Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Bal Bhaskar
 

નિબંધ સ્પર્ધાના વિજેતા

 
Source: Bal bhaskar   |   Last Updated 2:53 AM [IST](23/08/2010)
 
 
 
 
 
બાળકોને યોગ્ય દિશામાં આગળ વધવાની પ્રેરણા મળે, આગળ વધવાના લગાતાર પ્રયત્નો કરતા રહે એ હેતુથી ‘બાળ ભાસ્કર’ દ્વારા શરૂ કરેલી ‘આગળ વધીએ, વધતાં રહીએ’ નિબંધ સ્પર્ધાને બાળકો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો. એટલું જ નહીં, જુદી-જુદી શાળાના પ્રિન્સપલ અને શિક્ષકોએ પણ આ સ્પર્ધાને આવકારી અને બાળકોને લખવા માટે પ્રેરણા પૂરી પાડી. ગુજરાતના નાનકડા ગામડાથી માંડીને શહેરના લગભગ પાંચસો કરતાં પણ વધુ બાળકોએ આ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો.

સ્પર્ધાના નિયમોમાં સ્પષ્ટ સૂચના અપાઈ હતી કે અમારે બાળકોના પોતાના વિચારો જાણવા છે, તેમનું મૌલિક લખાણ જોઈએ છે, તેમ છતાં ઘણી કૃતિઓ એવી મળી કે જે બાળકોએ લખ્યું જ ન હોય એવું સ્પષ્ટપણે દેખાતું હતું. કેટલાક બાળકોએ ઉંમર કરતા વધારે પરિપક્વતા દર્શાવી તો કેટલીક કૃતિ એવી પણ હતી કે જેમાં માગ્યા કરતા વધારે શબ્દોનું લખાણ હતું. કોઈકે નિબંધની સાથે દસ રૂપિયાની નોટ મોકલાવી તો કોઈ બાળકના લખાણમાં અર્જુનનો વિષાદ યોગ અને બશીર બદ્રના શેર વાંચીને ‘નાના મોંએ મોટી વાત’ લાગી. કેટલાક બાળકોની નિખાલસતા પણ દિલને સ્પર્શી ગઈ. અમારે મન દરેક બાળકનો અભિપ્રાય સરખો જ અને કીમતી છે. બાળકોએ લખેલા મૌલિક નિબંધની ઝીણવટપૂર્વક છણાવટ કરીને અહીં પાંચ પસંદગી પામેલ કૃતિ પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં ક્રમ અપાયો નથી.

વિજેતા બાળકોના વાલીઓએ ઈનામ માટે ૯૭૨૭૨૦૭૬૪૮ - નંબર પર સંપર્ક કરવો.

વાલીમિત્રોને એટલું જ કહેવું છે કે તમે તમારા બાળકને જાતે આગળ વધવા દો. તેને થોડો સપોર્ટ જરૂર કરો, પ્રોત્સાહન પૂરું પાડો પણ બાળકને બદલે તમે પોતે આખેઆખો નિબંધ લખવા ન બેસી જાવ. બાળકને કોળિયાં ભરાવો ત્યાં સુધી બરાબર છે પણ તેના વતી પચાવી થોડું શકાય? પચાવવાનું કામ તો બાળકે જાતે કરવાનું છે. આ સ્પર્ધા માત્ર ઈનામ જીતવા માટે નથી, પણ જીવનમાં આગળ વધવા માટેનો માર્ગ બાળકે જાતે જ નક્કી કરવાનો છે, કંડારવાનો છે. તો પ્લીઝ, હવે પછીની કોઈ પણ સ્પર્ધામાં બાળક ભાગ લે ત્યારે આ બાબત ધ્યાનમાં રાખશો તો અમને ગમશે.

જીવનમાં અશક્ય શબ્દ હોવો ન જોઈએ

નિસર્ગ પંચાલ
(વડોદરા), ધો.૯, બ્રાઈટ ડે સ્કૂલ
મને પહેલેથી કડફ (આઈપીએસ) અધિકારી બનવાની મહત્વાકાંક્ષા છે. મારા આદર્શ ભારતના પ્રથમ મહિલા કડફ અધિકારી ડૉ. કિરણ બેદી છે, જેમણે જેલને આશ્રમમાં ફેરવી દીધી, કેદીઓને સારા વિદ્યાર્થી, વ્યવસાયકારી કે વેપારી બનાવ્યા, જેમણે પ્રથમ મહિલા કડફ અધિકારી બનીને સિદ્ધ કરી દીધું કે જીવનમાં કશું અશક્ય નથી.

