મારી પાસે એક એવો વિચિત્ર કેસ આવી ગયો કે અલૌકિક શક્તિ અને અધૂરી વાસનાની વાતમાં કંઇક વજૂદ છે એવું અનુભવ્યું...
‘અરે સાહેબો, તમારી તકલીફ સમજું છું. રાતના અગિયાર વાગ્યા છે, ધોધમાર વરસાદ છે અને આગળના બધા રસ્તા બંધ છે એટલે તમારામાંથી ના કોને પાડવી?...’ અંબાજીમાં ગેસ્ટહાઉસના મેનેજરે સામે ઊભેલા છ લાચાર ચહેરાઓ સામે જોયું. એ ત્રણેય યુગલ એકબીજાથી અપરિચિત હતાં. બધે રખડીને ક્યાંય રૂમ ના મળવાથી પાંચેક મિનિટના ગાળામાં જ એ બધા રિસેપ્શન કાઉન્ટર ઉપર ભેગા થઇ ગયા હતા. સહેજ વિચારીને મેનેજરે રસ્તો બતાવ્યો. ‘વાંધો ના હોય તો મારી વાત માનો. કાલે તો પાણી ઊતરી જશે. એક રાતનો સવાલ છે. તમે ત્રણ કપલ છો અને મારી પાસે બે રૂમ છે. જો ત્રણેય લેડીઝ એક રૂમમાં રહે અને ત્રણેય ભાઇઓ બીજા રૂમમાં રહો તો કોઇને તકલીફ ના પડે... રાત નીકળી જાય...’
‘ગુડ આઇડિયા...’ ડોક્ટર દીપકે તરત સંમતિ આપી દીધી. ‘નો પ્રોબ્લેમ...’ એડવોકેટ આનંદે ખુશ થઇને કહ્યું. ‘યુ આર ગ્રેટ!...’ એન્જિનિયર અવિનાશે મેનેજર સાથે હાથ મિલાવ્યો. ત્રણેય યુવતીઓ તો જાણે વર્ષો જૂની સખીઓ હોય એ રીતે વાતોએ વળગી ગઇ હતી. પુરુષોના રૂમમાં હજુ પરિચય વિધિ ચાલતી હતી. આનંદ અમદાવાદમાં વકીલાત કરતો હતો. ડોક્ટર દીપકનું ક્લિનિક વડોદરામાં હતું જ્યારે એન્જિનિયર અવિનાશ રાજકોટમાં નોકરી કરતો હતો. ‘મેનેજર દેખાવમાં બબૂચક જેવો લાગે છે, પણ એણે બુદ્ધિ વાપરીને સારો ઉપાય શોધી કાઢ્યો...’ આનંદે સિગારેટ સળગાવીને વાત શરૂ કરી. ‘આશરો પણ મળ્યો અને એકબીજાનો પરિચય પણ થયો...’
બહાર ઘોર અંધારું હતું અને ધોધમાર વરસાદ ચાલુ હતો. અમિત શાહથી માંડીને ઓબામા અને અમિતાભ સુધીની ચર્ચા ફરતી ફરતી ગૂઢ અને અકળ ઘટનાઓ સુધી પહોંચી. ‘મંત્ર-તંત્ર, તાવીજ, જયોતિષ બધુંય હબંગ... પુનર્જન્મની વાત પણ તિકડમ...’ આનંદ ઉગ્રતાથી દલીલ કરતો હતો. ‘આ બધી ટીવી સિરિયલો અંધશ્રદ્ધા ફેલાવીને દેશનો દાટ વાળે છે...’ પોતાની વાતના સમર્થન માટે એણે દીપક સામે જોયું. ‘ડોક્ટર, સો ટકા સાયન્સના માણસ તરીકે તમે શું માનો છો? આવું કોઇ અગોચર તત્વ જેવું કંઇ હોય ખરું?’
‘એક મહિના અગાઉ આપણે મળ્યા હોત અને આવી ચર્ચા ચાલતી હોત તો હું છાતી ઠોકીને તારી વાતને ટેકો આપત...’ દીપકે ગંભીરતાથી ઉમેર્યું. ‘પણ આજની તારીખે ખાતરીથી કહી શકતો નથી. એક એવો વિચિત્ર કેસ આવી ગયો કે અલૌકિક શક્તિ અને અધૂરી વાસનાની વાતમાં કંઇક વજૂદ છે એવું અનુભવ્યું...’
