ઘેલા સોમનાથ મંદિરની સામેની નાની ટેકરી પર બેઠો છું. ગોધુલી સમય છે. ગૌ ઘણનો ઘૂઘરીઓનો રણકાર મંદિરના ઘંટનાદ સાથે તાલ મિલાવી રહ્યો છે. સૂરજદાદા મેર બેઠા છે. આકાશે સપ્તરંગી રંગોળી રચાઇ છે. પિયુના સામીપ્યથી શરમાતી નવોઢાના ગાલે જાણે શરમ અને હરખના રંગો રેલાઇ રહ્યા છે. અષાઢી મેઘની અમી વર્ષાથી ભીંજાઇને ધરતીએ લીલાછમ શૃંગાર સજયા છે. ભીની માટીની મહેક આવનાર સમૃદ્ધિની શાખ પૂરે છે. મંદિરમાં આરતીનો ઘંટારવ બાજે છે અને હું ધ્યાનમાં સરી પડું છું.
અસ્તિત્વના કણેકણમાં ઓમ નમ:શિવાયનો દિવ્ય નાદ ગુંજી રહ્યો છે. હૃદયના આંતરપટ પર પ્રકટ થયું, ગૌરી શંકર શાશ્વત યુગલ! મીઠો આવકારો દઇને વિચાર કરું છું કે પ્રભુને કેવું આસન ધરું? શુભ સંકલ્પના આરસપહાણમાંથી કંડારેલા સિંહાસને બિરાજો, જગના તાત. આપનાં દર્શનથી ચિત્તના સહુ વિકારો થયા દૂર અને આંખોના ખૂણેથી ફૂટી નીકળ્યું આ સ્નેહ-નિર્ઝર. તેનાથી પખાળું છું, આપના ચરણકમળ. મારું મન તો હતું કાદવ કળણ. સત્સંગના સિંચનથી ખીલ્યાં તેમાં શતદલ સહસ્ત્ર. કરું સમર્પણ પ્રેમથી આ પુષ્પ અધ્ર્ય.
કરુણાના સુધારસથી છલકાયા છે, અંતરના કૂવા-પાતાળ. ધરું છું અમરતનું આચમન પ્રભો! તૂટયા છે, બંધ-પાળા રાગ-દ્વેષ અને નાત-જાતના, ને વહી આવી છે, અદ્વૈતની અલકનંદા! તત્વમસિના સંકલ્પનો કરું રુદ્રાભિષેક. આપ તો દિગંબર છો! ક્યા વસ્ત્રાલંકાર વડે પૂજન કરું? સૌજન્યનું વસ્ત્ર, શીલનું ઉપવસ્ત્ર અને ધરું ક્ષમાનું આભૂષણ! ઘસ્યું છે સેવાનું ચંદન અહંકારના ઓરસિયે, ને વળી તેમાં ભેળવી નમ્રતાની કેસર-કસ્તુરી. કરું મન-વચન-કર્મના સમર્પણનું ત્રિપૂંડ, હે ત્રિપુરારી! ખીલ્યાં છે, કેવાં મજાનાં ફૂલ મન-ઉપવનમાં! ખરી પડ્યા કાંટા બધા-નિંદા, ઇષ્ર્યા અને તિરકારના. પ્રેમની ડાળીએથી હળવેથી ચૂટયું છે આ શબ્દ-પુષ્પ, ધરવા તવ મસ્તકે!
સત્યમ્-શિવમ્-સુંદરમના સંકલ્પનું આ ત્રિદલ બિલ્વપત્ર સમર્પિત છે, પ્રભો! ખાખ થયા સહુ રાગ-દ્વેષ અને કલેશ-વિકાર, ભસ્મ થયો છું, ‘હું’! આતમ ભભૂતીનો ધરો શૃંગાર, મહાકાલ! સંયમના તાપે તપ્યા છે પંચકોષ, ને વહી આવી છે ત્યાગની સુગંધ. સ્વીકારો આ પંચાંગ ધૂપ ને કરો કૃતાર્થ. અંધકારને કોસવાથી શું વળે? કેળવી બસ આટલી સમજ, પેટાવ્યો એક નાનો શો દીપક અને ખોલ્યાં છે, અંતરનાં કમાડ. દશેય દિશાથી વહી આવ્યું છે, જ્ઞાનનું ઘોડાપૂર. જ્યાં દેખું, ત્યાં બસ તું હી તું! ધરું હું આતમ-દીપ. ચંદ્ર અને તારા જેનો આહાર છે, ભરથાર છે જે અન્નપૂણૉના, તેવા તમને શો નૈવેધ્ય ધરું? કર્યો છે એક નાનો સંકલ્પ. નિસર્ગના કમંડલમાંથી લઇશ જેટલું, સવાયું કરીને પાછું વાળીશ.
કૃતાર્થતાના મિષ્ટ-મોદકથી સજાવ્યો છે, નૈવેધ્ય થાળ! સત્યના શબ્દકોષમાંથી ચૂંટયા છે શબ્દો પ્રેમના, વાળ્યું બીડું મુખવાસ. રહે ના જગમાં ક્યાંય આર્ત સ્વર, પ્રગટે પ્રસન્નતાના દીપ સર્વત્ર, એ જ અમારી આરતી ભોળાનાથ! પ્રત્યેક શ્વાસ બને શિવ-સંકલ્પ અને યજ્ઞવેદી બને આ જીવન. આ અમારી છે, મંત્ર પુષ્પાંજલિ. પળે પળ અહેસાસ કરું કે સૃષ્ટિના કણેકણમાં વાસ તમારો. ‘સ્વયં’થી ‘વયમ્’ની પરકમ્મા કરું અહર્નિશ! ખોલ્યા’તા તેં તો પટારા અનંતના, પણ મારી ઝોળી તો નાની અને વળી સાવ જર્જરિત. ‘પુત્રો કુપુત્રો જાયતે, માતા કુમાતા ન ભવતિ’ કહીને છટકીશ નહીં. હું બનશે તેટલો ઉધ્યમ કરીશ, ઉજાળવા તવ નામ! બસ આટલો આ નાનો સંકલ્પ કરું શિવાર્પણ!
સજ્યું છે જેણે આ સકળ વિશ્વ, તેવા મહાદેવ તો શુદ્ધ જળ, ફૂલ કે બીલીપત્ર માત્રથી રાજી થાય, જો પૂજા ખરા અર્થમાં સમર્પણ બને. માનસી પૂજાની આ અનુભૂતિ પ્રસ્તુત છે! દરેકને પોતાનો આગવો ષોડશોપચાર પૂજાનો થાળ સજાવવાની છુટ છે.
આવો, શિવની પાવન આરાધના માત્ર શ્રાવણ માસ પૂરતી મર્યાદિત ન રાખતાં આખું વર્ષ શિવ આરાધના કરીએ અને થઇએ કૃતકૃત્ય!