Advertisement
Home >> Jokes >> Navalika >> Suspence, Manahar Ravaiya Navalika

ધાડ ધાડ... બે ધડાકા થયા, ને જેકો જમીન પર ઢળી પડ્યો

Suspence, Manahar Ravaiya | Jul 25, 2012, 00:01AM IST
 
 

જેકો જ્યારે પકડાતો હતો ત્યારે આમ જનતામાંથી જેકો ગુનેગાર છે એવી સાક્ષી આપવા કોઈ તૈયાર થતું નહીં. જેકાની સાથે કોઈ દુશ્મની વહોરવા તૈયાર ન હતું.

સુંદરગઢમાં ભવાનીમાતાના મંદિરે ભરાયેલા મેળામાં માનવમહેરામણ હિલોળે ચડ્યો હતો. રાતદિવસ બે દી ભરાતા આ મેળામાં એ વિસ્તારના તો ઠીક પણ દૂર દૂરથીય લોકો મેળો માણવા આવતા હતા. એમાં ગયા વર્ષે વરસાદ સારો થયો હોવાથી આ જ મેળામાં જબરી ભીડ હતી. હૈયેહૈયું દળાઈ રહ્યું હતું. મેળાના મુખ્ય પ્રવેશ દ્વારે તો આવતા-જતા લોકોની ખાસ્સી ભીડ જામી હતી. ત્યારે ધાડ ધાડ... બે ધડાકા થયા, ને એક માણસ જમીન પર ઢળી પડ્યો. સૌ જુએ, એમ પડનારના શરીરમાંથી લોહી વહી રહ્યું.

એકાએક થયેલા ગોળીબારથી લોકો હેબતાઈ ગયા લોકોમાં નાસભાગ થવા લાગી. આ અફરાતફરીની જાણ થતાં મેળાના બંદોબસ્તમાં રહેલા પીએસઆઈ જે. પી. કાલિયા અને જમાદાર અનવર ખાન દોડી આવ્યા. ઊંધા મોઢે પડેલા ઘાયલ માણસને સવળો કર્યો, તો એનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. જોકે મૃતકને જોતાં જ કાલિયાસાહેબ બોલી ઊઠ્યા કે અરે આ તો જેકો! આનું ઢીમ કોણે ઢાળી દીધું? જેકાને સુંદરગઢમાં સૌ ઓળખતા હતા. થોડી વારમાં જ જેકો મરાયાની વાત આખા મેળામાં ફેલાઈ ગઈ. કાલિયાસાહેબે હેડ ક્વાર્ટરમાં જાણ કરી. એસીપી નાગરાજસાહેબ આવી પહોંચ્યા.

લાશનું પંચનામું થયા પછી મૃતક જેકાના ઘરે જાણ થતાં તેની પત્ની રાણુ આવી, પણ એના ચહેરા પર કોઈ પણ લાગણીના ભાવ નહોતા. દુ:ખમાં ભેળાઈ ગયેલી રાણુની આંખો સાવ કોરીધાકોર હતી. જેકાની પાસેથી એક બટવામાં રહેલા હજાર -બારસો રૂપિયા અને એક મોબાઇલ મળ્યો હતો. જે કાલિયાસાહેબે પોતાની પાસે રાખી, લાશ પીએમ માટે સરકારી હોસ્પિટલે રવાના કરી. રાણુનું જરૂરી સ્ટેટમેન્ટ તેમ જ જેકાની હત્યાની અજાણ્યા સામે ફરિયાદ નોંધવામાં આવી.

અને પોલીસ સ્ટાફ સાથે નાગપાલસાહેબ પોલીસ સ્ટેશન આવ્યા. આમ તો જેકાની હત્યાથી સુંદરગઢની પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. કારણ જેકો ઉર્ફે જયકાંતનો સુંદરગઢ પરા વિસ્તારમાં જબરો કડપ હતો. દારૂ, ચરસ, વરલી મટકા જેવાં ગેરકાનૂની કામ જેકો કરતો હતો. ખુલ્લી દાદાગીરી, વેપારી દુકાનદારો પાસેથી હપ્તા લેવા, કોઈનું મકાન, જમીન કે પ્લોટ ખાલી કરાવવા એ જેકાની ગેંગ કામ કરતી હતી.

પરા વિસ્તારની એક લાખની વસ્તી હતી, પણ કોઈ જેકા વિરુદ્ધ ફરિયાદ કરવા તૈયાર ન હતું. પરિણામે પોલીસ ખાતાના હાથ હેઠા પડતા હતા. કારણ જેકો જ્યારે પકડાતો હતો ત્યારે આમ જનતામાંથી જેકો ગુનેગાર છે એવી સાક્ષી આપવા કોઈ તૈયાર થતું નહીં. જેકાની સાથે કોઈ દુશ્મની વહોરવા તૈયાર ન હતું.
એટલે જ રાણુ જેવી ભોળી છોકરી સાથે એ લગ્ન કરવામાં સફળ થયો હતો. રાણુને પહેલી વાર જોતાં જ રાણુનું રૂપ એની આંખોમાં અંજાઈ ગયેલું.