તેમનું સ્વપ્ન હતું કે તેઓ પોલીસ અધિકારી બને. તેમણે જ્યાં સુધી પોતાનું સ્વપ્ન પૂરું કર્યું નહીં ત્યાં સુધી તેમણે એક ક્ષણ માટે પણ આરામ કર્યો નહોતો. તેઓ સખત મહેનત કરતા અને દરેક કાયદાનું દ્રઢપણે પાલન કરતા. તેમણે ૮૫૦૦થી વધુ કેદીઓને સારા નાગરિક બનાવ્યા. મુશ્કેલીઓ લઈને આવતા નાગરિકોને સાચી રાહ દેખાડી. હું જાણું છું કે કડફ બનવા માટે સખત પરિશ્રમની જરૂર છે. તેથી હું મારો મોટા ભાગનો સમય વાંચવામાં પસાર કરું છું. શાળામાં ચાલતી દરેક પ્રવૃત્તિઓમાં ભાગ લઉં છું કે જેથી મારી આવડત વધે અને કંઈક નવું શીખવા મળે. હું મારા આદર્શને આદર્શ માનીને મારું કડફનું ધ્યેય જરૂર પૂરું કરીશ.

નદી પાસે તો પોતાના માર્ગનો નકશો હોતો નથી એટલે એ વારંવાર પછડાય છે અને રસ્તો બદલે છે પણ શું બુદ્ધિમાન મનુષ્ય આ રીતે આગળ વધી શકે? અને વધે તો ખારા સાગરમાં ખોવાઈ જવાની શક્યતા કેટલી? પણ મારું ધ્યેય નક્કી જ છે અને હું તેનું દ્રઢપણે પાલન પણ કરું છું.

વિજ્ઞાનની મદદથી જીવન સુખમય બન્યું છે

ઋત્વિક રાવલ (અમદાવાદ), ધો.૭, ધ એચ.બી. કાપડિયા હાઈસ્કૂલ
મને વિજ્ઞાનના પુસ્તકો અને લેખો વાંચવામાં ખૂબ જ રસ પડે. ‘સફારી’ મારું પ્રિય મેગેઝિન. હું મોટો બની વૈજ્ઞાનિક બનવા માગું છું. જ્યારે કોઈ ચર્ચામાં, ભણવામાં કે ફિલ્મમાં વિજ્ઞાન કે વૈજ્ઞાનિકોની વાત આવે તો હું રોમાંચિત થઈ જાઉં છું. જ્યારે કોઈ ઘટના કે બનાવ બને તો તે બનાવ પાછળનું કારણ જાણવા હું ઉત્સુક થઈ જાઉં છું. હું ક્યારેક ક્યારેક વિચારું છું કે વિજ્ઞાને કેટલા લોકોના પ્રશ્નો ઉકેલ્યા છે.

વિજ્ઞાનની મદદથી લોકોનું જીવન કેટલું સુખમય બન્યું છે. કમ્પ્યૂટરમાં ઈન્ટરનેટની મદદથી એક સ્થળેથી બીજા સ્થળે રહેલી બે વ્યક્તિ એકબીજા સાથે વાતચીત કરી શકે છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસને લીધે તબીબી વિજ્ઞાનમાં ઘણી સિદ્ધિઓ હાંસલ થઈ છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ‘ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ’ પણ વૈજ્ઞાનિક છે.

તેમણે કરેલી શોધોની મદદથી આજે ભારત શસ્ત્રો વડે સજ્જ થઈ ગયું છે. હું અત્યારે તેમને કોટિ કોટિ વંદન કરું છું. ભારતના કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ અવકાશમાં જઈ આવેલા છે. ગયા વર્ષે મૂળ વડોદરાના વૈજ્ઞાનિક આર. વેંકટરામનને નોબલ પારિતોષિક મળ્યું હતું. તેમાંથી હું વૈજ્ઞાનિક બનવાની પ્રેરણા લઉં છું. હું દરેક વૈજ્ઞાનિકમાં મારી જાતને જોઉં છું.

