હિંદુઓમાં જે મહત્વ નવરાત્રિનું છે, મુસ્લિમોમાં જે મહત્વ રમજાનનું છે, શીખોમાં જે મહત્વ ગુરુ-પર્વનું છે. બુદ્ધોમાં જે મહત્વ બુદ્ધ પૂર્ણિમાનું છે તે મહત્વ જૈનોમાં પર્યુષણ પર્વનું છે. પર્યુષણ પર્વ પર્વોમાં શિરમોર છે. જૈનોની આસ્થાનું કેન્દ્ર અને વિશ્વશાંતિનું આ પર્વ સૂત્રધાર છે. ખુદને તપાવીને આદર્શ વિશ્વનું નિર્માણ કરવાની પ્રક્રિયા અને જીવન જીવવાની કલા આ પર્વ શીખવે છે. પર્વ બે પ્રકારનાં હોય છે-લૌકિક અને આધ્યાત્મિક. રક્ષાબંધન, હોળી, દિવાળી, દશેરા વગેરે લૌકિક પર્વ છે. જ્યારે આધ્યાત્મિક પર્વ પોતાના અંતરંગમાં તપ, ત્યાગ અને સાધનાના સંદેશ માટે હોય છે. પર્યુષણ તપ-સાધનાનો એ માર્ગ છે જે જીવનશુદ્ધિનો સબક આપે છે.
પર્યાવરણવિદ્ વધતાં પ્રદૂષણને લીધે ચિંતિત છે. જળ-પ્રદૂષણ, વાયુ-પ્રદૂષણ, ધ્વનિ-પ્રદૂષણ જેવાં પ્રદૂષણોએ આપણને પરેશાન કરી મૂક્યા છે. ગ્લોબલ વોર્મિંગ શું છે? આધ્યાત્મવિદોનું માનવું છે કે ‘પ્રદૂષણ’નું સમાધાન પર્યુષણ છે. પર્યુષણ મનમાં ઉદ્ભવનારા અધમ વિચારની શુદ્ધિ કરવાનું મહા અનુષ્ઠાન છે. મને લાગે છે કે આજે સૌથી વધુ પ્રદૂષણ વિચારોનું છે. માણસ પોતાના સિવાય બીજાના ભલા-સારા માટે વિચારી જ નથી શકશો. પ્રાર્થના પણ કરે છે તો કહે છે, હે પ્રભુ! હું સુખી રહું. મારી પત્ની-બાળકો સુખી રહે. બાકી દુનિયા જાય તેલ પીવા. આજના માનવીનું ભોજન જ તામસિક નથી થયું બલકે તેનું ભજન પણ તામસિક થઇ ગયું છે. હું દુનિયાને વિનંતી કરું છું કે તેઓ માત્ર પાણી જ ગાળીને ન પીએ પરંતુ મગજમાં વિચારો પણ ગાળીને નાખે. શુદ્ધ વિચાર જ સુખી સંસારનું કારણ છે.
આ આઠ કે દસ દિવસનો સંસ્કાર-યજ્ઞ તમારી અંદર (આત્મામાં) ડોકિયું કરવાનો છે. અસલમાં આ પર્વ તહેવાર નથી જીવનશુદ્ધિનું વિધાન છે. પર્યુષણ પર્વ એ કોઇ ‘જશ્ન’ પણ નથી એ તો અંત:કરણમાં ઊઠનારો ‘પ્રશ્ન’ છે. આ પર્વ સ્વયંને પરખવાની કસોટી, તમારા ચરિત્ર પર પ્રશ્નચિહ્ન લગાવવાનો અવસર અને પોતાની તરફ આંગળી ચીંધવાનો સંદર્ભ છે. પારદિર્શતા અને પ્રામાણિકતાની જીવનશૈલી દુનિયાને સ્વર્ગમાં તબદીલ કરવાની ક્ષમતા રાખે છે, પરંતુ પૈસાની લાલચે આજના માણસને આંધળો બનાવી દીધો છે. આ પર્વ માનવીને શીખવે છે કે જીવનમાં પૈસાથી ઘણું બધું થઇ શકે છે, પરંતુ પૈસાથી સર્વસ્વ થઇ શકતું નથી.
ભગવાન મહાવીર સ્વામીના શબ્દોમાં આ પર્વનું પ્રતિવર્ષ મહત્વ એટલા માટે છે કે વર્ષ દરમિયાન આપણે જ્યાં પણ પડીએ, ત્યાંથી ઊઠીને નવા સંકલ્પની સાથે પુણ્યનો દીપ પ્રગટાવીએ જેથી અધર્મનો નાશ થઇ શકે અને ધર્મનો પ્રકાશ પથરાય. ભોજન એ શરીરનો ખોરાક છે તો ભજન આત્માનો. ભક્ત આ પર્વ દરમિયાન આત્માને ખોરાક આપવાનું જતન કરે છે. પોતાના કામ, ક્રોધ, મોહ, લોભ આદિ વિકારો પર અંકુશ રાખી સંયમની સાધના કરવાની છે. પર્યુષણ પર્વ જેને જૈન સમાજ ‘દસ-લક્ષણા-પર્વ’ના નામથી સંબોધે છે. ભાગ્યે જ કોઇ એવો જૈન હશે જે આ દિવસોમાં દેરાસર ન જતો હોય, ધર્મ અનુષ્ઠાન ન કરતો હોય. કેવું આશ્ચર્ય છે કે જ્યાં દુનિયાનાં બધાં બાળકો ભોજન માટે રડે છે, ત્યાં જૈન સમાજનાં બાળકો આ દિવસોમાં વ્રત-ઉપવાસ કરવા માટે રડે છે.
જૈન ધર્મના બંને સંપ્રદાય દિગમ્બર અને શ્વેતામ્બર સમાન રૂપે આને માને છે અને મનાવે છે. સરવાળે આ દિવસોમાં જૈન ધર્મીઓમાં ભક્તિ અને શ્રદ્ધાનું ઘોડાપૂર ઊમટે છે. નિવેદન માત્ર એટલું જ છે કે ક્યાંક આ પૂજા-પાઠ, વ્રત-નિયમ માત્ર દેખાડો બનીને ન રહી જાય બલકે આંતરિક સુષુપ્ત શક્તિઓને જગાવવાનું કારણ પણ બને.
જીવનનું રહસ્ય શું છે? આ કલાથી વાકેફ થવાની જરૂર છે. જીવન અનંત રહસ્યોથી ભરપૂર છે. પર્યુષણનો એક માર્મિક સંદેશ છે કે ‘જીવન’ની સાથે ‘જવાનું’ છે એ યાદ રાખો. દુનિયામાં આટલા પાપ, અપરાધ અને ભ્રષ્ટાચાર જેવી વૃત્તિઓ એટલા માટે ફૂલીફાલી છે કે મનુષ્યની જિંદગી ઘાણીના બળદિયા જેવી બની ગઇ છે. પયુંષણ કીચડમાં કમળ બનીને કેવી રીતે રહેવું એ શીખવે છે. આવો, આપણે આ પર્વની ઉપાસના કરીએ અને સંસારની વાસનાથી બચીએ.