શાસ્ત્રોની દ્રષ્ટિએ અતિ અશુભ અને વિવાદાસ્પદ પરંતુ અમારી દ્રષ્ટિએ માનવીને ચડતી પડતી અને સંઘર્ષ બાદ ભારે નામના-પદ-પૈસો આપનારો આમ છતાં જયોતિષીઓનો કમાઉ દીકરો એટલે કે કાલસર્પ યોગ. બૃહદ સંહિતા-સારાવલી અને ચમત્કાર ચિંતામણિમાં કાલસર્પ યોગની ચર્ચા ઊંડાણથી કરેલી છે. શાસ્ત્રોકત દ્રષ્ટિએ જ્યારે જન્મકુંડળીમાં રાહુ-કેતુ વચ્ચે તમામ ગ્રહો આવી જાય ત્યારે કાલસર્પ યોગનું સર્જન થાય છે. શાસ્ત્રોકત દ્રષ્ટિએ આવો યોગ ધરાવનાર વ્યક્તિ જીવનમાં કષ્ટ, પીડા અને સંઘર્ષનો સામનો કરે છે અને સંસારમાંથી તેનું મન ઊઠી જાય છે.
કાલસર્પ યોગની અશુભ અસરોમાંથી મુક્તિ મેળવવા આપણા ઋષિમુનિઓએ સર્પપૂજા શ્રેષ્ઠ ગણી છે અને સર્પની પૂજા માટે નાગપંચમીથી વધુ શ્રેષ્ઠ દિવસ કયો હોઇ શકે? ગરુડ પુરાણ અનુસાર નાગદેવતાની પૂજા કરવાથી પુત્ર પ્રાપ્તિ-વંશવૃદ્ધિ અને ઘરની સુરક્ષા જળવાય છે. નાગપંચમીના દિવસે નાગદેવતાનાં બાર સ્વરૂપોની પૂજા કરવાથી રાહુ-કેતુના શાપમાંથી મુક્તિ મળે છે અને જે જાતકોની કુંડળીમાં કાલસર્પ યોગ હોય તેવા જાતકોએ નીચે જણાવ્યા પ્રમાણે નાગપંચમીના દિવસે વિધિ કરવી.
નાગપંચમીના દિવસે સોના અગર ચાંદી અગર લોટમાંથી નાગની આકૃતિ બનાવી કળશ પર સ્થાપિત કરવી. સ્થાપના બાદ નાગદેવતાને સુગંધિત દ્રવ્યો અને દૂધ અર્પણ કરવાં. દીવો ધૂપ પ્રગટાવી સર્પ સૂકતમના પાઠ કરવા. ઉપરોકત વિધિ નાગપંચમી બાદ બાકીના શ્રાવણ માસના તમામ દિવસોએ કરવી. ખાસ કરીને દરેક મહિનાના અશ્વિની-અનુરાધા-ઉ.ષા.-શ્રવણ-ધનિષ્ઠા-શતભિષા અને રેવતી નક્ષત્રોમાં કરવાથી કાલસર્પ યોગનો નાશ થાય છે અને અસંખ્ય લાભ મળે છે. કાલસર્પ યોગના નિવારણ માટે અન્ય ઉપાય નીચે પ્રમાણે છે કરવાથી જાતકને કાલસર્પ યોગમાંથી મુક્તિ મળે છે.
- શ્રાવણ માસ દરમિયાન લઘુરુદ્રીના અગિયાર પાઠ નિયમિત કરવા.
- ઓમ્ નમ: શિવાયની અગિયાર માળા રોજ શિવલિંગ પર બીલીપત્ર ચડાવી કરવી.
- રાહુ કવચ અને રાહુ સ્ત્રોતના પાઠ કરવા.
- સિદ્ધ નવ નાગયંત્ર ગળામાં ધારણ કરી નીચેના મંત્રની નિયમિત એક માળા કરવી.
ઓમ નમોસ્તુ સર્પેભ્યો યે કે ચ પૃથ્વીમનુ યે અંતરિક્ષ્યે યો દિવિતેભ્ય સર્પેભ્યો નમહ સ્વાહા
ભગવાન આશુતોષને મહાકાલ કહે છે કે શિવ સ્વયં કાળ છે. શિવ ભગવાને મૃત્યુને પોતાને આધીન કરેલું છે એટલે તેમને મૃત્યુંજય કહ્યા છે. શ્રવાણ માસમાં મહામૃત્યુંજયના જાપ નિયમિત કરવાથી કાલસર્પની અશુભ અસરોમાંથી મુક્તિ મળે છે. અહીં એક બીજો મંત્ર મૂક્યો છે કે જે ઝડપી અને અકસીર અસરો બતાવે છે.
કાલસર્પ યોગની અશુભ અસરોમાંથી મુક્તિ મેળવવા ઋષિમુનિઓએ સર્પપૂજા શ્રેષ્ઠ ગણી છે. નાગપંચમીના દિવસે નાગદેવતાનાં બાર સ્વરૂપોની પૂજા કરવાથી રાહુ-કેતુના શાપમાંથી મુક્તિ મળે છે