ટાઇટલ્સ
શબ્દો ખાઈ જવાથી મને ક્યારેય અપચો નથી થયો.
(ચર્ચિલ)
સૃષ્ટિની શરૂઆતમાં ઈશ્વરે પહેલાં પુરુષને રચ્યો. બિચારો પુરુષ એકલો એકલો કંટાળ્યો એટલે ભગવાને એને સ્ત્રીનો આકાર બતાડીને કહ્યું : ‘હે નર, તને એક પાર્ટનર આપું? એ ‘સ્ત્રી’ નામનું પ્રાણી હશે. બોલ, એનામાં શું શું કવોલિટી હોવી જોઈએ?’ તો પુરુષે તરત કહ્યું : ‘એ સુંદર, પ્રેમાળ વગેરે તો હોવી જ જોઈએ, પણ સાથોસાથ એનામાં રમૂજ-સેન્સ ઓફ હ્યુમર જબરદસ્ત મૂકજો.’
ઇશ્વરે કહ્યું : ‘ઓહ! એક સ્ત્રીમાં આટલું બધું? વેલ, એ માટે તો તારે ભારે કિંમત ચૂકવવી પડશે. તારે તારો એક હાથ ને એક પગ કાપીને આપી દેવો પડશે!’ પુરુષ મૂંઝાયો. એટલે એણે ભગવાન સાથે ભાવતાલ કર્યો, ‘અં, મારા હાથ પગ લેવાનાં રહેવા દો, પણ જો હું મારી છાતીની એક પાંસળી આપું તો?’ અને પછી ઈશ્વરે પાંસળીના હાડકાને બદલે આજે જેવી છે તેવી સ્ત્રી આપી! સુંદર, પ્રેમાળ વગેરે ઠીક છે, પણ સેન્સ ઓફ હ્યુમર? સોરી, આ ભાવમાં એ ક્યાંથી મળે? બસ, ત્યારથી મદોઁ માથું કૂટે છે!
જાંનિસાર અખ્તરનો અફલાતુન શેર છે, સ્ત્રીની સુંદરતા વિશે: ‘સીના, ઝુલ્ફેં, નાફ, કમર! એક નદી મેં કિતને ભંવર?’ પણ એમાં અમને એક લાઇન ઉમેરવાની ગુસ્તાખી સુઝે છે : ‘સીના, ઝુલ્ફેં, નાફ, કમર! એક નદી મેં કિતને ભંવર? પર કહાં ગઈ સેન્સ ઓફ હ્યુમર?’સાચું કહેજો, તમે પુરુષ હો કે સ્ત્રી, ક્યારેક તો ચોક્કસ કોઇક છોકરીના મોઢે સાંભળ્યું હશે કે મારો નવો પ્રેમી, કેટલો કયુટ છે, કેટલો પ્રેમાળ છે અને બીજું બધું તો ઠીક, પણ મારો એ તો એટલો ફન્ની છે, એટલો રમુજી છે ને... બસ, આટલું કહીને પેલી વાળમાં આંગળી ફેરવી, હાથ ઉલાળી, લાલ લાલ ગાલ સાથે ગદ્ગદ્ થઈ ગઈ હશે.
આ સાંભળીને તમે ખુરશી પરથી ઊછળી પડશો કે હાયલા! આ બાઇ, જે પેલા ચંબુની વાત કરે છે, એ મહા-બોર માણસ ક્યા એંગલથી આને ફન્ની લાગ્યો? એ ઇડિયટને કોઈ સુપરહીટ જોક પણ મરી મરચું ભભરાવીને પીરસવામાં આવે તોયે હરામ છે કે જરાક પણ હસે... એ હ્યુમરહીન બોર નર, આ નારી માટે ફન્ની? જવા દો, સ્ત્રીઓને તો આવું બધું વિચાર્યા વિના કહેવાની ટેવ હોય છે. પણ ધારો કે જો આ જ સિચ્યુએશનને રિવર્સ કરીએ તો? એક પુરુષ, એની પ્રેમિકા માટે શું કહેશે? કહેશે, ‘એ કેટલીકયુટ છે, ચોકલેટ જેવી મીઢ્ઢી છે અને મારાં પર જરાય ડપિન્ડ નથી થતી.’ (એટલે કે, એ મારે માથે નથી પડતી)’ વગેરે વગેરે.
પણ ક્યારેય કોઈ પુરુષના મોઢે એમ સાંભળ્યું છે કે : મારી ગર્લફ્રેન્ડ કે વાઇફ એટલી રમુજી છે ને, મને એટલું હસાવે છે! નહીંને? કારણ કે આવી સિચ્યુએશન અસંભવ છે. કોઈ પુરુષ ભૂલથી પણ આવું બોલે તો દોસ્તો એને પાક્કો પાગલ ગણે! જી હાં, દુનિયાને પોતાની ટચલી આંગળી પર નચાવનારી નારી, ભૂલથી પણ રમૂજ કરી શકે છે એવું કોઈ ભૂલથીયે કહેતું નથી. આમ કેમ? એક કારણ એ હોઇ શકે કે પુરુષોને ફન્ની થઈને ફના થવા સિવાય કોઈ છુટકો જ નથી. નોર્મલ નરનું આ ધરતી પર સૌથી મોટું અવતારકાર્ય, માદાને ઇમ્પ્રેસ કરવાનું હોય છે. અનફોચ્ર્યુનેટલી, કુદરતે પુરુષોના દેખાવ તરફ થોડી ક્રૂરતા અને કંજુસી દાખવી છે. એની પાસે મર્દાના જીગર છે, પણ સ્ત્રીઓવાળું ફગિર નથી.
