બંને કાંઠે ખળખળ વહેતી આ સાબરમતી નદીને આટલી શાંત તમે છેલ્લે ક્યારે જોઈ છે? લોકમાતા સાબરમતીની ફરતે બની રહેલા રિવરફ્રન્ટથી અમદાવાદના ઠાઠમાઠ નીખરી ઊઠશે એ વાત નક્કી. સિદ્ધહસ્ત તસવીરકારે કંડારેલી આ તસવીરોના ઉપયોગથી આખા રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો વિકાસલક્ષી નકશો બન્યો છે. અમદાવાદના ફલકની કાયાપલટ કરનારી દુર્લભ તસવીરોની ઝલક.- તમામ તસવીરો શૈલેશ રાવલ(ફોટોજર્નલિસ્ટ)
ભવિષ્યમાં ગગનચુંબી ઇમારતોમાંથી ઝળહળતી સરિતાતટની ઝલક ‘પતંગ’ રેસ્ટોરાંની બારીએથી તટનું રાત્રી સૌંદર્ય. ભવિષ્યમાં આ બારપંદર કિમીનો તટ ગગનચુંબી ઇમારતોથી વિકાસનો નવો માપદંડ પ્રસ્થાપિત કરશે ત્યારે આ શહેર આંતરરાષ્ટ્રીય ફલક પર નવા સીમાંકનો સ્થાપશે.
અમદાવાદના વાડજ દૂધેશ્વર વિસ્તારને જોડતો એક નવો બ્રિજ. તે બનવાની શરૂઆત થઇ ત્યારથી લઇ ૨૦૦૭થી ૨૦૧૧ સુધીમાં એરિયલ વ્યૂથી ત્રણ વખત તસવીરમાં ઝડપવાની તક મળી. આ ક્ષણોને અમરત્વ આપવાનું તસવીરનું કૌશલ્ય ભાવિ પેઢી માટે ભૂતકાળનું સુવર્ણપૃષ્ઠ બની રહેશે.
રિવરફ્રન્ટ પહેલાંની સાબરમતીનો કિનારો
રિવરફ્રન્ટ પહેલાં અને રિવરફ્રન્ટના પ્રથમ તબક્કાના આકાર પછી સાબરમતી નદીનું રૂપ બ્યુટીપાર્લરમાં તૈયાર થઇ ને આવેલી કન્યા જેટલું બદલાયેલું જોઇ શકાય છે.શાયદ આગામી દિવસોમાં લેવાતી તસવીરોમાં આ નદીનાં જળમાં નૌકાવિહારનાં દ્રશ્યો મળી શકશે.
સુંદર વસ્ત્ર પરિધાન સાથેની સુશીલ કન્યા જેવી લાગતી સાબરમતી અને તેનો તટ. સાબરમતીના તટને સો સો ફૂટ ઊંચી દીવાલમાં બાંધીને માટીનું પુરાણ કરીને હજારો ચોરસવાર જમીન સંપાદન કરવાનું આ કામ સરળ નથી.આ વિકાસની આગેકૂચમાં કચડાઇ ગયેલો ધોબીઘાટ.
અમદાવાદના સાબરમતી વિસ્તારથી ગાંધીનગર જતા નર્મદા કેનાલની જમણી તરફે જતાં નદી આવે તે આ સ્થળ છે. સાબરમતી સાયફન ૨૫૦ મીટર પહોળી, ૨૫ ફૂટ ઊંડી છે. તે સાબરમતી નદીની નીચેથી પસાર થાય છે. ભવિષ્યમાં પિકનિક સ્પોટ તરીકે વિકસી શકે છે.
એલિસબ્રિજ અને નેહરુબ્રિજ સાથે લાલદરવાજા એ.એમ.ટી.એસ.નું સ્ટેન્ડ, સ્ટેટ બેન્કનું મકાન, અમદાવાદનો પાયો નંખાયો તે (કોટ વિસ્તારનો પહેલો પથ્થર મુકાયો તે) જગ્યા, લાલદરવાજાનો જુનો સ્વિમિંગ પૂલ, પતંગ હોટલ.