Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Literature >> Navalika
 

નાનાભાઈ જેબલિયા: રોટલો રૂપિયા લાખનો

 
Source: Toran, Nanabhai Jebliya   |   Last Updated 12:04 AM [IST](25/12/2011)
 
 
 
 
 
‘એલા, વોળાવિયા! તમારાં હથિયારો હેઠાં મૂકી દો. હલશો ચાલશો તો શેઠ અને વરરાજા વીંધાઇ જાશે ગોળીથી.’ વોળાવિયા લાચાર બનીને ઊભા રહ્યા. ચાર લૂંટારાઓ પછેડી પાથરીને જાનૈયા અને જાનડીઓનાં ઘરેણાં ઉતરાવવા માંડ્યા...કોઇની પાસે વાલની વીંટી પણ લૂંટારાઓએ રહેવા ન દીધી.

હાલાર પંથકના સરપદડ ગામને પાદરેથી સવારે ઊગવાના રામ રામ કરીને સૂરજ મહારાજે રજા લીધી અને એના ઘોડા દેખાતા અર્દશ્ય થયા કે સંધ્યાએ એની કસુંબલ ચૂંદડી આકાશના માંડવે પાથરી વાળી...રોળ્યકોળ્ય વેળા સરપદડને આંગણે ઊભી’તી એવા સમે ગામની બજારમાં એક અજાણી ભોમકાના આદમીએ પગ મૂક્યો.ઘેરદાર ચોરણા ઉપર આછી પછેડીની ભેટ્ય, પાસાબંધી કેડિયું, ચોવીસ આંટાની ગોળ પાઘડી. દાઢીમૂછના કાતરામાં કળાતી કાબરચીતરી પ્રૌઢતા અને એમાંથી દેખાતા ચહેરા પરની ચામડીની રતાશ એના સુખીપાને છતો કરે છે.

સરપદડના શામજી શેઠ, સાંજ વેળાની ઘરાકીને સાચવતા પોતાના જુવાન દીકરાઓને જોતાં જોતાં, ખાતાવહી, રોજમેળ અને ‘ધડિયું’ જેવા ચોપડાને ઉથાપતા જાય છે ને નામું ખતવતા જાય છે. શેઠના કરિયાણા ગંધિયાણાનો બહોળો વેપાર અને ગામમાં દાનસ્તા વેપારીની છાપ, એટલે ઘરાકોની ધીંધ જામી છે.

‘શેઠ?’ ઘરાકના ઘેરામાંથી થોડીક જગ્યા કરીને પેલો પાઘડીધારી આદમી, શામજી શેઠની દુકાનની બારસાખમાં આવીને ઊભો રહ્યો: ‘એક જણની રસોઇ થાય એટલું સીધું તોળી આપો...’સાવ અજાણ્યો અવાજ સાંભળીને શેઠના કાન બારસાખ ભણી મંડાયા. ચોપડાના પાના વચાળે આંગળી રાખીને, ચશ્માંના કાચની ઉપરથી નજરના એક જ ધક્કે શેઠે આવતલ આદમીને ગજના આંકડાએ માપી લીધો!પગથી માથા સુધીના અજાણ્યા એ આદમીના પહેરવેશ અને ચહેરાની સુરખી પરથી, ભાષાના રણકાર પરથી ચતુર વણિકે અનુમાન કર્યું કે આદમી છે તો માલધારી અને સોરઠ મલકનો... દૂધની તર જેમ જામેલ ચહેરા પરની કુમાશ આવતલના હામ દામ અને ઠામની ગવાહી આપતી હતી.

‘આમ કેણીપાથી આવો છો, ભાઇ?’ શેઠે આગંતુક ઉપર માયાભરી આંખ ઠેરવી.આવતલે ટૂંકો જવાબ દીધો: ‘બૌ આઘેથી શેઠ? ગીરના કરડોપાણના નેસડેથી.’‘અમારા આ હાલાર પંથકમાં, આમ?’‘હા, બળદો વેચવાના હતા...’ આવતલે કીધું: ‘વેચાઇ ગયા. ગોવાળને રજા દીધી અને હું રાતવાસો રોકાઇ જાશ. સવારે વતન ભણી નીકળી જાશ.’‘જ્ઞાતિએ?’‘ચારણ... મારું નામ સામતભા.’ મહેમાને કહ્યું: ‘ઘરઆંગણે ગોધલા મોટા થાય એટલે આ પંથકમાં વેચવા નીકળું... સુખી ખેડું જોઇને જાતે જ બળદો દઉં છું. શું કે ગાયનો દીકરો સુખી થાય.’

