Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Literature >> Navalika
 

નીલમ દોશી: શાબાશ બેટા!

 
Source: Shabash Beta, Nilam Doshi   |   Last Updated 3:09 AM [IST](13/12/2011)
 
 
 
 
 
શૈલાએ રિયાનું મન જીતવા અનેક પ્રયત્નો કર્યા, પણ રિયાના મનમાં પોતાની મમ્માનું સ્થાન અન્ય કોઇ લઇ શકે એમ નહોતું. આ વાત એના પપ્પા પણ સમજતાં હતાં. તેમ છતાં રિયા શૈલાનો સ્વીકાર કરે એ માટે શૈલાને ધીરજ રાખવાનું જણાવી રહ્યાં હતાં. અચાનક એક દિવસ રિયાએ શૈલાને સ્વીકારી લીધી. કેમ?

રિયા પિતાની એકલતા અને દુ:ખને સમજતી હતી. આથી જ તો એ પપ્પાને ક્યારેય ઉદાસ બેસવા દેતી નહોતી. બાપ-દીકરીના સ્નેહમાં ત્રીજા કોઇને સ્થાન નહોતું.

ઊંચે જતી ધૂમ્રસેરને મંથનભાઇ સજળ આંખે જોઇ રહ્યા. વહાલી પત્ની શિખાને આજે સ્વહસ્તે...! અચાનક અધવચ્ચે મૂકીને આમ જતા રહેવાનું? મંથનભાઇથી ડૂસકું મુકાઇ ગયું. મિત્રોનો સાંત્વનાભર્યો હાથ વાંસામાં ફરતાં એ શાંત થવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યા. તેર દિવસ તો સગાંસ્નેહીઓ અને મિત્રોએ સંભાળી લીધા. પુત્રીને પણ કોઇએ સંભાળી લીધી હતી. દસેક વર્ષની પુત્રી જ્યારે ‘પપ્પા’ કહીને પોતાને વળગી પડી ત્યારે એટલું સમજાયું કે પુત્રીને જાણ થઇ ગઇ છે કે મમ્મી હવે પાછી નહીં જ આવે. મરનાર પાછું નથી આવતું, એટલું સમજી શકે એવડી તો પુત્રી હતી જ.

કેલેન્ડરના પાનાં ફાટતા રહ્યા. ‘પપ્પા... બાય...’ કહેતી પુત્રી હવે સ્કૂલે જતાં પહેલાં સૂચનો આપતી થઇ. ‘પપ્પા, ઓફિસમાં બહુ ચા ન પીતાં અને સાંજે વહેલા આવી જજો.’ રોજ સાંજે બાપ-દીકરી વહાલના દરિયામાં ભીંજાતા રહે. બેમાંથી કોઇ શિખાનું નામ ન લે, પરંતુ દરેક વાતમાં શિખાની હાજરી અચૂકપણે હોય જ. રિયા ‘મમ્મી’ એવું બોલે નહીં, પણ મમ્મી વિનાની તેની કોઇ વાત ન હોય. રિયા સમજણી થઇ ગઇ હતી.

કદાચ મા વિનાની દીકરીઓ વહેલી જ સમજણી થઇ જતી હશે! એની ચંચળતાએ ગંભીરતાનું, નાદાનીએ સમજણનું સ્થાન લીધું હતું. તેનું દરેક વર્તન તે વાતની સાક્ષી પૂરાવતું હતું. પપ્પાને એકલા, ઉદાસ બેઠેલા જોઇ રિયા લેસન પડતું મૂકી ‘પપ્પા, મારી સાથે રમો ને...’ વહાલસોયી દીકરીને ના કહેવાનું પપ્પાનું ગજું કેટલું?સમય પંખી બની ઊડતો રહ્યો. કોલેજમાં આવેલી રિયા પપ્પાની ઉદાસ પળોની સાથીદાર હતી. બાપ-દીકરી એકબીજાની વણકહી વાતો સાંભળી કે સમજી શકતા.

દર શનિવારે રિયા તૈયાર રહેતી. પપ્પા આવે ત્યારે બંને દરિયે જતાં. આજે પણ પપ્પા આવ્યા, પરંતુ એકલા નહીં, સાથે કોઇ આન્ટી હતાં. ‘રિયા, આ શૈલાઆન્ટી છે. મારી ઓફિસમાં કામ કરે છે.’ ‘નમસ્તે આન્ટી...’ ત્રણે જણા દરિયે ગયા. વાતો તો મોટા ભાગે બાપ-દીકરીએ જ કરી. શૈલા વચ્ચે બે-ચાર શબ્દો બોલી. રિયા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ રિયાએ ઉત્સાહ દાખવ્યો નહીં. તેનો અણગમો સમજી ગયેલી શૈલા મૌન જ રહી.

