‘અમિત વિશે તમે શું માનો છો?’ , ‘તે ખાધે-પીધે સુખી દેખાય છે.’, ‘એટલે?’ (ઉત્સાહથી) આગળ બોલો, ખાધે-પીધે સુખીનો અર્થ તમે શું કરો છો?’, ‘સાહેબ, હું ખાદ્ય પદાર્થો ખાવાના અર્થમાં કહું છું. તેમની સામે ધારીને ન જોઇને તો પણ ખબર પડી જાય કે આ માણસનો ખોરાક સારો હશે.
છેલ્લા બે દિવસથી મારી ડાબી અને જમણી બંને આંખ વારાફરતી ફરક્યા કરતી હતી. કશુંક ન બનવાનું બનશે એવું લાગતું હતું અને એ ઘડી આવીને જ રહી. સી.બી.આઇ.વાળા મને ઉપાડીને લઇ ગયા. નક્કી મારા જ કોઇ મિત્રે આ લોકોને એવી માહિતી આપી હશે કે આ માણસની પૂછપરછ કરવાથી તમને જોઇતી ચોંકાવનારી બાતમી મળી જશે. મને આદિલ મન્સુરીનો શેર એમ જ યાદ આવી ગયો.
‘પાછળ પ્રવાસમાં ઘણા મિત્ર પણ હતા,
કોણે કર્યો પ્રહાર, મને કંઇ ખબર નથી.’
હજી તો હું ખુરશી પર બરાબર ગોઠવાઉં ત્યાર પહેલાં તો સી.બી.આઇ.ના ચાર પૈકી એક ઓફિસરે મારી આંખમાં આંખ પરોવતાં મને કરડાકીથી કહ્યું :
‘તમે જ વિનોદ ભટ્ટ છો એના જડબેસલાક પુરવા અમારી પાસે છે.’
‘સાહેબ, એ જડબેસલાક પુરાવા મારી સમક્ષ રજૂ નહીં કરો તો ચાલશે, કેમ કે વિનોદ ભટ્ટ ટોપ ટુ બોટમ હું જ છું એ હું સ્વીકારું છું, જોકે હું જ વિનોદ ભટ્ટ છું એ અંગેના ઠોસ પુરાવા તમારી પાસે છે એવા પુરાવા મારી પાસે નથી.’
‘અચ્છા તો તમે અમિત શાહને ઓળખો છો?’
‘અમિત શાહ? કોણ અમિત શાહ?’
‘મિ. ભટ્ટ, તમે મને સામે પૂછો છો કે કોણ અમિત શાહ? અરે ચંબલના ડાકુઓનેય હવે તો ખબર પડી ગઇ છે કે અમિત શાહ કોણ છે ને તમે ગુજરાતી થઇને મને અમિત શાહ વિશે અજાણ્યા થઇને પૂછો છો તો જાણી લો કે તે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી છે.’
‘સાહેબ, હું નમ્રપણે એવું માનું છું કે અમિતભાઇને ગુજરાતના ગૃહમંત્રીમાંથી પૂર્વ-મંત્રી બનાવવાનો પૂરેપૂરો જશ, તમને સી.બી.આઇ.ને આપવો ઘટે...’
‘જુઓ, દિલ્હીથી અમે અમારી પ્રશંસા સાંભળવા અહીં નથી આવ્યા. હવે તમે મને એ કહો કે અમિત શાહને, તમને છેલ્લે ક્યારે મળેલા? યાદ કરો...’
‘યાદ નથી આવતું સાહેબ, ઉંમરને કારણે યાદદાસ્ત સાવ નબળી પડી ગઇ છે. કાલે શું ખાધેલું, એય મને ખબર નથી...’
‘ગઇ કાલે, તમે શું ખાધું હતું એ હું કહી દઉં?’ અધિકારીએ રમૂજથી પૂછ્યું.
‘સીબીઆઇવાળાની આ જ ખૂબી છે,
કહી દો.’
‘ગઇ કાલે તમે દૂધપાક ખાધેલો ને?’
‘તમે એ કેવી રીત જાણ્યું સાહેબ?’
‘તમારા મોઢા પરથી તમારી દાઢી પર હજીય ભાતના દાણા દેખાય છે...’
‘દૂધપાક તો મેં પરમ દિવસે ખાધો હતો. ગઇકાલે બાસુદી ખાધી હતી.’
