
બંને કાંઠે ખળખળ વહેતી આ સાબરમતી નદીને આટલી શાંત તમે છેલ્લે ક્યારે જોઈ છે? લોકમાતા સાબરમતીની ફરતે બની રહેલા રિવરફ્રન્ટથી અમદાવાદના ઠાઠમાઠ નીખરી ઊઠશે એ વાત નક્કી. સિદ્ધહસ્ત તસવીરકારે કંડારેલી આ તસવીરોના ઉપયોગથી આખા રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો વિકાસલક્ષી નકશો બન્યો છે. અમદાવાદના ફલકની કાયાપલટ કરનારી દુર્લભ તસવીરોની ઝલક.
રિવરફ્રન્ટનો લાંબો સરિતાતટ: આ તસવીરને ભરપેટ નિહાળો નહીં ત્યાં સુધી રિવરફ્રન્ટ શું છે તે વાત સાચી રીતે સમજી શકાતી નથી. સરિતાના બંને તટ પર સો સો મીટર પુરાણ કરીને બનાવેલા આ મેદાનો આવતીકાલે ગગનચુંબી ઇમારતોનાં જન્મદાતા હશે. આ નદીમાં બોટિંગ, સ્વિમિંગ અને અન્ય પાણીની રમતોથી ભાવિ યુવાધન મનોરંજન સાથે મોજમસ્તી અને ગગનચુંબી ઇમારતોના માધ્યમ વડે આંતરરાષ્ટ્રીય બજાર સાથે વેપારઉદ્યોગ સાથે અમદાવાદને ઉજાગર કરતું હશે.
દુનિયાની નદીઓ સાથે માનવ સંસ્કૃતિના વિકાસનો નાતો જાણવા જેવો ઈતિહાસ છે. ભારતની શ્રેષ્ઠ નદીઓને કિનારે જ મહાનગરો હજારો વર્ષોથી અડીખમ ઊભાં છે. ગુજરાતની ભૂમિ પર હજારો વર્ષોથી વહેતી નર્મદા,તાપી, સાબરમતી ગુજરાતનો સાચો વિકાસ દર્શાવતી લોકમાતાઓ છે. મહર્ષિ હર્ણવે જ્યાં આશ્રમ સ્થાપ્યો તે અથવા તો જ્યાં હરણો વધારે ઝુંડમાં ફરતાં તેથી જે હોય તે અરવલ્લીમાંથી નીકળતી નાનકડી હરણવ નદી, જે સાબર નામે ઓળખાય છે.
મહર્ષિ દધીચિએ અહીં આશ્રમ સ્થાપ્યાની પૌરાણિક ગ્રંથોની વાતોને પણ જો બાજુ પર રાખીએ તો નજીકના ઇ.સ. ૧૪૧૧માં સુલતાન અહમદશાહે સ્થાપેલા અમદાવાદની ભાગોળેથી આ સાબરમતીએ છસ્સો વર્ષ સુધી અવિરત પાણી વહાવ્યાં છે. કેટકેટલાં દ્રશ્યો આ નદીએ પ્રતિબિંબિત કર્યાં હશે, આ છસ્સો વર્ષોમાં! કૂતરા પર સસલાના હુમલાથી લઇ લાકડીના જોરે અંગ્રેજ હકૂમતને ખદેડતા મહાત્મા ગાંધી સુધીની તમામ સફરનાં આ પાણી સાક્ષી રહ્યાં છે. છેક ૧૯૪૦ સુધી આ સાબરતટ સદાય બે કાંઠે છલકાતો રહ્યો છે.
પાછલા પાંચેક દશકમાં અરવલ્લીની પર્વતમાળામાં પાણીના સ્ત્રોત નબળા પડતાં સાબર સૂકી બનવા લાગી. વર્ષે એકાદબે દિવસ ઉપરવાસમાં પૂર આવે કે વધારે વરસાદ પડે ત્યારે કવચિત છલકાતી સાબરને નર્મદાનું નીર મળ્યું ને વળી પાછી બે કાંઠે છલકાતી દેખાવા લાગી અને પર્યાવરણની દ્રષ્ટિએ ડચકા ખાતું અમદાવાદ પાછું સ્ફૂર્તિલું બની ગયું! થોડાક ફ્લેશ બેકમાં નર્મદાની વાત કરીએ તો યુગો પૂર્વે સ્વર્ગમાંથી ગંગાને મહારાજા ભગીરથે પૃથ્વી પર ઉતારી તેમ ગુજરાતની જનતાએ ભગીરથ પ્રયાસ કરી નર્મદા પર સવાર સરદાર પ્રોજેક્ટ યોજના કરી નર્મદા કેનાલ વાટે નર્મદાનું નીર ઉત્તરથી દક્ષિણને બદલે અવળી દિશામાં દક્ષિણથી પાછું ઉત્તર તરફ વહેવડાવીને છેક રાજસ્થાનના સૂકા પ્રદેશની તરસ છિપાવી.