પછી તો એ આદુ ખાઈને રાણુની પાછળ પડી ગયેલો. છેક એના ઘરે જઈને રાણુના બાપ જંયતીલાલને રાણુનાં લગ્ન કરી દેવા ધમકી આપતો, ત્યારે રાણુનો યુવાન ભાઈ અજય જંયતીલાલને ફરિયાદ કરવાનું કહેતો, પણ જયંતીલાલ જેકાના ડરથી પોલીસમાં ફરિયાદ કરવાની ના પાડતા હતા.સામે જેકાનું દબાણ વધતુ જતું હતું. અંતે અજયથી સહન ન થયું, એ જેકાના ઘરે ગયો. વાત વાતમાં બંને મારામારી પર ઊતરી આવ્યા.

જેકો એકલો હોત તો અજય તેને ભારે પડી જાત, પણ જેકાના બે ચમચા આવી ચડ્યા એટલે અજયને માર ખાવો પડ્યો, એટલું જ નહીં જેકાએ અજયનું અપહરણ કરીને બાનમાં રાખ્યો અને જયંતીલાલે જેકાને વિનંતી કરી કે અજયને છોડી દે, તો જેકાએ અજયના બદલે રાણુના હાથની માગણી મૂકીને પાછો દમ માર્યો કે જો આ વાત પોલીસ ખાતામાં કરશો તો અજયની લાશ મળશે.

આમ જયંતીલાલે છોકરાનો જીવ બચાવવા છોકરીનું એટલે કે રાણુનું બલિદાન આપેલું. પછી તો રાણુના પ્રેમમાં ગળાડૂબ જેકાએ જાકૂબીના ધંધા બંધ કરેલા, પણ રાણુના બાપ પાસેથી પૈસા પડાવી જલસા કરતો હતો. એટલાથી ન અટકયો તે જેકો બહારથી ગ્રાહકો લાવી રાણુનો ઉપયોગ કરવા લાગ્યો. જો રાણુ આનાકાની કરે તો બિચારીને માર પડે. એની જિંદગી નર્કસમાન જેકાએ કરી નાખી.

આવા અત્યાચારની અજયને ખબર પડતાં અજય જેકા સાથે ઝઘડી પડ્યો. એક-બે વાર તો અજય અને તેના મિત્ર વિક્રમે જેકાને સારી રીતે માર્યો. પણ એ સુધરે? ઊલટાનો જેકો અને અજય વચ્ચે દુશ્મનાવટનો વળ ચડતો ગયો.આ બધી હકીકતથી વાકેફ કાલિયાસાહેબે જેકાના મોબાઇલમાં રિસીવ્ડ કોલમાં જોયું તો એમાં છેલ્લો કોલ અજયનો આવેલો હતો. અજયે જ એનું વેર વાળવા જેકાની હત્યા નહીં કરી હોયને? સવાલે કાલિયાસાહેબના મનમાં શંકા ખડી કરી.

એક વાર અજયની પૂછપરછ કરવામાં શો વાંધો છે.એમણે તુરંત જ પોતાના સહાયક સાથે અજયના ઘરે રેડ પાડી તો અજય ઘરે ન હતો, પણ એ એના મિત્ર વિક્રમને ત્યાં છે એ જાણવા મળ્યું. અને કાલિયાસાહેબને અજય, વિક્રમના ઘરે મળી ગયો. એટલે એમણે અજયને કહ્યું,‘અજય, જેકાની હત્યા થઈ ગઈ કેમ?’‘હા સાહેબ, મેં જાણ્યું.’‘કોણે હત્યા કરી હશે?’‘અરે જેણે પણ કરી હોય, બાકી કામ સારું કર્યું છે એણે!’‘મને એમ કે તેં હત્યા કરી હશે!’‘હા, મારે જ હત્યા કરવી હતી, પણ જેકાને મારીને બીજું કોઈ એ પુણ્ય કમાઈ ગયું. મને પણ એ જ અચરજ થાય છે.’

અને અજય હસી પડ્યો. અજયના આવા ઉડાઉ જવાબથી કાલિયાસાહેબને થયું, આ સાલો એમ નહીં માને એટલે વધુ પૂછપરછ માટે એ અજયને પોલીસ સ્ટેશન લઈ આવ્યા અને કાલિયાસાહેબે સખતાઈથી અજય સાથે કાર્યવાહી શરૂ કરી. કારણ એમને વિશ્વાસ હતો કે જેકાની હત્યા કોણે કરી છે એ અજય જાણતો હશે. આમ કાર્યવાહી ચાલુ હતી, ત્યાં રાણુ આવી.‘સર, અજયને છોડી દો, જેકાની હત્યા મેં કરી છે.’

ત્યારે અજય ચિલ્લાઈ ઊઠ્યો,‘અરે રાણુ તું શું બોલે છે તેનું તને ભાન છે. તને હત્યાના ગુના બદલ નકૉગાર જેવી જેલની સજા થશે.’‘ભાઈ, જેકાની સાથે જે નકૉગારની સજા હું ભોગવી રહી હતી એના કરતાં તો આ જેલની સજા સારી, એટલે મેં ફેસલો કર્યો હતો કે આજ જેકો નહીં કા હું નહીં. કારણ મને ખબર હતી કે મેળામાં તું અને વિક્રમ જેકાને મારવાના જ હતા.’રાણુનો ફેસલો સાંભળી અજય દંગ રહી ગયો, કારણ જેકાને મારવાનો ફેંસલો કરવામાં એ મોડો પડ્યો હતો.

kalash@guj.bhaskarnet.com

સસ્પેન્સ, મનહર રવૈયા
 
 
 

Your Opinion
 
 
Code:
9 + 2

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment