ભાવનગરમાં કોઈ પથરો નાખે તો એ એક કલાકાર પર જ પડે એટલા બધા કલાકારો આ શહેરમાં વસ્યા છે અને એમાંય ફોટોગ્રાફી ક્ષેત્રે તમે એક ખુણામાં ઉભા રહી ચાર દિશામાં નજર નાખો તો તેમાં ઓછામાં ઓછી ત્રણ દિશામાં તમને શ્રેષ્ઠ ફોટોગ્રાફ અમુલ પરમારના જોવા મળે. જેની ગળથૂથીમાં જ કલા-સંસ્કૃતિ ઠાંસી ઠાંસીને ભરી છે એવા આ રાષ્ટ્રીય જ નહીં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ઝળકેલા ફોટોગ્રાફર એક અવ્વલ દરજજાના બાસ્કેટબોલ-હેન્ડબોલના પણ રાષ્ટ્રીય કક્ષાના ખેલાડી છે. બદલાતા પ્રવાહ સાથે કદમ મિલાવી આધુનિક ટેક્નોલોજીનો સતત ફોટોગ્રાફીમાં ઉપયોગ કરી હંમેશા કંઇક નવું કરતા રહેતા આ કલાકારની આંખોમાં નવીને નવી ક્ષિતિજોને આંબવાના સ્વપ્ના ડોકિયા કરે છે.
નામ : પરમાર અમુલ ખોડીદાસભાઈ.
અભ્યાસ : એમ.એ.ડી.પી.એડ., ડીપ્લોમા ઈન જર્નાલીઝમ.
સિદ્ધિઓ : ફોટોગ્રાફી ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ ઈનામો મેળવેલ છે. ભારતભરમાં ૧૨ જેટલા ફોટોગ્રાફીનાં પ્રદર્શનો કરી છેલ્લું પ્રદર્શન મોરેશિયસમાં કર્યું-૨૦૦૮.
વેઠેલો સંઘર્ષ : ફોટોગ્રાફીનાં શોખને પૂરો કરવા ૧૯૮૭માં રૂ.બસ્સોનો પગાર હતો તેમાં પણ કરકસર કરી ફોટોગ્રાફીનો શોખ પૂરો કરી આજદિન સુધી ફોટોગ્રાફી શોખથી કરી રહ્યો છું.
યાદગાર ક્ષણ : ૨૦૦૪ની સાલનાં ઓક્ટોબર માસમાં ભાવનગર શહેરની એરીયલ ફોટોગ્રાફી પ્લેનમાંથી કરી તે ક્ષણ અને તેમાં પણ પ્લેનને ૯૦ ડિગ્રીએ નમાવીને ટોપ લેવલથી ફોટોગ્રાફી કરી તે ક્ષણો.
શોખ : ફોટોગ્રાફી કરવી અને દેશ-વિદેશમાં ફરવું.
સફળતાનું સૂત્ર : સખ્ત મહેનત અને ઈશ્વરમાં શ્રધ્ધા સાથે આંખો ખુલ્લી રાખી સતત પરિભમણ એટલે કે રખડપટ્ટી કરવી.
જીવનની ફિલોસોફી : દરેક મનુષ્યનાં જીવનમાં કોઈને કોઇ કલા હોવી જોઈએ. જેનાં કારણે જીવન નિરસ બનતું નથી.
જીવનમંત્ર : જે કામ હાથમાં લીધું હોય તે પૂર્ણ ન થાય ત્યાં સુધી ઝંપવું નહીં.
કર્યું સ્વપ્ન હજુ અપૂર્ણ છે:યુરોપમાં ફ્રાન્સ, ઈટલી, ઓસ્ટિ્રયા, નેધરલેન્ડ, જર્મની, સ્પેન જેવા દેશોને નિહાળ્યા છે. છેલ્લે મોરેશિયસ પણ જોયું છે હવે અમેરિકા, જાપાન, કેનેડા, ચીન (માનસરોવર) જેવા દેશોની મુલાકાત લેવાનું સ્વપ્ન.