‘વાહ વાહ!’ શેઠ ખુશ થયા: ‘આ પંથકમાં કોઇ સગું-સાગવું?’‘માતાજીનું નામ.’ સામતભા હસ્યો: ‘રાંધતાં આવડે છે. મંગાળો કરીને ટીકડ શેકી લેશ.’‘હાથે રંધાય કાંઇ, સામતભા?’ શેઠે ચોપડાને દોરીઓ બાંધી અને ઊભા થયા: ‘હાલો મારે ઘેર, ભગવાનની દયા છે, ગઢવી! વાળુપાણી કરી રાત રોકાઓ અને સવારે નીકળજો...’ ચારણને હાલાર પંથક હરખાળો ભાસ્યો...! આંખની ઓળખાણ નહીં છતાં એક વણિક આટલી આગતાસ્વાગતા કરે છે... વાહ, હાલાર શામજી શેઠના વીઘાવડના આંગણામાં દશેક જેટલી ભેંસુનું ખાડું હતું. એક ઓસરીએ ચાર ઓરડા, વેપારવણજની સાથોસાથ આ વણિક પશુપાલન અને ખેતીનો પણ મોટો પથારો ધરાવે છે એવું દેખાયું.

શેઠે ગઢવી માટે ફળીમાં ઢોલિયો ઢાળ્યો. ધડકી પાથ રી. દીવે વાટ્યો ચડી. છોકરાઓ ઘેર આવ્યા. ભેંસો દોહવાણી. ગઢવી વાળુ કરવા બેઠા. ઘીથી ત્રસત્રસતા બાજરાના સોડમદાર રોટલા અને દૂધની ભરી તાંસળીઓ! ઘડીક શેઠ તાણ્ય કરે, ઘડીક શેઠના છોકરા આગ્રહ કરે, તો ઘડીક બારસાખે ઊભાં ઊભાં શેઠાણી પણ આગ્રહ કરતાં જાય અને પીરસતાં જાય: ‘મારા સમ છે હોં, ભાઇ! નિરાંતે વાળુ કરો... દેવીપુતર અમારે આંગણે ક્યાંથી? તમે તો ભાઇ પરદેશી પરોણા...’ફળીમાં ઢોલિયા ઢાળીને શામજી શેઠ અને સામતભા ગઢવીએ મોડી રાત સુધી સુખદુ:ખની, ધંધાધાપાની વાતો કરી અને સુખરાત કરી.

સવારે ગઢવી જાગ્યા ત્યારે અજાણ્યાપણું ઓગળી ગયું હતું. શેઠાણી પોતાનો માજણ્યો ભાઇ હોય એમ ગઢવી ઉપર હેત વરસાવતાં હતાં. ‘લો, બોન!’ ચાલતી વેળા ગઢવીએ શેઠાણીને પચ્ચીસ રૂપિયા કાપડાના કરીને આપ્યા: ‘રાખી લો, બહેન! અને પ્રસંગોપાત મને યાદ કરજો અને મારા ભાણાઓનાં લગન થાય તે દી’ કરડોપાણ કંકક્ષેત્રી લખવાનું વિસરતાં નૈં, મારા સમ છે.’

‘ભલે, ભાઇ! લગન તો હવે પાંચ વરસના એક દીકરાનાં જ બાકી છે.’ શેઠાણી બોલ્યાં: ‘ભગવાન સારાંવાનાં કરશે તો કંકક્ષેત્રી લખીશ, વીરા!’ ગઢવી જવા નીકળ્યા... એકબીજાને ઘેર આવરોજાવરો રાખવાનાં વચન દેવાણાં.‘તમારો આ બદલો તો મારાથી નૈં અપાય, બોન!’ ગઢવીએ જતાં જતાં કહ્યું: ‘પણ માતાજી એવો રૂડો અવસર આપે એની રાહ જોઇશ.’સામત ગઢવી નેસડે આવ્યા!... સમય વીતતો રહ્યો. વાત ઉપરથી પંદર વરસનાં ટાણાં પસાર થઇ ગયાં. ગીરના જંગલ ગાજે છે. ઝાડેઝાડ, પહાડોપહાડ, નદીએ નદી, સાંજ વેળાના ટાઢા પહોરનાં ગીત ગણગણે છે.

