નિહારિકાને હતું કે ઓફિસ ઘરે લાવ્યા પછી મહેશનો સાથ મળશે, પણ તેનાથી સાવ વિપરીત સ્થિતિ સર્જાઇ. ત્યારે એણે શું કર્યું?
નિહારિકાએ હીંચકા પરથી ઊઠી અંદરના બેઠકખંડની વોલકલોક પર નજર કરી. હજુ સવા આઠ થયા હતા, ‘બીજો પોણો કલાક નક્કી.’ તેણે મનોમન ગણતરી મૂકી. ફરી પાછી આવી હીંચકે બેઠી. ઘડી પછી સૂÍયું. ‘લાવ, ટેબલ સેટ કરી દઉં.’ આજ તો મહેશની માનીતી કોફતા કરી છે. પરોઠા તો આવશે એટલે ગરમ જ ઉતારીશ. તેણે હાથમાં ચપ્પુ લઇ થોડું સલાડ સમાર્યું.
ટેબલ પર પ્લેટ, બાઉલ, ગ્લાસ, ચમચા, નેપ્કિન બધું જ ગોઠવી દીધું. મહેશને આમ જ બધું ‘સીસ્ટમેટિક’ ગમતું હશે ને? નવ વાગ્યે તે બહાર આવી વરંડામાં ઊભી રહી. થોડી વારમાં રોડ પરથી ગાડી તેમના ઝાંપા તરફ વળી. તે સાથે જ તેનું રોમરોમ પુલકિત થઇ ઊઠ્યું. ને થાય જ ને! સવારે નવ વાગ્યે ઘરેથી નીકળેલા પતિમહાશય પૂરા બાર કલાક પછી પાછા આવતા હતા.
કિચનમાં આવી નિહારિકાએ ફટાફટ મહેશ માટે ગરમ પરોઠાં ઉતારી પ્લેટ પીરસી દીધી. વિશાળ હોલમાં સામે દેખાતો ટીવી મહેશે રીમોટ લઇ ચાલુ કર્યો. મોઢામાં કોળિયો ને નજર ટીવી સામે, નિહારિકા જોઇ રહી. આટલું સરસ અને ભાવતું શાક પણ પ્રશંસાનો એક હરફ સુદ્ધાં નહીં! તેણે પણ મૂંગે મોઢે જમવા માંડ્યું. જમીને મુખવાસ ધરતાં તેણે મનોમન વાત ગોઠવી રાખી હતી, તેમ શરૂ કરી - ‘હવે છોકરાઓ મોટા થઇ ગયા, પાંખો આવી ગઇ એમને. સાહિર બેંગ્લોર ને ઋચા અમેરિકા, એટલે આ મહિનાથી હું ઘરઘાટી છુટો કરી, છુટક જ નોકર રાખવાની છું. ઘરમાં એકલા કામ વગર ‘બોર’ થવાય છે.’
‘હં....’ નજર ટીવી સામે રાખી મહેશે હુંકાર કર્યો, ‘આપણો ‘સર્વન્ટ ક્વાર્ટર’ સાવ ખાલી રહેશે. તમે તમારી ઓફિસથી કોમ્પ્યૂટર, ફેકસ મશીન બધું ત્યાં ગોઠવી દો, તો તમારે મોડે સુધી ઓફિસ રોકાવું ન પડે. મને લાગે છે આમ તમારે સારું પડશે.’ મનોમન તે વિચારી રહી. આ બહાને ઘરે તો વહેલા પધારશે! મહેશ ઘડીક વિચારમાં પડ્યો. પછી કહે, ‘ચાલ ત્યારે, હું દીનુકાકાને કહી કોમ્પ્યૂટર બધું જરૂરી અહીં મંગાવી લઇશ. થોડી અગત્યની ફાઇલ પણ રાખીશ. તું રૂમ સાફ કરાવી દેજે.’
નિહારિકાના હૈયે હાશ થઇ. ૩૦ તારીખે નોકર છુટો થતાં જ તેણે તે રૂમમાં સાફસૂફી કરાવી દીધી. પાછળની બારી ખોલી નાખી, ત્યાંથી સરસ ‘વ્યુ’ દેખાતો હતો. હવાઉજાસ રૂમમાં સરસ હતા.ઓફિસમાંથી દીનુભાઇ આવી ડેસ્ક, કોમ્પ્યૂટર, ફેકસ મશીન બધું જરૂરી ગોઠવી ગયા. તે દિવસે સાંજે નિહારિકા બહાર વરંડામાં બેઠી પતિની રાહ જોઇ રહી. બરાબર સાડા સાતે પતિમહાશયની કાર દેખાઇ કે તેનું મુખકમળ ખીલી ઊઠ્યું!
મહેશ જરા ફ્રેશ થયો કે નિહારિકાએ ખુશખુશાલ જમવાની તૈયારી કરી. ‘હાશ, આજ કેટલા વખતે શાંતિથી વહેલા જમ્યા.’ તેનું હૈયું આનંદથી થનગની રહ્યું. મહેશે ન્યૂઝ ચેનલ મૂકી સમાચાર જોયા. નવ વાગ્યા કે તેણે ઊભા થઇ આળસ મરડી. ‘ચાલ, જરા ઓફિસમાં ઇ-મેઇલ ચેક કરી લઉં.’ તેણે ઝડપભેર ‘સર્વન્ટ ક્વાર્ટર’ તરફ ડગ માંડ્યા કે નિહારિકાનું મુખ કટાણું થઇ ગયું. નિરાશ વદને તે પતિની પીઠને તાકી રહી.