વૈજ્ઞાનિક બનીને મારા મમ્મી-પપ્પાનું અને દેશનું નામ રોશન કરીશ અને વૈજ્ઞાનિક બનવા હું સખત પ્રયત્નો કરીશ.

સાધો સૂર, લય અને તાલની માત્રા, સફળ કરો જીવનની યાત્રા

સુમન પટેલ (ભૂજ-કચ્છ), ધો.૧૦, શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલય
જીવનમાં આગળ વધવાની ઈચ્છા દરેક માણસને હોય છે. માત્ર અભ્યાસના સાત વિષયમાં આપણી જિંદગી પૂરી નથી થઈ જતી. અભ્યાસમાં આગળ વધવાની સાથે સહાભ્યાસિક પ્રવૃત્તિમાં ભાગ લેવાની મજા ખૂબ જ અનેરી હોય છે. મને સંગીતમાં ખાસ રુચિ છે. મારા આ શોખને સંગીત વિશારદ બનાવવા હું આજે સંગીતનું વિશેષ કોચીંગ પણ લઉં છું.

ગાયન, વાદન અને નૃત્ય- આ ત્રણેય કળાના સુમેળને સંગીત કહેવામાં આવે છે. લતા મંગેશકર કે જેમણે તેમના સુમધુર સ્વર દ્વારા સંગીતની દુનિયામાં અદકેરું સ્થાન મેળવ્યું છે. લતાજીને સંગીત પ્રત્યે ખૂબ જ રૂચિ હતી. પરિવારની ગરીબી છતાં તેમની ધગશને કારણે તેઓ એક પછી એક કદમ આગળ વધીને આજે સમગ્ર વિશ્વના સ્વરસામ્રાજ્ઞી બની ગયા છે અને લોકહૃદયમાં સ્થાન પામ્યા છે.

લતા મંગેશકર મારા પથદર્શક છે. મારા આદર્શ છે. તેમના જીવન પરથી મને ઘણી પ્રેરણા મળી છે. આજે આટલી અપ્રતિમ સફળતા છતાં તેમનામાં જરા પણ અહમ્ નથી. લતાજીનો આ ગુણ મને વિશેષ સ્પર્શી ગયો છે. સંગીતમાં સમગ્ર માનવજાતને એક્સૂત્રે બાંધવાની તાકાત રહેલી છે. મહાન સંગીતકારો, ગાયક-વાધ્ય કલાકારો સંગીતના કાર્યક્રમો દ્વારા રાષ્ટ્રીય એકતાનું મહત્વનું કાર્ય કરે છે. હું પણ તેમના જીવનમાંથી પ્રેરણા લઈ સંગીતક્ષેત્રમાં આગળ વધવા માગું છું.

પ્રગતિની યોગ્ય દિશા નક્કી કરીને આગળ વધીએ

ધારા ઝાલા (સુરેન્દ્રનગર)
ધો.૬, કે.એચ. કોયા વિદ્યાલય
આગળ વધવાની ઈચ્છા કોને ન હોય? હું પણ આગળ વધીશ જ એવો મારો આત્મવિશ્વાસ છે. મારા પપ્પા, મમ્મીના માર્ગદર્શન અનુસાર હું મારા જીવનમાં આગળ વધતી રહીશ અને મારા કુટુંબ, પરિવાર, સમાજ, રાષ્ટ્રને અવશ્ય ઉપયોગી થઈશ. મારી આંતરિક ઈચ્છા તો એક આદર્શ કુશળ ડા¸કટર બનવાની છે. માત્ર કમાવાની દ્રષ્ટિએ નહીં પણ સેવાની ભાવનાથી ડોકટર બનવા ઈચ્છું છું.