નર્મદા અને તાપી સિવાય ગુજરાતમાં વહેતી બારમાસી નદીઓ કરતાં આ નર્મદા કેનાલમાં વધારે પાણી છે. પાંચસો કિલોમીટરની લંબાઇ ધરાવતી નર્મદા કેનાલ (મુખ્ય કેનાલ) બસો પચ્ચીસ મીટર પહોળી અને પચ્ચીસ ફૂટ ઊંડી છે. ગુજરાતની આ નર્મદા કેનાલે સાત નદીઓ, અનેક તળાવોને પુન:જીવિત કર્યા છે. અમદાવાદની ઉત્તરે ગાંધીનગર પાસેથી પસાર થતી આ નર્મદા કેનાલથી સાબરમતીના વાસણા બેરેજ સુધીનું પંદરેક કિલોમીટરનું અંતર આજે રિવરફ્રન્ટ યોજનાના કામથી ધમધમી રહ્યું છે.
જુના અને નવા અમદાવાદને વચ્ચેથી જોડતી સાબરમતી તટના સાત યુગોએ જે કામ નથી કર્યું તે જુનાનવાનો ભેદ દૂર કરવાનું કામ આ યોજનાથી અમલીકરણ બનેલા સાબર સરિતાતટે કર્યું છે. નજીકના ભવિષ્યમાં જ આ બારપંદર કિમીનો તટ ગગનચુંબી ઇમારતોથી વિકાસનો નવો માપદંડ પ્રસ્થાપિત કરશે ત્યારે ભારતનું આ વસ્તીની દ્રષ્ટિએ સાતમા નંબરનું શહેર આંતરરાષ્ટ્રીય ફલક પર નવા સીમાંકનો સ્થાપિત કરશે.
આ રિવરફ્રન્ટ યોજનાનાં વિકાસનાં દસ વર્ષનો મારો કેમેરા સાક્ષી છે જેણે ચુનંદી ક્ષણોને ભાવિ માટે થીજવી દીધી છે. આ ક્ષણો આવતીકાલ માટે ઈતિહાસ છે, સુવર્ણપૃષ્ઠ પર અંકિત થયેલો સોનેરી ઈતિહાસ! નદીનાં પાણીને બાંધીને રોકી રાખવું; એનું મૂલ્યાંકન માનવજાતમાં હંમેશાં વિવાદિત રહ્યું છે. જળને રોકીને ઉપયોગ કરવાની પદ્ધતિ પૌરાણિક છે, પણ તેના પર કાચી માટીના પાળા બાંધીને બંધારા કરવા કે પાકા સિમેન્ટથી પર્વતોની વચ્ચે ક્યાંક દીવાલો આડી કરી મોટા કૃત્રિમ જળાશયો ભરાય તેટલી તાકાતથી બંધો બાંધીને બાકીના માનવીઓનું, પર્યાવરણનું કેટલું અહિત-હિત કરો છો તે જુદા મૂલ્યાંકનનો વિષય છે.
આવા બંધોમાં સ્થગિત કરાયેલા જળને નહેરો દ્વારા દૂર દૂરના સૂકા પ્રદેશોમાં કે પછી તરસ્યા જનો સુધી પાણીની સુવ્યવસ્થા આજના યુગની પ્રથમ જરૂરિયાત છે, તેની સામે જ્યારે જ્યારે કુદરતી પ્રકોપ કે માનવીય ભૂલો સર્જાય છે ત્યારે આવાં સુખો અચાનક જ ભયાનક દુ:ખોમાં પરિણમે છે. તેને માનવી કુદરતી પ્રકોપ ગણી ટૂંક સમયમાં ભૂલી નવા પ્રકારે વિકસવા પ્રયાસ કરે છે.
