‘હે શેષનારાયણ! તારા ઉપર આખા ભુવનનો ભાર રહ્યો છે. તેથી તારી ફણારૂપી ડોકને લાંબી વાંકી વિસ્તારીશ નહીં. તું એકલો દુ:ખી થાય છે, પરંતુ બધાં ભુવનો (લોક) તેથી સુખી થવાનાં છે.’
નાગપૂજાની પરંપરા ક્યારથી શરૂ થઇ તે કહેવું કઠણ છે, પરંતુ જ્યારથી સૃષ્ટિનો ઈતિહાસ જ્ઞાત થયો ત્યારથી જ તે પૂજા પ્રચલિત હોવી જોઇએ એવી સમજણ છે.
વરાહ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે શ્રાવણ વદ પાંચમના દિવસે બ્રહ્નાજીએ પોતાની શક્તિથી શેષનાગને નિર્માણ કર્યા અને તેની પૃથ્વીધારણની અમૂલ્ય સેવાના માટે તેનું અભિવાદન કર્યું અને તે દિવસથી આ તહેવાર નાગજાતિ પ્રત્યેની શ્રદ્ધા પ્રદર્શનનું પ્રતીક બન્યું છે.
પુરાણમાં નાગ સંબંધી કેટલાયે ઉલ્લેખો કરવામાં આવ્યા છે. અગ્નિપુરાણમાં અનંત, વાસુકિ, પદ્મ, મહાપદ્મ, તક્ષક, કર્ટોટક, શંખ ઇત્યાદિ ૮૦ પ્રકારની નાગોની પ્રમુખ જાતિઓ છે.
ભારતીય સંસ્કૃતિમાં નાગોનું પ્રારંભથી એક મહત્વપૂર્ણ સ્થાન છે. આ સમસ્ત પૃથ્વીનો ગુરુતર ભાર જેણે પોતાની જાત ઉપર ધારણ કર્યો છે તેને શેષનાગ કહે છે અને લોકરક્ષક ભગવાન વિષ્ણુ તેની શય્યા બનાવી વિશ્વભરણના મહાન કાર્યનું સંપાદન કરે છે.
અમૃત પ્રાપ્તિ માટે સમુદ્રમંથન જેવા મહાન કાર્યમાં જેણે મંદરાચળ પર્વતનું વલોણું (દોરડા) બની વાસુકિએ પોતાનું શરીર સમર્પિત કર્યું હતું તે વાત પુરાણ પ્રસિદ્ધ છે.
દેવમાતા અદિતિની સગી બહેન કદ્રુના પુત્ર હોવાના કારણે નાગ, દેવતાઓનો ભાઇ ગણાય. ભગવાન શંકર તો નાગેન્દ્રહાર તરીકે જાણીતા છે અને વિષધર હંમેશાં તેમની શોભા બની રહ્યો છે. ભગવાન ગણેશની કટિમેખલા તરીકે તે શોભી રહ્યો છે. યજેર્વેદમાંનમોડસ્તુ સર્પેમ્યો યે કે ચ પ્રુથિવીમનુ યેડન્તરિક્ષે યે દિવિ તેભ્ય: સર્વેભ્યો નમ: ‘જે અંતરિક્ષ, પૃથ્વી અને દેવલોકમાં બધે જ છે તે સર્પને નમસ્કાર’. આ અને આવી બીજી અનેક ઋચાઓ છે કે જેના લીધે નાગપૂજા કોઇ અનાર્ય કે અન્ય જાતિમાંથી આવી છે એમ માનવાનું કારણ નથી પરંતુ પ્રાચીનકાળથી જ તે પ્રચલિત છે.
નાગ માટેની વ્યાપક સમજણ -
નાગ માટે એક ભ્રાન્ત સમજણ છે કે તે બહુ ભયંકર છે, માણસને જુએ છે ને કરડે છે અને માણસ મરી જાય છે. વાસ્તવમાં આ ધારણા ભૂલભરેલી છે. જીવ-વિજ્ઞાન શાસ્ત્ર મુજબ સાપની ૧૪૧ પ્રકારની ઉપલબ્ધિ છે. તેમાંથી નિકૃષ્ટતમ જાતિને બાદ કરતાં બાકીના સાપ આપણે જેવા સમજીએ છીએ એવા નથી. મોટા ભાગના સાપ છંછેડાવાથી અથવા તો પગ નીચે દબાઇ જાય તો જ કરડે છે, પરંતુ આપણી ખોટી સમજણના કારણે આપણે સાપ જોઇએ છીએ અને ફટ દઇને તેને મારવા માટે લાકડી શોધીએ છીએ. હકીકતમાં આપણામાં નિર્માણ થયેલી તેના વિનાશની ભાવના જ તેને હિંસક બનાવે છે.
આ દ્રઢતર દુભૉવના કાઢવા માટે જ આ પવિત્ર દિવસે નાગપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.
