હું બોલી ગયો છું. મારા મોઢામાંથી વેણ નીકળી ગયું છે... જો ઇ વેણ નહીં પળાય તો હું અફીણ ઘોળીને આયખું અટાણે જ પૂરું કરીશ.
‘મો જુ! તું ક્યાં જવાની વાત કરતો’તો?’
‘સમઢિયાળા, બાપુ!’
‘એમ કે?’
‘હા... મને સમઢિયાળા ગામનાં જાનોનાં સામૈયાં જોવાનો શોખ છે.’
‘તે?’
‘મને ઘોડી આપો... નવાં લૂગડાં સિવડાવી દો.’
‘ભલે, જાનના આગલા દિવસે તને નવાં લૂગડાં અને ઘોડી આપીશ.’
‘તો તો સારું બાપુ!’ મોજુદાન રાજીના રેડ થઇ ગયો.
‘તને ગમે, ઇ બધું સારું જ હોય મોજુ!’ કહીને હમીરપરા ગામનો બહોળા દલનો, ગંજાવર ગણાય એવો આહીર હાદોભાઇ વાઘોશી ઊજળું હસ્યો... અને પોતાને આંગણે લાડથી ઊછરતા મોજુદાન નામના ચારણના દીકરાને હેતભરી આંખે જોઇ રહ્યો... હાદા વાઘોશીના અમીર અંતરમાં ખાનદાનીના તોરા છુટયા. મનોમન એણે યદુનંદન મોરલીધરનો આભાર માન્યો કે તુંય મારા વા’લા નખ તે નવાજ છો ને? મારી ઉપર મહેર કરીને હામ, દામ, ઠામ દીધાં તે નોંધારા આ છોકરાને આશરો મળ્યો. ક્યાં ચારણનો ઇ નિરાધાર બાળક અને ક્યાં હમીરપરાનો હું હાદો-આહીર-નાતેય નેડો નૈ. છતાં તેં કેવા તાલ મેળવ્યા, મોરલીધર!’
ચારેક વરસ પહેલાંની એક બપોરે, હાદો વાઘોશી એની ડેલીએ ડિલ લાંબંુ કરવા જાય છે કે સાવ અજાણ્યો એક છોકરો, હાદાભાઇના ઢોલિયા પાસે આવીને ઊભો રહ્યો: ‘જે માતાજી બાપુ!’
હાદા વાઘોશીએ, આવેલ છોકરાને પગથી માથા સુધી જોયો. ઉઘાડા પગ, લીરાલીરા લૂગડાં, શરીરે સાવ દૂબળો-પાતળો, આંખોમાં ગરીબીના કરાળ ઓછાયા પણ છોકરાના ચહેરા પર જીવરાપણાની ચમક દેખાણી... ઝીણી નજરે જોતાં લાગ્યું કે, છોકરો પાણીદાર છે!
‘આવ, ભાઇ!’ હાદાભાઇએ આવકાર દીધો: ‘કોને ત્યાં આવ્યો છે ભાઇ?’
‘ભલે રોકાઇ જા, ભાઇ! રાબ છાશ જે મળશે તે સાથે મળીને ખાશું.’
અને ચારણનો દીકરો, આમ હમીરપરે હાદાભાઇ આહીરને ત્યાં રોકાઇ ગયો... સ્વભાવે સહનશીલ, પળેપળમાં મોજમાં રહેનારો, વગર ચિંધ્યે કામ ઉપાડી લેનારો, મોજુદાન હાદાભાઇના કુટુંબમાં કુટુંબનું જ અંગ બનીને સૌના દિલમાં વસી ગયો.‘ભાઇ, મોજુદાન!’ ત્રણેક વરસ પછી હાદા વાઘોશીએ મોજુદાનને કીધું: ‘તારાં કોઇ સગાં-સંબંધી હોય તો એને હમીરપરે તેડાવી દે.’
‘શું કામે બાપુ?’
‘ઉંમર થઇ છે... તારું વેશવાળ ક્યાંક તારી ન્યાતમાં કરી દઉં.’
‘ના રે બાપુ!’ મોજુદાને હસતાં હસતાં કીધું: ‘તમારા સિવાય મારે કોઇ સગું નથી. વહાલું નથી અને મારે વેશવાળ પણ કરવું નથી.’
‘બેટા! આખી જિંદગી કાંઇ કુંવારા રહેવાય?’
‘રહેવાય ઇ તો બાપુ!’ મોજુદાન હસ્યો અને એકાદ પળ રહીને વળી બોલ્યો: ‘મારે એક બીજી વાત કરવાની છે, કરું?’