‘હા, અમિતભાઇને મળ્યાનું ધીરે ધીરે યાદ આવી રહ્યું છે. પોલીસોના એક કાર્યક્રમમાં હું ભાષણ કરવા ગયો ત્યારે અમિતભાઇએ શાલ ઓઢાડીને મારું સન્માન કર્યું હતું.’ મને વચ્ચે જ અટકાવતાં બીજા એક ઓફિસરે ટીખળથી પૂછ્યું:
‘એ શાલ જ હતી?’
‘શાલ જ હતી. વહેમી માણસને તો શાલ હોય ત્યાં કફન જ દેખાવાનું. જોકે શાલનો રંગ વ્હાઇટ હતો!’
‘અમિત વિશે તમે શું માનો છો?’
‘તે ખાધે-પીધે સુખી દેખાય છે.’
‘એટલે?’ (ઉત્સાહથી) આગળ બોલો, ખાધે-પીધે સુખીનો અર્થ તમે શું કરો છો?’
‘સાહેબ, હું ખાદ્ય પદાર્થો ખાવાના અર્થમાં કહું છું. અ-ખાદ્ય પદાર્થોની વાત નથી કરતો. તેમની સામે ધારીને ન જોઇને તો પણ ખબર પડી જાય કે આ માણસનો ખોરાક સારો હશે. ડાયેટિંગ માટે ભલે ‘ડાઇ વિધાઉટ ઇટિંગ’ એમ કહેવાતું પણ માણસ જો માપસર ખાતો હોય તો તેને પાચનનો પ્રશ્ન ક્યારેય નડતો નથી. ઓવર ઇટિંગ અત્યંત ભયંકર સાબિત થાય છે, કહેવતમાં કહ્યું છે ને કે અતિની ગતિ નહીં. અમિતભાઇની જ મેષ રાશિ ધરાવનાર બીજા બે, અભય ચુડાસમા અને અજય પટેલ, ઓવર ઇટિંગના જ શિકાર બની ગયા ને!’
મારા મોઢેથી એ.ડી.સી. બેન્કવાળા અજય પટેલનું નામ સાંભળીને ઓફિસરના કાન ચમક્યા. મને પૂછ્યું : ‘ક્યાં છે, ક્યાં છે. અજય પટેલ?’
‘અન્ડરગ્રાઉન્ડ છે. સારું મુહૂર્ત જોઇને ગ્રાઉન્ડ પર આવી જશે. સાહેબ, તમે એ જોયું?-નામ અભય હોય, કે અજય બધા તમારાથી ફફડે છે...’
‘એ ગ્રાઉન્ડ પર આવી જશે? કોણ કહે છે?’
‘હું કહું છું, કારણ એ સાહેબ કે આવા જણને ધરતી લાંબો સમય સંઘરે નહીં, ધરતીનું ગજું કેટલું?-સીતામાતાના, સમયમાં હતો એવો કસ છે આજની ધરતીમાં!’
‘અજય પટેલને ઓળખો તમે?’ પ્રશ્ન પુછાયો.
‘ઓળખતો નથી, પણ મારો એ સગો છે.’
‘તમે ઓળખતા નથી તોય તમારો તે સગો થાય છે? શા સગા થાવ તમે?’
‘અજયનો હું ટીચર-ઇન-લો થાઉં.’
‘ટીચર-ઇન-લો? આ સગાઇ કેવી?’
‘મારી વાઇફ સ્કૂલમાં તેને ગુજરાતી ભણાવતી... પહેલાં તો પત્ની બધાંને ઉત્સાહ અને ગર્વથી કહ્યાં કરતી કે આ અજય પટેલ મારો વિદ્યાર્થી, પરંતુ છાપાંઓમાં તેના ફોટા છપાવા શરૂ થયા ત્યારથી અજયનો ‘અ’ પણ બોલતી નથી.’
મારી વાતો સાંભળતાં એ ચારેય ઓફિસરોનો કંટાળો ચહેરા પર દેખાતો હતો, પણ તેમણે આશા છોડી નો’તી. એક અધિકારીએ વેધક નજરે મારી સામે જોતાં પૂછ્યું : ‘નરેન્દ્ર મોદીને ઓળખો છો?’
આ ઓફિસરને મારે કેવી રીતે સમજાવવું કે ગુજરાતમાં રહેતા હોઇએ ને કહીએ કે હું નરેન્દ્ર મોદીને પિછાણતો નથી તો એ ‘ક્રિમિનલ ઓફેન્સ’ ગણાય. હું ઓફિસમાં પ્રવેશ્યો ત્યારનો ન.મો. પરના પ્રશ્નોની રાહ જોતો હતો. એ સવાલ મેં સાંભળ્યો નથી એવું માનીને મને ફરીવાર પૂછ્યું : ‘નરેન્દ્ર મોદીને ઓળખો છો?’