‘એ કોઇ જોગાનુજોગ હોઇ શકે ડોક્ટર સાહેબ! ઊંઘવાની જરાય ઉતાવળ નથી. આરામથી આખી વાત કહો...’ પ્રેમથી આદેશ આપીને આનંદે દીપક સામે જોયું. ‘એમ.બી.બી.એસ. થયા પછી ત્રણ વર્ષથી વડોદરામાં જનરલ પ્રેક્ટિસ કરું છું. માંજલપુરમાં મારું ક્લિનિક છે. એકદમ રિઝનેબલ ફી છે એટલે સવાર-સાંજ મળીને પચાસેક પેશન્ટ આવે છે. ક્યારેય વિઝિટમાં જતો નથી. ગયા મહિને એ માણસ પહેલી વાર મારી પાસે આવ્યો. અઢી વર્ષની એની દીકરીને ઊંચકીને એ ક્લિનિક પર આવ્યો હતો...’ આખી ઘટના યાદ કરીને ડોક્ટર દીપક ધીમા અવાજે બોલી રહ્યો હતો.
‘ધંધાની નીતિમત્તાના કારણે એની ઓળખ નથી આપતો, માત્ર એટલું કહીશ કે એ એસ.ટી.માં ડ્રાઇવર હતો. સામાન્ય રીતે મારા ક્લિનિકમાં બધા પેશન્ટો લાઇનમાં બેસે અને વારો આવે ત્યારે જ મારી ચેમ્બરમાં આવે. એ માણસ એટલી વ્યગ્ર દશામાં નાનકડી બેબીને ઊંચકીને ક્લિનિકમાં ધસી આવ્યો હતો કે એની દશા જોઇને, ખાસ કરીને એના હાથમાં ઊંચકેલી નાનકડી બેબીને જોઇએ લાઇનમાં બેઠેલા પેશન્ટોએ વાંધો ના લીધો અને એ સીધો મારી ચેમ્બરમાં આવ્યો. નાનકડી ફૂલ જેવી દીકરીનું શરીર તાવથી ધખી રહ્યું હતું. વાઇરલ ફીવર જેવું લાગ્યું એટલે ઇન્જેકશન આપીને ક્લિનિકમાંથી જ દવા આપી. સાહેબ, મારી દીકરીને બચાવી લો. બે હાથ જોડીને એ કરગર્યો એટલે મેં એને સમજાવ્યું કે આમાં આટલા ઢીલા થવાની જરૂર નથી. બે-ત્રણ દિવસમાં તાવ ઊતરી જશે...’ સહેજ અટકીને દીપકે બંને સામે જોયું બંને તલ્લીન થઇને સાંભળતા હતા.
‘બે દિવસની દવા આપી હતી એટલે એ ત્રીજા દિવસે આવ્યો. બેબીના શરીરમાં નબળાઇ હતી પણ તાવ ઊતરી ગયો હતો. બે હાથ જોડીને એણે મારો આભાર માન્યો. પછી પૈસા ચૂક્વીને જતો રહ્યો. પાંચ-છ દિવસ પછી એ હાંફળો-ફાંફળો ધસી આવ્યો. આ વખતે એ એકલો જ આવ્યો હતો. સાહેબ, મારી દીકરીએ કોઇનું કશું બગાડ્યું નથી. એને બચાવી લો... એ જે રીતે કરગરતો હતો એ જોઇને મને આશ્ચર્ય થયું. ધાણી ફૂટે એવો તાવ ચઢયો છે. અહીં લવાય એવી દશા પણ નથી... એણે ધ્રૂજતા અવાજે કહ્યું. તાત્કાલિક પોતાં મૂકવાનાં શરૂ કરી દો. મેં એને સલાહ આપી, દવા આપી અને સવારે બધા ટેસ્ટ કરાવી લેવા માટે કાગળ આપ્યો.’ બીજા દિવસે સાંજે એ આવ્યો. બધા પેશન્ટો પત્યા ત્યાં સુધી બહાર બેસી રહ્યો. એ પછી રિપોર્ટ્સ લઇને અંદર આવ્યો. જરાય ચિંતા કરવાની જરૂર નથી. બધા રિપોર્ટ્સ નોર્મલ છે. રિપોર્ટ્સ જોઇને મેં એને સમજાવ્યું.
