Divya Bhaskar
LITERATURE
Home » Literature » Navalika » Suspence, Manahar Ravaiya Navalika

મનહર રવૈયા: ભ્રમ

Suspence, Manahar Ravaiya | Jan 27, 2012, 00:04AM IST
મનહર રવૈયા: ભ્રમ
રાગિણીનાં માબાપ ઘરે આવ્યાં તો રાગિણીની લાશ પડી હતી. કપડું સળગવાની વાસ આવી રહી હતી.

‘તેરે બિના ઝિંદગી ઝિંદગી નહીં...’ પ્રભાકુંજ બંગલોની ટેરેસ પર ભુવન અને જ્યોતિ રાત્રે જમીને ઝૂલા પર બેઠાં હતાં ને આ તર્જ ભુવનના મોબાઇલમાં રણકી ઊઠી. એણે ડિસ્પ્લેમાં જોયું તો એની ઓફિસ સેક્રેટરી રાગિણીનો ફોન હતો. ફોન રિસીવ કરતાં એ ઝૂલેથી ઊઠીને પેરાપીટ પાસે જઈ પહોંચ્યો, ‘બોલ રાગિણી શું છે?’ પ્રત્યુત્તરમાં રાગિણી બોલતી રહી. તો ભુવને ‘હા હમ્ વેલ’ જેવી ટૂંકાક્ષરી વાત કરીને પતાવ્યું.

એ પુન: ઝૂલે આવીને બેઠો. જ્યોતિએ મોં મચકોડીને કહ્યું, ‘ભુવન, તારે ઓફિસનું કામ ઓફિસમાં જ પતાવી દેવું. અત્યારે રાત્રે રાગિણી?’ ‘ઓહ જ્યોતિ ડાર્લિંગ, રાગિણી મારી પર્સનલ સેક્રેટરી છે. મારા બિઝનેસનો આધાર એ જ છે. તું નાહકની શંકા કરે છે. બાકી...’‘મેં ઘણી વાર જોયું છે કે તમે બંને વધારે છૂટછાટ લઈ રહ્યાં છો. રાગિણીની વર્તણૂંક સારી નથી લાગતી.’

‘એ તારો વહેમ છે. હા, રાગિણી સ્માર્ટ અને બોલ્ડ છે. બાકી તું ધારે છે એવી નથી.’ આમ ભુવન અને એની પત્ની જ્યોતિ વચ્ચે રાગિણીને લઈને શાબ્દિક ઝઘડો શરૂ થઈ રહ્યો અને વાત વણસી જવામાં હતી ત્યાં ભુવનનો દોસ્ત કરણ ચૌધરી આવી ચડ્યો ને વાત અટકી ગઈ.

ભુવનના ઇન્ટિરિયર ડેકોરેશનના બિઝનેસમાં ચબરાક, દેખાવડી રાગિણી ખૂબ જ અનુભવી હતી. બિઝનેસમાં સફળતા મેળવતાં એણે ભુવનનો પ્રેમ પ્રાપ્ત કરવામાંય સફળતા મેળવી લીધી હતી. ટૂંકમાં ભુવન અને રાગિણી વચ્ચે ખાનગીમાં અફેર હતું.જેની વાત જ્યોતિને મળી હતી, પણ કોઈ સજજડ પુરાવો ન મળતાં એ કશું બોલતી ન હતી. એક વાર સુરતથી ભુવનના સાળાનો ફોન આવ્યો કે એની પત્ની સુમી બીમાર છે. ભુવનને કામ હોવાથી એ નીકળી શકે તેમ ન હતો.

સુરતમાં જ્યોતિને બે-ચાર દિવસ રોકાવાનું થયું અને એણે આ વાત ભુવનને જણાવી, પરંતુ થયું એવું કે જ્યોતિની ભાભીનાં મમ્મી બીજા દિવસે જ ત્યાં આવી ગયાં એટલે જ્યોતિ બીજા જ દિવસે પાછી આવી ગઇ. ચાલુ વરસાદે જ્યોતિ રેલવે સ્ટેશને ઊતરી. ભુવનને એણે ફોન કર્યો પણ એનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. ઘરનો ફોન પણ કોઈએ ઉપાડ્યો નહીં. ચિંતાગ્રસ્ત જ્યોતિ ઓટોમાં એના બંગલે આવી.

જોયું તો દરવાજો ખુલ્લો હતો. ધીમા પગલે જ્યોતિ અંદર આવી અને બેડરૂમનું ર્દશ્ય જોયું તો એના પગ તળેથી ધરતી સરકી ગઇ. બેડરૂમમાં ભુવન અને રાગિણી એક જ બેડમાં... પોતાનાં કપડાં સરખાં કરતી રાગિણી ત્યાંથી સરકી ગઇ અને ભુવન જ્યોતિના પગે પડીને કરગરવા લાગ્યો, ‘જ્યોતિ, મારી ભૂલ થઈ ગઈ. હવે પછી રાગિણી સાથે સંબંધ નહીં રાખું. બસ, મને માફ કરી દે...’‘ના ના, તું તારે જા રાગિણી પાસે. હું તો આજે જ તારો ફજેતો કરીને જંપીશ.’