વંકી ધારાના આબડખૂબડ રસ્તાઓના ઢોળઢોળાવને પાર કરતાં વીસેક જેટલાં જાનનાં ગાંડાં દણેણ દણેણ ચાલ્યાં જાય છે. પાંચ જેટલા જાનના વોળાવિયા ઘોડા ઉપર બેઠા બેઠા જાનનું રખોપું કરતા જાય છે. ગીતો ગવાય છે. વાતોની ઝકોળ ચાલે છે. નદીના વહેણમાંથી ઢૂવાઓની છાયામાંથી વાતા ઠંડા પવનનાં લેરખાં, ગીરની રિળયાતની વાર્તા માંડે છે અને એકાએક બધું થંભી જાય છે. ધરતીના પેટાળમાંથી ફૂટયા હોય એમ વીસ જેટલા લૂંટારા ભેખડ ઉપરથી ઠેકડો મારીને જાનને ઘેરી વળ્યા: ‘ઊભા રાખો, ગાડાં...!’
હાંકેડુઓ થથરી ઊઠ્યા. ગાડાં ઊભાં રહ્યાં! ‘ક્યાંની જાન છે, એલા?’‘સરપદડની, હાલાર પંથકની.’

‘ટોપીઓવાળા છો એટલે કેવા છો?’‘વાણિયા-વેપારી.’‘ક્યાં છે, શેઠ?’‘આગળના ગાડે... વરરાજાની સાથે.’ અને વીસેય લૂંટારા શેઠના ગાડાને ઘેરી વળ્યા. શેઠની છાતી ઉપર ભરી બંદૂક ઠેરવીને પડકારો કીધો: ‘એલા, વોળાવિયા! તમારાં હથિયારો હેઠાં મૂકી દો. હલશો ચાલશો તો શેઠ અને વરરાજા વીંધાઇ જાશે ગોળીથી.’ વોળાવિયા લાચાર બનીને ઊભા રહ્યા. ચાર લૂંટારાઓ પછેડી પાથરીને જાનૈયા અને જાનડીઓનાં ઘરેણાં ઉતરાવવા માંડ્યા.

કોઇની પાસે વાલની વીંટી પણ લૂંટારાએ રહેવા ન દીધી. વરરાજા માટે રાજદરબારમાંથી હીરામોતીના હાર માગીને લાવ્યા’તા એ પણ લૂંટાઇ ગયા. જાન આખી કકળી ઊઠી, શેઠની તમામ મિલકત વેચાઇ જાય તો પણ રાજના દાગીનાની કિંમત ચૂકવાય એમ નહોતી. શેઠ સહિત સૌના ચહેરા કાળા કણક થઇ ગયા!બહારવટિયા રોકડ, ઘરેણાંનાં પોટલાં બાંધીને, ઘોડા માથે ચડીને ગીરની ઝાડીમાં અર્દશ્ય થઇ ગયા.

જાન લૂંટીને નિરાંતે ચાલ્યા જતા લૂંટારાની પીઠ પાછળથી અવાજ આવ્યો: ‘એલા કોઇ જાનનાં ગાડાં ભાળ્યાં?’ બહારવટિયા ઊભા રહ્યા. જોયું તો કરડોપાણના નેસનો રાજા ગણાય એવો સામતભા ગઢવી, ખભે લાકડી લઇને ચાલ્યો આવે છે.બહારવટિયા થોડાક મૂંઝાઇને ઊભા રહ્યા. જાનનાં ગાડાંને ગઢવી ગોતે છે અને એ જ ગાડાંને પોતે લૂંટયાં છે...! સામત ગઢવીના નેસથી અવારનવાર રોટલા અને દૂધ લઇ જઇને લૂંટારા અવારનવાર પેટની અગન ઠારતા. ગઢવીનું ઘર એટલે આખી ગીર માટે અન્નપૂણૉનો આશ્રમ...! ‘વાણિયાની જાન હતી.’ લૂંટારાએ જવાબ દીધો.

