આજના આધુનિક વિશ્વના અનેક દેશના નિર્માણ પાછળ ભારતના પ્રાચીન વાસ્તુશાસ્ત્રનો મહત્તમ ઉપયોગ કરાયો હોવાના પુરાવા મળી રહ્યા છે. વિશ્વને આવું ઉત્તમ વાસ્તુશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્ર સહિત અનેક કલા-કારીગરી પ્રદાન કરનારા વિશ્વકર્માના પાંચ પુત્રોના પરિવારને પંચાલ પણ કહેવાય છે. તેમના ૧૨૫ ગક્ષેત્ર ઉપરાંત અન્ય ૮૦ ગક્ષેત્રનો ઉલ્લેખ પુરાણોમાં છે.
આપણે ક્યારેય કલ્પના કરી છે કે દ્વારકા, લંકા, ઇન્દ્રપ્રસ્થ, વૃંદાવન, હસ્તિનાપુર અને તળાવલોક જેવાં દુર્લભ નગર તથા રામસેતુની રચના કયા ઇજનેરે કરી હશે? આ પ્રશ્નનો જવાબ એ છે કે તેનું નિર્માણ કરનારા વિશ્વકર્મા હતા. સૃષ્ટિના સર્જનહાર તરીકે જેમની ગણના થાય છે તેવા વિશ્વકર્મા વાસ્તુશાસ્ત્રના પ્રથમ પ્રણેતા હોવાનો ઉલ્લેખ પુરાણોમાં જોવા મળે છે. પ્રભુ વિશ્વકર્મા એ દેવોના એન્જિનિયર હશે, તેવી પ્રતીતિ ઉપરોકત પ્રાચીન નગર રચના ઉપરથી થાય છે.
અરે... આજના યુગમાં આધુનિક કહેવાતા વિશ્વના અનેક દેશના નિર્માણ પાછળ ભારતના પ્રાચીન વાસ્તુશાસ્ત્રનો મહત્તમ ઉપયોગ કરાયો હોવાના પુરાવા મળી રહ્યા છે. વિશ્વને આવું ઉત્તમ વાસ્તુશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્ર સહિત અનેક કલા-કારીગરી પ્રદાન કરનારા વિશ્વકર્મા પ્રભુનો જન્મ મહા સુદ-૧૩ના રોજ સમગ્ર ભારતમાં ઊજવાય છે.
વર્ષ ૨૦૧૨માં ૫મી ફેબ્રુઆરીને રવિવારે વિશ્વકર્મા જયંતી (તેરસ) આવી રહી છે. તે દિવસે વિશ્વકર્માના વંશજ તરીકે ગણાતા પાંચ પુત્રો મનુ (લુહાર), મય (સુથાર), ત્વષ્ટા (કંસારા), શિલ્પી (કડિયા) અને દેવજ્ઞ (સોની)ના પરિવારો તેમના ઇષ્ટદેવ પ્રભુ વિશ્વકર્માની પૂજા-અર્ચના, આરતી અને હવન કરશે. વિશ્વકર્માના પાંચ પુત્રોના પરિવારને પંચાલ પણ કહેવાય છે. તેમના ૧૨૫ ગક્ષેત્ર ઉપરાંત અન્ય ૮૦ ગક્ષેત્રનો ઉલ્લેખ પુરાણોમાં જોવા મળે છે. આ ગક્ષેત્રની પ્રજા બ્રહ્નર્ષિઓનો વસ્તાર હોઇ બ્રાહ્નણ કહેવાય છે.
વળી, વિશ્વ બ્રાહ્નણ, આચાર્ય, પંચાલ, સ્થપિત રથકાર, તક્ષા (તંકાસ), કર્મકાર, અંગિરા (જાંગીડ), પંચશીલ, કોકાસ, સૌધન્ય અને પૌરુષેય વગેરે જાતિનો સમાવેશ વિશ્વકર્મા પરિવારમાં થાય છે. તેઓ યજ્ઞોપવીતના અધિકારી છે. આ વખતે આપણે વિશ્વકર્મા દ્વારા નિર્મિત દ્વારાવતી નગરની રચના વિશે જાણીશું. વિશ્વકર્મા પુરાણમાં તેનો સવિસ્તાર ઉલ્લેખ જોવા મળે છે. મથુરામાં યાદવો સામે જરાસંધ યુદ્ધે ચડ્યો હતો, ત્યારે ૧૭ વખત હારી ગયો હતો.
તેમ છતાં ૧૮મી વખત કાલયવનનો સાથ લઇને યુદ્ધ શરૂ કર્યું હતું. તે વખતે શ્રીકૃષ્ણને વિચાર આવ્યો કે એક તરફ જરાસંધ અને બીજી તરફ કાલયવન છે. બંને બળિયા સાથે યુદ્ધ ચાલતું રહેશે તો સૈન્ય અને પ્રજાનો નાશ થતો રહેશે. જેથી પ્રજાના રક્ષણ માટે શ્રીકૃષ્ણ અને બળદેવે ધ્યાન ધરતાં પ્રભુ વિશ્વકર્મા હંસ પર બિરાજમાન થઇ પ્રગટ થયા. બંને ભાઇઓએ વિશ્વકર્મા આગળ પ્રાર્થના કરી કે હે પ્રભુ, યુદ્ધમાં મારી પ્રજાના રક્ષણ માટે સમુદ્રમાં અભેદ કિલ્લો બનાવી તેમાં એક સુંદર નગરનું નિર્માણ કરી આપો.
