Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Sunday Bhaskar
 

ઐશ્વર્યા રાય : કૃત્રિમ કે કમાલની?

 
Source: Antaryatra, Deepak Soliya   |   Last Updated 12:33 AM [IST](29/08/2010)
 
 
 
 
 
એક જણ એવું માનતો હોય કે ઐશ્વર્યા રાય ફિક્કી, કૃત્રિમ અને લુચ્ચી દેખાય છે અને બીજો એવું માનતો હોય કે ઐશ્વર્યાનું સૌંદર્ય પરફેક્ટ છે. આમાં સંવાદ ક્યાં આવ્યો?

વાત એ ચાલી રહી હતી કે ઇશ્વર આપણો ‘ગુપ્ત મિત્ર’ બન્યા પછી પણ પોતાનું ‘સુંદર મૌન’ જાળવી રાખે તો સારું પડે. ઇશ્વર આપણને ચૂપચાપ સાંભળે એનાથી રૂડું શું? બાકી તો દોસ્તો સાથેની વાતચીતમાં સૌથી મોટી સમસ્યા એ જ હોય છે કે બન્ને પાર્ટી પોતપોતાની વાત કહેવા માટે ઉત્સુક હોય છે. માણસને સાંભળવામાં ઓછો અને કહેવામાં વધુ રસ હોય છો. ઘણી વાર તો આપણે કોઈને ફક્ત એટલા માટે જ સાંભળી લેવા તૈયાર થઈએ છીએ કે જેથી પછી આપણે સામેવાળાને આપણી વાતો કહી શકીએ. બે જણ વાતો કરતા હોય ત્યારે એક પોતાની લડાખની ટ્રિપ વિશે બોલે ત્યારે બીજો અંદરખાને સતત એ વાતે થનગનતો હોય છે કે ક્યારે પેલો લડાખની વાત પૂરી કરે અને ક્યારે હું મારી યુરોપની ટ્રિપની વાત શરૂ કરું.

ફની તો ફની, આ એક માનવસહજ વૃત્તિ છે. પણ આ વૃત્તિ સંવાદમાં વચ્ચે આડી આવતી હોય છે. લડાખ-યુરોપની વાતો તો ખેર, માત્ર પ્રવાસવર્ણન છે. એટલે એમાં એકમેકની વાતો વચ્ચે કાપવામાં આવે તો પણ યુરોપવાળો લડાખ વિશે અને લડાખવાળો યુરોપ વિશે જાણકારી મેળવી શકે. પણ જ્યારે અભિપ્રાયોની આપ-લે (અસલમાં યુદ્ધ) ચાલે ત્યારે સંવાદ ઓછો અને વિસંવાદ વધુ થતો હોય છે. જેમ કે, નરેન્દ્ર મોદીનો તરફદાર અને વિરોધી જ્યારે વાતે ચડે ત્યારે તેઓ એકમેકને સ્વીકારવામાં નહીં, એકમેકને ‘વટલાવવામાં’ વધુ રસ ધરાવતા હોય છે. મોદીપ્રેમીને એ નથી સમજાતું કે સામેવાળો ડોબો મોદીની મહાનતા સમજી કેમ નથી શકતો.

બીજી તરફ, મોદીવિરોધીને એવું લાગે મોદીપ્રેમી આંધળો છે, બહેરો છે, એણે મગજની બધી બારીઓ બંધ કરી રાખી છે. સરવાળે, અભિપ્રાયોનાં યુદ્ધો ને પોતપોતાના અભિપ્રાયો બદલવાનું તો દૂર રહ્યું, ઊલટાનું, વાતચીતને અંતે બન્ને પાર્ટી પોતપોતાના અભિપ્રાયો બાબતે પહેલાં કરતાં પણ વધુ મક્કમ બને એવી શક્યતા વધુ છે. તમે જ કહો, એક જણ એવું માનતો હોય કે ઐશ્વર્યા રાય ફિક્કી, કૃત્રિમ અને લુચ્ચી દેખાય છે અને બીજો એવું માનતો હોય કે ઐશ્વર્યાનું સૌંદર્ય પરફેક્ટ છે, હવે આ બે જણ જો વાતે વળગે તો પાંચ મિનિટના અંતે બેમાંથી કોઈ પોતાનો અભિપ્રાય તો નહીં જ બદલે, ઊલટાના પહેલાં કરતાં પણ વધુ ઐશ્વર્યાચાહક કે ઐશ્વર્યાધિક્કારક બનીને ઊભરશે.