મને ખબર છે. કોઇ રિપોર્ટમાં આ રોગ નહીં પકડાય... એણે ધ્રૂજતા અવાજે કહ્યું... છોકરીને નખમાંય રોગ નથી પણ એની મા એને ઉપર બોલાવે છે... મારી સામે બેસીને એણે રડમસ અવાજે પોતાના ફફડાટની વાત કહી... એની મા મહિના પહેલાં બળીને મરી ગઇ છે પણ એનો જીવ આ છોકરીમાં રહી ગયો છે... એ િછનાળ આ ફૂલ જેવી છોકરીનો જીવ લઇ લેશે... બોલતી વખતે એ પરસેવે રેબઝેબ થઇ ગયો હતો.
આવું ના બને ગાંડાભાઇ,... ડોક્ટર તરીકે મેં એને સમજાવ્યો... આખી વાત શું છે? મનમાંથી વહેમ કાઢી નાખો.
લગનનાં આઠ વર્ષ પછી દીકરીનો જન્મ થયેલો. ઘરમાં નાના-મોટા ઝઘડા તો ચાલ્યા જ કરતા હતા પણ છોકરીના આવ્યા પછી કોણ જાણે કેમ એ બાઇને મારામાંથી રસ જ ઊડી ગયો. રાતપાળી હોય કે લાંબી ટ્રિપ કરીને આવું ત્યારે ઘરમાં રસોઇનું પણ ઠેકાણું ના હોય. કોણ જાણે એનો જીવ ક્યાં ભટકતો હશે કે મારી જોડે હસીને વાત પણ ના કરે. થાક્યા-પાક્યા આવીએ અને ઘરનું બૈરું આવું વર્તન કરે એ દુ:ખ કોને કહેવું? મને શંકા પડી એટલે ખાનગીમાં વોચ રાખી તો ખબર પડી કે એના ધંધા સારા નથી. છોકરી સામે જોઇને મેં એને સમજાવવા પ્રયત્ન કર્યો પણ એને તો શીંગડા ઊગી ગયાં હતાં. મને તો ભાજીમૂળા જેવો સમજતી હતી. એ પછી ઝઘડા વધી ગયા અને મેં એને ઘરમાંથી કાઢી મૂકી.
અંકલેશ્વરમાં એનાં મા-બાપને ત્યાં મૂકી આવ્યો અને ચોખ્ખું કહી દીધું કે આવા છિનાળાના ધંધા નહીં ચાલે. છોકરી માટે એ કરગરી પણ મેં એને ના આપી. કહી દીધું કે એને તારા જેવા સંસ્કાર નથી આપવા. આવું સણસણતું સંભળાવ્યા પછી એ શું દલીલ કરે? રડી-કકળીને હાથ જોડ્યાં પણ મેં એ નાલાયકને છોકરી ના આપી. ગામડેથી મારી માને બોલાવી લાવ્યો. છ મહિના વીતી ગયા. અઠવાડિયે એક વાર ફોન કરીને એ રડે કે મારે છોકરીનું મોઢું જોવું છે. પછી તો એવું બન્યું કે એક અઠવાડિયા સુધી રોજ સવાર-સાંજ ફોન કરીને એ કરગરે કે છોકરી વગર નહીં જીવાય. હું મરી જઇશ... મરતાં પહેલાં એકવાર ઢબુને મળવું છે... મેં છુટાછેડાના કાગળ મોકલાવેલા અને આવી રીતે ફોન કરે એટલે મને એમ કે સ્ત્રીચરિત્ર અજમાવે છે. મને એ ખબર નહોતી કે એ કભારજાને પિયરમાં ભાભીની જોડે પણ નહોતું બનતું.
