા, ફન્ની હોવું જરાય જરૂરી નથી. પોતે ઘણાં વધારે મહાન કામ માટે પેદા થઈ છે એનું બૈરાંઓને પહેલેથી જ ભાન હોય છે.
વળી સ્ત્રીઓ, એટલી લુચ્ચી હોય છે ને કે મૂર્ખ પુરુષોને એ વાતની ખબર જ ન થવા દે સ્ત્રીઓને ખબર છે કે પુરુષો કેટલાં મૂર્ખ છે. H. L. Mencken કહે છે : ' The Greatest single discovery made by man is that babies have human fathers and are not put into their mothers bodies by Gods!' વિચિત્ર લાગે છે ને ? પણ, ખરેખર, Meanasia માં એવી કોમ છે, જે છેક હમણાં સુધી જાણતી જ નહોતી કે બાળકોનું સર્જન કેવી રીતે થાય છે?
એમને તો એમ કે રતિક્રિયા તો બધાં કરતા હોય છે પણ કંઈ દરેક સ્ત્રી સગભૉ નથી થતી એટલે સેક્સ અને ચાઇલ્ડ બર્થ વચ્ચેનું કનેકશન જ એમને સમજાતું નહોતું. આને લીધે, એક માતૃ-પ્રધાન સમાજ ત્યાં બન્યો અને સ્ત્રીઓની દાદીગીરી, બિચારો અજ્ઞાન પુરુષ સહન કરતો રહ્યો. (સારું થયું કે સમય જતાં સ્ત્રીઓને પુરુષોની ઉપયોગિતાનો ખ્યાલ આવ્યો અને સ્ત્રીઓ જરા ઢીલી પડી, નહીં તો નારી કેવી ભારે પડી હોત? જેટલી છે, એટલી જ ઇનફ નથી!)
રાજા મહારાજાઓના ફોટા કે તૈલચિત્રોમાં તલવારને સજજડ પકડી રાખે એવો મોભો જાળવવાનો આ મરણિયો પ્રયાસ, બિચારા પુરુષને એવી દયાજનક હાલતમાં મૂકી દે છે. ‘અરે, મારી આ સત્તા જશે? કે ગઈ?’ એવી બીકમાં ને બીકમાં બિચારો ભાઇડો, સ્ત્રીને ખુશ કરવાના પેંતરા રચવામાંથી નવરો જ નથી પડતો અને હાય રે બદનસીબ પુરુષજાત, ‘સ્ત્રી’ અને ‘હ્યુમર’ એ બેઉને હજીયે કુદરતની બે શ્રેષ્ઠ ગિફ્ટ્ઝ માને છે, પણ એ બંને શબ્દો તદ્દન વિરોધી ચીજો છે.
જોકે નવાં રિસર્ચ બાદ, હવે સ્ત્રી-વૈજ્ઞાનિકો પણ અંદરખાને સ્વીકારવા માંડી છે કે જેમ જેમ સ્ત્રીની ઉંમર વધે છે તેમ તેના સ્વભાવમાં ફેરફાર આવે છે અને એ ‘સેન્સ ઓફ હ્યુમર’ને એ અપનાવવા માંડે છે! ધારો કે એ બાહોશ બહેનોની આ વાત સાચી હોય તોયે પ્રોબ્લેમ તો એ છે કે બિચારા મરદે આખરે કેટલી રાહ જોવાની ફની સ્ત્રી માટે? વેલ, જ્યાં સુધી કુદરતે છોકરાં જણવાની તાકાત બૈરાંઓમાં આપી છે, ત્યાં સુધી તો કોઈ ચાન્સ દેખાતો નથી. કારણ કે ત્યાં સુધી જોક મારવા જેવી ફાલતુ પ્રવૃત્તિની બૈરાંઓને જરાયે પડી નથી! તો બસ, ત્યાં સુધી હંસિની-હિસ્તની-હૃદયસ્વામિનીઓને હસાવતાં રહો... જોકર બનીને જનાના ખેલ કરતા રહો અને પ્રાર્થના કરો કે સેન્સ ઓફ હ્યુમરના સિલિકોન ઇમ્પ્લાન્ટ્ઝ જલદી શોધાય!
એન્ડ ટાઇટલ્સ
પુરુષ : સલમાન રશ્દી અને સલમાન ખાન વચ્ચે શું ફર્ક?
સ્ત્રી : એકે શિકાર કર્યો અને બીજો ખુદ શિકાર છે!