‘જ્યોતિ, તું મને માફ નહીં કરે તો હું આ ચાલ્યો આત્મહત્યા કરવા.’ ભુવન ચાલતો થયો એથી જ્યોતિ જરા શાંત પડીને માંડ એણે ભુવનને માફ કર્યો, પરંતુ બીજા દિવસે જ્યોતિએ ઓફિસે પહોંચીને રાગિણીને અપમાનિત કરીને કાઢી મૂકી, તો એ ભુવનને બહાર મળવા લાગી અને એક વાર રાગિણીએ ભુવનને કહ્યું, ‘ભુવન આપણા અફેર અને એ દિવસવાળી વાત જ્યોતિએ મારી એક બહેનપણીને કરી છે. હવે આપણે કશુંક કરવું પડશે. જો આ વાત ફેલાશે તો મારે આત્મહત્યા કરવાનો વારો આવશે.’

થોડા દિવસ બાદ રાગિણીનાં માબાપ નજીકમાં કોઈ સગાના બેસણામાં ગયાં હતાં. રાગિણી ઘરે એકલી હતી. રાગિણીનાં માબાપ રાત્રે ઘરે આવ્યાં તો રાગિણીની લાશ પડી હતી. ઘરમાં કપડું સળગતું હોય એવી વાસ આવી રહી હતી. રાગિણીએ સળગીને આત્મહત્યા કરી હતી.રાગણીના પિતાએ નજીકમાં પ્રતાપપુરા પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી. પી.આઈ. જયંત પંડિતે રાઇટર સાથે જઈને પંચનામું કર્યું. આત્મહત્યાનો કેસ હતો. સુસાઇડ નોટ પણ મળી હતી, પણ કેરોસીનથી ભીંજાઈ જવાથી એમાં અક્ષરો રેલાઇ ગયા હતા. છતાં એટલું વંચાતું હતું કે જ્યોતિના માનસિક ત્રાસથી પોતે આ પગલું ભર્યું.

લાશના પી.એમ. બાદ રાગિણીની અંતિમક્રિયા પતી ગઈ એટલે પી.આઈ. પંડિતસાહેબે રાગિણીના પિતાને જ્યોતિ વિશે પૂછ્યું અને જાણ્યું. પછી પંડિતસાહેબ ભુવનના બંગલે આવી પહોંચ્યા. ભુવન મળ્યો. એણે પૂછ્યું, ‘બોલો સાહેબ, કોઈ ખબર મળી?’ ‘હા, તમારી સેક્રેટરી રાગિણીની સુસાઇડ નોટમાં જ્યોતિનું નામ છે, તો મારે થોડી પૂછપરછ કરવી છે.’‘સાહેબ, રાગિણી મારી સેક્રેટરી હતી. અત્યારે નથી. મેં જ એને થોડા સમય પહેલાં છૂટી કરી દીધી હતી અને બીજું જ્યોતિ મારી પત્ની છે અને તે ગઈ કાલથી લાપતા છે. જેની મેં સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી છે.’

‘લાપતા થવાનું કારણ?’‘એની માનસિક હાલત ખરાબ છે. પ્લીઝ, હું મારી પત્નીના ટેન્શનમાં છું. બેમતલબ સવાલો કરી મને ડિસ્ટર્બ ન કરો.’‘સોરી મિ. ભુવન’, કહેતાં પંડિતસાહેબ નીકળી પડ્યા.

***

સિટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એસ. કુમાર ચૌધરી અને પી.આઈ. જયંત પંડિતને ભુવનની વાતો ગળે ઊતરી નહીં. તેથી એમણે એક ખાસ ખબરી કાસમને ભુવન પર નજર રાખવાનું કામ સોંપ્યું. ત્રીજા દિવસે અંધારી આલમના કસબી કાસમનો ફોન આવ્યો ત્યારે પંડિતસાહેબ દંગ રહી ગયા. માન્યામાં ન આવે એવા સમાચાર એ હતા કે (કાસમના કહેવા પ્રમાણે) રાગિણી જીવતી છે અને ભુવનના ખાસ દોસ્ત કરણના ધરમપુરવાળા ફાર્મહાઉસ પર છે.

‘તો પછી બળી મરી એ કોણ?’ના સવાલ સાથે પી.આઈ. જયત પંડિતે ફાર્મહાઉસ પર રેડ પાડી તો રાગીણી તેમ જ એને મળવા આવેલો ભુવન પણ પકડાયો. બંનેને પોલીસ સ્ટેશને લાવીને સખ્તાઇથી પૂછપરછ થતાં રહસ્ય ખૂલ્યું. ભુવન અને રાગિણીનો સંબંધ જાણી ગયેલી જ્યોતિ અંતરાય બની અન્યત્ર વાત જાહેર કરે તો પોતાની આબરૂ શું? તેથી એક દિવસ રાગિણીનાં માતાપિતા બહાર ગયાં એ જ દિવસે ભુવન અને રાગિણીએ મળીને જ્યોતિને મોંએ ડૂચો દઈને મારી નાખી.

પછી લાશ કારની ડિકીમાં નાખી કોઈની નજર ન પડે તેમ રાગિણીને ત્યાં લઈ આવ્યાં. પછી રાગિણીએ એનાં કપડાં જ્યોતિની લાશને પહેરાવ્યાં અને લાશને કેરોસીન છાંટીને સળગાવી મૂકી. પછી બંનેને એવો ભ્રમ હતો કે આત્મહત્યાનો મામલો થોડા સમયમાં શાંત પડી જશે, ને પોતે દૂર દૂર જઇને લગ્ન કરી લેશે, પણ ભ્રમ ભાંગી પડ્યો. સુસાઇડ નોટમાં જ્યોતિનું નામ લખવાની ભૂલ ભારે પડી.

kalash@guj.bhaskarnet.com

સસ્પેન્સ, મનહર રવૈયા
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
6 + 8

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Jeevan Mantra

 


Jokes

 

Most Read

Photogallery

Email Print
0
Comment