ચાલાક હત્યારાએ ધોળે દિવસે કુંદન શેઠને ગોળીઓ ધરબી દીધા બાદ લૂંટ કરી હતી.
બાઇકના શોરૂમ ‘સ્પીડ ઓટો વિંગ્ઝ’ના માલિક કુંદનશેઠની હત્યા થયાને આજે ત્રણ દિવસ થયા હતા, છતાં હજી હત્યારાનો કોઇ પત્તો નહોતો કે એની જાણકારી બાબતે કોઇ મહત્વની કડી મળતી ન હતી. આખા શહેરમાં ચર્ચા થઇ રહી હતી.જોકે કુંદનશેઠની હત્યાનો કેસ હેન્ડલ કરી રહેલા એસ. પી. જસપાલ દીવાન અને પીઆઇ વિજય રાઠોડ એની આગવી સૂઝથી તપાસનાં ચક્રો ચલાવી રહ્યા હતા. સામે ચાલાક હત્યારાએ ધોળે દિવસે પોઇન્ટ બ્લેંક રેન્જથી કુંદનશેઠની છાતી અને લમણામાં ગોળીઓ ધરબી દીધા બાદ લૂંટ કરી હતી.
શેઠની ખાસ મોટી સેફ ખોલીને રૂપિયા પાંચ લાખ પૂરા અને પત્ની નિરુપમાના તમામ સોનાના કીમતી દાગીના ઉઠાવી હત્યારો કોઇ પુરાવો છોડ્યા વિના નીકળી ગયો હતો. સવાલ એ હતો કે બંગલાનો પાછળનો દરવાજો જે હંમેશાં બંધ રહેતો હતો, એ ખોલ્યો કોણે? તેના પંચનામાની ફાઇલનો દીવાનસાહેબ અભ્યાસ કરી રહ્યા હતા. ત્યાં પીઆઇ વિજય રાઠોડ ચેમ્બરમાં પ્રવેશ્યા, ‘સર, સેફના હેન્ડલ તથા રૂમમાંથી મળેલા સિગારેટ કેસ પરના ફિંગરપ્રિન્ટ એક જ માણસના છે.’
‘ગુડ, એ સિગારેટ કેસ જરા લાવો તો...’ રાઠોડસાહેબ તરત જ લેબમાં જઇને સિગારેટ કેસ લઇ આવ્યા. દીવાનસાહેબે જોયું તો કેસ ગોલ્ડન કલરનું હતું. ‘અરે, આ તો કુંદનશેઠના સાઢુભાઇ-શોરૂમના મેનેજર-મધુકાંતનું સિગારેટ કેસ છે.’ ‘પણ સાહેબ એના પર શક કરવો વ્યર્થ છે. તમે ફાઇલમાં જોયું ને એ દિવસે સાંજે નિરુપમા અને મધુકાંત નાસિકથી કાર લઇને આવ્યાં ત્યારે એમણે બઝરની સ્વિચ દબાવી.
બારણું ખટખટાવ્યું છતાં બંગલામાં એકલા રહેલા કુંદનશેઠે બારણું ખોલ્યું નહીં ત્યારે બંને પાછળના દરવાજે ગયાં ને જોયું તો બારણું ખુલ્લું હતું તેથી આ શંકા સાથે ગભરાઇને બંને શેઠના રૂમમાં દોડી ગયાં. ત્યાં લોહીથી લથબથ કુંદનશેઠની લાશ પડી હતી. અને બધું અસ્તવ્યસ્ત પડ્યું હતું. સેફ ખુલ્લી પડી હતી. આવું એ બંનેનું નિવેદન છે.’
મધુકાંતની પત્ની અંજલિ આમ તો નિરુપમાબહેનની કઝિન હતી. એ નાતે મધુકાંત મૃતક શેઠનો સાઢુભાઇ હતો અને પાછો ઓટો લાઇનનો અનુભવી હતો. તેથી નિરુપમાબહેનના કહેવાથી કુંદનશેઠે એને પોતાના શોરૂમનો મેનેજર બનાવ્યો હતો અને ખરેખર મધુકાંતે એની સૂઝબૂઝથી બાઇકનો બિઝનેસ જમાવ્યો હતો. પહેલાં તો એ અલગ એક એપાર્ટમેન્ટમાં રહેતો હતો. જયારથી એની પત્ની અંજલિ સાથે કોઇ બાબતે ઝઘડો થતાં અંજલિ એના પિયર રિસામણે જતી રહી હતી ત્યારથી મધુકાંત કુંદનશેઠ સાથે રહેતો હતો.
‘મિ. રાઠોડ તમારી વાત સાચી છે, પણ આ કેસ મધુકાંત પાસે જોયું છે.’ ‘તો ચાલો મધુકાંતને મળીએ.’ દીવાનસાહેબે સિગારેટ કેસ ખિસ્સામાં મૂક્યું અને બંને બાઇક પર નીકળી પડ્યા. સ્પીડ ઓટો વિંગ્ઝમાં તપાસ કરી તો મધુકાંત કુંદનશેઠના બંગલે શેઠની વીમા પોલિસીઓમાં નિરુપમાની સહી કરાવવા ગયો હતો.
