એક વાર સુતરાઉ કાપડ તૈયાર થઈ જાય પછી તેના પર ફિનિશિંગની પ્રક્રિયા કરવામાં આવે છે. આ પ્રક્રિયાને સ્ટાર્ચ પ્રોસેસિંગ કહેવાય. આ માટે સૌ પ્રથમ તો તૈયાર થયેલા સુતરાઉ કાપડને સ્ટાર્ચવાળું કરવામાં આવે છે. એ વખતે કાપડ ઢીલું અને જાડું હોય છે. તેથી આ કાપડને કડક અને પાતળું બનાવવા માટે તેને રોલર્સ એટલે કે નળાકાર વચ્ચેથી દબાણપૂર્વક પસાર કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા કેલેન્ડર નામના મશીનનો ઉપયોગ કરીને થાય છે. પ્રક્રિયા દરમિયાન રોલર્સના સખત દબાણને લીધે કાપડ વિસ્તરે છે. એટલ કે કાપડની લંબાઈ અને પહોળાઈમાં વધારો થાય છે. કેલેન્ડરની પ્રક્રિયામાંથી પસાર થઈને કાપડ બહાર આવે એટલે આકર્ષક અને નવું લાગે, પણ તેને ધોવામાં આવે એટલે તેનો સ્ટાર્ચ નીકળી જાય છે. આમ, કાપડ ચડતું જાય છે.
પાત્ર મુજબના વિવિધ જુતાં
પ્રાચીન ગ્રીસમાં નાટ્ય કલાકારો જે તે પાત્ર મુજબના જુતાં પહેરતા. જેમકે, કરુણ ભૂમિકા ભજવનારનાં જુતાંની એડી ખૂબ ઊંચી રહેતી. એ જુતાં ‘ક્રોધનુંસ’ નામથી ઓળખાતા. એ જ પ્રમાણે હાસ્ય કલાકારોના જુતાંનાં તળિયાં સપાટ રહેતાં. આ પ્રકારના જુતાંને ‘સોકસ’ કહેવાતાં. હાલમાં અંગ્રેજીમાં વપરાતો શબ્દ ‘સોકસ’ આ શબ્દ ઉપરથી જ આવ્યો છે. એક નવાઈ પમાડે એવી વાત તો એ છે કે યુરોપના ઘણા ખરા દેશોના કારીગરો ડાબા અને જમણા પગનાં જુતાંમાં કશો જ ફરક રાખતા નહીં. એ જમાનાની વાત કરીએ તો ચામડાની થેલી જેવા એ જુતાં કોઈ પણ પગે પહેરી શકાતા.
પાંચસો કરતાં પણ વધુ ભાષા બોલતો દેશ
ભૂતકાળમાં અંધારીયા ખંડ તરીકે ઓળખાતા આફ્રિકા ખંડની પશ્ચિમ કાંઠે નાનકડો દેશ નાઈજિરિયા આવેલો છે. ખનિજતેલના ભંડારોથી સમૃદ્ધ આ દેશ અઢળક ભાષાઓથી પણ એટલો જ સમૃદ્ધ છે. અનેક પ્રજાઓનું વતન હોવાનું બહુમાન પણ ધરાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે અહીં પાંચસો કરતાં પણ વધુ ભાષા બોલાય છે. જોકે, અહીંની અધિકૃત ભાષા ‘અંગ્રેજી’ છે. દરેકની વિશિષ્ટ પરંપરા અને આગવી જીવનશૈલી છે.