નાગપૂજા માટે બીજી એક સમજણ છે. ભારત દેશ ખેતીપ્રધાન છે અને ઉંદર તથા બીજા આવાં પ્રાણીઓના ત્રાસમાંથી મુક્ત કરવા સાપ સતત ખેતરમાં ફરતા હોય છે. તેથી તો તે ક્ષેત્રપાલ કહેવાય છે. ગામઠી ભાષામાં તે ખેતરપાળ તરીકે જાણીતા છે. જેના લીધે ખેતરનું રક્ષણ થાય છે, તેની ફસલ સલામત રહે છે તેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ એટલે નાગપૂજાનો દિવસ છે.
કુદરત હંમેશાં તેની સૃષ્ટિની સમતુલા જાળવે છે અને ઉંદરથી પાકને બચાવવાના પરિહાર તરીકે સાપની ઉત્પત્તિ થઇ છે તો તેને આપણાથી કેમ મરાય? તેનું તો રક્ષણ કરવું જોઇએ-પૂજા કરવી જોઇએ એ ભાવનાના લીધે પણ નાગપૂજા પ્રચલિત થઇ મનાય છે.
એકદંરે સાપ એકાંત પ્રિય જીવ છે. વર્ષાઋતુમાં ખાસ કરીને શ્રાવણ માસમાં મૂશળધાર વર્ષાના કારણે સાપ તેના દરમાંથી બહાર નીકળે છે અને વર્ષાની હેલીથી બચવા બીજું આશ્રયસ્થાન શોધતો માણસના ઘરમાં આવી ચડે છે. તેના પ્રત્યે હિંસક ન બનતાં, ઘરે આશ્રય માટે આવેલા પ્રત્યે સહાનુભૂતિ દેખાડવાની ભાવના ટકી રહે, માણસ હિંસક ન બને તેનામાં પણ ઇશ્વર છે તો અદ્વેષ્ટા સર્વભૂતાનામ્... એ ભાવના કેળવાય એ હેતુ પણ આ નાગપૂજા પાછળ હોવા સંભવ છે. સંત ફ્રાન્સિસ માટે કહેવાય છે કે તે સાધુપુરુષ એવા શાંત અને દયાળુ હતા કે સાપ તેની ગોદમાં આવી સુખેથી સૂઇ જતા.
ભગવાન વિષ્ણુ શેષનાગની શય્યા ઉપર સૂતા. ભગવાન શિવજીએ તેને ગળા ઉપર રાખ્યો છે અને ગણેશ ભગવાને કમરના આભૂષણ તરીકે સ્વીકાર્યો છે. એ વાત જ માનવીને પ્રેરણા આપે છે કે તું કોઇની ઘૃણા ન કર. બધાને પ્રેમથી સ્વીકાર.
ભગવાન શેષશય્યા પર કેટલા શાંતચિત્તે સૂતા છે! તે તેમના પ્રેમભર્યા વ્યવહારનું પ્રત્યક્ષ પ્રમાણ નથી? તેમનો કેટલો પ્રેમભર્યો વ્યવહાર હશે કે શેષનાગ તેમને આ રીતે સૂવા દે! જેના હૃદયમાં પ્રેમનું સામ્રાજ્ય છે તે કોઇના પ્રત્યે દ્વેષ રાખતો નથી. અદ્વેષ્ટા સર્વભૂતાનામ્ એ આદર્શ ભલે ન રાખીએ પણ જીવનમાં તે વૃત્તિ કેળવવાનો નાગપંચમીનો સંદેશ ધ્યાનમાં રાખીએ.
એમ કહેવાય છે કે નાગ જેના મસ્તક ઉપર ફણા ધરે તે ચક્રવર્તી બને છે. નાગપૂજાનું મહત્વ કેવળ ભારતમાં જ છે એવું નથી. પરંતુ જાપાન, ચીન, ઓસ્ટ્રેલિયા, જર્મન, નોર્વે, સ્વિડન ઇત્યાદિ દેશોમાં પણ આજ સુધી તે પ્રચલિત હતી. સકિંદરે ભારત પર ચડાઇ કરી ત્યારે સર્પવધના નિષેધનો આદેશ આપ્યો.
ટૂંકમાં નાગપંચમીનું હાર્દ સમજી તેને જીવનમાં સ્થાન આપીએ.
નાગપૂજા માટે બીજી એક સમજણ છે. ભારત દેશ ખેતીપ્રધાન છે અને ઉંદર તથા બીજા આવાં પ્રાણીઓના ત્રાસમાંથી મુક્ત કરવા સાપ સતત ખેતરમાં ફરતા હોય છે. તેથી તો તે ક્ષેત્રપાલ કહેવાય છે. ગામઠી ભાષામાં તે ખેતરપાળ તરીકે જાણીતા છે. જેના લીધે ખેતરનું રક્ષણ થાય છે, તેની ફસલ સલામત રહે છે તેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ એટલે નાગપૂજાનો દિવસ છે. દેવમાતા અદિતિની સગી બહેન કદ્રુના પુત્ર હોવાના કારણે નાગ, દેવતાઓનો ભાઇ ગણાય.