દિવ્ય ભાસ્કરના ઓટેલે બેસીને વિજ્ઞાનની નજરે ધર્મનું દર્શન કરવાનો પ્રયાસ ચાલે છે. આપણી ચિંતન-યાત્રાના કેટલાક માઇલ-સ્ટોનને યાદ કરી લઇએ, મિત્રો?
ધર્મ અને વિજ્ઞાન પરસ્પર પૂરક છે. માનવના જ્ઞાન-દેહની આંખ ધર્મ છે, તો વિજ્ઞાન છે, પાંખ. એક દિશા નિર્દેશ કરે તો બીજું ભરે ઉડાન. મહર્ષિ કણાદે ધર્મની વ્યાખ્યા કરતાં કહ્યું છે, ‘જેનાથી નિરંતર પ્રગતિ અને શ્રેય બંને સધાય તે ધર્મ’. ઉન્નતિ-પ્રેરક મૂલ્યો અને ઉધ્યમનો સરવાળો જીવનને પૂર્ણતા તરફ અગ્રેસર કરે. જો આ ગણિત ઊલટું ચાલે, તો આવી બને! અણુ-અણુમાં વ્યાપ્ત પરમ ચૈતસિક ઊર્જાનો દુરુપયોગ એટલે ન્યુિકલયર બોમ્બ અને સદુપયોગ એટલે અષ્ટાંગ યોગ-દર્શન! ‘ધારણ કરે તે ધર્મ’, આ વિભાવના પોતે જ કેટલી વૈજ્ઞાનિક છે!
દર્શનને જડ થવું ન પોષાય. તેનો કોઇ એકાંતિક આગ્રહ ન હોઇ શકે. ‘એકમ્ સિદ્વપા: બહૂધા વદિન્ત’ મંત્રના ર્દષ્ટાનું મન સાગરથી પણ વિશાળ હશે. લાઓ ત્સુના ‘તાઓ તે ચિંગ’માં ઉપનિષદના મંત્રોનો પડઘો પડતો સંભળાય તેને શું કહીશું? દર્શન અને વિદ્યાનો ઠેકો કોઇ એક જાતિ, પ્રદેશ કે વ્યક્તિ-વિશેષનો ન હોઇ શકે. ‘પ્રજ્ઞાનં બ્રહ્ન’. પરમ તત્વ એક જ હોઇ શકે, નામ જે આપીએ તે. જ્ઞાન એટલે ખળખળ વહી જતો જળપ્રવાહ. જે વહે, તે રહે શુદ્ધ, જે બંધાય, તે ગંધાય! બિંદુ જ્યારે સિંધુમાં જઇ મળે ત્યારે તે અનંતનો આવિષ્કાર કરે છે. જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રાચીનતા, મહાનતા કે ઉચ્ચતા જેવાં વિશેષણો વર્જિત છે. સર્વોપરિતાનો આગ્રહ શાસનને હોય, સંસ્કૃતિને નહીં. માનવજાતે આ શાશ્વત સત્યને આત્મસાત્ કરવું જ રહ્યું.
માહિતીના આ મહાયુગમાં જાતિ, સંપ્રદાય કે દેશ-પ્રદેશની સીમાઓ અપ્રસ્તુત બની રહી છે. બીજી બાજુ એક મોટું ભયસ્થાન ઊભું થયું છે. આર્થિક કે સામજિક સત્તા લાલસાનો રાક્ષસ જો આ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવવામાં સફળ થશે તો પ્રલય બહુ દૂર નહીં હોય. આ રાક્ષસનો વધ કોણ કરશે? કિલ્ક અવતાર ક્યાં જન્મ લેશે? તે કેવા હશે? કલ્પનાની ચિત્રપોથીનું પાનું ઉઘાડીને શુદ્ધ ભાવનાની પીંછી વડે સમન્વયનો ખડિયો લઇને કરીએ, શ્રી ગણેશ!
કિલ્ક એટલે અદ્વૈતના સત્વિક આત્મગૌરવનું મૂર્તરૂપ. ‘ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ:’નો રણકાર તેના શ્વાસે શ્વાસે ધબકતો હશે. તેની આંખમાં સૃષ્ટિની દરેક રચના પ્રત્યે મૈત્રીભાવ છલકતો હશે. મન તેનું શિવોહમ્ના નાદમાં લીન થયું હશે. જેનું હૃદય પ્રેમ અને કરુણાના સુધારસથી છલોછલ હશે. સંકલ્પો જેના હિમાલય જેવા દ્રઢ હશે પણ શબ્દો પુષ્પ-પાંખડી સમા કોમળ હશે. પારદર્શક હશે તેનું ચરિત્ર. લાગશે સહુ કોઇને તે પોતીકો અને છતાં હશે સહુથી નિરાળો. મથતો હશે રોજ કૈંક નવું જાણવા, સર્વજ્ઞતાની શીશી નહીં સૂંઘી હોય તેણે.
જેની રણહાંકથી કાંપશે દરેક દુષ્ટ ને છતાં નહીં હોય શત્રુ તે કોઇનો. હશે તે તો સર્વ-મિત્ર, સવૉત્મા, નહીં હોય પરમાત્મા. આ તો મારું, તમારું, આપણું સૌનું સ્વપ્ન! અમાસની રાત્રિના અતલ અંધકારના ગર્ભમાં રહેલ પ્રભાતના અવતરણનું બીજ. એ જ તો છે, આ સ્વપ્ન! શું થશે સાકાર આ સ્વપ્ન? કરશે કોણ? સોચીયે જરા, મેરે ભાઇ! આ ઉખાણું ઉકેલવા સ્વ. જયંત પાઠક એક મજાની વાત કરે છે,
‘કોક તો જાગે, કોક તો જાગે, કોક તો કોણ જાગે?
તું જો જાગે, તો તું જ થા આગે...’