‘તેમને હું પહેલાં ઓળખતો હતો...’
‘પહેલાં એટલે કેટલા સમય પહેલાં?’
‘પહેલાં એટલે કે તે જ્યારે માત્ર કોમનમેન હતા-મારા જેવા સામાન્યજન હતા ત્યારે મળતા હતા, પણ સી.એમ.-ચીફ મિનસ્ટિર બન્યા પછી મળવાનું થયું નથી, હવે તે અનકોમન મેન થઇ ગયા છે...’
‘તેમની જોડે ક્યારેય બંધબારણે વાત થઇ છે?’
‘સાહેબ બંધબારણે તો શું, ખુલ્લા બારણે પણ મારે નરેન્દ્રભાઇ સાથે કોઇ વાતચીત થઇ નથી. હા, મારા એક મિત્રને ન.મો. સાથે એક વાર બંધબારણે બે કલાક વાત થઇ હતી, કિન્તુ વચનબદ્ધ હોવાથી એ મિત્રનું નામ તમને હું આપી શકતો નથી. તેમ છતાં જો તમારો આગ્રહ હશે તો તમારા માન ખાતર મારા એ મિત્રનું નામ મોરારિબાપુ કે સ્વામી સિચ્ચદાનંદના અથવા તો બંનેના કાનમાં કહેવા રાજી છું.’
‘એની હમણાં જરૂર નથી, પણ અમારી પાસે એવી સોલિડ ઇન્ફર્મેશન છે કે તમે ન.મો.ના મિત્ર છો...’
‘આ માહિતી ભૂલ ભરેલી છે સાહેબ, કૌટિલ્યએ કહ્યું છે કે એક મિનિટ સર, કૌટિલ્યનું નામ સાંભળીને તમારાં ભવાં ચડી ગયાં, પણ તે બિન લાદેન કે દાઉદ ઇબ્રાહિમનો ટપોરી નથી. તેણે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર લખવા સિવાય અન્ય કોઇ ગુનો કર્યો હોવાનું નોંધાયું નથી. હા, અ-સામાજિક તત્વોની પેઠે તેનાં પણ બબ્બે નામ હતાં કૌટિલ્ય અને ચાણકય. તેણે કહ્યું છે કે રાજાને કોઇ મિત્ર હોતો નથી. તમે મને એવો એક ફોટો બતાવો જેમાં નરેન્દ્ર મોદી કોઇના ખભે હાથ મૂકીને ઊભા હોય. એક ફોટામાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારનો હાથ હવામાં અધ્ધર કરીને ન.મો.એ બફિોર વિકટરી કરી એ ફોટો ફરી છપાતાં કેવું રમખાણ મચી ગયેલું!’
‘તમે તો મિ.મોદીને નજીકથી પિછાણો છો, એ તો વાગી વગાડીને કહે છે કે ‘હું ખાતો નથી, ખાવા દેતો નથી.’ ‘આ બાબત તમને શું લાગે છે?’
‘તેમનો પૂવૉર્ધ સાચો હોવાનો હું સાક્ષી છું. એક વાર હું અને નરેન્દ્રભાઇ એક કાર્યક્રમમાં બાજુ બાજુમાં બેઠા હતા. મેં તેમને ઇલાયચી-લવિંગ ધયાઁ. તેમણે હસીને ના પાડતાં કહ્યું : ‘રહેવા દો ને! સામે મીડિયાવાળા બેઠા છે ને કેમેરા ઓન છે. એ લોકોને એવો પ્રચાર કરવાની મારે તક નથી આપવી કે ન.મો. ભલે એવું કહેતા હોય કે હું ખાતો નથી, પણ અમે તેમને જાહેરમાં ખાતા ઝડપી લીધા છે ને એ પણ સ્ટિંગ ઓપેરશન વગર... ‘તો દર્શક મિત્રો, તમે પણ નરેન્દ્ર મોદીને મોંમાં કશુંક ચગળાવતા જુઓ-તે શું ખાય છે એ અગત્યનું નથી, મૂળ વાત ખાવાની છે.’
‘યુ આર ગુડ ફોર નથિંગ એમ’ બબડી એ લોકો નિરાશાથી ઊભા થઇ ચાલવા માંડ્યા’