શ્રીકૃષ્ણની ઇચ્છા પ્રમાણે પ્રભુ વિશ્વકર્માએ સમુદ્રની મધ્યમાં નગરીનું નિર્માણ કર્યું. તેના કિલ્લાની રચના એવી હતી કે અજાણ્યા વ્યક્તિને કિલ્લાનો દરવાજો શોધ્યો જડે નહીં. ત્યારે દરેક લોકોમાં અંદરો-અંદર એક જ ચર્ચા થવા લાગી કે આ કિલ્લાનાં દ્વાર ક્યાં છે? એ નગરી આજે પણ દ્વારકા તરીકે ઓળખાય છે. પુરાણોમાં દ્વારકા નગરી વિશે કરાયેલા વર્ણન મુજબ પથ્થરની દીવાલોને સોનાથી મઢેલી હતી. દૂરથી એવો ભાસ થતો કે સમુદ્રમાં નાવ ચમકી રહી છે. અનેક ધાતુઓના મિશ્રણથી બનાવેલો આ દુર્ગ (કિલ્લો) વિશાળ હતો.
તેમાં સ્ફટિકના પથ્થરોથી બાર હાથ પહોળો એક એવો માર્ગ બનાવેલો કે તેની ઉપર એકસાથે બે રથ પસાર થઇ શકતા હતા. દુર્ગની બહારની તરફ પાંચ હાથ ઊંચી અને આઠ હાથ પહોળી દીવાલો હતી. તેની ટોચ ઉપર અનેક નાની-નાની દેવડીઓ હતી, જેમાં ત્રણ-ત્રણ રક્ષકો રહી શકે એવી વ્યવસ્થા હતી. આ પ્રમાણે આખા કોટને ફરતી ૩૬૦ દેવડીઓ હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. તેમાં શસ્ત્રો અને હથિયારો રખાતાં હતાં.
પ્રભુ વિશ્વકર્મા સર્વગુણ સંપન્ન તથા મહાઐશ્વર્યવાન હોઇ તમામ વિદ્યાઓના પ્રવર્તક અને વાસ્તુશાસ્ત્ર-શિલ્પશાસ્ત્રના સર્જક તથા આધ્યસ્થાપક હતા. જ્યારે જ્યારે દેવતાઓને આવશ્યકતા ઊભી થઇ ત્યારે ત્યારે તેમણે તેમના પાંચ પુત્રો દ્વારા શસ્ત્રો, આયુધો, આભૂષણો, રહેઠાણો, વાહનો અને વિમાનનું પણ સર્જન કર્યું હતું. વિશ્વકર્મા પ્રભુએ યુગે-યુગે અવતાર ધારણ કર્યો હોવાના અનેક શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે. તેમાં ત્વષ્ઠા, સૂર્ય, બ્રૃહસ્પતિ, બ્રહ્ના આદિને વિશ્વકર્મા કહેવાયા છે. વિશ્વકર્માના દશ અવતારનું વર્ણન છે.
જેમાં વિરાટ વિશ્વકર્મા, આચાર્ય વિશ્વકર્મા, બ્રહ્નકુલ વિશ્વકર્મા, આંગીરસી વિશ્વકર્મા, ભુવન વિશ્વકર્મા, જગદ્ગુરુ વિશ્વકર્મા, પ્રજાપતિ વિશ્વકર્મા, કાશ્યપી વિશ્વકર્મા, શિલ્પાચાર્ય અને બ્રહ્નનો સમાવેશ થાય છે. વિશ્વકર્માએ નવનિર્માણમાં લાકડું અને લોખંડનો વધુ ઉપયોગ કર્યો છે. જેથી લાકડાની ઉપયોગિતા અને વૃક્ષોની આવશ્યકતાને લક્ષમાં લઇ વિશ્વકર્માના વંશજોએ વિશ્વકર્મા જયંતીના રોજ એક એક વૃક્ષ ઉગાડી તેના જતનની પ્રતિજ્ઞા લઇ પ્રભુ પ્રત્યેની ભક્તિ પ્રદાન કરવી જોઇએ.
ભગવાન વિશ્વકર્મા પોતે જ આદિનારાયણ છે. સૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વે સમુદ્રમાં શેષશાયી હતા. તેમણે કર્મશાસ્ત્ર, કર્મજ્ઞાન અને કર્મયોગ પ્રગટ કર્યું હતું. તેમજ સૃષ્ટિના સરળ સંચાલન માટે બ્રહ્ના, વિષ્ણુ અને મહેશની ઉત્પત્તિ કરી હતી. ત્રણ લોક સ્વર્ગ, પૃથ્વી, પાતાળ અને તેના નિવાસી દેવો, મનુષ્યો, દાનવો, વિદ્યાધરો, નાગસમાજ, પ્રાણીઓ, પક્ષીઓ વગેરેની પણ ઉત્પત્તિ કરી હોવાના પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે. તેઓ પાંચ મુખ અને દશ હાથ ધરાવે છે. મુખોનાં નામ સધ્યોજાન, વામદેવ, અઘોર, તત્વપુરુષ અને ઇશાન છે.આવા બ્રહ્નાંડના સર્જનહાર ભગવાન વિશ્વકર્માને કોટિ કોટિ વંદન.
આધ્યસ્થાપક, નરેન પંચાલ