દુનિયામાં ટકવા માટેનાં જરૂરી સેક્સી શસ્ત્રસરંજામથી કુદરતે પુરુષોને વંચિત રાખ્યા છે એટલે બાળોતિયાના બળેલા પુરુષો પહેલેથી જ, સ્ત્રીઓને પટાવવા, ખુશ કરવા કોમેડી-કસરત કરવી પડે છે. જો તમે સ્ત્રીને હસાવી શકો તો તમારો પહેલો પડાવ પાર... અને હસવું એટલે ધીમુ ધીમું, મરકમરક નહીં, હસવું એટલે પેલું ખડખડાટ, જેમાં સ્ત્રી સહેજ માથું પાછળ ઢાળે,કોસ્મેટિક ડેન્ટિસ્ટ પાસે બેસાડેલાં સુંદર સ્માઇલનાં દર્શન કરાવે, મીઠા આઘાત અને આશ્ચર્યનાં કોકટેઇલ જેવા હાવભાવ એના ચહેરા પર ઉપસે અને આખો રૂમ ગજાવે... બસ, આટલું થાય એટલે ભયોભયો... માદા શિકાર પિગળી, એની આ પહેલી નિશાની.
પણ પુરુષોને આકર્ષવા માટે સ્ત્રીઓને આવાં પેંતરા કે તિકડમની જરૂર પડતી નથી. ઔરત તો ઓટોમેટિકલી જ્યાં જાય ત્યાં પુરુષોનું ધ્યાન ચુંબકની જેમ ખેંચે. સ્ત્રીનું ‘સ્ત્રી’ હોવું જ કાફી છે. પલક ઝુકાવીને ફરી ઉઠાવે કે જરા પાલવ ઢાળીને ઉછાળો કે મેટર ખતમ! સ્ત્રી અને પુરુષની શારીરિક રચનામાં બ્રાન્ડી અને બાંસુદી કે જેટલો ફર્ક છે, એકમાં કડવો નશો છે બીજામાં માદક મીઠાશ છે! પણ તેમ છતાં એક મહીન-મેઇન ફર્ક : ‘સેન્સ ઓફ હ્યુમર’ કે રમૂજવૃત્તિનો! શું થાય, ગોડ ઇઝ કન્ફ્યુઝ્ડ આર્ટિસ્ટ!
ઇન્ટરવલ
હંસને કી ચાહ ને કિતના મુઝે રુલાયા હૈ?
(કપિલ કુમાર, ફિલ્મ : આવિષ્કાર)
અરે, હવે તો વિજ્ઞાનીઓ પણ નર-નારીના આ ભેદ ભાખવા મથી રહ્યા છે. સ્ટેનફર્ડ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનવાળાઓએ દસ સ્ત્રી અને દસ પુરુષો પર એક અખતરો કર્યો. એમાં ભાગ લેનારાં સ્ત્રી-પુરુષોને ૭૦ જેટલાં કાર્ટૂન દેખાડવામાં આવ્યાં અને ક્યાં ચિત્રો વધારે કે ઓછાં ફની છે એ પૂછવામાં આવ્યું. સંશોધકોએ તારણ કાઢયું કે સ્ત્રીઓમાં મગજના અમુક હિસ્સા જ વધુ સક્રિય હોય છે. (અફ કોર્સ! એમાં નવાઈ શેની?) જેમકે ડાબી બાજુનો પ્રિ-ફ્રન્ટલ કોર્ટેક્સ, જેને લીધે સ્ત્રીઓ બેઝિક ભાષા તથા રોજબરોજનાં ફાલતુ કામો પર વધારે ભાર આપે છે! રિસર્ચ કહે છે કે કાર્ટૂનની જે પંચલાઇન હોય છે, એમાં સ્ત્રીઓની બહુ ચાંચ નથી ડૂબતી.
એ પંચલાઇન ગમે તેટલી નબળી હોય, સ્ત્રીઓ અચૂક ખુશ થાય છે. હ્યુમરમાં એ લોકોનો બહુ ઊંચો ટેસ્ટ નથી હોતો. પણ હા, જોકમાં જો કશુંક ‘અનફન્ની’ હોય તો એને સ્ત્રીઓ તરત પકડી પાડે છે. બૈરાંઓમાં વિવેચકો જેવી વાંક કાઢવાની ટેલેન્ટ વધારે જોરમાં હોય છે. (એટલે બધાં વિવેચકો સ્ત્રૈણ હોય છે એવો અર્થ કાઢીને કોઈ વિવેચકે છણકો ના કરવો!) પણ બોલો, સ્ત્રી અનફન્ની હોય છે એ જાણવા આપણે સ્ટેનફર્ડ સુધી લાંબા થવું પડ્યું! કોઈ પણ નોર્મલ પુરુષને જન્મથી જ ખબર હોય છે કે સ્ત્રીઓ, રમૂજ સમજવામાં ટ્યૂબલાઇટ જેવી હોય છે.