આ નવતર વિકાસની હરણફાળમાં ગુજરાતે દુનિયાને એક નવી પદ્ધતિ ભેટ ધરી છે. નર્મદા કેનાલ માટે મૃત થયેલી નદીઓને પુન:જીવિત કરી નદીઓનાં વહી જતાં પાણીને અન્ય નદીઓમાં વહાવી માનવવિકાસના આગામી સમયમાં જળસમસ્યાને હળવી કરવા નદી નદી વચ્ચેનું જોડાણ કરવાની નવી પદ્ધતિના શ્રીગણેશ કરી આપ્યા છે. ખૂબ જ ખર્ચાળ આ પદ્ધતિથી ભાવિ પેઢીનું પાણી જળવાઇ રહેશે. હાલ પૂરતો આ પ્રયોગ રિવરફ્રન્ટ પ્રોજેક્ટને નામે માત્ર પંદર કિલોમીટર પૂરતો મર્યાદિત છે.
મહીસાગરની મુખ્ય કેનાલમાં નર્મદા કેનાલનું પાણી નાખીને મૃત: પ્રાય બનેલી મહી કેનાલ જીવંત કરી ખેડા જિલ્લાની ખેતીને જીવનદાન મળ્યું. પાંચ વર્ષમાં નર્મદાનાં ઉછીનાં જળે સાબરમતીની બંને બાજુઓનાં પાણીનાં તળ ઉપર કર્યાં. હજારો હેકટર જમીનનું સંપાદન કરી નદીના બંને કિનારે ગગનચુંબી ઇમારતો ઊભી કરી દુનિયાના સફળ રિવરફ્રન્ટ પ્રોજેક્ટની જેમ આગામી દિવસોમાં અમદાવાદ પેરિસ જેવું ભવ્ય બની રહેશે.
આ સાબર જ્યાં ખંભાતના અખાતમાં વિલીન થાય છે ત્યાં કલ્પસર યોજનાની બરોબરીમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં પાશેરાની પહેલી પૂણી છે.તળાવના બાંધેલા ઘાટની જેમ સાબરમતીના તટને સો સો ફૂટ ઊંચી દીવાલમાં બાંધીને માટીનું પુરાણ કરીને હજારો ચોરસવાર જમીન સંપાદન કરવાનું આ કામ દેખાય છે તેટલું સરળ નથી. વાસણા બેરેજ દ્વારા અમદાવાદના નગરપતિઓ, નગરશ્રેષ્ઠીઓએ પચાસ વર્ષ પહેલાં અમદાવાદને હરીભરી સાબરમતી મળે તેવો પ્રયાસ કર્યો હતો, પણ એન્જિનિયરિંગ ભૂલોને કારણે તે પ્રોજેક્ટ શક્ય બન્યો ન હતો.
ભારત સરકારે નદીઓને શુદ્ધ કરવા રાષ્ટ્રીય કક્ષાનું માળખું ઊભું કર્યું ત્યારે સાબરમતીમાં પ્રદૂષિત પાણીની સમસ્યાઓ હલ કરવા પ્રયાસો થયા. તે પછી સાબરમતીને ભેદતું નર્મદા કેનાલનું માળખું જે ‘સાબરમતી સાયફન’ના વૈજ્ઞાનિક નામે જાણીતું છે તે પ્રોજેક્ટ ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમૂનો છે. આ સાયફનથી બેરેજ સુધીનું જોડાણ એટલે સાચો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ. આ સાયફન પરથી નર્મદા કેનાલનું નર્મદા નીર સાબરમતીમાં ભળે છે. તે જગ્યા પૌરાણિક નદીઓના સંગમની યાદ અપાવે છે. અહીં નર્મદા અને સાબરનો સંગમ થઇ નવી ઓળખ નર્મદા-સાબર તટ બને છે.
હાલ પૂરતું આ બારપંદર કિલોમીટરનું પગલું સફળ થશે તો આગામી બીજા તબક્કામાં ઉત્તરે ગાંધીનગર સુધી આ રિવરફ્રન્ટની યોજના લંબાઈ શકે છે અને તે પચ્ચીસ-ત્રીસ કિલોમીટરની રિવરફ્રન્ટ યોજના વૈશ્વિક કક્ષાએ ભારતને-ગુજરાતને સિદ્ધિ અપાવશે. ગાંધીનગર-અમદાવાદ જોડિયા સિટી બની નવા યુગનું ગિફ્ટ સિટી બની શકે છે. આગામી પાંચેક વર્ષમાં હાલ આકાર લઇ રહેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં તરતાં ક્રિડાંગણો, તરતી હોટલો, જળરમતો, વોકિંગ ટ્રેક, બાગબગીચાઓ, નદીના બંને તટે સમાંતર રસ્તાઓ, રાત્રિ બજારની ઝાકમઝોળ વગેરે ચિતાર એ નજીકનું જ ભાવિ છે.