તો, આમાં સંવાદ ક્યાં આવ્યો? સંવાદ ત્યારે જ શક્ય છે જ્યારે બન્ને, અથવા તો કમસે કમ એક પક્ષ સામેવાળાની વાત પૂરેપૂરી ધીરજથી, પ્રેમથી, સમજપૂર્વક, નિરાંતે, ચૂપચાપ સાંભળે. માટે, ઇશ્વર નામના અંગત અને ગુપ્ત મિત્ર સાથે વાતે વળગીએ ત્યારે એ જો મૌન રહે તો સુંદર ‘સંવાદ’ થાય. આપણી અંદર જે કંઈ છે એ બધું બહાર આવે. ઈશ્વર આપણને રોક્યા વિના, વખોડ્યા વિના શાંતિથી સાંભળતો જ રહે, સાંભળતો જ રહે તો એમાં મોટો ફાયદો એ થાય કે આપણો આઈકયુ વધે, આપણી વિચારશક્તિ વધે, આપણો દ્રષ્ટિકોણ વધુ વ્યાપક બને. કઈ રીતે? આ રીતે.

માની લો કે એક ભાઈ પોતાના નિકટતમ અને ગુપ્તતમ એવા મિત્ર ઇશ્વર સાથે વાતે વળગ્યા છે. એ ઇશ્વર સમક્ષ ફરિયાદ કરી રહ્યા છે કે એમની પત્ની કેટલી હોરબિલ છે. આવામાં, ઇશ્વર તેની વાત વચ્ચે કાપે જ નહીં અને બોલનાર સાચો છે કે ખોટો એ વિશે કશી કમેન્ટ કરે જ નહીં, તો શક્ય છે કે બોલનાર માણસ પહેલાં તો પત્ની વિશે ખૂબ ઝેર ઓકે, ખૂબ ઝેર ઓકે, પણ છેવટે થાકે. બધી નેગેટિવિટી (નકારાત્મકતા) ઠલવાયા બાદ એને એની પત્ની વિશે કંઇક તો સારું સૂઝશે જ જેમ કે ‘એ છોકરાંવ સારી રીતે ઉછેરે છે...

એમ તો મારે બહારગામ જવાનું હોય ત્યારે મને ન સૂઝે એવી ઝીણી ઝીણી વસ્તુ યાદ કરીને બેગમાં મૂકી આપે છે.’ ટૂંકમાં, સાંભળનાર ઇશ્વર તરફથી કોઈ દલીલ કે પડકાર ન આવવાને કારણે માણસ એને પોતાની વાત કરતી વખતે વધુ ઊંડું મંથન કરવા, વધુ સ્પષ્ટ વિશ્લેષણ કરવા પ્રેરાય. અને માની લો કે પત્ની વિરુદ્ધની નહીં, ખુદ ઇશ્વર સામેની ફરિયાદો આપણે ઇશ્વરને પોતાને સંભળાવીએ ત્યારે શું થાય? ત્યારે પહેલાં તો કદાચ આપણે ઘણા છણકા કરીએ કે આ શું માંડ્યું છે? આ ઉગ્રવાદ, નકસલવાદ, મોંઘવારી, યુદ્ધો, પૂરો, ધરતીકંપો... આ તે કંઈ રીત છે? અને છતાં ઇશ્વર પોતાની ‘રીત’ સમજાવે જ નહીં, મંદ સ્મિત સાથે આપણને સાંભળ્યા જ કરે તો શું થાય? શક્ય છે કે થોડી ચીડ ચઢે, પણ છેવટે કદાચ આપણને જાતે જ, બોલતાં બોલતાં એ સમજાય કે જગતમાં લોચા સાથે એક લય પણ છે.

ટૂંકમાં, એક પક્ષ જ્યારે મૌન ધારણ કરે ત્યારે એ કઈ રીતે વિચારે છે એ સમજવા માટે સામેના પક્ષે મહેનત કરવી પડે. જેમ કે, નાનું બાળક કશું બોલતું નથી (બોલી શકતું નથી) એટલે આપણે સામે ચાલીને વિચારીએ છીએ કે ‘એ શું વિચારતું હશે?’ એ જ રીતે, ઇશ્વર સામેની આપણી ફરિયાદોના જવાબમાં ઇશ્વર દલીલ કરે જ નહીં ત્યારે છેવટે આપણે ઇશ્વરનો દ્રષ્ટિકોણ સમજવાની મહેનત કરીશું, આપણે ઇશ્વરની જેમ વિચારવા પ્રેરાઈશું.

ટૂંકમાં, માણસ જ્યારે ઇશ્વરની જેમ (કે સામેની કોઈ પણ પાર્ટીની જેમ) વિચારવા મથે ત્યારે એ મથામણ તેને વધુ સમૃદ્ધ વિચારક બનાવે છે, તેની વૈચારિક ક્ષિતજિો વિસ્તારે છે, તેના મગજને કસરત કરાવીને વધુ તંદુરસ્ત બનાવે છે. આ વાત સાથે સહમત ન થવાની છુટ છે. અને જો વાત પૂરેપૂરી ન સમજાઈ હોય તો વધુ મંથન, આવતી વખતે.

અંતર્યાત્રા, દીપક સોલિયા
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 5


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.