‘પરણવું નથી અને બીજી વાત?’
‘હા... સમઢિયાળા ગામ ખરું ને?’
‘હા... ત્યાં ચારણોની જાડી વસતી છે... પણ એનું શું?’
‘મારે સમઢિયાળા ગામનાં સામૈયાં જોવાં છે...’ મોજુ બોલ્યો. જાનો આવે ત્યારે ત્યાં સામૈયાં બહુ ભારે થાય છે. તમે રજા દો તો જોઇ આવું. સમઢિયાળામાં એક સામટાં ઘણાં બધાં લગન છે.
‘હા, ચારણો, ભરવાડો અને આહીરો એક સામટાં લગ્ન કરે છે. સમઢિયાળામાં કે’ છે પચ્ચાસ જાનો એક સામટી આવે છે.’
‘તો મને જાવા દો.’
‘જાનો આવે તે’દી સાંજે ઘોડી લઇને જાજયે.’
અને હાદાભાઇ આહીરે પાલકપુત્ર સમા મોજુદાન માટે વરરાજાનો પોશાક સિવડાવ્યો. લીલી આતલસની સુરવાળ, ગુલાબી અંગરખું, સોનેરી કોરની પછેડી, ઘડÛવાળી પાઘડી, ખભે રાખવાની ઉપરણી, પગમાં ચાંદીનો ત્રોડો.... સોનાની મૂઠે તલવાર...મોજુદાનને વરરાજાની જેમ શણગાર્યો... ઘોડીને પણ શણગારી. આગેવાળ જેરબંધ, દળી માથે શારજામો, મખમલનો ધાંસિયો, મોજુદાનને કોથળી આપી. તજ, લવિંગ, એલચી, સોપારીઓ અને કસુંબા માટે ચારેક તોલા અફીણ.
‘જા ભાઇ! વરરાજા ભેગો બેસજે કસુંબો કાઢજે અને આનંદ કરજે.’ પરણવા જતા વરરાજા જેવો બનીને મોજુદાન ઘોડીને રમાડતો રમાડતો સમઢિયાળા આવ્યો. ગામ નાનું એવું પણ સમૂહ લગ્નનો જમાનો એટલે, ચારણો, રબારીઓ, ભરવાડો અને આહીરોની સામટી દીકરીઓનાં એક જ તિથિનાં તોરણ ગામને ઘેર-ઘેર માંડવા અને શેરીએ શેરીએ. લગ્નગીતોની ઠાર બોલે...!
ગામને પાદર બુંગણ પથરાણાં’તાં... પાણી છંટાણાં’તાં... જાનો આવવા માંડી. સાંજ ઢળતામાં પચાસેક જાનો ગામને પાદર ઠલવાઇ ગઇ...!ઠેક-ઠેકાણે વરરાજાનાં ગીતોની ઝકોળ. શરણાઇઓના ગહેકાટ... મોજુદાન એક જગ્યાએ જઇને વરરાજાના ઢુંગામાં બેસી ગયો. સૌને મુખવાસ દીધા. કસુંબો કાઢ્યો. અજાણ્યા જાનૈયા મોજુદાનને અહોભાવથી જોઇ રહ્યા. ઓળખાણ ન પૂછી કેમ કે, આ પણ વરરાજો હોય, કદાચ માંડવાનો મહેમાન હોય.
સાંજે મશાલો સળગી... ઢોલ-ત્રાંસાની ઝીંક બોલી, શરણાઇઓના એક-સામટા સૂરથી આખું સમઢિયાળા સંગીતાઇ ઊઠ્યું! વરરાજાના ઘોડા તૈયાર થયા... ઢોલના તાલે ઘોડા રમતા જાય-સામૈયાના લોકો માણસે-માણસે ફરીને કેસરિયા દૂધ અને શરબત પાતા જાય... મુખવાસ દેતા જાય. મોજુદાન સમઢિયાળા ગામની અજોડ ગણાય એવી આતિથ્ય ભાવનાથી આનંદી ઊઠ્યો. સામૈયાં આગળ વધતાં ગયાં.
રસ્તામાં જ્યાં જેના માંડવા આવ્યા ત્યાં વરરાજા રોકાતા ગયા. પોંખાતા ગયા અને માંડવે પગલાં દઇ રહ્યાં. ગામનો છેડો આવતાં તમામ વરરાજાઓ પોત-પોતાના સસરાના આંગણે જતા રહ્યા. હવે તો ફકત મોજુદાન જ બાકી રહ્યો... સમઢિયાળા ગામની ખાલી બજારમાંથી ધીરે ધીરે ઘોડી હાંકતો મોજુદાન હમીરપરે જવા તૈયાર થયો કે એક ડેલી આગળના ખાટલામાં બેઠેલા એક વૃદ્ધ ચારણે મોજુદાનને ટપાર્યો ‘ઊભો રહે ભાઇ!’