રાત્રે અગિયાર થયા. થાકીને તે બેડરૂમમાં ઝોકે ચડી. આ એકાંત તેને ભરખી ખાતું હતું. જુવાનીમાં કરેલો આર્થિક સંઘર્ષ, શિક્ષિકાની નોકરી, બાળઉછેરની જવાબદારી... એ બધામાં પતિનો સહવાસ માણવાની ક્યાં ફુરસદ જ હતી? જોકે સાવ એવું તો નહોતું જ! તે વિચારી રહી. નાનકડા એ ફ્લેટમાં એક આત્મીયતાનો, સ્નેહનો તંતુ જરૂર હતો. રવિવારે સાંજે બધાં સાથે હોટલમાં જમવા જતાં ને વેકેશનમાં કોઇ નાનકડી ટૂર તો ખરી જ! સતત બજેટ પર નજર રાખી પ્રોગ્રામો થતાં ને તોય કેટલો આનંદ હતો! ઘર બાળકોની કિલકારીઓ, પતિની ઘાંટાઘાંટથી ગુંજતું હતું ને હવે તો સાવ ભેંકાર! મહેશ પણ સાવ મુંજી થઇ ગયો હતો.
તેનું મન હંમેશાં બિઝનેસ તરફ દોડતું. પૈસો એની કમજોરી હતી. ધનની એક વણછીપી પ્યાસથી તે સદાય બેચેન રહેતો. નોકરીના બાંધ્યા પગારમાં તેને રસ નહોતો ને છેવટે તે મનમાની કરીને જ ઝંપ્યો. સવારે ૧૦ થી ૭ના એ સુંવાળા દિવસો પૂરા થયા ને સ્વબિઝનેસના ઉજાગરા શરૂ! સમૃદ્ધિ વધતી ગઇ. આધુનિક બંગલો, પોર્ચમાં હોન્ડા સીટી કાર, વિદેશની બિઝનેસ ટુર, ભવ્ય ખરીદીઓ, પરંતુ કુટુંબની એ નિકટતા ક્યાં રહી હતી?
નિહારિકા તેના રેશમી સુંવાળા ઓશિકા પર ધીરે ધીરે હાથ ફેરવી રહી, જાણે વીતેલા એ ભૂતકાળને પંપાળી રહી હોય! રાત્રે સાડા અગિયારે મહેશે બાજુમાં આવી પલંગ પર લંબાવ્યું, ત્યારે નજીકમાં જ સૂતેલી પત્ની જોજનો દૂર હતી.હવે આ તેનો નિત્યક્રમ થઇ ગયો. ‘આ ઘરમાં ઓફિસ લાવીને મેં બહુ મોટી ભૂલ કરી છે...’ મનોમન તે પસ્તાઇ રહી. પહેલાં ભલે તે નવ વાગ્યે આવતાં, પરંતુ સાથે બેસી ટીવી તો જોઇ શકતા. પતિ સાંનિધ્યની એ સુખદ પળો તે મનોમન વાગોળી રહી.
છ મહિના થયા કે નિહારિકાએ એક રાત્રે ધીરેથી મમરો મૂક્યો, ‘આપણો કાનજી ઘરકામ બહુ સરસ કરે છે. ઉપર-નીચેના બધા રૂમ ચોખ્ખાચણાક રાખે છે, પણ હવે તેની વહુને સુવાવડ આવવાની છે. ડોક્ટરની ટ્રીટમેન્ટ લેવી જોઇએ એમ મેં તેને સમજાવ્યું, એટલે એ વહુને ગામડેથી બોલાવી આપણા સર્વgન્ટ ક્વાર્ટરમાં રહેવા માગે છે. તમે દીનુકાકાને કહી આ કોમ્પ્યૂટર, ફેકસ મશીન બધું જ ઓફિસમાં ‘શિફ્ટ’ કરાવી દેજો. શું થાય? આજકાલ આવા વિશ્વાસુ, સારા નોકરો ક્યાં મળે છે? આજુબાજુમાં કેટલી ચોરીઓ...’ ‘બસ, બસ, બસ હું બધું સમજી ગયો.’ મહેશે ઘુરકાટ કર્યો.
અઠવાડિયા પછી રાત્રે નવ વાગ્યે પતિ સાથે બેસી ટીવી જોતાં નિહારિકા વિચારી રહી, ઓફિસ ઓફિસના ઠેકાણે જ ઠીક હતી. ઘરમાં તો લેપટોપ પણ ન જોઇએ ને હવે તો ટૂંક સમયમાં ‘સર્વન્ટ ક્વાર્ટર’નો ક્લબલાટ તેના શુષ્ક જીવનને આનંદ-ઉલ્લાસથી ભરી દેશે. હું કાનજીના છોકરાને રમાડીશ, ભણાવીશ. સાક્ષરતાના શ્રીગણેશ મારા ઘરથી જ શરૂ! ઊભા થઇ તેણે બારી ખોલી કે ઠંડી હવાની લહેરખી રૂમમાં ફરી વળી. આંખો મીંચી તે ભવિષ્યની મીઠી કલ્પનામાં ડૂબી ગઇ.