‘વાણિયાની જાન?’ ગઢવીના કપાળે કરચલીઓ પડી: ‘ક્યા ગામની હતી? કાંઇ પૂછ્યું ’તું?’‘હા, પૂછીને જ લૂંટી- વાણિયા હતા. હાલાર પંથકના-સરપદડ ગામના.’‘હેં?’ ગઢવીના માથા પરની પાઘડી હચમચી. સામત ગઢવી જેવો ભડ આદમી ખળભળી ગયો. ‘ઇ જાન તો મારા ભાણાની.’‘રાખો હવે, સામતભા! સરપદડ ગામ અને જ્ઞાતિએ વાણિયા-વેપારી એમાં તમારો ભાણો ક્યાં આવ્યો? કાંઇ ગઢવી ન હતાં...’‘તમે કોપ કર્યો બાપ!’ ગઢવીએ માથા પર હાથ દીધો: ‘મારું મોત બગાડ્યું... સરપદડના શામજી શેઠને દીકરાનાં લગન હતાં. મને કંકક્ષેત્રી પણ મળી છે. હું જાનને મારે નેસડે જોતર ઢાળા કરવા તેડી જવાનો છું... એટલે સામે આવ્યો છું...’‘પણ હવે શું ગઢવી? બહારવટિયા મૂંઝાણા: ‘થાનારું થઇ ગયું.’

‘ભલે બાપ! તમે મારું વેણ થોડું રાખવાના?’ ગઢવીએ દુ:ખદ સાદે કહ્યું અને હાથ લાંબો કર્યો: ‘પણ મને એક ઘડીક વાર તમારી કટાર કે જમૈયો આપો.’‘શું લેવા, સામતભા?’‘મારી જિંદગી સુધારવા બાપ! મારી ધરમની બેન લૂંટાય અને હું પંડ્ય રાખું?’‘એવું ન કરાય, સામતભા!’‘આઇ નાગબાઇની મને આણ્ય છે જો હું હવે જીવું તો...’ ચારણે પ્રતિજ્ઞા કરી.‘

તમને મરવા ન દેવાય, ભા! તમારું અન્ન અમારી દાઢુંમાં ભર્યું છે.’ બહારવટિયા પીગળ્યા: ‘બોલો, શું કરવું?’‘મને જીવવા દેવો હોય તો જાનનાં બધાય ઘરેણાંની પોટલી બાંધીને બે જણ મારી સાથે આવો. જાનને એનાં ઘરેણાં પાછાં આપી દીધા વગર મારે અન્નજળ હરામ છે.’‘ભલે, સામતભા!’ લૂંટારા સંમત થયા. બધાયે દાગીનાની પોટલી બાંધી અને ચાર ઘોડા લઇને જાનના સગડે ચડ્યા. એકાદ ગાઉના અંતરે ઘોડા જાનને આંબી ગયા.

‘શામજી શેઠ!’ સામત ગઢવીએ આઘેથી સાદ દીધો: ‘ગાડાં ઊભાં રાખો. બાપ!’ જાન વળી પાછી ગભરાણી પણ હવે લૂંટાયા પછી ક્યાં બીક હતી?‘મૂંઝાશોમાં, બાપ!’ ગઢવીએ ઘરેણાંની પોટલી ઊંચી કરી: ‘તમારા દાગીના પાછા દેવા આવ્યા છઇ. સૌ ભાઇબહેનો પોતપોતાનાં ઘરેણાં ઓળખીને પહેરી લ્યો.’‘તમે કોણ, ભાઇ?’ શામજી શેઠ ગાડેથી નીચે ઊતર્યા. જાનૈયાઓ, જાનડીઓ જાણે ભગવાને વહાર કરી હોય એમ સૌ સૌના દાગીના પહેરવા લાગ્યાં.

‘મને ન ઓળખ્યો, શેઠ?’ ગઢવી બે ડગલાં આગળ વધ્યા: ‘હું સામતભા ગઢવી, તમારે આંગણે મેં રોટલો ખાધો’ તો શેઠ! અમારી ગીરના લૂંટારાના હાથે તમે લૂંટાયા. મેં સાંભળ્યું અને લૂંટારાએ મારી લાજ રાખી. તમારો માલ પાછો આપવા રાજી થયા.’

શેઠ દોડીને ગઢવીને ભેટી પડ્યા: ‘તમે તો અમારો એક રોટલો એક લાખનો કરી દીધો સામતભા!’‘એમાં વશેકાઇ શાની શેઠ? તમે તો મારા ધરમના બનેવી... મારી બહેનના ભાણાની જાન લૂંટાય કાંઇ?’ અને સૌને આગ્રહ કર્યો: મારે નેસડે હવે વાળુ પાણી કરીને રાતવાસો કરો, સવારે જ હાલવા દેશ.’‘અને સમસગરાં દઇને સામત ગઢવીએ આખી જાનને લાપશીના ભોજન સાથે ભેંસોના દૂધનાં વાળુ કરાવ્યાં.’ ‘

તોરણ, નાનાભાઈ જેબલિયા




 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.