પછી શૈલાઆન્ટી અવારનવાર આવતાં થયાં. ક્યારેક રિયાની હાજરીમાં, તો ક્યારેક ગેરહાજરીમાં. અવ્યવસ્થિત રહેતું ઘર વ્યવસ્થિત રહેવા લાગ્યું, પરંતુ રિયાનો અણગમો વધતો ચાલ્યો. આન્ટી મમ્માના રૂમમાં જાય તે તેને ન ગમતું. એ રૂમ પર તો તેનો ને પપ્પાનો જ અધિકાર. ત્યાં કોઇ દાખલ કેમ થઇ શકે? તેને હતું કે આન્ટીને તે રૂમમાં જવાની પપ્પા જ ના પાડી દેશે. પણ પપ્પા તો...! ‘બેટા, આન્ટી આવે છે તો સારંુ લાગે છે ને? તેની હાજરી ઘરને જીવંત બનાવી દે છે...!’‘નહીં... પપ્પા... મને તો... મમ્મી ન હોવા છતાં આજ સુધી એ હંમેશ આપણી વચ્ચે રહેતી.

આજે મને એ કેમ અર્દશ્ય થતી લાગે છે...?’ રિયા મૌન જ રહી. પપ્પાને દુ:ખ થાય તેવું કશું બોલવાની તેને ઇચ્છા ન થઇ. તેની નજર, તેનો અણગમો પારખવા છતાં પપ્પા જાણે અજાણ્યા બની રહ્યા કે પછી તે તરફ બેદરકાર? શૈલાઆન્ટી આવતાં-જતાં રહ્યાં. રિયાનું દિલ જીતવાના તેમના પ્રયત્નો સમજી ન શકે તેવી અબુધ તે નહોતી. ક્યારેક એકાંતમાં મમ્મીને ફરિયાદ કરતી રિયાની આંખો છલકી જતી.

સાત-સાત વર્ષો સુધી પુત્રીના દિલના અનર્ગળ વહેતા સ્નેહના ઝરણાએ પપ્પાની એકલતાના ઝુરાપાને સહ્ય બનાવ્યો હતો, તો પુત્રી કોઇ ક્ષણે પ્રેમથી વંચિત ન રહે તેનો ખ્યાલ પપ્પાએ રાખ્યો હતો. બાપ-દીકરીના વહાલના વારિથી ભીંજાતી શિખા ફોટામાં મલકતી રહેતી. આ સમીકરણ બદલાતું હતું કે શું? પોતાના ત્રણ વચ્ચે ચોથા કોઇનો અનાધિકાર પ્રવેશ રિયા સહન કરી શકે તેમ નહોતી. પપ્પા હસતા રહે એનાથી મોટી ખુશી રિયા માટે હોઇ જ ન શકે. રિયા એ માટે પ્રયત્નશીલ હતી. પપ્પાને દુનિયામાં ફરીથી રસ લેતા તેણે જ કર્યા હતા.

છતાં... એ શૈલાઆન્ટી સાથે હસીને વાતો કરે, આવકારે, શૈલાઆન્ટી મમ્માનો રૂમ સાફ કરે, આ બધું રિયાથી સહન ન થતું. એને કહેવાનું મન થતું, ‘આન્ટી, મમ્માનો રૂમ કાયમ હું જ વ્યવસ્થિત કરંુ છું. એ કામ મારું કે પપ્પાનું છે. ત્રીજા કોઇનું, પારકાનું નહીં.’ પણ શબ્દો બહાર નીકળતા નહીં અને તે અકળાતી રહેતી. પપ્પાના સ્નેહમાં ફરક પડ્યો નહોતો. ઉલટું ગુનાહિત લાગણી અનુભવતા હોય તેમ નાની નાની વાતો રિયાને પૂછ્યા કરતાં અને છતાં આન્ટી આવે ત્યારે પપ્પાની આંખમાં પ્રગટતી ચમકથી તે અજાણ નહોતી.

રિયાને ક્યારેક અણગમો... ક્યારેક દુ:ખ કે ગુસ્સો આવતાં. તેની નારાજગી તેના વર્તનમાં વ્યક્ત થતી. પપ્પા શું આ અણગમો... નારાજગી પારખી શકતા નહોતા? અને છતાં? બસ... આ વાત પર રિયા અકળાતી રહેતી. પોતાના અણગમાને પણ પપ્પાએ આન્ટી માટે નજરઅંદાજ કર્યો? તેનું સૂક્ષ્મ અભિમાન ઘવાતું... શૈલાઆન્ટી રિયાની નાની-નાની વાતોનો ખ્યાલ રાખવા મથતાં, પણ રિયા અળગી જ રહેતી. એને વધારે ગુસ્સો આવતો. ‘જાણે હું કશું સમજતી ન હોઉં! હું નાની નથી.

