લગ્ન પછી મોનિકા ટીવી સિરિયલોમાં કામ કરે, એ કુલીનને પસંદ નહોતું. પરંતુ મોનિકા એનું માને એ શક્ય નહોતું.
‘મૈં જહાંગીર સ્ટુડિયો કા વોચમેન બોલ રહા હૂં. કુલીનબાબુ, મોનિકા મેડમ પર યહાં જાનલેવા હમલા હુવા હૈ. આપ કો ફૌરન બુલાયા હૈ.’‘હમલા? કિસને કિયા હૈ?’ પણ કોઇ પ્રત્યુત્તરમાં બોલ્યું નહીં અને ફોન કટ થઇ ગયો. ઘરને લોક કરી એક્ટિવા લઇને કુલીન જહાંગીર સ્ટુડિયો તરફ નીકળી પડ્યો. ટેલિવુડની દુનિયામાં સેટ ડિઝાઈનર તરીકે યુવાન એવા કુલીનબાબુનું નામ મોખરે હતું. એણે કેટલીય હિટ સિરીયલોનાં સેટ ડિઝાઈન કર્યા હતા. એને કમાણી સારી હતી. પાલૉમાં ફ્લેટ હતો અને મોનિકા સાથે લવમેરેજ કરી બંને સુખી લાઇફ જીવી રહ્યાં હતા.
***
પહેલાં મોનિકા પુના ઇન્સ્ટિટ્યૂટમાં અભિનય ક્ષેત્રે જ્યારે પ્રથમ વર્ષમાં દાખલ થઇ હતી, ત્યારે કુલીન સેટ ડિઝાઈનિંગના છેલ્લા વર્ષમાં હતો. ઇન્સ્ટિટ્યૂટના એક-બે પ્રોગ્રામમાં મોનિકા અને કુલીન એકબીજાના પરિચયમાં આવેલાં અને પછી કુલીન મુંબઇ આવીને સ્થાયી થયો હતો.
લગભગ પાંચેક વર્ષ બાદ અભિનયનો કોર્સ પૂર્ણ કરીને મોનિકા પણ હિરોઇન બનવાનાં સ્વપ્નો સાકાર કરવા મુંબઇ આવી પહોંચી હતી. રૂપ-માધુર્ય, કંઠ, કલા અને અભિનય એક હિરોઇનને જરૂરી એવા તમામ લક્ષણો મોનિકામાં હતા. પરંતુ ફિલ્મજગતમાં પ્રવેશ કરવા માટે જરૂરી છળ, કપટ કે દંભના કોઇ લક્ષણ એનામાં નહોતા. આથી ઇર્ષ્યા અને ગંદા રાજકારણથી ખદબદતી બોલિવુડની દુનિયામાં કોઇએ એની કલાની કદર ન કરી.
કંટાળેલી મોનિકા આત્મહત્યાનું પણ વિચારી બેઠી હતી. ત્યાં જ એની મુલાકાત ફરી પાછી કુલીન સાથે થઇ અને એની ભલામણથી એને ‘ઘુંઘરૂ’ નામની એક સિરીયલમાં હિરોઇનનો રોલ મળ્યો. સિરીયલ હીટ થઇ ગઇ અને મોનિકા ટેલિવુડમાં ચમકી ઊઠી. બસ, દોસ્તી પ્રેમમાં અને લગ્નમાં પરિણમી.
***
જહાંગીર સ્ટુડિયો પહોંચીને કુલીનને ખબર પડી કે મોનિકાને નજીકની ઇરવિન હોસ્પિટલમાં લઇ ગયા છે. કુલીન ત્યાં પહોંચ્યો એ પહેલાં મોનિકાનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. એ જોતાં જ કુલીન પલંગ પાસે જ ઢગલો થઇ ગયો. કુલીનને સ્ટુડિયોના માણસોએ માંડ માંડ કંટ્રોલ કર્યો. પોલીસમાં એફઆઇઆર નોંધાયેલી હતી. તેથી પોલીસ ઇન્સપેક્ટર રાજદેવ કુલીનની રાહમાં બેઠા હતા. કારણ કે મોનિકાની ડેડબોડીનું પી.એમ. કરવાનું મોડું થતું હતું. જરૂરી ફોર્મમાં કુલીનના હસ્તાક્ષર થયા બાદ લાશ પી.એમ. માટે રવાના કરીને પો.સ.ઇ. રાજદેવ ગયા. આમ તો કુલીન પાસે સારો પૈસો હતો. એની એકની કમાણી એટલી હતી કે મોનિકાને કશું કરવાની જરૂર ન હતી. લગ્ન બાદ મોનિકા સિરીયલમાં કામ કરે એ કુલીનને પસંદ ન હતું અને આ બાબતે બંને વચ્ચે એક-બે વાર બોલવાનુંય થયું હતું. પૈસા અને પ્રશંસાના નશામાં ચકચુર મોનિકા અભિનય છોડવા નહોતી માગતી.