દીવાનસાહેબ અને રાઠોડ બંને સીધા કુંદનશેઠના બંગલે આવી પહોંચ્યા. તો નિરુપમા અને મધુકાંત કોફી પીતાં બંગલાના ગાર્ડનમાં બેઠાં હતાં. બંને પોલીસ અધિકારીને જોતાં જ મધુકાંતે ખુરશીમાંથી ઊભા થઇને બંનેને આવકાર્યા, ‘વેલકમ સર. શેઠના હત્યારાનું કોઇ પગેરું મળ્યું?’‘હવે મળવામાં છે. એમાં તમારો સહયોગ જરૂરી છે.’ કહેતાં દિવાનસાહેબ અને રાઠોડે બેઠક લીધી.
‘અમે તો સહયોગ આપવા તૈયાર જ છીએ, પણ હત્યારાને પકડી એને બરાબરની સજા થવી જોઇએ.’ મધુકાંત અને નિરુપમા બંને એક્સાથે બોલ્યાં. એટલે રાઠોડસાહેબે પૂછ્યું, ‘તમારા બિઝનેસમાં શેઠનો કોઇ ધંધાદારી દુશ્મન ખરો કે જેને શેઠના મૃત્યુથી ફાયદો થતો હોય?’‘નહીં સાહેબ, આમાં તો લૂંટના ઇરાદે જ શેઠની હત્યા થઇ છે એ નક્કી વાત છે.’ ત્યારે દીવાનસાહેબે પેલું સિગારેટ કેસ કાઢીને મધુકાંતને બતાવતાં કહ્યું, ‘પણ શેઠજીના રૂમમાંથી આ તમારું સિગારેટ કેસ મળ્યું છે.’
‘સોરી સર, આ તો શેઠજીનું જ છે. મારું સિગારેટ કેસ તો મારી પાસે છે. જુઓ આ રહ્યું.’ અને મધુકાંતે ખિસ્સામાંથી સિગારેટ કેસ કાઢીને દીવાનસાહેબને આપ્યું. સાહેબે જોયું તો બંને સિગારેટ કેસ સરખા જ હતા.‘શેઠજી પણ સિગારેટ પીતા હતા?’‘હા, ડોક્ટરની મનાઇ છતાં સિગારેટ છોડતા ન હતા. ચેઇન સ્મોકર હતા.’ નિરુપમાએ જ પ્રત્યુત્તર આપ્યો. દીવાનસાહેબે સિગારેટ કેસ પરત આપી ઊઠતાં કહ્યું, ‘મિ. મધુકાંત, તમે હમણાં શહેર છોડીને બહાર ન જતા.’
***
બીજા દિવસે ફિંગર પ્રિન્ટ રિપોર્ટનો દીવાનસાહેબ અભ્યાસ કરી રહ્યા હતા. ત્યારે રાઠોડ મધુકાંતને લઇને આવ્યા, ‘બોલો સર, મને શું યાદ કર્યો?’ મધુકાંતે બેઠક લેતાં પૂછ્યું. ‘કુંદનશેઠની હત્યા બારામાં તમને એરેસ્ટ કરવામાં આવે છે.’ ‘તમે શું એમ કહો છો કે મેં એમનું ખૂન કર્યું છે?’ ‘હું નથી કહેતો, પણ તારા ફિંગરપ્રિન્ટ કહે છે.’‘મારી ફિંગરપ્રિન્ટ?’‘મધુકાંત, તમે આપેલ સિગારેટ કેસ મેં બદલાવીને લઇ લીધું અને શેઠજીના રૂમમાંથી મળેલું સિગારેટ કેસ મેં તમને આપેલું હવે અમે તપાસ કરી તો શેઠજી તો સગિાપેટ પીતા જ ન હતા તેથી બંને કેસ તમારા જ છે.
શેઠજીની સેફના હેન્ડલ પરના તેમ જ રૂમમાંથી મળેલી સિગારેટ પર મળી આવેલી ફિંગરપ્રિન્ટ તમારી બીજી સિગારેટ પરની ફિંગર પ્રિન્ટ સાથે મળી ગઈ છે. હજુ તો દીવાનસાહેબ બોલવાનું પૂરું કરે તે પહેલાં મધુકાંત કરગરી ઊઠ્યો, ‘સાહેબ કુંદનશેઠની તમામ સંપત્તિ તેમ જ વીમાની રકમ હડપ કરી લેવા શેઠજીનું ખૂન મારી સાળી નિરુપમાએ કર્યું છે.
મેં તો ખાલી સેફમાંથી જ તેના કહ્યા મુજબ ચોરી કરી છે અને સવારે તો કામ કરીને હું અને નિરુપમા નાસિક મારા એક દોસ્તને ત્યાં રૂપિયા અને ઘરેણાં મૂકવા ગયાં હતાં. રિવોલ્વર પણ એ સામાનમાં જ છે.’ આખરે મુદ્દામાલ સાથે નિરુપમા દેવીની પણ ધરપકડ થઇ. બંનેએ ગુનો કબૂલી લીધો. ત્યારે એ બંનેનો અવૈધસંબંધ પણ બહાર આવ્યો.