જોજો હોં, વ્હાલી બહેનો (તમારામાંની અમુક જ, ઓકે?) અને ગર્લફ્રેન્ડો, પત્નીઓ સેન્ડલ લઈને મને મારવા ના દોડતા. આ બધું સ્ટેનફર્ડવાળા કહે છે, હું નહીં! પણ હકીકત એ છે કે બિચારા પુરુષો તો ગમે એ જોક પર, ગમે ત્યારે દાંત કાઢે એવા સ્ટુપિડ હોય છે. (હાશ, ચાલો હું પણ સ્ત્રીઓને ઈમ્પ્રેસ કરવાની ગુજજુ લેખકોની રેસમાં આવી ગયો!) પણ બૈરાંઓ થોડાં ચૂઝી હોય છે, ક્યાં હસવું ક્યાં નહીં... અને એટલે જ આ અખિલ બ્રહ્નાંડમાં તમને ભાગ્યે જ કોઈ મોટી હાસ્ય લેખિકા કે હાસ્ય-કલાકાર દેખાશે.
અફ કોર્સ, ડોરોથી પાર્કર, નોરા એફ્રન, વ્હૂપી ગોલ્ડબર્ગ, લ્યુસી બોલ, જુહી ચાવલા, શ્રી દેવી કે શુભા ખોટે જેવાં કેટલાંક નારીશક્તિનાં અપવાદો છે, જેમણે કોમેડીના ધંધામાં થોડું નામ કાઢ્યું છે, પણ ચાર્લી ચેપ્લિન, જિમ કેરી, પી. જી. વુડહાઉસ કે મહેમુદ કે કિશોર કુમાર કે જયોતીન્દ્ર દવે કે શરદ જોશી કે શાહબુદ્દીન રાઠોડ લેવલનીકોઈ લેખિકા હે હાસ્ય-અભિનેત્રી માર્કેટમાં ભાગ્યે જ જોવા મળે છે! કારણ કે હસાવતી વખતે હસાવનારે જાત ભૂલીને જાતજાતના ચાળા પાડવા પડે, મોઢાં બગાડવા પડે અને પોતાની ખૂબસૂરતીથી ખૂબ સભાન સ્ત્રી ક્યારેય આવું રસ્કિ ન લે!
એકચ્યુઅલી, કોમેડી એ મર્દાના ધંધો છે. કોઈપણ રમુજનો બેઝિક સ્વભાવ આક્રમક અને આદિમ હોય છે. એટલે સ્વભાવમાં પુરુષત્વ જોઇએ. જુઓને પુરુષો તો કોઈપણ જાતની જોક પર દિલ ફાડીને હસી શકે છે, ખાસ કરીને તો જાત પર નિત્શેએ કહ્યું છે ને કે : Witticism is an epitaph on the death of a feeling. વાહ, મશ્કરાપણું એટલે સંવેદનાનાં મૃત્યુ પરનો સ્મરણલેખ! પુરુષો, નિત્શેના વિધાનને ગળથૂથીમાં ઉતારીને આખા જીવનને એક હળવી મજાક જ સમજે છે. જાલિમ જીવન નામના ફાર્સની ઇડિયટ જેવી ઘટનાઓનો સામનો કરવા ‘હ્યુમર’ જાણે એક બખ્તર હોય એમ એને પહેરીને ફરે છે.
સરખામણીએ સ્ત્રીનું હૃદય (અને દિમાગ પણ) મોટેભાગે નાજુક હોય છે. એનું જીવન ગમે તેવું કારમું હોય, બિચારી સ્ત્રીઓ ખૂબ પોઝિટિવલી જીવવાની કોશિશ કરતી હોય છે. એટલે એમને મજાકની મરહમપટ્ટીની જરૂર નથી પડતી, કદાચ! આપણે હજારો કાર્ટૂનો જોયાં હશે જેમાં એક દુ:ખી દેખાતો ડોક્ટર કહી રહ્યો હોય છે, ફલાણી બીમારીનો કોઈ જ ઉપાય નથી વગેરે... પણ આવાં કાર્ટૂનોમાં દુ:ખી દર્દી કે જોકસમાં થપ્પડ ખાનાર હંમેશાં એક પુરુષ જ હોય છે, અબળા ઔરત બહુ ઓછી. જોકમાં અબળા ન હોવા વિશે સબળાં કારણો છે. શું છે એ કારણો? તમે કારણો આવતા હપ્તા સુધી વિચારો... કારણકે મને તો ખબર છે, એ કારણ!
(ક્રમશ:)
એન્ડ ટાઇટલ્સ
Man : Woman, without her man, is nothing.
Woman : Woman! Without her, Man is nothing.