દેશભરમાં રેલવેનું વિશાળ નેટવર્ક ફેલાયેલું છે. રેલવે નેટવર્કના ૬૩૯૪૦ કિલોમીટર લાંબા પાટા પર દરરોજની ૧૪૨૪૪ ટ્રેન દિવસ-રાત દોડે છે. ૭૦૯૨ જેટલા રેલવે સ્ટેશનની વચ્ચે દોડતી ટ્રેન એક કરોડ કરતાં પણ વધુ મુસાફરોને રોજનો પ્રવાસ કરાવે છે.
દૂર રહેતા સગાંસંબંધીને ત્યાં જવા માટે કે પછી બહારગામ ફરવા જવાનું હોય તો આપણે સૌ ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ છીએ. છુક છુક ગાડીમાં બેસીને ફરવા જવાની તો મજા જ પડે, પણ જો છુક છુક ગાડી સાથે જોડાયેલી કેટલીક રોમાંચક માહિતી જાણતા હોઈએ અને એ જાણીને બીજાને પણ કહીએ તો તમારો આનંદ બેવડાઈ જાયને! તો પછી ચાલો છુક છુક ગાડી સાથે જોડાયેલી રસપ્રદ વાતોને વાગોળીએ..
વિશ્વનું સૌથી પ્રાચીન વરાળનું એન્જિન ‘ફેરી ક્વીન’ છે. આશરે ૧૮૫૫ના સમયનું આ એન્જિન રેલવે મ્યુઝિયમમાં રખાયું છે. ૧૮૯૫ના વર્ષમાં અજમેરના કારખાનામાં ‘રાજપૂત માળવા રેલવે’ માટેનું એફ-૭૩૪ પહેલું સ્વદેશી વરાળ એન્જિન હતું. હાલમાં આ એન્જિન પણ રેલવે મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે.
ભારતમાં રેલવેની શરૂઆત લોર્ડ ડેલહાઉસીએ કરી હતી. ૧૬ એપ્રિલ ૧૯૫૩ના રોજ મુંબઈના બોરીબંદરથી થાણે સુધીની પહેલી ટ્રેન દોડાવવામાં આવી.
ભારતમાં સૌથી લાંબું અંતર કાપતી ટ્રેન ‘હિમસાગર એક્સપ્રેસ’ છે. તે જમ્મુથી કન્યાકુમારી સુધીનું ૩૭૫૧ કિલોમીટરનું અંતર ૬૬ કલાકમાં કાપે છે.
ભારતમાં કમ્પ્યૂટરની મદદથી રેલવે રિઝર્વેશનની શરૂઆત ૧૯૮૬માં દિલ્હીમાં કરાઈ.
ખડગપુર રેલવે પ્લેટફોર્મ દેશનું સૌથી લાંબું પ્લેટફોર્મ છે. આ રેલવે સ્ટેશન ૨૭૩૩ ફીટ લાંબું છે.
સોન નદી પરનો જવાહર પુલ દેશનો સૌથી લાંબો રેલવે પુલ છે. આ પુલ ૧૦,૦૪૪ ફૂટ લાંબો છે.
૨૦૦૩માં શરૂ કરાયેલી દિલ્હીની મેટ્રો ટ્રેન સેવા જમીનથી ઉપર અને જમીનની અંદર દોડતી પહેલી મેટ્રો ટ્રેન છે.
દાર્જિલિંગ સ્થિત ‘ઘૂમ’ સ્ટેશન દેશનું સૌથી વધુ ઊંચાઈએ આવેલું રેલવે સ્ટેશન છે.
એશિયાના શ્રેષ્ઠ સંગ્રહાલયોમાં ‘રાષ્ટ્રીય રેલવે સંગ્રહાલય’નો સમાવેશ થાય છે. આ સંગ્રહાલય નવી દિલ્હીમાં ચાણકયપુરી વિસ્તારમાં છે. તેની સ્થાપના ૧૯૭૭માં થઈ.
ટ્રેનના ઈલેક્ટ્રિક એન્જિન પશ્ચિમ બંગાળના ચિત્તરંજન શહેરમાં તૈયાર થાય છે. તો ડીઝલ એન્જિન ઉત્તરપ્રદેશના વારાણસી શહેરમાં અને તેના ડબ્બા એટલે કે રેલવે કોચ પંજાબના કપૂરથલા શહેરમાં, બેંગલૂરુમાં અને ચેન્નઈ નજીક આવેલા પેરામ્બુરુમાં તૈયાર થાય છે.
ભારતીય રેલવેમાં ૮૦૦૦ કરતાં વધુ એન્જિન, ૫૦,૦૦૦ કરતાં પણ વધારે ડબ્બા અને ૪,૦૦,૦૦૦ કરતાં વધુ માલસામાન પહોંચાડતા વેગન છે.
૧૮૭૪માં મુંબઈ અને ચેન્નઈમાં સૌ પ્રથમ ટ્રામ સેવા શરૂ થઈ. જોકે, હાલમાં તો બંને જગ્યાએ ટ્રામ સેવા બંધ છે.
‘પેલેસ ઓન વ્હીલ્સ’ દેશની સૌથી મોંઘી શાહી સવારી કરાવતી ટ્રેન છે.
મુંબઈનું છત્રપતિ શિવાજી ટર્મિનલ, દાર્જિલિંગ હિમાલયન રેલવે અને નીલગિરી માઉન્ટેન રેલવેને સંયુક્ત રાષ્ટ્રસંઘના શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો)ના વિશ્વ વારસાની યાદીમાં (વર્લ્ડ હેરિટેજ લિસ્ટ) સમાવેશ કરાયો છે. આ વર્ષે કાલકા-શિમલા રેલવેનો પણ આ જ યાદીમાં સમાવેશ થયો છે.