આ ઘરમાં મમ્માનું સ્થાન કોઇ નહીં લઇ શકે. તમે પણ નહીં...’ મૌન રિયાની આંખો બોલતી રહેતી. તે પપ્પા સામે જોતી. પપ્પાની આંખોમાં વિષાદની લહેર ફરી વળતી. રિયાને એમાં મમ્માની અવહેલના જ દેખાતી. ઉપરથી બધું સામાન્ય લાગતું હતું, પણ એક તણાવ બધાં મહેસૂસ કરી રહ્યાં હતાં.

અને એક દિવસ... ‘શૈલા... રિયા મનથી તારો સ્વીકાર ન કરી શકે ત્યાં સુધી હું મજબૂર છું. એ માને છે કે હું તેની મમ્મીનો દ્રોહ કરી રહ્યો છું. પુરુષની એકલતા તે ન સમજી શકે તે સ્વાભાવિક છે. મારું મન તને આવકારે છે. તારામાં હું મારી ખોવાયેલી શિખા પામી શક્યો છું, પણ રિયાના સ્વીકાર વિના... હું જાણું છું તેં રિયાનું દિલ જીતવાના ઘણા પ્રયત્નો કર્યા છે. ફરિયાદનો એક શબ્દ ઉચ્ચાર્યા સિવાય તું અપાર ધૈર્ય રાખી શકી છે. પણ...’ બોલતાં મંથનભાઇનો અવાજ ગળગળો થઇ ગયો. જવાબમાં શૈલા ફકત તેમની છાતી પર માથું મૂકી...!

તે જ ક્ષણે કોલેજથી આવી ચડેલી રિયાની નજરે આ ર્દશ્ય...! તે પાછી ફરવા જતી હતી. ત્યાં શૈલાઆન્ટીના શબ્દો કાને પડ્યા, ‘મંથન, તમે ચિંતા ન કરો. મારામાં ધીરજ છે. હું રિયાની તેના ઘેર જવાની રાહ જોઇશ.’ રિયાની આંખો છલકાઇ આવી. તેની નજર સમક્ષ વારંવાર એ ર્દશ્ય તરવરતું હતું... પપ્પા આવું કરી જ કેમ શકે? પપ્પાને છોડીને તે શા માટે જાય? પપ્પા પર તેને ગુસ્સો આવતો હતો. આ બધાનું મૂળ તે જ તો હતા... છે!

આજે વેલેન્ટાઇન ડે હતો. કોલેજમાં સૌ રોમાંચના પૂરમાં તણાતાં હતાં. રિયાની દુનિયામાં પપ્પા સિવાય કોઇ પુરુષનું સ્થાન નહોતું. તેની દુનિયા પપ્પા અને અર્દશ્ય રીતે દેખાતી મમ્મી... એટલામાં સીમિત હતી. બીજો કોઇ વિચાર તેના મનને સ્પશ્ર્યો નહોતો. ત્યાં ઉમંગ આવ્યો. તેના જ કલાસનો છોકરો. તેણે ગુલાબ અને એક કાર્ડ રિયાને આપ્યા, ‘રિયા... આઇ લવ યુ...’ રિયાએ ચૂપચાપ એક દ્રષ્ટિ ઉમંગ પર નાખી. કંઇક અસમંજસમાં તે આસ્તેથી ત્યાંથી સરકી રહી.

ઉમંગના શબ્દો સર્યા, ‘આઇ વિલ વેઇટ ફોર યોર આન્સર...’ રિયાએ પાછળ ફરીને જોયું-ન જોયું અને પગ ઉપાડ્યા. તેની દ્રષ્ટિ આગળ કશુંક ઉઘડતું જતું હતું કે શું? ન સમજાતા અર્થો આજે સ્પષ્ટ થતા જતા હતા. ઘેર ગઇ ત્યારે શૈલાઆન્ટી તેની રાહ જોઇ રહ્યાં હતાં. રિયા તેમની સામે જોઇ રહી. આન્ટીને તેની નજર બદલાયેલી લાગી, પણ તે કશું બોલ્યાં નહીં.

રિયાની બહેનપણીના લગ્ન થયાં. વિદાય સમયે બહેનપણી તેના પપ્પાને વળગીને રડતી હતી, ‘પપ્પા, તમારું ધ્યાન રાખજો... તમે એકલા થઇ ગયા...’ ગોરંભાયેલું આસમાન એકાએક સ્વચ્છ બની ગયું. રાત્રે પપ્પાનો હાથ પકડી રિયા બોલી, ‘પપ્પા, મને પણ શૈલાઆન્ટી ગમે છે...’ બાપે વહાલથી પુત્રી સામે જોયું. બંનેનું ધ્યાન ત્યાં રહેલા શિખાના ફોટા પર ગયું. રિયાના કાનમાં જાણે મમ્માના શબ્દો પડઘાયાં, ‘શાબાશ બેટા...’
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 7


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.