એને લીધે ત્યાં ઝઘડા થાય એટલે મા-બાપને પણ લાગ્યું કે આ બલા પાછી ક્યાંથી આવી? પગ ઉપર કુહાડો મારેલો એટલે પસ્તાવો થતો હશે. એક વાત કબૂલ કરવી પડશે કે એને દીકરીની બહુ માયા હતી. અહીં હતી ત્યારે આખો દિવસ ઢબુને રમાડે અને બહુ વહાલ કરે... એ દિવસે સાંજે એક કલાક ફોન ઉપર રડીને કરગરી કે ઢબુનું મોઢું જોવું છે પણ મેં એને ભાવ ના આપ્યો. બીજા દિવસે સવારે અંકલેશ્વરથી સંદેશો આવ્યો કે રાત્રે એ બળી મરી છે! હું ત્યાં ગયો ત્યારે સાસુ-સસરાએ માહિતી આપી કે છેલ્લા શ્વાસ સુધી એ ઢબુને યાદ કરતી હતી!... થોડીવાર અટકીને એ માણસે ઉમેર્યું. ડોક્ટર સાહેબ, એ ડાકણ મારી છોકરીને ભરખી જશે. આ બધા એના જ ઉધામા છે બાકી બધા રિપોર્ટ નોર્મલ હોય અને આટલો તાવ કઇ રીતે આવે? એક્સાથે આટલું બોલ્યાનો થાક લાગ્યો હોય એમ ડોક્ટર દીપકે અટકીને ગ્લાસમાંથી પાણી પીધું.અવિનાશ અને આનંદની આંખોમાં તીવ્ર જિજ્ઞાસા હતી.
‘સાત-આઠ દિવસ પછી એ ક્લિનિક પર આવ્યો. ડોક્ટર સાહેબ, અંતે એ ડાકણ જીતી ગઇ. બે દિવસ પહેલાં રાત્રે ઢબુને જોરદાર આંચકી આવી અને ડોળા ફાટી ગયા...! માતાએ દીકરીને પોતાની પાસે બોલાવી લીધી... ઢીલા અવાજે આટલા સમાચાર આપીને એ બાકીના પૈસા ચૂક્વીને જતો રહ્યો પણ મારા માટે એક સવાલ મૂકતો ગયો. અધૂરી વાસના લઇને કમોતે મરેલી માતાનો ભટકતો આત્મા આવું કરી શકે? ઢબુના બધા રિપોર્ટ મેં જોયેલા. અઢી વર્ષની તંદુરસ્ત છોકરી આવી રીતે આંચકી આવે ને મરી જાય એ આખી વાત મગજમાં હજુ સેટ થતી નથી. અતૃપ્ત વાસના લઇને ભટકતા આત્માની વાતમાં કંઇક વજૂદ હોય એવું હવે લાગે છે. દીકરીનો ચહેરો જોવાની ઝંખના અંતિમ શ્વાસ સુધી જે માતાના હૃદયમાં ઘૂંટાતી હોય એવા કિસ્સામાં કદાચ આવું બની શકે...’
પોતાની વાત પૂરી કરીને ડોક્ટર દીપકે આનંદ સામે જોયું. એને એમ કે આનંદ ઉશ્કેરાઇને કોઇ જોરદાર દલીલ કરશે, પરંતુ રૂમનું વાતાવરણ એટલું ભારેખમ હતું કે આનંદ નીચું જોઇને બેઠો હતો.
‘એડવોકેટ આનંદ! ધેટ ઇઝ ઓલ. આ ઘટના પછી લાગે છે કે અધૂરી ઇચ્છા લઇને ભટકતા આત્મા જેવું કંઇક અલૌકિક તત્વ છે ખરું!’
‘કપાળ તમારું! ડોક્ટર! તમારા ભેજામાં ભૂંસું ભર્યું છે!...’ આનંદને બદલે અવિનાશ ઉશ્કેરાઇને ઊભો થઇ ગયો. ‘મારી વાતનો જવાબ આપો. તમે એ છોકરી ઢબુને કેટલી વાર જોઇ?...’ થીજી ગયેલો ડોક્ટર કંઇ જવાબ આપે એ અગાઉ અવિનાશે આક્રમક બનીને કહ્યું. ‘તમે વિઝિટ પર જતા નથી. તમે જે કથા કહી એ મુજબ પહેલીવાર એ માણસ ઢબુને લઇને આવ્યો ત્યારે એને તાવ હતો અને તમે દવા આપી. એ પછી બીજી વાર એ માણસ એકલો આવીને તમને કહે છે કે ઢબુને ભયાનક તાવ છે. તમે એને પોતાં મૂકવાનું કહ્યું અને રિપોર્ટ કરાવવાની સલાહ આપી.