‘ઓહોહો! મેસણકાના ચારણો તો ખાનદાન ભાઇ, પણ તું હમીરપરે ક્યાંથી?’ ‘મારે કુટુંબમાં કોઇ નથી અદા! હાદાભાઇને ત્યાં રહું છું.’
‘તે હવે શું કરીશ?’
‘સામૈયા જોવાઇ ગયાં... હવે હમીરપરે જાશ.’
‘પરણ્યા વગર?’
‘હું પરણવા ક્યાં આવ્યો’તો, અદા?’ ‘નહોતો આવ્યો પણ હવે પરણીને જા.’ વૃદ્ધ આદમી ખાટલેથી ઊભો થયો: ‘બેસ મોજુદાન!’ અને વૃદ્ધે પોતાના દીકરાને બોલાવ્યો એને વાત કરી: ‘તારી બે દીકરીઓ અત્યારે પરણે છે પણ ત્રીજી એક કુંવારી છે ખરું ને ગગા?’
‘હા બાપુ! પણ ત્રીજી માટે સારું ઠેકાણું ક્યાં મળ્યું છે?’
‘મળી ગયું, ગગા!’ વૃદ્ધ બોલ્યો: ‘આ જુવાન મેસણકાના કુંચાળા ચારણનો દીકરો છે. કુંચાળા ચારણો ખાનદાન અને અમીર. ત્રીજો માંડવો તૈયાર કર્ય અને આ મોજુદાનને તારી દીકરી દે.’
‘પણ બાપુ ઇ નૈ બને.’ દીકરો અકળાયો.
‘હું બોલી ગયો છું.’ વૃદ્ધનો ચહેરો તંગ બન્યો: ‘મારા મોઢામાંથી વેણ નીકળી ગયું છે... જો ઇ વેણ નહીં પળાય તો હું અફીણ ઘોળીને આયખું અટાણે જ પૂરું કરીશ.’
‘પણ બાપુ! ઇ સાવ નોંધારો... જમીન જાગીર કાંઇ નૈ.’
‘ગગા! એના નસીબમાં હશે તો બધુંય થાશે નીકર ઘરજમાઇ કરીને રાખશું. બધુંય મળે પણ જાત ન મળે દીકરા!’
‘જાતવાન ફાટે પણ ફીટે નહીં... મેસણકાના કુંચાળા ચારણો ખાનદાન અને જાતવાન...’ અને વૃદ્ધનો દીકરો સમંત થયો. બે માંડવે કન્યાઓ પધરાવી હતી અને ત્રીજો માંડવો તુરંત રોપાણો. વર માટે વરમાચી અને કન્યા માટે બાજોઠ ઢળાયો.જાનનાં સામૈયાં જોવા આવેલા મોજુદાન સાચો વરરાજો બનીને ચાર મંગળ વત્ર્યો.
સમઢિયાળાના એ વૃદ્ધ ચારણે રાતોરાત હમીરપરે હાદાભાઇ આહીરને ખુશી સમાચાર મોકલ્યો: ‘મોજુદાન અમારા ખોરડાનો જમાઇ થઇને ચાર ફેરા ફર્યા છે માટે તમારી રીતે તમે વેલડું લઇને આવો.’ સવાર પડી, સૂરજ ઊગ્યો. સામટી જાનોના વરરાજા દાતણ કરવા નીકળ્યા. પાદરે ગરીબ-ગુરબાં અને સાધુ-બ્રાહ્નણોની ‘દાંત્ય’ દેવાણી. જાનો ઉઘલાવાની વેળા થઇ... અને ત્યાં સામટાં ગાડાં શણગારીને દસ-વીસ ઘોડા લઇ હમીરપરેથી હોદાભાઇ, જાનના રૂપમાં સમઢિયાળે આવ્યો.
જાનો ઊઘલી... ત્રીજી દીકરીનો બાપ દીકરીને વળાવતાં ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યો... કેવળ પિતાના હઠાગ્રહને કારણે મોજુદાન નામના એક નોંધારા છોકરા વેરે પોતાની લાડકી દીકરીને પરણાવવી પડી કે જે દીકરી માટે મૂઠી જુવારની કોઇ કાયમી આવક નહોતી!!‘દીકરી!’ બાપ કકળતો હતો: ‘એક તારી જ મને ઉપાધિ રહેશે. કેમ કે, તારા પતિનો ક્યાંય આધાર નથી.’