આળસુ વ્યક્તિ કદી આગળ વધી ન શકે માટે મેં અત્યારથી જ આળસનો ત્યાગ કર્યો છે. મન દઈને અભ્યાસમાં ધ્યાન આપું છું. બિનજરૂરી ટીવી જોવાનું બંધ કર્યું છે. જીવનમાં નિયમિતતાનું પાલન કરીશ. ઈત્તર વાંચન અને નવું જાણવાનો મને રસ છે. મારા આરોગ્યની હું ખાસ કાળજી રાખીશ જેથી મારા અભ્યાસમાં કોઈ વિઘ્ન ન આવે.

સ્વામી વિવેકાનંદજીને હું મારા આદર્શ માનું છું. કેમ કે તેમનું સૂત્ર ‘ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો’ મને ગમે છે. હાલમાં તો ગુણવત્તાવાળું શિક્ષણ મેળવવું અને દર વર્ષે વર્ગમાં પ્રથમ નંબર મેળવતા રહેવાનું મારું લક્ષ્ય છે. મારો ઉત્સાહ, મારા માતા-પિતાનો સહકાર તેમજ સારા શિક્ષકો મને જરૂર મારા લક્ષ્ય સુધી લઈ જશે એવી મારી શ્રદ્ધા છે.

આગળ વધેલા લોકોના જીવનમાંથી પ્રેરણા મેળવી, પ્રગતિની યોગ્ય દિશા નકકી કરી જીવન વિકાસ માટે ચાલો આપણે સતત ઉડાન ભરીએ. સફળતા સામે ચાલીને આવશે.

સપનાં સાકાર થાય પણ એ માટે પ્રયત્ન કરવા પડે

હિરલ પીઠડીયા (ભાવનગર)
ધો.૧૦, મહાલક્ષ્મી હાઈસ્કૂલ
હું મારી રીતે આગળ વધું છું. હું કોઈના સહારા પર ભરોસો કરતી નથી. કોઈના કહેવાથી કોઈ ગ્રેજ્યુએટ થઈ જતું નથી. પોતાની મહેનતથી સફળ થઈ શકાય છે. મને મારા મમ્મી-પપ્પા તરફથી, પરિવાર પાસેથી પૂરતું પ્રોત્સાહન મળે છે, પણ મારે મારી રીતે આગળ વધવું જોઈએ એમ હું માનું છું.

મારા મમ્મી-પપ્પા મને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે. નાનપણથી તેઓ આપણાં સંસ્કાર ઘોળે છે અને આગળ વધવા માટે પ્રેરે છે, પણ હા, મા-બાપ પર પણ આધાર ન રાખવો જોઈએ આપણે મહેનત તો કરવી જ જોઈએ. મા-બાપથી જેટલું થાય તે આપણા માટે કરે છે, પણ આપણે એમનું નામ ઊજળું કરવું જોઈએ. આપણે પ્રયત્ન કરીએ તો જ આગળ વધી શકીએ. તેથી હું બીજા ઉપર નહીં પણ મારા પોતાના પર વિશ્વાસ રાખું છું.

આગળ જતા મારે એન્જિનિયરિંગમાં જવું છે. બધા જ કહે છે, ‘છોકરીઓ તો સાપનો ભારો છે’, પણ આ વાક્ય જ ખોટું છે. છોકરીઓ તો ‘તુલસીનો ક્યારો’ છે. ઘણા કહે છે કે દીકરીને ભણાવવી ન જોઈએ પણ દીકરો હોય કે દીકરી અભ્યાસ બધા માટે જરૂરી છે. મને ડ્રોઈંગ પણ ખૂબ ગમે છે. ડ્રોઈંગમાં મેં ઘણા પ્રાઈઝ મેળવ્યા છે. ભવિષ્યમાં હું ડ્રોઈંગમાં પણ આગળ વધીશ.

તમે પ્રસિદ્ધ એવા ધીરૂભાઈ અંબાણીનું નામ તો સાંભળ્યું જ હશે. તેમણે ઘર છોડ્યું ત્યારે તેમની પાસે ફક્ત દસ રૂપિયા હતા પણ તેઓ હિંમત હાર્યા વગર આગળ વધ્યા. એમ હિંમત રાખીને આગળ વધવું જોઈએ. ઘણા લોકો કહે છે કે, બધા સપના સાકાર થતા નથી, પણ મારું માનવું છે કે સપના સાકાર થાય છે, પણ તે માટે પ્રયત્ન કરવો જોઈએ.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 6


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.