ત્યાંજ એની નવી સિરીયલના નિર્માતા કેદાર શેઠ અને મોનિકાની જીગરજાન દોસ્ત કાજલ આવ્યા. આ કાજલ મોનિકા સાથે જ સિરીયલમાં સાઇડ હિરોઇનના રોલ કરતી હતી. અભિનય કલાની એની સુઝબુઝ બહુ તેજ હતી અને એક દિવસ મેઇન હિરોઇન બનવા અથાગ યત્ન કરતી હતી. કુલીન પાસે આવીને એ રડી પડી. કેદાર શેઠે દિલસોજી વ્યક્ત કરતા કહ્યું, ‘કુલીન બાબુ! બાકી ગજબ થઇ ગયો હજી તો હમણાં મોનિકાના બધા શોટ ઓકે કરી અમે નીકળવાની તૈયારી કરતા હતા અને મોનિકા મેકઅપ ઉતારીને ટોઇલેટ રૂમમાં ગઇ ત્યાંજ કોઇ ફોલ્ટ આવતાં લાઇટ ચાલી ગઇ. બસ, એ અંધારાનો લાભ લઇ હુમલાખોર વાર કરીને ભાગી ગયો. મોનિકાની ચીસ સાંભળી અમે સૌ દોડી ગયા. લાઇટ આવી ગઇ અમે જોયું તો મોનિકા ફર્શ પર પડી હતી. એના ગળેથી લોહી વહી રહ્યું હતું. તુરત જ અહીં હોસ્પિટલમાં લઇ આવ્યા પણ અફસોસ...’
પી.એમ. રિપોર્ટમાં બહાર આવ્યું કે તીક્ષ્ણ બ્લેડથી ગળે વાર થવાથી મોનિકાની ધોરી નસ કપાઇ જતાં અતશિય લોહી વહી જવાથી મોનિકાનું મૃત્યુ થયું હતું. રાજદેવ સાહેબે સ્ટુડિયોના ટોઇલેટ રૂમનું નિરીક્ષણ કર્યું તો ખૂણામાં રાખેલી ડસ્ટબિન પાછળથી એક લોહિયાળ બ્લેડ મળી અને વોશબેસિન નીચેથી એક ગુલાબી જાપવાળું મોતી મળી આવ્યું.
***
બીજા દિવસે પો.સ.ઇ. રાજદેવ સાહેબની હાજરીમાં રાઇટર ઘટના સમયે હાજર રહેલાઓના સ્ટેટમેન્ટ લઇ રહ્યો હતો. એમાં કાજલનો વારો આવતાં એ આવીને બેઠી. સામે બેઠેલી કાજલ સામે નજર પડતાં બાહોશ રાજદેવ સાહેબના મગજમાં ચમકારો થયો. એમણે તુરત કાજલને પ્રશ્ન કર્યો.
‘મોનિકા પર હુમલો થયો ત્યારે તમે ક્યાં હતાં...?’
‘હું મેકઅપ રૂમમાં મારો મેકઅપ ઉતારી રહી હતી.’
‘કાજલ, તું જુઠું ન બોલ તું મેકઅપ રૂમમાં નહીં પણ ટોઇલેટ રૂમમાં જ હતી.’ રાજદેવે કરડાકીભર્યા અવાજે કહ્યું.‘કોણ કહે છે?’ રાજદેવ સાહેબે ખિસ્સામાંથી નાની ડબી કાઢી તેમાંનું પેલું ગુલાબી મોતી બતાવી એ બોલ્યા, ‘આ મોતી કહે છે કે તમે ટોઇલેટમાં હતાં.’
એ જોતાં જ કાજલનો હાથ એના બંને કાનનાં એરિંગ પર ફરી વળ્યો. જેમાં જમણા કાનમાં એરિંગનું મોતી ન હતું. એના ચહેરાનો રંગ ઊડી ગયો. એ ભાંગી પડી. ‘સાહેબ, મને માફ કરો. મેં જ મોનિકાનું ખૂન કર્યું છે. કારણ એ જ્યાં સુધી હોય ત્યાં સુધી હું હિરોઇન બની શકું તેમ ન હતી. મોનિકાને મારીને મારે હિરોઇન બનવું હતું.