જોકે તેમાં ગાંધીજીનું હાલનું હૃદયકુંજ ઢંકાઇ જશે, પણ સામે ગાંધીનગરનું મહાત્મા મંદિર વધારે પ્રચલિત બનશે! આ પ્રોજેક્ટ માટે ઉદ્દીપક બની રહેલી એક તસવીરની વાતનો ઉલ્લેખ તસવીરી જગતની તસવીરનું સન્માન ગણાશે. આ તસવીરના ઉપયોગથી આખા રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો વિકાસલક્ષી નકશો બન્યો છે. ૧૯૯૫માં વડોદરા ખાતે એરફોર્સ વિભાગના એક કાર્યક્રમમાં પ્રેસફોટોગ્રાફર તરીકે કવરેજ કરવા જવાનું થયું હતું. પાછા અમદાવાદ આવતાં હેલિકોપ્ટર અમદાવાદ શહેર પરથી પસાર થયું હતું. અમદાવાદનું સૌબૌદર્ય દર્શાવતી કેટલીક અદભૂત તસવીરો કંડારવા મળી.
વરસાદપછી છલકાયેલી બે કાંઠે થયેલી સાબરમતી શહેરની મધ્યમાંથી અંગડાઇ લઇને વહી રહી છે તે સુંદર ર્દશ્ય મ્યુનિ.કોર્પોરેશનની ડાયરીમાં છાપવા આપવાની લાલચ હું રોકી શક્યો નહીં એ ર્દશ્યને અમદાવાદીઓ મનભરીને માણે અને કમસેકમ અમદાવાદના નવા રૂપને ગર્દાબાદ તરીકે ન સમજે! ૧૯૯૬માં અમદાવાદના ભૂતપૂર્વ મ્યુનિ. કમિશનર કેશવ વર્મા તે સમયે વર્લ્ડ બેન્કના વોટર પ્રોજેક્ટના એશિયન રિઝનના ઉચ્ચ અધિકારી બની ચૂક્યા હતા.
ડાયરીનું આ અમદાવાદનું સુંદર ર્દશ્ય જોઇ તેઓ તેને પેરિસ સાથે સરખાવી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ સાબરમતી પર લાવવા કાર્યરત બન્યા અને આ આખીયે યોજનાને આ તસવીરે બળ પૂરું પાડ્યું. સેપ્ટ (CEPT)ના ઇજનેરોએ આ તસવીર પર રિવરફ્રન્ટ વિકાસ દર્શાવતો નકશો ઊભો કરી વાસ્તવિકતાથી વધારે નજીક લઇ જવા પ્રયાસ કર્યો અને ૧૯૯૭માં આ આખી યોજનાને જબરદસ્ત ટેક ઓફ મળ્યો. તેને વાસ્તવિક સ્વરૂપે અમલીકરણ કરવા માટે મ્યુનિ. કોર્પોરેશનના નેજા હેઠળ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRDCL)ની સ્થાપના કરી.
એક હજાર કરોડના ખર્ચ સાથેનો આ પ્રોજેક્ટ હાલ બીજા સ્તરે પહોંચ્યો છે. નદીના પૂર, ડ્રેનેજ સિસ્ટમ વગેરેનો ઊંડો અભ્યાસ કર્યા બાદ રસ્તાઓ- બજારો માટે જુદા જુદા આઠ વિભાગોમાં જમીન ફાળવણી પછી બાંધકામ શરૂ થયું. આ સમગ્ર દશક દરમિયાન રિવરફ્રન્ટ યોજનાના બાંધકામનો પહેલો પથ્થર મુકાયો ત્યારથી લઇ આજ સુધી દરેક પુલ પરથી પસાર થતાં બે પાંચ તસવીરો ઝડપવાની નેમને કારણે સેંકડો તસવીરોથી આખી યોજનાનો વિકાસ કેમેરામાં કંડાર્યો છે.
પાંચેક વખત એરિયલ-વ્યૂની પરમિશન મળી છે અને તે વિહંગ દ્રષ્ટિથી આ આખો વિકાસનો તબક્કો કેમેરામાં કંડાર્યો છે. તે ભાવિ પેઢી માટે સુવર્ણ ઈતિહાસ બની રહેશે. આગામી દશકમાં આવા એરિયલ-વ્યૂ હું કરું કે અન્ય કોઇ નવો ફોટોગ્રાફર કરે જે કરે તે તસવીર સંપુટથી પૂર્ણયોજનાનું કલેક્શન આ યોજનાથી પ્રગતિનો ‘ગ્રાફ’ બની રહેશે.
શૈલેશ રાવલ(ફોટોજર્નલિસ્ટ)