બધા રિપોર્ટ્સ નોર્મલ આવ્યા. ભલા માણસ, સામાન્ય બુદ્ધિથી એટલું તો વિચારો કે તાવમાં ફફડતી નાજુક છોકરીને ઊંચકીને તમારી પાસે લાવવામાં એને શું તકલીફ હતી? બધા રિપોર્ટ નોર્મલ આવ્યા ધેટ મિન્સ, ઢબુને ફરીથી તાવ આવ્યો જ નહોતો! એ દારૂડિયા હરામીએ પોતાની બુદ્ધિ વાપરીને તમારા જેવા ડોક્ટરને ડફોળ બનાવ્યા...’ ‘વ્હોટ?...’ ડોક્ટરની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ. ‘સિક્કાની બીજી બાજુની સચ્ચાઇ વધુ ઊજળી છે ડોક્ટર સાહેબ!...’ અવિનાશે સમજાવ્યું. ‘એ ડ્રાઇવર સુરેશ એટલે મારો બનેવી અને ઢબુની મમ્મી શીલા એ મારી સગી બહેન! સુરેશ દારૂમાં પૈસા ઉડાડી દેતો હતો, વળી લફરાબાજ હતો એટલે મારી બહેન શીલાને મારઝૂડ પણ કરતો હતો. એના ત્રાસથી કંટાળીને મારી બહેન પિયર આવી ગઇ હતી.
એ લફંગાને ઢબુ ઉપર જરાયે લાગણી નહોતી. માત્ર શીલાને દાબમાં રાખવા માટે બળજબરીથી એ માસૂમને પોતાની પાસે રાખી હતી. છુટાછેડા અને ઢબુનો કબજો મેળવવા માટે અમે કોર્ટમાં કેસ કર્યો હતો. મારી નોકરી સાઇટ ઉપરની છે અને ફેમિલી સાથે રહેવાય એવું નથી એટલે મારી મિસિસ મારાં મા-બાપ સાથે અંકલેશ્વરમાં રહે છે. સાસરેથી આવેલી શીલાને મારી મિસિસ સાથે કે મા-બાપ કોઇ ઝઘડો ક્યારેય થયો નથી. શીલાએ સળગીને આત્મહત્યા કરી એ વાત સાચી પણ એનું કારણ સાવ અલગ હતું. શીલાને બ્રેસ્ટ કેન્સર હતું. એ સેકન્ડ સ્ટેજમાં હતું ત્યારે પકડાયું. આવા નાલાયક ધણીના પનારે પડેલી શીલાને જીવનમાં બહુ રસ રહ્યો નહોતો. વળી, પોતાના માટે થઇને મા-બાપ કે ભાઇ ખર્ચના ખાડામાં ઊતરી જાય એવું એ નહોતી ઇચ્છતી એટલે એણે આત્મહત્યા કરી. અલબત્ત, એ ઢબુને જોવા માટે તરસતી હતી એ વાત સાવ સાચી, પણ એ પવિત્ર આત્મા પોતાની દીકરીનું તો કદાચ સારું ઇચ્છે...’
નિરાશાથી માથું ધુણાવીને અવિનાશે ડોક્ટર અને આનંદની સામે જોયું. ‘એ હરામીને બીજા લગ્ન કરવા હતા પણ એમાં ઢબુ નડતરરૂપ હતી. એટલે એણે બહુ ચાલાકીથી આડોશ-પાડોશમાં શીલાના આત્માની વાત વહેતી મૂકી અને ગળું દબાવીને એ માસૂમ ફૂલને રહેંસી નાખ્યું. એક વાર તાવ આવ્યો અને એને લઇને એ તમારી પાસે આવ્યો એ પછી એના શેતાની દિમાગે આખો પ્લાન વિચાર્યો હશે. ઢબુની હત્યા પછી કોઇ પ્રોબ્લેમ ના થાય એ માટે એણે તમને ઢાલ તરીકે વાપરવાનું નક્કી કરી નાખ્યું હશે. અત્યારે તમે કહ્યું એટલે એ આખી વાતનો તાળો મળી ગયો... એ રાક્ષસ સામેના કોઇ પુરાવા નથી એટલે લાચાર છીએ. ઇશ્વર એનો ન્યાય કરશે...’ એ બોલતો હતો. ડોક્ટર દીપક હજુ ડઘાયેલો હતો. બહાર ધોધમાર વરસાદ ચાલુ હતો.